લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડના રાજામહારાજાઓ પ્રત્યે —

વિકિસ્રોતમાંથી
← દેશી રાજ્યોમાં શું કરાય ? દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડના રાજામહારાજાઓ પ્રત્યે —
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્યો →








કાઠિયાવાડના રાજામહારાજાઓ પ્રત્યે—


સાહેબ,

મેં ઘણીયેવાર આપને બે બોલ લખવાનો વિચાર કરીને માંડી વાળ્યો. પણ કેટલુંક સાંભળ્યા અને જાણ્યા પછી મારા વિચારો આપની પાસે રજૂ કરવાનો મારો ધર્મ સમજું છું.

મારો સંબંધ કાઠિયાવાડની સાથે નિકટ છે એ કંઈ મારે આપને કહેવાનું હોય? પણ મારો જન્મ કાઠિયાવાડમાં થયો છે એટલું જ બંધન મને નથી. મારા પિતાશ્રીએ ત્રણ રાજ્યોમાં કારભારી તરીકે નોકરી કરેલી; મારા કાકાએ એક જગ્યાએ. તેમ મારા દાદાએ પણ કારભારું કરેલું. ગાંધી કુટુંબના ઘણાઓએ કાઠિયાવાડનાં રાજ્યોની નોકરી કરી નિર્વાહ કર્યો છે. એટલે આપની સાથે મારો ખાસ સંબંધ છે. આપના પ્રત્યે મારી ખાસ ફરજ છે.

તેથી જ્યારે કાઠિયાવાડના કોઈ પણ રાજ્યની અંધાધૂંધી વિષે હું કંઈ સાંભળું છું ત્યારે મારું મન દુખાય છે. કાઠિયાવાડને મેં શૂરવીરની ભૂમિ તરીકે ઓળખેલ છે; ને સ્વરાજયજ્ઞમાં કાઠિયાવાડ પોતાનો પૂરો ફાળો આપી પેાતાને ને ભારતભૂમિને ઉજ્જવળ કરશે એવી આશા મેં રાખી છે.

‘સ્વરાજ’ શબ્દથી આપ ન જ ભડકો. સ્વરાજ, અસહકાર, એ નામો આપને ન ભડકાવે એમ ઇચ્છું છું. તે અંધાધૂંધીની ચળવળ છે, તે બેવફાદારીની હિલચાલ છે, તેથી દેશ પાયમાલ થશે, એમ કહેનારા છો કહેતા. તેઓ અજ્ઞાનપણે તેમ કહે છે એમ માની, આપના મિત્રોની પાસે પણ મારો બચાવ કરજો.

અન્યાયની સામે જીવને જોખમમાં મૂકીને પણ થવું એવું શાસ્ત્રો શીખવે છે. મારા વડીલે મને પોતાના દાખલાથી એ જ શીખવ્યું. લોકો હિમ્મત શીખે તેથી દેશને હાનિ નથી થવાની.

પણ મેં આ પત્ર સ્વરાજ વિષે લખવા શરૂ નથી કર્યો. મારા સ્વરાજ વિષેના વિચાર અંતરાયરૂપ ન થાય તેટલા સારુ ઉપલાં વાક્યો લખ્યાં છે.

મારી પાસે અનેક લેખો આપનાં રાજ્યો વિષે આવ્યા છે. અનેક ફરિયાદો મોઢેથી સાંભળી છે. પણ આજ લગી મેં તેમાનું કંઈ જ છાપવું દુરસ્ત નથી ધાર્યું. મેં એવી જ આશા રાખી છે કે છેવટે બધું કુશલ થઈ રહેશે; ને હજુ એમ જ માનું છું. જો મોટી સલ્તનતની અંધાધૂંધીનો નાશ થઈ જશે તો નાનાં રાજ્યોની અંધાધૂંધી એની મેળે શમી જશે. આત્મશુદ્ધિ એવી વસ્તુ છે કે તેની જડ બસતાં વાર લાગે છે, પણ જડ બેઠા પછી તેને ફેલાતાં વાર નથી લાગતી.

પણ હવે તો હું સાંભળું છું કે કોઈ રાજ્યો રેંટિયાને હસી કાઢે છે, કોઈ તેને રોગ ગણી તેનો નાશ કરવા ઈચ્છે છે, કોઈ સ્વદેશી જેવી શાશ્વત પ્રવૃત્તિને રોકવા સારુ પ્રજા ઉપર અયોગ્ય દબાણ કરે છે, કોઈ ખાદીના ઉપયોગની સામે થાય છે, ખાદીની ટોપી પહેરવી તે ગુનો ગણે છે. આ બધું માનતાં મને ક્ષોભ થાય છે. છતાં મારી પાસે પુરાવો એટલો બધો છે કે બધી વાતો ખોટી ન જ હોય.

કાઠિયાવાડની ભૂમિ એવી છે કે તેમાંથી એક પણ માણસને પરદેશ જવાની જરૂર ન હોવી જોઈએ. કોઈ મોટો વેપાર ખેડવાનું સાહસ કરે એ તો સ્તુત્ય છે; પણ મારા પ્રસંગમાં સેંકડો બલ્કે હજારો કાઠિયાવાડી એવા આવ્યા છે જે કેવળ આજીવિકાને અભાવે કાઠિયાવાડ છોડે છે. આ મને સાલે છે, ને આપને સાલે એમ હું ઈચ્છું છું. કાઠિયાવાડના મજબૂત બાંંધાવાળા, દેખાવડા ખેડૂતોનાં ઘરોમાં જે તેજી અગાઉ જોવામાં આવતી તે મેં મારા આ વખતના પ્રવાસોમાં ન જોઈ. મને યાદ છે કે ૩૫ ના દુકાળ પહેલાં મેં ગામડાંઓમાં દૂધમાખણની છોળ જોયેલી. પાવળે ઘી પીરસે તો અવિવેક ગણાતો મેં ભાળ્યો છે. કાઠિયાવાડની ઊંચી પહાડ જેવી દેખાતી બહેનોને હાથે બચપણમાં તેમની ઊજળી તાંસળીમાં ઘાટી છાશ પીધેલી મને સાંભરે છે.

આજે તો છાશને બદલે ધોળું પાણી જોઉં છું. ઘીની ઝારીઓને બદલે ઘીનાં પાવળાં પણ મુશ્કેલીથી જોવા મળે છે. સમૃદ્ધિ જતાં લોકો સંકોચાય છે ને બહાર નાસભાગ કરે છે.

ખચીત માનજો કે, જો રાજામહારાજાનો વર્ગ મદદ કરે તો રેંટિયાથી ને સાળથી કાઠિયાવાડ હતું તેના કરતાં વધારે તેજસ્વી બને. કાઠિયાવાડમાં છવ્વીસ લાખની વસ્તી ગણાય છે. તેમાં પાંચ લાખ રેંટિયા સહેજે ચાલે. એટલે દર માસે ઓછામાં ઓછા સાડાસાત લાખ રૂપિયાની કમાણી થઈ. જો કાઠિયાવાડની બહેનો આઠ જ માસ ભજન ગાતી રેંટિયા ચલાવે તો દર વર્ષે સાઠ લાખ રૂપિયા પોતાના ઘરમાં મૂકે. આમાં આપને એક પાઈ પણ આપવી ન પડે. શું આમ સહજ થતી કમાણી કાઠિયાવાડની પ્રજા કરે તેનો આપ દ્વેષ કરો ? અથવા તેની હાંસી કરો ?

કાઠિયાવાડના જાડી ખાદીની બંડીવાળા ને મોટી પાઘડીવાળા મેઘવાળોમાંથી એક લાખ સાળો ચલાવે તો તેઓ દર માસે ઓછામાં ઓછા વીસ લાખ રૂપિયા કમાય; તેમ આઠ માસ વણે તો એક કરોડ સાઠ લાખ રૂપિયા વરસે દહાડે પોતાના ઘરમાં મૂકે. શું આપ દીર્ઘદૃષ્ટિ પહોંચાડી આવા બરકતવાળા ઉદ્યોગને સંપૂર્ણ ઉત્તેજન ન આપો ?

આપની પાસેથી તો હું એ આશા રાખું કે આપ આપના દરબારોમાં પણ ગરીબોએ વણેલી ખાદીને માન આપો. દરબારી પોશાક પણ ખાદીના હોય, અને આપ પોતે પ્રજાએ જ બનાવેલી ખાદી પહેરીને શોભો.

કાઠિયાવાડની પ્રજા ભૂખે મરે ને માન્ચેસ્ટરના કે જાપાનના લોકો આપને પૈસે મહાલે એ રાજન્યાય નથી, એમ આપના શાસ્ત્રીઓ અવશ્ય સમજાવશે. આપને મલમલ જોઈએ તો સારું રૂ પકાવો, ખાસ કાંતનાર વણનારને ઉત્તેજન આપો.

કાઠિયાવાડના પહાડોમાં વસતા રાજાઓને મોજશોખ શા ? તેઓ કૂતરાંના ટોળાં શાને રાખે ? તેઓ તો પ્રજાને સારુ પ્રાણ આપે. પ્રજાને દુઃખે દુઃખી થાય ને પ્રજાને ખવડાવીને જ ખાય. રાજા વણિક બને અને બ્રાહ્મણ નાટક કરે તો ધર્મ કોણ શીખવે ને કોણ સાચવે ?

હું નથી ઈચ્છતો કે કાઠિયાવાડની પ્રજા આપના રાજ્યમાં રહી બ્રિટિશ રાજ્યની સામે ચળવળ કરે ને આપની સ્થિતિને કફોડી કરે. આપની નાજુક સ્થિતિ હું સમજી શકું છું. આપના પ્રત્યે મારી લાગણી છે. ભલે તેઓ અસહકારી ન થાય, પણ સ્વદેશીને આપ નોખું અંગ ગણો ને તેને સ્વતંત્ર રીતે ખીલવવામાં રૈયતને મદદ આપો એ હું નમ્રતાપૂર્વક માગું છું.

બીજું પણ માગું ? કાઠિયાવાડમાં દારૂના પીઠાં કેમ સાંખી શકાય ? આપને વળી દારૂમાંથી કંઈ ઊપજની ગરજ હોય ? લોકો જ્યારે દારૂ છોડવા ને છોડાવવાનો પ્રયત્ન કરે ત્યારે તો હું આપના દરબારમાંથી પણ દારૂની બાટલીઓના બહિષ્કારની આશા રાખું. રામે જો ધોબીની વાત સાંભળી સતી સીતાનો ત્યાગ કર્યો, તો શું પ્રજાની ઇચ્છા જાણી આપ દારુને કાઠિયાવા઼ડમાંથી ન કાઢો ?

અને આપની ટ્રેનોમાં હરિજનને નોખા ડબ્બા મળે, હરિજનને ટિકિટો મળતાં અડચણ આવે, તેઓને ધક્કા વાગે, એ કેમ સંખાય ? રેયતને બોલાવી આપ મસલત કરો, ને ઢેડ આદિ વર્ણ ઉપર અત્યાચાર થાય છે તે દયાધર્મ નથી પણ અત્યાચાર છે એ સમજાવી, આપ તે ગરીબોને સુખી કરીને તેમની આંતરડીની દુવા લો.

બીજું તો ઘણું સાંભળ્યું છે, તે કથા અત્યારે ઉખેળવા નથી ઇચ્છતો, તે જૂની વાતો છે. અત્યારે ચાલતા શુદ્ધ પ્રાણવાયુની ગતિ ન રોકો એટલું જ વીનવવા મેં આ પત્રિકા લખી છે, જે પ્રેમભાવથી મેં લખ્યું છે તેને ઓળખો ને પ્રેમપૂર્વક વાંચી મારી દીન સૂચનાઓ અમલમાં મૂકો એમ માગું છું. ઈશ્વર આપને ન્યાયવૃત્તિ આપો ને કાઠિયાવાડનાં રાજાપ્રજા નીતિને રસ્તે ચાલતાં સુખી રહો એમ પ્રાર્થના કરું છું.

લખનૌ
૧ લો શ્રાવણી સોમવાર
નવજીવન, ૧૪–૮–૧૯૨૧

આપનો વફાદાર સેવક
મોહનદાસ કરમચંદ ગાંધી