દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજાઓને

વિકિસ્રોતમાંથી
← અહિંસા વિ૦ હિંસા દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાઓને
મોહનદાસ કરમચંદ ગાંધી
સગીર રાજ્યવહીવટ →







૭૭
રાજાઓને

દેશી રાજ્યોના મામલામાં રસ લેનાર ઘણાઓએ મને પૂછ્યું છે કે મારા અભિપ્રાય મુજબ એવી ઓછામાં ઓછી માગણીઓ કઈ ગણાય જેની બાંહેધરી બધાં દેશી રાજ્યોએ બ્રિટિશ હિંદના કેળવાયેલા પ્રજામત જોડે ઊભવા ખાતર આપવી જોઈએ. આવા અભિપ્રાય ધરાવવા અગર આપવા એ મહાસભાને માટે કદાચ ગેરવાજબી લેખાય. લોકસત્તાત્મક સંસ્થા રોજેરોજ બનતા બનાવો ઉપર જ અભિપ્રાય જાહેર કરી શકે. ગમે તેમ હો પણ અત્યારે હું જે અભિપ્રાય અહીં આપી રહ્યો છું તે મારો પોતાનો છે અને મારા સિવાય કોઈને તે બંધનકર્તા નથી.

નાનાંમોટાં તમામ દેશી રાજ્યો ઓછામાં ઓછું આટલું આપી શકે:

૧. પૂર્ણ નાગરિક સ્વાતંત્ર્ય―જ્યાં સુધી તેનો સીધી કે આડકતરી રીતે હિંસાને ઉત્તેજવામાં ઉપયોગ કરવામાં ન આવે. આમાં છાપાં ચલાવવાની અને હિંસાને ન ઉત્તેજનારાં છાપાં મંગાવવાની છૂટ આવી જાય છે.
૨. દરેક રાજ્યના પ્રજાજનોને મંડળો સ્થાપવાની અને તે તે રાજ્યોમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવાની તરફેણમાં પ્રજામત કેળવવાની સ્વતંત્રતા.

૩. રાજ્ય બહારના હિંદીઓને, જ્યાં સુધી તેમની પ્રવૃત્તિઓ મજકૂર રાજ્યનો નાશ કરવાને સારુ યોજાયેલી ન હોય ત્યાં સુધી, કશી રોકટોક વગર રાજ્યોમાં દાખલ થવાની સ્વતંત્રતા.
૪. રૂા. ૧૦ થી ૧૫ લાખની વાર્ષિક આવકવાળાં રાજ્યોમાં આવકના દસમા ભાગ સુધી, અને કોઈ પણ દાખલામાં વાર્ષિક ત્રણ લાખ રૂપિયાથી વધુ નહિ, એવી મર્યાદા રાજાના અંગત ખરચ ( દા. ત. મહેલનાં ખરચો, મોટરગાડીઓ, તબેલા, રાજાના મહેમાનો ઇત્યાદિ) ઉપર મૂકવી, સિવાય કે એવાં ખરચોની બાબતમાં જે સ્પષ્ટપણે નિર્દેશ કરેલી જાહેર ફરજો બજાવવાને અંગે થયાં હોય.
૫. ન્યાયખાતું સ્વતંત્ર, સ્થાયી, અને તમામ પ્રકારની દખલગીરીથી મુક્ત રહે. આ બાબતમાં એકસરખો અમલ અને કડક નિષ્પક્ષપણું જળવાય એટલા સારુ જે પ્રાંતમાં રાજ્ય આવેલું હોય તે તે પ્રાંતની હાઈકોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ રહે. હાઈકોર્ટોનું નિયમન કરનારા કાયદામાં ફેરફાર કર્યા વગર આ કદાચ શક્ય ન હોય, પણ હું માનું છું કે જો રાજ્યોની સંમતિ હોય તો તેવો ફેરફાર સહેલાઈથી થઈ શકે.

રાજ્યબંધારણના સુધારાનો ઉલ્લેખ મેં જાણીજોઈને નથી કર્યો. આનો આધાર દરેક રાજ્યની પરિસ્થિતિ ઉપર રહેશે. હું તા માની લઉં કે જ્યાં સ્થાનિક પ્રજામત બળવાન હશે ત્યાં તેની માગણીને રાજાએ સ્વીકાર્યે જ છૂટકો.

પણ મારી દૃષ્ટિની ઓછામાં ઓછી ઉપરલખી માગણીઓનો સૌથી વાદગ્રસ્ત મુદ્દો તો કદાચ હાઈકોર્ટોમાં લઈ જવાની અપીલના હકને લગતો છે. અને છતાં આવી કંઈક ગોઠવણ વિના રાજ્યોમાં શુદ્ધ ન્યાયની ખોળાધરી આપી શકાય એમ નથી, પછી આની વિરુદ્ધ ભલે ગમે તે દલીલો રજૂ કરવામાં આવે. હાઈકોર્ટોની સંસ્થા અંગ્રેજોએ ધીરજભર્યાં પ્રયાસોથી અને કાળજીથી રચી છે. હાઈકોર્ટના વિધિ ખર્ચાળ અને અપેક્ષાના પ્રમાણમાં બહુ અસંતોષકારક છે, દેશના ગરીબ વર્ગના ગજા બહારના છે, કઢંગા અને બોજારૂપ પણ છે, લફંગા લોક એમાં ઘણી વાર ફાવી જાય છે. આ બધા દોષો છતાં, અને જ્યાં મોટા રાજદ્વારી મામલાઓના વિચાર આડે નથી આવતા ત્યાં, હાઈકોર્ટોના ચુકાદા ન્યાય્ય અને નિર્ભયપણે અપાતા જોવામાં આવે છે. આવી હાઈકોર્ટો સિવાય બીજો કોઈ સહેલો અને તૈયાર અંકુશ રાજ્યની અદાલતોના મનસ્વીપણા સામે અને કેટલીક વાર રાજ્યના સત્તાધીશો આગળ તેમની જીલબ્બે સામે હું કલ્પી શકતો નથી. બીજું કશું તેટલું જ સચોટ શોધી શકાય તો તેમાં મને વાંધો નથી.

એક વાત સ્પષ્ટ લાગે છે. હિંસા વગર જો કદી રાજાઓ પાસેથી સત્તા પ્રજાના હાથમાં જવાની હશે અને જો રાજાઓ રાજા તરીકે રહેવાના હશે, તો તેમણે બદલાયેલા સંજોગોને અનુકૂળ થયે જ છૂટકો છે. મારી યોજનામાં, એટલે હું રાજાઓ સ્વેચ્છાપૂર્વક પોતાની સત્તા છોડે અને પ્રજાના સાચા ટ્રસ્ટીઓ બને એ યોજનામાં, બહુ થોડા લોકોને આસ્થા છે. ટીકાકારોનું કહેવું છે કે એ શેખચલ્લીના વિચાર છે, મનુષ્યસ્વભાવની વિરુદ્ધ છે. પણ હું પોતે ત્યાં સુધી એની વહેવારુ શક્યતામાં માનું છું ત્યાં સુધી મારે એની હિમાયત કર્યે જ છૂટકો. દુનિયા આજે કાં તો આત્મનાશની દિશાએ અને કાં તો તેનાં નૈતિક, સામાજિક, આર્થિક તેમ જ રાજકીય તમામ દરદોનો અહિંસક ઇલાજ શોધવાની દિશાએ અનિવાર્યપણે ઘસડાઈ રહી છે. ઝઝૂમી રહેલું મહાયુદ્ધ, એ મહાનાશમાંથી જો આપણામાંના થોડાઘણા પણ બચવા પામ્યા હશે તો, આપણને ઇચ્છિત ઇલાજની નજીક પહોંચાડશે. તેથી એ ઝઝૂમી રહેલા કિસ્મતમાંથી ઊગરવાનો એકમાત્ર ઇલાજ તેનો અહિંસક ઉકેલ શોધવો એ છે, એમ જે સમજે છે તે પોતાની કૌટુંબિક, કોમી કે બીજી તમામ ગૂંચો ઉકેલવાને સારુ એ જ ઇલાજની યોજના કરશે. અહિંસા તમામ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લાગુ પડનારો સાર્વત્રિક સિદ્ધાન્ત છે. તેની અવગણના સીધી નાશને માર્ગે લઈ જનારી છે — આજે કે વખત જતે.

રાજાઓ આ કોયડાનો ઉકેલ ગરાસિયા, મુસલમાન, હરિજનો કે તેમના પોતાના પ્રજાજનોમાંના કાયર વર્ગ જોડે મિલાવટ કરીને કરી શકવાના નથી. એવી મિલાવટ તેના પોતાના જ બોજા તળે ભાંગી પડવાની છે. એ મિશ્રણ જાતે જ જ્વાલાગ્રાહી છે. વળી આવી મિલાવટ પણ કોની સામે ? જે મહાસભા રાજાઓ સિકકે તમામનાં હિતોની પ્રતિનિધિ બનવા માગે છે તેની સામે ? જે દિવસે મહાસભા તેના સંપૂર્ણ અર્થમાં રાષ્ટ્રીય નહિ રહે તે દિવસે તે કુદરતી મોત પામશે. એની પાછળ તો એવી ૫૦ વરસની અખંડિત પરંપરા પડેલી છે. ગમે તેવા કાયાપલટ થાય છતાં એ એક જ એવું તંત્ર છે જે બ્રિટિશ સામ્રાજ્યશાહીની પાછળ એની જગા લેશે. સામ્રાજ્યશાહી તરીકે તે બ્રિટિશ સત્તાના દિવસો હવે ભરાયા છે જ. બ્રિટિશ મુત્સદ્દીઓ આ સમજે છે. તેઓ તેના કાયાપલટની અગર તો નાશની સામે થવાના નથી, થવા માગતા નથી. એ સામ્રાજ્યશાહી દિવસે દિવસે એ કારણસર પણ બોજારૂપ થતી જાય છે કે એની આખી રચના તીવ્ર તંત્રબદ્ધ હિંસા ઉપર થયેલી છે. રાજાઓ અમુક સમય સુધી ભલે મહાસભાની અવગણના કરે, તેઓ હમેશને સારુ તેમ કરી શકવાના નથી. કેટલાક તો એટલે સુધી બોલ્યાનું કહેવાય છે કે મહાસભા વાણિયાઓની બનેલી છે, જે ઉપર જણાવેલી મિલાવટવાળા વર્ગની મૂઠીઓના થોડાક મુક્કા માથા પર પડતાની સાથે ઊભી પૂંછડીએ નાસી જશે. હું અદબ સાથે જણાવવા ઈચ્છું છું કે મહાસભા વાણિયાઓની બનેલી નથી. વાણિયા તો એમાં આંગળીને વેઢે ગણી શકાય તેટલા હશે. જે લાખો લોકોએ સવિનય ભંગની લડતમાં ભાગ લીધો તેઓ વાણિયા નહોતા. આથી હું એમ સૂચવવા નથી માગતો કે તેઓ મુક્કાનો જવાબ મુક્કાથી વાળવાવાળા હતા. તેમાંના ઘણા એમ કરવાને અલબત્ત શક્તિવાળા હતા જ; પણ તેમણે હિંસાત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. જે અસંખ્ય મહાસભાવાદીઓનાં માથાં લડતોમાં ભાંગ્યાં તે મુક્કાઓ કરતાં કશીક વધુ કઠણ ચીજ જોડે અફળાઈ ને ભાંગ્યાં હતાં. મારા કથનનું તાત્પર્ય એટલું જ છે કે મહાસભા નર્યાં ડરકુઓની બનેલી નથી. અહિંસા અને કાયરતા એ બેનો મેળ ખાઈ શકતો નથી. એકાદ પૂરા હથિયારબંધ માણસના બદનમાં ડરકુનું હૈયું ધબકતું હું કલ્પી શકું છું. પણ ખરી અહિંસા નિર્ભેળ અભયની સિદ્ધિ વિના અશક્ય છે.

રાજાઓને હું વીનવું છું કે મહાસભાને આ દેશમાંની એક શક્તિ તરીકે તેઓ તુચ્છ ન સમજે. તેની નીતિ હજી અહિંસક જ છે. હું કબૂલ કરું છું કે હિંસા તરફ તે ત્વરાથી ઝૂકી રહી છે, અને મારા થોડાક સાથીઓ અહિંસાની તરફેણમાં મહાપ્રયત્નો કરી રહ્યા છે. રાજાઓને તેમની પોતાની ખાતર અને જે દેશે તેમને જન્મ આપ્યો છે તે દેશની ખાતર અહિંસાના પક્ષમાં પોતાનું વજન નાંખવા હું વિનંતી કરું છું. મહાસભાની સ્થિતિ અનિશ્ચિત છે. કાં તો એ વધુ ને વધુ અહિંસક થતી જશે અગર તો તે હિંસાને સ્વીકારનારું એક તંત્ર બની જશે. ભલે તુરતમાં હિંસાનાં કાર્યો ન કરે પણ આખરી હિંંસાને સારુ તે તૈયારી કરશે. કોઈ પણ સ્થિતિમાં કાયરોને તો પોતાની વચ્ચે નહિ રહેવા દે. તેમ કરશે તો તેનાં આજનાં શક્તિ અને પ્રભાવ નષ્ટ થશે. આમ ઊંંચા કે નીચા (અને મહાસભાની નજરમાં તો કોઈ ઊંચું નીચું છે જ નહિ) દરેક હિંદીએ આજે પોતાની પસંદગી કરી લેવી રહી છે.

ઍબટાબાદ, ૮-૭-૩૯
હરિજનબંધુ, ૧૬–૭–૧૯૩૯