દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો–૧

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડના રાજામહારાજાઓ પ્રત્યે — દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યો–૧
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજકોટવાસી →








દેશી રાજ્યો

જ્યારે મહાસમિતિએ પરદેશનાં રાજ્યો સાથેના સંબંધની યોજના ઘડી ત્યારે, આપણાં જ દેશી રાજ્યો સાથેનો સંબંધ કેવો થશે તેની યોજનાની સ્વાભાવિક માગણી થઈ. મહાસભાએ નાગપુરની બેઠકમાં પેાતાની યોજનાની મુખ્ય મુખ્ય રેખાઓ ઘડી દીધી હતી, અને તે એ કે દેશી રાજ્યોના અંતર્ગત વ્યવહારમાં વચ્ચે ન પડવું. દેશી રાજ્યો પણ આથી વધુ સારી સારી સ્પષ્ટ યોજના શી ઇચ્છે ? અને મહાસમિતિ પણ એ ઠરાવની મર્યાદામાં રહીને જ યેાજના ઘડી શકે. વળી મહાસભાના કાર્યકર્તાઓએ પણ એ ઠરાવને બરાબર માન આપીને દેશી રાજ્યોમાં અસહકારનો સંદેશો પહોંચાડવા પ્રયત્ન કર્યો નથી, સિવાય કે તેનાં પ્રજાકીય શુદ્ધિ અને આર્થિક દશાને લગતાં શાશ્વત અંગોને વિષે, કે જે અસહકારની પ્રવૃત્તિ ન હોય તેવા કાળમાં પણ પ્રજાને એટલાં જ જરૂરી છે. એ અંગોમાં દારૂની બદીનો નાશ, સ્વદેશી, હિંદુમુસલમાન ઐક્ય, અહિંસા ને અસ્પૃશ્યતાનિવારણનો સમાવેશ થાય છે. જ્યાંસુધી દેશી રાજ્યો પોતાની પ્રજાને સારી પેઠે રાખે છે. ત્યાંસુધી મહાસભાની એ રાજ્યો તરફ શુભેચ્છા છે જ; પણ જ્યારે તે રાજ્યો પ્રજા સાથે સારો વ્યવહાર ન રાખે ત્યારે પણ લોકમતને કેળવવા ઉપરાંત મહાસભા તેમને વિષે કોઈ પણ પ્રકારનાં દાબ કે સખતાઈ ન વાપરે. અને તેથી જ પ્રજાકીય છાપાંઓ જરૂર પડ્યે આકરી ભાષામાં પણ કેટલાંક દેશી રાજ્યોની રૈયતનાં દુઃખોને વિષે ટીકા કરતાં અચકાતાં નથી.

દાખલા તરીકે, બિકાનેર રાજ્યમાં શેઠ જમનાલાલજી અને તેમના મંડળ પ્રત્યે, તેઓ મજકૂર રાજ્યની હદમાં કેવળ સ્વદેશીની પ્રવૃત્તિ કરી રહ્યા હતા તે દરમ્યાન, ચલાવવામાં આવેલા તદ્દન અવિચારી અને નિર્લજ્જ વર્તનને વિષે છાપાંઓમાં વાજબીપણે આકરી ટીકાઓ આવી છે. આમ ઉદાર ધોરણવાળાં દેશી રાજ્યોને તો મહાસભા તરફથી દરેક જાતનું ઉત્તેજન મળવાપણું જ છે; જ્યારે પ્રતિગામી ધોરણનાં રાજ્યોને બહુ બહુ તો પોતાના ધેારણની અને પોતાનાં પગલાંઓની આકરી ટીકા સાંભળવી પડવાની. વળી મહાસભા દેશી રાજ્યોની દયામણી સ્થિતિથી પણ અજાણ ન જ હોય. સલ્તનતે પોતાની દુનિયાને ચૂસવાની બાજીમાં તેમને સોગઠાંની પેરે વાપર્યાં છે; વળી તેમની ઉપર વખતોવખત જે ગેરકાયદે અને નીચ દબાણો ચાલે છે તેની સામે થવાને તે સૌથી ઓછાં સમર્થ છે. તેથી તેમણે સમજવું જોઈએ કે પ્રજાસામર્થ્યનો વધારો એ તેટલે અંશે એમની પોતાની ઉપરની ને ઉપર વર્ણવેલી નામોશીભરી અસરનો ઘટાડો છે.

નવજીવન, ૨૦–૧૧–૧૯૨૧