લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/ધામીનો પાઠ

વિકિસ્રોતમાંથી
← સગીર રાજ્યવહીવટ દેશી રાજ્યોનો પ્રશ્ન
ધામીનો પાઠ
મોહનદાસ કરમચંદ ગાંધી
લીંબડી વિષે →







૭૯
ધામીનો પાઠ

ધામી પ્રકરણ હજુ પૂરું થયું નથી. સત્ય હજુ બહાર નથી આવ્યું, પોલિટિકલ એજંટ તરફથી પ્રગટ કરવામાં આવેલી એકતરફી કેફિયતને હિમાલય રાજ્ય પ્રજામંડળે પડકાર આપ્યો છે. એ નિવેદન બતાવી આપે છે કે ધામી રાજ્યમાં જે બનાવોને પરિણામે રાણા તરફથી ગોળીબાર કરાવવામાં આવ્યો તેની અદાલતી તપાસ થવી કેવી અનિવાર્ય છે.

હિમાલય મંડળના કેટલાક સભ્યો દિલ્લીના મારા ટૂંક રોકાણ દરમ્યાન મને મળવા આવ્યા હતા. ધામીના બનાવે મને તીવ્ર વિચારણામાં નાંખી દીધો હતો. આવી કરુણ ઘટનાઓ અટકાવવા શું કશું જ ન કરી શકાય ? આ બાબતમાં આવેલા શિષ્ટમંડળ જોડે મેં ઘણી વાત કરી, પણ મને લાગ્યું કે તેને દોરવાનો ભાર મારે માથે લેવો અનુચિત હતું. એ જવાબદારી મોટી હતી. જે મુદ્દાઓ જોખમમાં હતા તે પણ તેટલા જ મોટા હતા, તેથી મને લાગ્યું કે એ મારે નહિ પણ અખિલ ભારત દેશી રાજ્ય પ્રજા પરિષદની સ્થાયી સમિતિએ હાથમાં લેવા જોઈએ. દેશી રાજ્યોનો પ્રશ્ન દિવસે દિવસે વ્યાપક બનતો જાય છે. રાજાઓ બંદૂકનો ઉપયોગ છૂટે હાથે કરવા લાગ્યા છે. તેમને લાગે છે કે ચક્રવર્તી સત્તાની બાબતમાં તેમને નિરાંત છે. તેમની પાસે મહાસભાની ઝાઝી આંટ નથી. તેમાંના ઘણા તો પોતાની પ્રજાનો વધતો જુસ્સો કચડી નાખવાનાં અને મહાસભાની દખલગીરી તો શું પણ સંગીન દોરવણી સુધ્ધાં અશક્ય કરી મૂકવાનાં પગલાં પડી રહ્યા છે. મહાસભાને તો પોતાનો ધર્મ રહ્યો છે. દેશી રાજ્ય પ્રજા પરિષદનું બંધારણ હું બરોબર નથી જાણતો, પણ હું માની લઉં છું કે કોઈ ને કોઈ સ્વરૂપમાં મહાસભા જોડે તેનો સંબંધ છે. એટલે કોઈ પણ દૃષ્ટિએ એ જ એકમાત્ર સંસ્થા છે, જે દેશી રાજ્યોની પ્રજાને દોરવવા ખાસ રચાઈ છે. રાજ્યોએ આવી દોરવણી પ્રત્યે રોષ કરવો અનુચિત છે. તેમણે એ પણ સમજવું રહ્યું છે કે એવો કશો પણ રોષ નિષ્ફળ જ નીવડે. ખરે ટાંકણે લોકોને દોરવવાનો પોતાનો ધર્મ મહાસભા ચૂકી શકે નહિ. એવો સમય હતો જ્યારે મહાસભા ચક્રવર્તી સત્તાની સામે દેશી રાજ્યોના હકોની બાબતમાં દોરવણી અને રક્ષા આપતી હતી. ભીડ વેળાએ જો રાજ્યો મહાસભાની મૈત્રી ઈચ્છતાં અને આવકારતાં હતાં, તો આજે તેની પ્રજાએ મહાસભાની સલાહ, દોરવણી અને રક્ષા શોધે તે સામે વાંધો લેવો એ તેમને ભાગ્યે જ શોભે. મહાસભા હરેક પ્રસંગે પ્રજાને સંગીન મદદ કદાચ ન કરી શકે એ કમનસીબે સાચું છે. મહાસભાએ પોતાના તંત્રને મજબૂત પાયા ઉપર મૂકીને શાણા સંયમથી નિષ્પક્ષપણા માટે તથા અદલ ઇન્સાફ માટે પોતાની શાખ બેસાડીને જરૂરી પીઠબળ પેદા કરવું રહ્યું છે. જો મહાસભાને છાજતી રીતે આ કામ બજાવવું હોય તો તેણે પોતાના કાર્યકરો તેમના હેવાલો પૂરી ઝીણવટથી તેમ જ સચ્ચાઈથી તૈયાર કરે એવો આગ્રહ રાખવો જ પડશે. પોતાની આગળ રજૂ થતી હકીકતોમાં આટલે સુધીની સચ્ચાઈ અને સમતોલન માટે ખાતરી ધરાવવા સારુ સ્થાયી સમિતિએ તેવી દરેક હકીકતની બારીક છણાવટ કરવી પડશે. આ રીતે જો કોઈ રાજ્યમાં સાદો ન્યાય આપવાનો સુધ્ધાં ઇન્કાર થયાની સાચેસાચી હકીકતો પ્રગટ થાય તો કાર્યનું સક્રિય પગલું ભરવાને સારુ તે અવશ્ય પાયારૂપ થઈ પડશે.

આ તો મેં કાર્યની દિશાનું સૂચન માત્ર કર્યું છે. સ્થાયી સમિતિ અલબત્ત પોતાની નીતિ અને વખતોવખત ઊભા થનારા પ્રશ્નોને ઉકેલવાની કાર્યવાહી નક્કી કરશે જ. મારે આ લખવાનો હેતુ એ છે કે દેશી રાજ્યોના કાર્યકરોને મારી પાસે આવવા સામે અને મારા તરફથી દોરવણીની અપેક્ષા રાખવા સામે હું ચેતવું. તેમણે સ્થાયી સમિતિ પાસે જવું જોઈએ. હું કાર્યવાહક સમિતિની કક્ષામાં આવતી સામાન્ય કાર્યરીતિઓ વિષે મહાસભાવાદીઓને સુધ્ધાં દોરતો નથી, પણ કાર્યવાહક સમિતિ જ્યારે સલાહ લેવા ઇચ્છે ત્યારે આપવા માત્ર તૈયાર રહું છું. તે પ્રમાણે જ હું હવે પછી નવા ઊભા થતા દેશી રાજ્યોના પ્રશ્નો વિષે વર્તવા ધારું છું. જેમની સાથે હું અત્યાર અગાઉ સીધી નિસ્બતમાં આવી ચૂકયો છું તેમને દોરવાનું અલબત્ત હું ન જ છોડી દઉં. એ કહેવાની તો ભાગ્યે જ જરૂર હોય કે દેશી રાજ્યોમાંની પ્રજાકીય ચળવળોના સામાન્ય સંચાલનમાં પડ્યા વિના મારી ખાસિયતને કારણે મારાથી જે કંઈ થઈ શકે એવું હશે તે તો હું કર્યે જ જવાનો. દેશી રાજ્યોના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે સ્થાયી સમિતિને અગાઉથી પૂછ્યા વગર અગર તો તેની મંજૂરી વગર તેઓ રાજ્યોમાં કશી આગેકદમ ચળવળ ન ઉપાડે. પ્રજા પરિષદની મારફત કામ કરતી મહાસભાનો એ ધર્મ છે કે જરા પણ શકય હોય ત્યાં સુધી રાજ્યો જોડે કજિયામાં ઊતરવાનું ટાળે.

સેવાગ્રામ, ૩૦-૭–૩૯
હરિજનબંધુ, ૬-૮–૧૯૩૯