દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યોમાં શાહજાદા
← રાજકોટવાસી | દેશી રાજ્યોનો પ્રશ્ન દેશી રાજ્યોમાં શાહજાદા મોહનદાસ કરમચંદ ગાંધી |
અધીરું કાઠિયાવાડ → |
૬
દેશી રાજ્યોમાં શાહજાદા
દેશી રાજ્યોમાં શાહજાદા જ્યારે જાય ત્યારે રૈયતવર્ગે શું કરવું એ પ્રશ્ન થયો છે. મને લાગે છે, રૈયતવર્ગ પોતાનાં રાજ્યોની સાથે અસહકાર નથી કરતો તેથી દેશી રાજ્યોની સ્થિતિ કફોડી થાય એવું વર્તન ન કરી શકે. રાજ્યના મહેમાનને માન આપવા તે બંધાયેલ નથી, પણ માન આપવાની સામે હિલચાલ કરવાનો પણ તેને હક પ્રાપ્ત નથી થતો. તેથી દેશી રાજ્યમાં શાહજાદા આવવાને સમયે રૈયતવર્ગ હડતાળ ન પાળે, માન આપવાની સામે સભા ન કરે. પણ સમજુ રૈયતવર્ગનો હિંદુસ્તાનના બીજા ભાગો સાથે નિકટ સંબંધ હોવો જ જોઈએ. તેથી તે જ્યાંસુધી બની શકે ત્યાંસુધી માન આપવામાં ભાગ પણ ન લે. દેશી રાજ્યોમાં પ્રજાસત્તા જેવું તો ઓછું છે અથવા કંઈ જ નથી. ત્યાં રાજાના દરેક કાર્યોમાં પ્રજાને ભળવાપણું નથી રહેતું. પ્રજાને પસંદ પડે તેમાં અથવા તો જબરદસ્તીની ધાસ્તીથી ભળવું પડે તેમાં જ પ્રજા ભળે. આ બધી બાબતોમાં જો વિનયપૂર્વક વ્યક્તિસ્વાતંત્ર્યનો ઉપયોગ કરવામાં આવે તો તે શાભે છે. દેશી રાજ્યોમાં રાજાપ્રજા વચ્ચેનો સંબંધ કેવળ સ્વાર્થને વશ છે. રાજા ભલો હાય તો ભલું કરે; ભૂંડો હોય તો પ્રજાની પાસે હથિયાર અથવા સત્યાગ્રહ સિવાય ત્રીજું સાધન નથી. એવા સંબંધ બ્રિટિશ હિંદુસ્તાનમાં થઈ ગયો જોવામાં આવે છે, ને સરકાર પ્રજાના કલ્યાણથી વિરોધી વર્તન કરે છે તેથી સત્યાગ્રહ શરૂ થયો છે. દેશી રાજ્યોની સ્થિતિ અત્યારે એટલી વિકટ છે કે ત્યાંની રૈયતે તે રાજ્યો પ્રત્યે અત્યારે સત્યાગ્રહ કરવો એ ઘણું જ ગંભીર પગલું ગણાય; ને તે તો જે રાજ્યમાં અસહ્ય અત્યાચાર ચાલતા હોય ને જ્યાં પ્રજામાં સામાજિક આત્મબળ આવ્યું હોય ત્યાં જ થઈ શકે.
નવજીવન, ૮–૧–૧૯૨૨