લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/‘ઝવેરાત ઉતારો’

વિકિસ્રોતમાંથી
← પ્રકાશકનું નિવેદન દેશી રાજ્યોનો પ્રશ્ન
‘ઝવેરાત ઉતારો’
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્યોમાં શું કરાય ? →








‘ઝવેરાત ઉતારો’

[૧૯૧૬ના ફેબ્રુઆરીની ૧૪મીએ બનારસ હિંદુ યુનિવર્સિટીના ખાતમુહૂર્તના સમારંભ પ્રસંગે આપેલા ભાષણમાંથી]

હવે હું એક બીજા દેખાવ તરફ તમારું ધ્યાન ખેંચું છું. ગઈ કાલે જે મહારાજા સાહેબે આપણી સભાનું પ્રમુખસ્થાન લીધું હતું તેમણે હિંદુસ્તાનના દારિદ્ર્યની વાત કરી હતી. બીજા વક્તાઓએ પણ એના પર ઘણો ભાર મૂક્યો હતો. પણ વાઈસરૉય સાહેબે જે વિશાળ શમિયાનામાં ખાતમુહૂર્તની ક્રિયા કરી ત્યાં આપણે શું જોયું ? એ દેખાવમાં ભભકાનો પાર નહોતો. ત્યાં ઝવેરાતનું જે પ્રદર્શન હતું તે જોઈ ને પારીસથી આવનાર કોઈ ઝવેરીની આંખ પણ અંજાઈ જાય. એ ઘરેણાંથી સુશોભિત રાજા મહારાજાઓની સાથે હું આપણાં કરોડો ગરીબોની તુલના કરું છું, ને મને એ રાજા મહારાજાઓને કહેવાનું મન થઈ જાય છે કે, ‘તમે આ ઝવેરાત ઉતારો નહિ ને તેને હિંદના તમારા દેશભાઈઓની થાપણ માની તેના ટ્રસ્ટી બનો નહિ ત્યાંલગી હિંદુસ્તાનનો ઉદ્ધાર થવાનો નથી.’ આપણા બાદશાહ પ્રત્યે સાચી વફાદારી બતાવવાને સારુ આપણે ઝવેરાતની પેટીઓ ફેંદીને પગથી માથાં સુધી ઘરેણાં લાદવાં, એમ બાદશાહ અથવા લૉર્ડ હાર્ડિંગ ઇચ્છતા નથી એમ હું ચોક્કસ માનું છું. બાદશાહ જ્યૉર્જ એવી કશી અપેક્ષા નથી રાખતા એ મતલબનો સંદેશો તમને આણી આપવાનું, તમે ઇચ્છો તો, હું જીવનું જોખમ ખેડીને પણ માથે લઉં. સભાપતિજી, હિંદુસ્તાનના કોઈ પણ શહેરમાં — તે શહેર બ્રિટિશ હિંદમાં હો કે આપણા રાજાઓના અમલવાળા હિંદમાં હો — જ્યારે જ્યારે હું મોટો મહેલ બનતો જોઉં છું ત્યારે ત્યારે મને એકદમ અદેખાઈ આવે છે ને હું કહું છું, ‘અરે, આ પૈસા તો ખેડૂતોના ખીસામાંથી આવ્યા છે.’ આપણા દેશની ૭૫ ટકા ઉપરાંત વસ્તી ખેડૂતોની છે; અને મિ. હિંગિનબૉટમે કાલે રાતે તેમની સુંદર વાણીમાં આપણને કહ્યું કે, એ જ માણસો ઘાસના એક તરણાની જગાએ બે ઉગાડનારા છે. પણ જો એમના શ્રમનું લગભગ બધું ફળ આપણે તેમની પાસેથી લઈ લઈએ અથવા બીજાને લઈ જવા દઈએ, તો આપણામાં સ્વરાજની ભાવના ઝાઝી ટકી શકે નહિ. આપણો ઉદ્ધાર ખેડૂતો મારફતે જ થવાનો છે. વકીલો કે ડાક્ટરો કે ધનિક જમીનદારોથી એ કામ થવાનું નથી.

(અંગ્રેજી પરથી)

આ (બ્રિટિશ) અમલના લખલૂટ ખરચે આપણા રાજામહારાજાઓને ઘેલા બનાવી મૂક્યા છે. તેઓ પરિણામની દરકાર કર્યા વિના એ ઉડાઉપણાની નકલ કરે છે ને પોતાની પ્રજાઓના દળીને ભૂકા કરે છે.

યંગ ઈંડિયા, ૧૨–૧–૧૯૨૮