દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજાઓ અને આજનો પ્રસંગ

વિકિસ્રોતમાંથી
← રાજાઓ દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાઓ અને આજનો પ્રસંગ
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્યોમાં →






૮૯
રાજાઓ અને આજનો પ્રસંગ

કેટલાક ભાઈઓ દેશી રાજ્યોમાંથી આવ્યા હતા. તેમણે દેશી રાજ્યોમાં પ્રવર્તતી સ્થિતિનો — પ્રજામાં વ્યાપેલું ભયભીતપણું, અરક્ષિતતા અને ઝઝૂમી રહેલી અરાજકતા એ બધાનો — ભીષણ ચિતાર આપ્યો અને પૂછ્યું, “રાજાઓ શું કરે?”

ગાંધીજીના ઉત્તરનો સારાંશ આ હતો “તેમણે રાજા મટીને પ્રજાના સેવક બનવું જોઈએ.” એ જ વાતનો વિસ્તાર તેમણે પછીના સંવાદમાં કર્યો :

“રાજાઓએ તેમનાં ઊંચાં સિંહાસન પરથી ઊતરવું પડશે અને લોકોનો સહકાર મેળવવો પડશે. તેઓ એમ કરે તો અંધાધૂંધી કરનારાં બળોને દબાવી દેવાને તેમને પશુબળનો ઉપયોગ કરવાની જરૂર ન રહે. મહાસભા રાજાઓનો નાશ કરવા નથી માગતી, એટલે રાજાઓ પોતાનાં શાંતિ ને સંતોષ ફેલાવવામાં મહાસભાનો સહકાર માગી શકે છે.

“તેમણે પ્રજાના સાચા સેવક બનવું પડશે. એમ કરે તો એમનો નાશ કરવાનો વિચાર કોઈ ન કરે. તેઓ જો સેવક હોય ને પ્રજા શેઠ હોય તો શેઠ સેવકનો નાશ શા સારુ કરે? તમે કહો છો કે કેટલાક નાના રાજાઓ એવા છે જે મહાસભાની સાથે સમાધાની કરવા આતુર છે. એમ હોય તો જે વસ્તુ અતિ આવશ્યક અને ધરમૂળની છે તે કરવામાં તેમને શી રોકાણ થાય છે ?”

પેલા ભાઈઓ કહે : “તેઓ તો અમુક વસ્તુઓ કરવા માગે છે, પણ તેમને એક બાજુથી ચક્રવર્તી સત્તાનો ડર ને બીજી બાજુથી પોતાની પ્રજાનો ડર છે. એમનાં મનમાં કાંઈક એવો ડર પેસી ગયો છે કે લોકો એમના પર જૂનાં વેર વાળ્યા વિના નહિ રહે.”

“એમના બંને ડર પાયા વિનાના છે. તેઓ જો ન્યાયથી વર્તે તો લોકો જૂનાં વેર વાળવા માગે એ મારા માન્યામાં આવતું જ નથી. આપણા લોકો કીનાખોર સ્વભાવના નથી. ઔંધના રાજાને તેમના રાજ્યમાં બળવો થવાની બીક છે ખરી કે? નથી, કેમકે રાજાએ પોતાની લગભગ બધી સત્તા છોડી દીધી છે એમ જાણ્યા પછી લોકો કોની સામે બળવો કરવાના? બળવો કરવા માગે જ તો રાજા તેમને કહી શકે છે કે, ‘આવો, ને મારા મહેલનો કબજો લઈ લો; હું તો ગરીબમાં ગરીબની ઝૂંપડીમાં જઈ ને સંતોષથી રહીશ.’ ઔંધના રાજાના દીકરા આપ્પાસાહેબ રાજ્યનો કોઈ નોકર નહીં ઉઠાવતો હોય એટલી જહેમત લોકોને સારુ ઉઠાવે છે.

“પણ ખરી વાત એ છે કે રાજાઓની દાનત સાફ છે એવી પ્રજાના મનની પાકી ખાતરી થવી જોઈએ. રાજાઓએ એ વસ્તુ કરવી આવશ્યક છે. એક તો એ કે તેઓ પોતાનાં જીવન વિશુદ્ધ કરે ને પોતાની રહેણી સાદામાં સાદી કરી નાંખે. તે પોતાના મોજશોખ પાછળ અઢળક ધન ખરચે છે તેનો તો કોઈ બચાવ જ નથી. હજારો પ્રજાજનોને એક ટંક પેટપૂર અન્ન ન મળતું હોય એવે વખતે પ્રજાના પૈસા મોજશોખ ને ભોગવિશ્વાસમાં વેડફી નાખતાં રાજાનો જીવ કેમ ચાલે છે એ હું સમજી જ નથી શકતો. મહિને બસો ત્રણસો રૂપિયા લઈને એમને કેમ સંતોષ ન થવો જોઈએ ? પણ મારા કહેવાનો મુદ્દો આ છે : પ્રજા જે આપે તે લઈને તેમણે સંતોષ માનવો જોઈએ. રાજાના ખાનગી ખરચના આંકડા પ્રજાના મતથી નક્કી થવા જોઈએ, અને રાજા પોતાને માટે કેટલા પૈસા લે તે કહેવાનો પૂરેપૂરો હક પ્રજાને જ્યાં સુધી ન હોય ત્યાં સુધી રાજ્યબંધારણના કોઈ પણ સુધારાની અને કોઈ પણ અંદાજપત્રકની કશી કિંમત નથી. નવો યુગ શરૂ થઈ ચૂક્યો છે, અને જે રાજાની રહેણી મોટે ભાગે તેની પ્રજાની રહેણીથી મળતી નહી હોય, અને જે પ્રજાની જોડે તાદાત્મ્ય નહીં સાધે તેને પ્રજા સાંખી રહેવાની જ નથી.

“એ એક વાત થઈ. બીજી વાત એ છે કે રાજ્યના ન્યાય આપનારા અધિકારીઓ નિષ્પક્ષ ને પ્રામાણિક, ને તેથી રાજાઓની સત્તાથી સ્વતંત્ર, હોવા જોઈએ. આજે કોઈ પણ રાજ્યમાં ન્યાયખાતાના અધિકારીઓ ખરેખરા સ્વતંત્ર છે એમ હું નિઃશંકપણે નહિ કહીં શકું. તે ઉપરાંત પ્રજાજનોને નાગરિકોના બધા હકો હોવા જોઈએ.

“આ તો સુધારાની દિશામાં મંગલાચરણ ગણાય. રાજાઓને ચક્રવર્તી સત્તાનો ડર લાગતો હોય તો તે પણ નિષ્કારણ છે. સાચા સુધારાની આડે આવે એવું કશું ખુલ્લી રીતે કહેવા કે કરવાની એ સત્તાની હિંમત નથી. જ્યાં જ્યાં તે વચ્ચે પડી છે ત્યાં તેણે તે તે રાજાના કંઈક ચારિત્ર્યદોષનું બહાનું બતાવ્યું છે. એ પરથી સાર એ કાઢવાનો છે કે રાજાઓનું ચારિત્ર્ય એ સતીના સતની પેઠે એવું અણીશુદ્ધ હોવું જોઈએ કે તેને વિષે કોઈના મનમાં શંકા જ ન પેદા થાય. રાજાઓને મહાસભાનો ડર છે એમ તમે કહો છો. એને વિષે તો એટલું જ કહેવાનું કે રાજાઓ જાણે કે મહાસભા તો તેમની જોડે સમજૂતી પર આવવાને સદા તૈયાર બેઠી છે. મહાસભા એ અહિંસાના ધ્યેયને વરેલી સંસ્થા છે. રાજાઓ સ્વેચ્છાએ પોતાની પ્રજાની સત્તાને તાબે થાય, એટલે મહાસભા જરૂર તેમની જોડે મિત્રાચારી કરશે. તે જો એમ ન કરે તો આગળ ઉપર તેમને વસમું પડવાનું છે ખરું. હું ફરી વાર કહું કે મહાસભા રાજાઓનો નાશ કરવા નથી નીકળી, તે પોતે જ પોતાની રીતરસમ ન સુધારે ને આત્મનાશ વહોરી લે તે જુદી વાત છે. પ્રજાનો સેવક બનવામાં સંતોષ માનનાર એક પણ રાજા હશે તો મહાસભા તેને પડખે ઊભી રહેશે.”

સીમલા જતી ગાડીમાં, ૨૭-૬-૪૦
હરિજનબંધુ, ૧૭-૮-૧૯૪૦