દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યોમાં શું કરાય ?

વિકિસ્રોતમાંથી
← ‘ઝવેરાત ઉતારો’ દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યોમાં શું કરાય ?
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડના રાજામહારાજાઓ પ્રત્યે — →








‘દેશી રાજ્યોમાં શું કરાય ?’


દેશી રાજ્યમાં રહેનારાઓએ શું કરવું એ સવાલ એક કાઠિયાવાડી ભાઈ પૂછે છે. કાઠિયાવાડમાં પરિષદ થયા પછી આ સવાલ વધારે પુછાયા કરે છે.

દેશી રાજ્યોમાં આપણે અંગ્રેજી સલ્તનતને વિષે કંઈ ન કહીએ. દેશી રાજ્યોને કફોડી સ્થિતિમાં ન મૂકીએ. સરકાર કેવી રાક્ષસી છે એ દેશી રાજ્યોમાં કહેવાની કશી જરૂર ન હોય. પણ દેશી રાજ્યોમાં પણ આપણે શરાબ છોડવા છોડાવવાની ચળવળ જરૂર કરીએ; આપણે દેશી રાજ્યોમાં જરૂર રેંટિયા દાખલ કરીએ ને સૂતર કાંતીએ, આપણે જરૂર પરદેશી કાપડનો ત્યાગ ત્યાં પણ કરીએ, આપણે જરૂર ખાદી પહેરીએ; આપણે જરૂર વ્યભિચાર, જુગાર ઇત્યાદિ તજીએ; આપણે જરૂર મહાસભાના ચોપડામાં આપણાં નામ નોંધાવીએ; આપણે જરૂર તિલક સ્વરાજ ફાળામાં ખૂબ દ્રવ્ય આપીએ. આટલો ફાળો બધાં દેશી રાજ્યોમાં રહેનારા ધારે તો ભરી શકે છે. અને આટલું જે કરે તેણે સ્વરાજને સારુ બહુ કર્યું ગણાય. અસહકારને જેઓએ આત્મશુદ્ધિનો યજ્ઞ માન્યો છે તેમને તો કાંઈ સવાલ પૂછવાપણું રહેતું જ નથી. દેશી રાજ્યોમાં રહેનારા ભંગીને ભાઈ ગણે તેમાં દેશી રાજ્યોનો દ્રોહ નહિ થાય.

દેશી રાજ્યો કંઈ હિંદુસ્તાનની બહાર નથી. હિંદુસ્તાનના બધા લોકોની સામે એક જ પ્રશ્ન છે. બધાને ધર્મયુદ્ધ આવી પડ્યું છે. બધાએ સત્ય, નિર્ભયતા, શાન્તિના પાઠ ભણવા રહ્યા છે. અંગ્રેજી રાજ્યની હદમાં અંગ્રેજી રાજ્યની સામે બોલવું ઇષ્ટ હોઈ શકે, પણ દેશી રાજ્યોમાં આપણને એમ કરવાની લગીરે આવશ્યકતા ન હોય.

નવજીવન, ૧૫–૫–૧૯૨૧