લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજકોટવાસી

વિકિસ્રોતમાંથી
← દેશી રાજ્યો દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજકોટવાસી
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્યોમાં શાહજાદા →








રાજકોટવાસી

રાજકોટ ઉપર કોઈ આક્ષેપ મૂકે ત્યારે મને દરદ થયા વિના કેમ રહે ? એક બહેને મને થોડા દિવસ પહેલાં એમ કહ્યું કે હવે હું રાજકોટ જાઉં તો ખાદી જ ખાદી જોઉં. પરદેશી કપડાં તો થોડાં જ માણસો પહેરતાં હોય. એ બહેન હાલ રાજકોટમાં વસે છે ને પોતે બહાર નીકળે ત્યારે તો મુખ્ય ભાગે ખાદી પહેરે છે. તેથી તેણે માની લીધું જણાય છે કે રાજકોટમાં તો બધા ઉપરથી તો ખાદી જ પહેરતા હશે. પણ એક સંપૂર્ણ સ્વદેશીનું વ્રત પાળનાર રાજકોટનો વતની વણફરેલ નવજવાન રાજકોટને ઉદ્દેશીને લખે છે:

“સમસ્ત દેશની આટલી જાગૃતિ હોવા છતાં કાઠિયાવાડ તો તદ્દન સુસ્ત પડ્યું છે. અહીં કુલ્લે અઢી હજાર વિદ્યાર્થી છે તેમાંના સો રાષ્ટ્રીય શાળામાં દાખલ છે. તેમાંથી ૬૦–૭૦ હાજર રહે છે. અમદાવાદ છોડ્યા પછી પૂર્ણ સ્વદેશી પોશાક પહેરનારી માત્ર ત્રણ ચાર જ વ્યક્તિઓ જોઈ. અહીંનું વાતાવરણ નિરાશા ઉપજાવે છે. ધાર્મિક લોકો આળસુ બેઠા રહે છે. અને ગરીબને પેટ ભરવા ઉપરાંત બીજું સૂઝે તેમ નથી.”

આ ટીકા સખત છે. તેનું અનાયાસે સમર્થન એક બીજા કાઠિયાવાડી, જે ખાસ અવલોકન કરનાર છે, તેમણે કર્યું. ઉપરની ટીકામાં કંઈ અતિશયોક્તિ હોય તે બાદ કરીએ તો એ ટીકા વાસ્તવિક હોવાનો સંભવ છે. કાઠિયાવાડે તિલક સ્વરાજ ફંડમાં ઠીક ભર્યું, અમરેલીમાં ખાદીની સુંદર વ્યવસ્થા છે. કાઠિયાવાડમાં ખાદીની પેદાશ સારી છે, એ બધું હું જાણું છું. મોટાં શહેરોમાં રહેતા કાઠિયાવાડી પોતાના પરદેશી કપડાંના મોહને છોડી શક્યા નથી એ દુઃખદાયક છે. કાઠિયાવાડને સુધારાનો સ્પર્શ ઓછો હોવો જોઈએ. કાઠિયાવાડની સૂકી ભૂમિમાં તો કઠણ, સાદા, શૂરા, ભોળા ને ઉદાર માણસો પાકવા જોઈએ. તેને બદલે જો કાઠિયાવાડનાં શહેરોમાં મોજશોખ વધતાં જ જાય, તો કાઠિયાવાડની તરફથી જે મોટી આશાઓ બંધાયેલી છે તેનું શું થાય ? સ્વરાજયજ્ઞમાં કાઠિયાવાડ પોતાનો ફાળો પૂરો ન આપે તો, મને તો એમ લાગે કે, કાઠિયાવાડે હિંદુસ્તાનથી અલગ થઈ જવું જોઈએ. મારી તો એવી ઉમેદ છે કે, જ્યારે જેલ જવાનો સમય આવશે ત્યારે કાઠિયાવાડઓ પોતાનો સંપૂર્ણ ફાળો આપશે. પણ જો ખાદી પહેરવા જેટલી સાદાઈ પણ આપણામાં નહિ આવી હોય, તો આપણે જેલની સાદાઈની બરદાસ કઈ રીતે કરવાના ? દેશબંધુ દાસ ખાદી પહેરે, તે રેંટિયો ચલાવે; મૌલાના શૌકતઅલી જેમને ખાદી પહેરવાનું ઘણું કઠણ હતું તે ખાદી પહેરતા થયા, તે જેલમાં રેંટિયો ચલાવી રહ્યા છે; ને કાઠિયાવાડના શહેરીઓ ખાદીનો ત્યાગ કરે ? હવે હું સમજી શકું છું કે કેમ મારી પાસે એવી ફરિયાદ આવેલી કે કાઠિયાવાડમાં ખાદી ઘણી વધારે વણાય પણ એની ખપત ઓછી ! શું એવોય વારો આવે કે કાઠિયાવાડની ધીંગી ઓરતો બાજરાનો રોટલો તો બનાવે ને સવારના પહોરમાં છાશ વલોવી સુંદર માખણ તો કાઢે ખરી, પણ બાજરાના રોટલા કૂતરાને આપે, માખણ પચવા જેટલી હોજરી રહી ન હોય તેથી બિસ્કિટની સાથે થોડી ચા પીએ, કાઠિયાવાડના ઘઉં ભારે પડે તેથી ને તે રાતા હોય તેથી મુંબઈથી સાંચાનો આટો મંગાવી તેના ફૂલકા ખાય ? જો કોઈ લેખક રાજાઓની લડાઈનો ઇતિહાસ છોડી પ્રજાની ચડતીપડતીનો ઇતિહાસ ગ્રીનની માફક લખવા બેસી જાય તો જરૂર સાબિત કરે કે, જેમ હિંદુસ્તાનમાં નાજુક સુંવાળા લાગતાં કપડાં દાખલ થયાં તેમ પ્રજાનો બાંધો પણ નાજુક થતો ગયો ને પ્રજા નિર્માલ્ય થતી ગઈ. કાઠિયાવાડની છ ફૂટ ઊંચી રબારણને જાપાની મલમલ ‘ભાતીગળ’ સાડી કોઈ આપે તો એ પહેરે કે ? ને પહેરીને ઢોર ચારે ? આપણે ભીંત જ ભૂલ્યા છીએ. અંતરના શણગારને છોડી આપણે બહારના શણગાર ઉપર મોહ્યા, ને પરિણામે દેશ ખોયો, વેશ ખોયો, દેહ ગુમાવ્યો, ને આત્માને તો સુવાડી મૂક્યો.

કાઠિયાવાડના નવજવાનો વાતો છોડી વણતા થઈ જશે કે ? કાઠિયાવાડની ઓરતો શ્રીમતી વાસંતીદેવીની જેમ ખાદી લઈ વેચવા નીકળી પડશે કે ? કાઠિયાવાડની પ્રજા ઢેડભંગી ભાઈઓનો પોકાર સાંભળશે કે ? તેઓના સ્પર્શથી અભડાનારા જેલમાં જવાના નથી. તેઓ જેલ જવાને લાયક નથી.

નવજીવન, ૨૫–૧૨–૧૯૨૧