દેશી રાજ્યોનો પ્રશ્ન/પ્રકાશકનું નિવેદન

વિકિસ્રોતમાંથી
દેશી રાજ્યોનો પ્રશ્ન
પ્રકાશકનું નિવેદન
મોહનદાસ કરમચંદ ગાંધી
‘ઝવેરાત ઉતારો’ →






પ્રકાશકનું નિવેદન

દેશી રાજ્યોના પ્રશ્ન વિષેનાં ગાંધીજીનાં જે લખાણો ને ભાષણો ‘નવજીવન’ તથા ‘હરિજનબંધુ’માં પ્રસિદ્ધ થયેલાં તેમાંથી મહત્ત્વનાં પસંદ કરીને તેનો સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે. જે લખાણો ને ભાષણો ગુજરાત કાઠિયાવાડનાં દેશી રાજ્યોને લગતાં હતાં તે બધાં લેવામાં આવ્યાં છે, અને ઈતર લખાણોમાંથી જેમાં રાજા પ્રજા વચ્ચેનો સંબંધ, રાજા તેમ જ પ્રજા ઉભયનાં કર્તવ્યો, ચક્રવર્તી સત્તાની ફરજ, વગેરે સર્વસામાન્ય વિષયોની ચર્ચા હતી તેટલાં જ લેવામાં આવ્યાં છે. આ જ વિષય પરનો ગાંધીજીનો અંગ્રેજી લેખસંગ્રહ થોડા વખત પર નવજીવન પ્રકાશન મંદિરે પ્રસિદ્ધ કર્યો છે તેમાં એ સર્વ લેખો, તેમ જ આ પ્રશ્નને લગતા મહત્ત્વના સર્વ દસ્તાવેજો વગેરે પણ આપવામાં આવ્યા છે. એ બધું ગુજરાતી પુસ્તકમાં આપવાની જરૂર ન હતી, છતાં આ ગુજરાતી સંગ્રહમાં કેટલાક લેખો એવા છે જે સ્વતંત્રપણે ગુજરાતીમાં લખાયેલા હોઈ અંગ્રેજીમાં નથી. લેખો ઐતિહાસિક ક્રમે ગોઠવેલા છે તેમાં ઉદ્દેશ એ રહેલો છે કે આ પ્રશ્નને અંગે ગાંધીજીના વિચારો કયે વખતે કેવા હતા, ને તેમાં પરિવર્તન થયું તે કેવા ક્રમે થવા પામ્યું, અને રાજસ્થાની પ્રજાની હિલચાલની દોરવણી જેટલે અંશે તેમને હાથે થઈ તેટલે અંશે એ હિલચાલનો વિકાસ કેવી રીતે થયો, એનો પણ ખ્યાલ વાચકને આપોઆપ મળી રહે. આ લેખોમાં ઘણું એવું છે જે વરસો ઉપર કહેવાયું છતાં આજની સ્થિતિને પણ તેટલું જ લાગુ પડે છે. અને દેશી રાજ્યોની પ્રજાની સ્વતંત્રતાની હિલચાલ – જે સમગ્ર ભારતની સ્વતંત્રતાની હિલચાલનો જ એક અંશ છે—હજુ સમાપ્ત થઈ નથી ને આજે કદાચ તેમાં વિરામ આવેલો દેખાતો હોય તોપણ તે આગળને માટેની તૈયારીનો જ કાળ છે. એ તૈયારી કેવી રીતે કરાય એનું વિવેચન પણ ગાંધીજીનાં પાછળનાં લખાણોમાં અનેક વાર કરેલું માલૂમ પડશે. એ અર્થમાં આ પુસ્તક દેશી રાજ્યોની પ્રજા ને તેના સેવકોને માટે માર્ગદર્શિકારૂપ થઈ પડશે, અને તેઓ પોતાને મુકામે પહોંચશે ત્યાં લગી તેમનો પંથ ઉજાળશે.

‘હરિજનબંધુ’નું પ્રકાશન મોકૂફ રહ્યું અને ગાંધીજી તરફથી દર અઠવાડિયે થતું માર્ગદર્શન બંધ પડ્યું ત્યારથી તેમનાં લખાણોના સંગ્રહની માગણી વધી છે, ને એ સ્વાભાવિક છે. તેથી અમને જણાવતાં આનંદ થાય છે કે બીજા અનેક વિષયો પરના તેમના લેખસંગ્રહો તૈયાર થઈ રહ્યા છે, ને તે ક્રમે ક્રમે પ્રસિદ્ધ કરવામાં આવશે.

તા. ૨૦–૧૧–’૪૧