દેશી રાજ્યોનો પ્રશ્ન/સગીર રાજ્યવહીવટ
← રાજાઓને | દેશી રાજ્યોનો પ્રશ્ન સગીર રાજ્યવહીવટ મોહનદાસ કરમચંદ ગાંધી |
ધામીનો પાઠ → |
સગીર રાજ્યવહીવટ
ચંબા રાજ્યના રાજા સગીર છે, તેથી રાજ્યવહીવટ સીધો બ્રિટિશ કારભાર નીચે છે. કારભારી ખરું જોતાં રાજાની જ રીતે વર્તે છે અને રાજાની બધી સત્તાઓ ભાગવે છે. ચંબાના એક પત્રલેખક લખે છે :
“અમારે ત્યાં સગીર રાજ્યવહીવટ હોઈ રાજ સીધું ચક્રવર્તી સત્તાના અંકુશ તળે છે. સ્વાતંત્ર્યની ભાવનાને ગુનારૂપ ગણનારા કાયદાઓ જે સગીર રાજ્યવહીવટ દરમ્યાન જારી કરવામાં આવ્યા છે તેમને ખેંચી લેવા અમે દબાણ કરી રહ્યા છીએ, અને ઇચ્છીએ છીએ કે જે કામચલાઉ કારભારી કાઉન્સિલ સ્થાપવામાં આવી છે તેમાં કઈ નહિ તો સગીર રાજ્યવહીવટ દરમ્યાન પ્રજાકીય તત્ત્વ દાખલ કરવામાં આવે...અમારા જેવા દાખલામાં ચક્રવર્ત્તી સત્તા એમ ન કહી શકે કે તેનાથી વચમાં ન પડી શકાય. જો રાજાના અધિકારોની રક્ષા ચક્રવર્તી સત્તાની ફરજરૂપ છે, તો રાજ્યની પ્રજા પ્રત્યે પણ તેની કશી ફરજ ખરી કે નહીં? આપ આ પ્રશ્ન પર કઈ અજવાળું પાડશો?”
આ પ્રશ્ન પ્રાસંગિક છે. બ્રિટિશ હિંદની પ્રજા જે છૂટો ભોગવે છે તે બધી બ્રિટિશ કારભારવાળાં રાજ્યોની પ્રજા કાં ન ભોગવે? ખરું જોતાં તો બ્રિટિશ કારભાર નીચેના હરકોઈ શાણા તથા ઉદાર કારભારીને સત્તાની રૂએ પોતાની સંભાળ નીચે વસતી પ્રજાનું કલ્યાણ કરવાનો જે અવકાશ છે તે ખુદ બ્રિટિશ હિંદમાં છે તેના કરતાંયે વધુ છે. પ્રાંતીય કારભારની ઘરેડમાં કામ કરનારા બ્રિટિશ અમલદાર કરતાં આવાં રાજ્યના કારભારીને ખચીત ઘણી વધુ છૂટ છે. બ્રિટિશ હિંદના અમલદારને માથે એક ઉપર એક એમ અનેક ઉપરી અમલદારો છે અને તેને સત્તા પણ મર્યાદિત મળેલી હોય છે. એથી ઊલટું રાજ્યના કારભારી પોતાના નાના રાજ્યની મર્યાદામાં ગવર્નર કરતાં પણ વધુ છે. તેને માથે અંકુશ માત્ર જે પ્રદેશમાં તેનું રાજ્ય આવેલું હોય છે તે પ્રદેશના એજન્સી રેસિડેન્ટની સામાન્ય દેખરેખની જ છે. તેથી જો ચક્રવર્તી સત્તાની નીતિ અસંદિગ્ધ ભાષામાં જાહેર થયેલી હોય અને સંપૂર્ણતાએ તેની બજાવણી થતી હોય તો આવાં રાજ્યમાં અંધેરને સારુ અગર તો ન્યાયની નિષ્ફળતાને સારુ કશું જ બહાનું રહેતું નથી. પણ જો રાજ્યનો કારોબાર જોઈએ તેવો ન હોય તો તે બતાવે છે કે રાજ્યોની પ્રજાને સંબધ છે ત્યાં સુધી ચક્રવર્તી સત્તાની નીતિ નિશ્ચિત થયેલી નથી. રાજ્યે પોતાની પ્રજા પ્રત્યે યોગ્ય અમલ કરે એ માટે એનો આગ્રહ નથી. પ્રજાના પ્રાથમિક હકોની બાબતમાં તો ચક્રવર્તી સત્તાને પક્ષે બિનદખલગીરીની નીતિ જેવી કશી વસ્તુ જ ન હોવી જોઈએ. બિનદખલગીરીની નીતિને પડકાર તો ત્યાં સુધી જ ન થાય જ્યાં સુધી રાજ્યોની પ્રજા પોતાનું બળ ઓળખતી ન થઈ હોય. પણ આજકાલ તો રાજ્યોની પ્રજામાં એટલું બધું આત્મભાન જણાય છે કે બિનદખલગીરીની નીતિ વધુ કાળ સફળ થઈ શકે નહિ. બ્રિટિશ કારોબાર હેઠળનાં રાજ્યોમાં ન્યાયની ના એ તો કલ્પના બહારની વસ્તુ હોવી જોઈએ. ચંબાના લોકો પાસે ત્યાંની પરિસ્થિતિ વિષે હકીકતો હોય તે તેમણે કશો મુલામો ચડાવ્યા વગર પ્રગટ કરવી જોઈએ. મારી ખાતરી છે કે જો ત્યાં કશો અન્યાય થયો હશે તો જાહેર પ્રજામતનું બળ તેમને જરૂરી દાદ મેળવી આપશે.
દેશી રાજ્યોની પ્રજાના અધિકારોને લગતી ચક્રવર્તી સત્તાની પ્રગટ નીતિને અભાવે જે વીતે છે તેનો આબાદ દાખલો ધામીના નાનકડા ડુંગરી રાજ્યમાં બનેલો તાજેતરનો બનાવ પૂરો પાડે છે. જે ગોળીબારનો હત્યાકાંડ ત્યાં થયો તે ચક્રવર્તી સત્તાની નીતિ જો જાહેર હોત તો અશક્ય થાત. આ હત્યાકાંડને અંગે ત્યાંના પોલિટિકલ એજન્ટ તરફથી પ્રગટ કરવામાં આવેલી યાદી એ બાબતમાં છેવટનો શબ્દ ન ગણાવી જોઈએ. એજંટ પાસે સાચો નિર્ણય લડવાને સારુ જોઈતી સામગ્રી નહોતી. આવા દરેક ગોળીબારની પાછળ ખુલ્લી અદાલતી તપાસ વગર વિલંબે થવી જોઈએ. રાજાઓ જેઓ ઘડીઘડીમાં ભયભીત થઈ જાય છે અને ગોળીબારનો આશ્રય લે છે તેમને, અત્યારે તેમની રૈયતના જાનમાલ ઉપર જે સત્તા તેઓ ધરાવે છે, તે ન જ હોવી જોઈએ. પ્રજા પણ કઈ સામગ્રીને આધારે આવા બનાવો ઉપર પોતાનો યોગ્ય નિર્ણય બાંધે ? તે પોતે કશી સત્તાવાર તપાસ નીમી શકે નહિ, અને પોલિટિકલ એજંટની યાદી એ કંઈ સાચો ભોમિયો ન કહેવાય. ધામીની યાદી લો. એમાં કરેલાં કથનોને પડકારવાનું હું જરૂરી ગણતો નથી. તેનો શબ્દેશબ્દ કદાચ સાચો હોય. પણ મુદ્દાની વાત એ છે કે આવી યાદી અટળ વિશ્વાસ પેદા કરી શકે નહિ. દેખીતી રીતે જ આવી યાદી એ એકપક્ષી દસ્તાવેજ ગણાય. પોલિટિકલ એજન્ટ પોતાના કથનના આધારમાં કશી કાયદેસરની સાબિતીઓ આપી શક્યા નથી. તેમની માહિતીનાં સાધન તે જણાવતા નથી. જેમાં ગુનેગારને અગર ગુનેગારોને પોતાના અપરાધની સજા ખમવી પડે — પછી તે અપરાધ રાજ્યને પક્ષે થયો હોય કે પ્રજાને પક્ષે — એવી અદાલતી તપાસ જ પ્રશ્નમાં વિશ્વાસ પેદા કરી શકે. આમ જો રૈયતે રાણાને દબડાવવાનો કે ભયભીત કરી મૂકવાનો પ્રયત્ન કર્યો હોય તો તે બેશક તેટલું જ ખોટું હતું જેટલું શ્રી. ભાગમલે તેમની સામેના હુકમની જો અવગણના કરી હોય તો તે ખોટું હતું. વળી કહેવાતા સરઘસમાં બહારના લોકો ભળ્યાની બીના જો સાચી હોય તો તે પણ તેટલું જ ખોટું હતું. તાત્કાળિક ‘અલ્ટિમેટમ’ અપાયાની બીના પણ જો સાચી હોય તો તે ભારે ઉદ્ધતાઈ ગણાય, અને તે તીખી નિંદાને પાત્ર છે. જવાબદાર રાજ્યતંત્ર આથી કંઈક વધુ સંગીન સામગ્રીમાંથી બને છે. ધામી રાજ્ય સાચે જ જો ૫,૦૦૦ની વસ્તીનું અને રૂ. ૩૦,૦૦૦ની વાર્ષિક આવકવાળું રજવાડું હોય તો અહીં જવાબદાર રાજ્યતંત્ર અર્થ વગરની વસ્તુ છે. જો દરેક રજવાડાની પ્રજા કાયદો હાથમાં લઈને આમ ચાલી નીકળશે તો લોકોને અપરંપાર નુકસાન પહોંચાડશે. આવાં રાજ્યોની રાહબર અખિલ ભારત પ્રજા પરિષદ બેઠેલી છે. તેની રાહબરી દરેક પ્રજામંડળે લેવી જોઈએ અને પોતાનો કેસ અને પોતાની સ્વતંત્રતાની માગણી ઘડવી જોઈએ. અહીં તે પ્રજા બહુ ઉતાવળી થઈ ગઈ એ નિઃસંદેહ છે.
પણ રાણાનું શું ? તેમણે પ્રજાની જોડે ન્યાયનું વર્તન રાખ્યું છે શું? શું સાચે જ તેમની જિંદગી એવડા જોખમમાં મુકાઈ ગઈ હતી કે તેમને આત્મરક્ષાની ખાતર ગોળીબાર કરાવવો પડે ? દરેક ટોળું કંઈ ખસૂસ દુશ્મન ટોળું નથી હોતું. ગોળીબારની બીનાને કોઈએ હળવી ન જ લેખવી જોઈએ. દેશી રાજ્યોની હદમાં માણસની જિંદગીની કિંમત બ્રિટિશ હિંદના જેટલી જ હોવી જોઈએ. દરેક ગોળીબારના પ્રસંગ પછી તેની બારીક ઝીણવટભરી તપાસ ચાલવી જોઈએ, અને તેમ કરી થતું અટકાવવા માટે દંડનાં તેમ જ અટકાવ કરનારાં સંગીન પગલાં લેવાવાં જોઈએ. ચક્રવર્તી સત્તાની ફરજ છે કે જે રાજા પોતાની સત્તાનો અદાલતી કાંટે તોળીને ઉપયોગ ન કરી જાણે તેમની પાસેથી તેવી સત્તા ખૂંચવી લેવી. બૃહદ ભારતવર્ષમાં રાજ્યનું સ્થાન કયું ? એ આખો પ્રશ્ન જ નવેસર વિચારણા માગી લે છે.
જૂનાને સ્થાને નવો યુગ આવ્યો છે. કાળના આવા પલટાની સાથે જુદા જુદા પક્ષોની રીતરસમમાં પણ પલટો થવો જોઈએ. આ પક્ષો એટલે ચક્રવર્તી સત્તા, રાજા, તેમની પ્રજા, અને છેલ્લે મહાસભા — જો એ સંસ્થા આજના ઘરકજિયામાંથી બચી બહાર નીકળે તો. ચક્રવર્તી સત્તા અગર તો રાજાઓ, જે મહાસભાની છાયા તળે રાજ્યોની પ્રજા આરંભથી જ ખીલતો વિકસતી આવી છે, તેને અવગણશે તો આ પ્રજાઓને મહાસભાએ દોર્યે જ છૂટકો. રાજાઓ અગર તે ચક્રવર્તી સત્તા મહાસભાની આવી રાહબરી સામે રોષ ધરશે તો તેમાંથી અચૂક પણ સાવ બિનજરૂરી અથડામણ ઊભી થયા વિના રહેશે નહિ. નિકટમાં નિકટ સામાજિક અને આર્થિક બંધનોથી બંધાયેલા એક હાડ અને લોહીના લોકો કૃત્રિમ વાડાની દીવાલોથી જુદા રહી જ કેમ શકે ? ભૂષણ તો એમાં રહેલું છે કે મહાસભાનો અવિશ્વાસ કે ભય ન ધરતાં સૌ કોઈ રાજાઓ તથા તેમની પ્રજાના હિતાર્થે જ્યારે જ્યારે મહાસભાની મદદ મળી શકે ત્યારે ત્યારે તેને આવકારે.
અલબત્ત, મહાસભાએ પણ પોતાની મર્યાદા સમજવી પડશે. જો તે મિત્રભાવે અને શાંતિપૂર્વક પોતાનું કામ કરશે તો જ તેની અસર પડવાની આશા તે રાખી શકશે. તેણે બધા પક્ષો વચ્ચે સરખો ન્યાય તોળવો પડશે. બળ અગર તો દબાણનો બધો દેખાવ તેણે તજવા જોઈશે. આ દૃષ્ટિએ ધામી રાજ્ય બહારના લોકો સરઘસમાં ભળ્યાનું કહેવાય છે તે વસ્તુ મહાસભાની રાહબરી હેઠળ અશક્ય હોત. વળી જો મહાસભા અહિંસાને વળગી રહેશે તો જ તેના પ્રભાવ કારગત નીવડી શકશે. નૈતિક પ્રભાવ એ જ એની એકમાત્ર મૂડી છે. બીજી કોઈ પણ ભૂમિકા તે સ્વીકારશે તે ઘડીએ જાદવાસ્થળી અને ખૂનરેજી ચાલવાની. ધામીના બનાવને મહાસભાવાદીઓ બોધપાઠરૂપ સમજે. આ હું એની દેખાતી મર્યાદા સાથે કહું છું, કારણ કે ધામીમાં શું બન્યું છે અને સાથે કોને વાંકે બન્યું છે તે કશું હજી આપણે જાણતા નથી એ સૌ કબૂલ કરે છે. ઘટતી અદાલતી તપાસને અભાવે યોગ્ય પગલું લેવું અશક્ય છે.
- ઍબટાબાદ, ૨૨-૩-૩૨
- હરિજનબંધુ, ૩૦-૭-૧૯૩૯