લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજાઓ–૩

વિકિસ્રોતમાંથી
← દેશી રાજ્ય પ્રજામંડળો દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજાઓ અને આજનો પ્રસંગ →






૮૮
રાજાઓ

શ્રી. જયપ્રકાશને, તેમના મુસદ્દામાં મેં વાંચ્યું તેમ, પોતે કલ્પેલી તંત્રવ્યવસ્થા સ્થાપવાને અર્થે અહિંસાને સ્વીકારતા નિહાળીને હું અંતરથી રાચું છું. મારો તો દૃઢ વિશ્વાસ છે કે હિંસા જે કદી ન સાધી શકે તે વસ્તુ અહિંંસક અસહકાર અંતે બૂરાઈ કરનારનો હૃદયપલટો કરીને સાધી શકે છે. હિંદમાં આપણે અહિંસાને એને લાયકની અજમાયશ જ કદી આપી નથી. અચંબો જ એ છે કે આપણી સેળભેળિયા અહિંંસાથી પણ આપણે આટલું બધું સાધી શક્યા છીએ.

જમીનને લગતી શ્રી. જયપ્રકાશની દરખાસ્તો ભડકામણી લાગે એવી છે. ખરું જોતાં તે તેવી નથી. ભલીભાંતે જીવવા રહેવા જોઈએ તે કરતાં વધુ જમીન કોઈ માણસ પાસે ન હોવી જોઈએ. આપણી આમપ્રજાનું દારુણ દારિદ્ર્ય તેમની પાસે પોતાની કહી શકાય એવી કશી જમીન ન હોવાને કારણે જ છે, એ વાતની કોનાથી ના પડાય એમ છે?

પણ એ સુધારો એમ ઝટપટ કરાવી લેવાય તેવો નથી એ પણ સમજવું જરૂરી છે. જો એ અહિંસક માર્ગે કરાવવો હોય તો માલદાર તેમ જ મુફલિસ બેઉની કેળવણીથી જ એ સાધી શકાય. માલદારોને અભયદાન મળવું જોઈએ કે તેમની સામે કદી હિંસા આચરવામાં નહિ આવે. મુફલિસોને પણ સમજ મળવી જોઈએ કે એમની મરજી વિરુદ્ધ કશું કામ કરવાની એમન ફરજ પાડવાનો કોઈને પણ હક નથી, અને અહિંસા એટલે કે મરજિયાત કષ્ટ સહન કરવાની કળા શીખવાથી તે પોતાની મુક્તિ સાધી શકે છે. હેતુસિદ્ધિ કરવી હોય તો મેં કહી તેવી કેળવણી અત્યારે જ શરૂ કર્યે છૂટકો. પ્રારંભિક પગલાં તરીકે એકબીજા પ્રત્યે આદર અને વિશ્વાસનું વાતાવરણ જમાવવું જોઈએ. ઉપલા વર્ગો અને આમપ્રજા વચ્ચે હિંસક વિગ્રહ હોઈ શકે નહિ.

તેથી શ્રી. જયપ્રકાશે અહિંસાની ધરતી પર દોરેલી દરખાસ્તને સામાન્ય રૂપે સંમતિ આપવામાં જોકે મને મુશ્કેલી નથી, તોપણ રાજાઓની બાબતમાં તેમણે કરેલી દરખાસ્તમાં હું મારી સંમતિ પૂરી શકતો નથી. કાયદાની નજરે રાજાઓ સ્વતંત્ર છે. એ ખરું છે કે એમની સ્વતંત્રતાની વિશેષ કિંમત નથી, કારણકે તે જોરાવર પક્ષની બાંયધરી ઉપર અવલંબનારી છે. પણ આપણી સામે તો તે પોતાની સ્વતંત્રતા બજાવી શકે જ. શ્રી. જયપ્રકાશના મુસદ્દામાં કહ્યું છે તેમ જો આપણે અહિંંસામાં આઝાદ થઈ શકીએ તો હું એવી સમાધાનીની કલ્પના નથી કરતો જ્યાં રાજાઓનું નામ ભૂંસાઈ ગયું હશે. જે કંઈ સમાધાની થશે તે પ્રજાએ સંપૂર્ણપણે પાળવી પડશે. તેથી હું તો એવી જ સમાધાની કલ્પી શકું છું જેમાં મોટાં રાજ્યો પોતાનો દરજ્જો ટકાવીને રહેશે. એક રીતે આ સ્થિતિ અત્યારની સ્થિતિ કરતાં ઘણી ચડિયાતી હશે; પણ બીજી રીતે એ મર્યાદિત હશે. કારણ એમાં દેશી રાજ્યોની પ્રજા હિંદના બીજા ભાગોમાં પ્રજાને હશે તેવા જ સ્વરાજના હકો ભોગવશે. તેને વાણીનું સ્વાતંત્ર્ય હશે. છાપાં મુક્ત હશે. શુદ્ધ ન્યાય સૌને મળવાની બાંયધરી હશે. કદાચ શ્રી. જયપ્રકાશને રાજાઓ આપમેળે પોતાની આપખુદ સત્તાઓ છોડે એવી શ્રદ્ધા નથી; મને છે. કારણ એક તો તે આપણા જેવા જ માનવી છે; અને બીજું એ કે સાચી અહિંસાની અમોઘ શક્તિમાં મને અપાર શ્રદ્ધા છે. તેથી અંતમાં એમ કહીને પૂરું કરીશ કે જો આપણે આપણી પોતાની જાતને, આપણામાં શ્રદ્ધા હોય તો તેવી શ્રદ્ધાને, અને પ્રજાને સાચા નીવડીશું તો રાજાઓ અને બીજા બધા પણ સાચા થશે અને આપણને અનુકૂળ થશે. અત્યારે તો આપણે જ અધકચર્યા જિંગરવાળા છીએ. એવી અધકચરી શ્રદ્ધામાંથી કદી સ્વાતંત્ર્યનો ઉદય થવાનો નથી. અહિંંસાનો આરંભ તેમ જ અંત આત્મપરીક્ષણ અને અંતરખાજમાં રહેલો છે.

સેવાગ્રામ, ૧૪–૪–૪૦
હરિજનબંધુ, ૨૧-૪-૧૯૪૦