દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યોમાં
← રાજાઓ અને આજનો પ્રસંગ | દેશી રાજ્યોનો પ્રશ્ન દેશી રાજ્યોમાં મોહનદાસ કરમચંદ ગાંધી |
દેશી રાજ્યો અને મહાસભા → |
દેશી રાજ્યોમાં
પ્ર૦ — દેશી રાજ્યોમાં મહાસભાના સભ્ય ન બનાવાય ?
ઉ૦ — આ પ્રશ્ન વારંવાર પુછાય છે. મેં તો શરૂઆતથી જ અભિપ્રાય આપ્યો છે કે દેશી રાજ્યોમાં મહાસભાના સભ્ય બનાવવા એ દરેક રીતે અનુચિત છે. એમ કરતાં ઘર્ષણ થવાનો સંભવ રહે છે, અને સંતોષકારક સંગઠન પણ નથી થવા પામતું. દેશી રાજ્યોના જે માણસો મહાસભાના સભ્ય થવા માગતા હોય તે બ્રિટિશ હિંદમાંની પોતાની નજીકની મહાસભા સમિતિના સભ્ય બને. સારું તો એ છે કે દેશી રાજ્યોવાળા પોતપોતાનાં રાજ્યોમાં જ બની શકે એટલું કામ કરે. એ કામ તો મોટે ભાગે રચનાત્મક જ હોઈ શકે. તેની જ મારફતે સાચી જાગૃતિ ને દેશદાઝ પેદા થઇ શકે. મહાસભાના સભ્ય થવાને બદલે મહાસભાની વૃત્તિવાળા, મહાસભાની ભાવનાવાળા બનવાથી વધારે અને સાચું કામ થઈ શકે છે, એવો મારો મત છે.
પ્ર૦ — દેશી રાજ્યોમાં મહાસભાના સભ્ય બનાવાય તો ચરખા સંઘ અથવા પ્રજામંડળના કાર્યકર્તા એ કામ ન કરે ? કે એ કામમાં સહકાર પણ ન આપે?
ઉ૦ — બંને સંસ્થાઓ પોતપોતાના ક્ષેત્રની બહાર ન જાય. ચરખા સંઘને તો મનાઈ છે જ. ચરખા સંઘ એ મહાસભાની કૃતિ છે ખરો, પણ તેને રાજ્યપ્રકરણની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એ પારમાર્થિક અને આર્થિક સંસ્થા છે. એવી સંસ્થાની મારફત બે કામ ન લઈ શકાય. પ્રજામંડળને માટે નોખી નીતિ છે, પરિણામ એક જ છે. પ્રજામંડળો મુસીબતોનો સામનો કરીને પોતાનું કામ કરે છે. તેના પર મહાસભાના સભ્ય બનાવવોનો બોજો લાદવામાં હું ભારે જોખમ જોઉં છું. જો સભ્ય ન બનાવી શકાય તો સહકાર કેમ આપી શકાય ? સહકારનો અર્થ માનસિક સહાનુભૂતિ હોય તો તો તે મળશે જ. ત્રણે સંસ્થાઓના કાર્યક્ષેત્ર અંકાયેલાં છે. પોતપોતાના સાચા કામથી જ તેઓ એકબીજાને મદદ આપી શકે. એમ કરવું છે પણ સ્વાભાવિક. એક ભાવના ત્રણેને પ્રેરી રહી છે. મહાસભા રાજ્યપ્રકરણમાં સફળ થાય તો ચરખા સંઘને અને પ્રજામંડળોને એ સફળતાથી લાભ થયા વિના નહીં રહે. એ રીતે ચરખાસંઘની સફળતાથી મહાસભાની સેવા થાય જ છે. એક પણ પ્રજામંડળ તેના કામમાં સફળ થાય તો તેટલે અંશે મહાસભાને અવશ્ય બળ મળશે. પણ જો તે પોતાના ક્ષેત્રથી બહાર જાય તો નુકસાન થવાનો સાંભવ છે.
- સેવાગ્રામ, ૯–૯-૪૦
- હરિજનબંધુ, ૧૪-૯-૧૯૪૦