લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/અહિંસા વિ૦ હિંસા

વિકિસ્રોતમાંથી
← એની સમજણ દેશી રાજ્યોનો પ્રશ્ન
અહિંસા વિ૦ હિંસા
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજાઓને →







૭૬
અહિંંસા વિ૦ હિંંસા

રાજકોટના પગલાને અંગેની વિચારણા ગયાને આગલે અઠવાડિયે મેં અધૂરી મૂકી હતી તે આગળ ચલાવીએ.

તાત્ત્વિક દૃષ્ટિએ તો એ સાચું જ છે કે, જો હરકોઈ વ્યક્તિમાં પૂરતી અહિંસા કેળવાઈ હેાય તો પોતાના ક્ષેત્રમાં ગમે તેવડી વ્યાપક અગર તીવ્ર હિંસાનો સામનો કરવાનો માર્ગ શોધી કાઢવા તે શક્તિમાન થવો જોઈએ. મારી અપૂર્ણતાઓનો મેં વારંવાર એકરાર કર્યો છે. હું કંઈ સંપૂર્ણ અહિંસાનો નમૂનો નથી. હું તો ઘડાઈ રહ્યો છું. મારામાં વિકસી છે તેવી અહિંસા પણ વખતોવખત ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવાને સારુ આજ સુધી પૂરતી માલૂમ પડી છે. પણ આજે ચોમેર વર્તી રહેલી હિંસા સામે હું અસમર્થ છું એમ અનુભવી રહ્યો છું. રાજકોટવાળા મારા નિવેદનની ભેદક આલોચના કરતો ‘સ્ટેટ્સમૅન’ પત્રનો એક લેખ મારા જોવામાં આવ્યો હતો. તંત્રીના લખાણનો ઝોક એ હતો કે ‘અંગ્રેજોએ આપણી હિલચાલને ખરા સત્યાગ્રહ તરીકે કદી માની જ નથી, પણ એ વહેવારચતુર પ્રજા હોઈ ચળવળને હિંસક બંડ તરીકે જાણવા છતાં એ અહિંસક હોવાનો ભ્રમ એણે ચાલવા દીધો છે. બંડખોરો પાસે હથિયાર નથી એટલા સારુ કંઈ એ બંડ મટતું કે મોળું ઠરતું નથી.’ લખાણનો સાર મેં યાદદાસ્ત ઉપરથી આપ્યો છે. આ લખાણ મેં વાંચ્યું તેવું જ તેની દલીલમાં રહેલું વજૂદ હું જોઈ શક્યો. આખી લડતની મારી કલ્પના તો જોકે શુદ્ધ અહિંસક પ્રતિકારની હતી, છતાં આજે જ્યારે એ દિવસોના બનાવો યાદ કરું છું ત્યારે જોઉં છું કે લડનારાઓ હિંસારહિત નહોતા. મારે કબૂલ કરવું જોઈએ કે જો મારી સ્થિતિ અહિંસાના સૂર જોડે સાવ એકતાન બની ગયેલી હોત તો અણીશુદ્ધ અહિંસા જોડે સહેજમાં સહેજ બસૂરો સૂર પણ મારા કાનને કડવો લાગત અને મને અકળાવત.

મને લાગે છેં કે હિંદુ-મુસ્લિમે એકજીવ થઈને તે કાળે જે મારચો માંડ્યો તેણે ઘણાનાં હૈયાંમાં લપાઈ ને પડેલી હિંસા પ્રત્યે મને આંધળો બનાવ્યો. અંગ્રેજો પાકા મુત્સદ્દીઓની તેમ જ રાજ્યશાસકોની પ્રજા છે. ગમ ખાય અને ઓછામાં ઓછો સામનો કરવાને ધોરણે ચાલે. તેથી જ્યારે તેમણે જોયું કે એક મહામોટી સંસ્થાને સિતમનાં ચક્રો ચાલુ કરી કચડી નાખવા કરતાં તેની જોડે સમજૂતીને ધોરણે કામ લેવામાં વધુ લાભ છે ત્યારે તેમણે જરૂર લાગી તેટલું નમતું તોળ્યું. બાકી એટલું તો હું દૃઢપણે માનું જ છું કે આપણી લડત મનસા વાચા નહિ તોયે કર્મે કરીને તો મોટે ભાગે અહિંસક હતી જ, અને ભાવિ ઇતિહાસકાર તેને અહિંસક તરીકે જ સ્વીકારશે. પણ સત્ય અહિંસાના શોધક તરીકે મનની નિષ્ઠા વિનાના એકલા કાર્યથી મને સંતોષ ન થવો જોઈએ. મારે તો પોકારીને કહેવું રહ્યું કે, તે કાળની અહિંસા મેં કરેલી વ્યાખ્યા મુજબની અહિંસાના કરતાં બહુ ઊતરતી પંક્તિની હતી.

મનબુદ્ધિના ટેકા વિનાનું માત્ર કાર્યમાં અહિંસક પગલું ધારેલું પરિણામ નિપજાવી શકતું નથી. આપણી અપૂર્ણ અહિંસાની નિષ્ફળતા આજે નરી આંખે દેખી શકાય છે. હિંદુ-મુસ્લિમ વચ્ચેનો વિખવાદ જુઓ. અસહકારના કાળમાં જે હિંસાને આપણે આપણાં હૈયાંમાં સંઘરી હતી તે આજે આપણા ઉપર જ ઊઠી છે. પ્રજામાં જે હિંસક શક્તિ પેદા થઈ, અને એક સર્વસામાન્ય ધ્યેયની પ્રાપ્તિની ગણતરીએ તે કાળે અંકુશમાં રહી, તે આજે ફાટી નીકળી છે અને આપણી વચ્ચે એકબીજા સામે જ વપરાઈ રહી છે!

એથીયે નજીક ખુદ મહાસભાવાદીઓમાં પોતાની વચ્ચે જે આપસના કજિયા જોવામાં આવે છે અને મહાસભાના પ્રધાનોને પોતાનો કારોબાર ચલાવવામાં બળજોરીની રીતો અખત્યાર કરવાની જે ફરજ પડી રહી છે તેમાંથી પણ એ જ વસ્તુ — સહેજ ઓછા બેહૂદાપણાથી — દીસી આવે છે.

આ બધું સ્પષ્ટ દેખાડે છે કે, વાતાવરણ હિંસાથી ભર્યું છે. આમાં ધરમૂળનો પલટો ન થાય તો વ્યાપક અહિંસક લડત અશક્ય છે એટલું આપણને સમજાઓ. આપણી ચોમેર જે બનાવો બની રહ્યા છે તે પ્રત્યે આંધળાભીંત થવું એ મહાવિપદ નોતરવા બરાબર છે. મને કહેવામાં આવે છે કે, જો હું દેશવ્યાપી સવિનય ભંગની લડત ઉપાડું તો બધા આંતરકલહ શમી જશે, હિંદુ-મુસ્લિમ પોતાના મતભેદની સમજૂતી કરી લેશે, અને મહાસભાવાદીઓ આપસનાં ઈર્ષ્યાદ્વેષ અને સત્તા માટેની હોંસાતોંસી ભૂલી જશે. મને એથી સાવ નિરાળું ભાસે છે. મને એથી તો લાગે છે કે, જો કદી અત્યારે અહિંસાને નામે કોઈ આમપ્રજાની ચળવળ ઉપાડવામાં આવે તો તેમાંથી મોટે ભાગે અવ્યવસ્થિત અને ક્યાંક ક્યાંક વ્યવસ્થાપૂર્વકની હિંસા જ ચાલે, એવું પગલું મહાસભાને લાંછન આણે, તેની પૂર્ણ સ્વાતંત્ર્યની લડતને ઘાતક નીવડે, અને અગણિત કુટુંબો તારાજ થાય.

આ ચિતાર સાવ ખોટો અને કેવળ મારી નબળાઈમાંથી જન્મેલો પણ હોય. તેમ હોય તો તે નબળાઈ મારામાંથી ન જાય ત્યાં સુધી જેને અંગે મહાન બળ અને નિશ્ચયની જરૂર છે એવી લડતની આગેવાની હું કેમ લઈ શકું ?

પણ જો શુદ્ધ અહિંસક એવી કશી સચોટ રીત હું ન શોધી શકું તો હિંસા ફાટી નીકળવાનો સંભવ પણ ચોક્કસ જણાય છે. પ્રજા ગમે તે રસ્તે પણ પોતાની અસ્મિતા પ્રગટ કરવા અધીરી બની છે. મેં યોજેલા અને મહાસભાએ લગભગ એકમતીથી સ્વીકારેલા રચનાત્મક કાર્યક્રમથી તેને સંતોષ નથી. હું અગાઉ કહી ગયો છું તેમ રચનાત્મક કાર્યક્રમને મળતો ઉપચોટિયો જવાબ જ મહાસભાવાદીઓની અહિંસા પ્રત્યેની ઉપચોટિયા નિષ્ઠાની સ્પષ્ટ સાબિતીરૂપ છે.

પણ જો હિંસા ફાટી નીકળે તો તે કારણ વિના નહિ હોય. આપણે આપણી સ્વપ્નસૃષ્ટિના પૂર્ણ સ્વરાજથી બહુ દૂર છીએ. બેજવાબદાર મધ્યવર્તી સરકાર દેશની ઊપજના ૮૦ ટકા હોઇયાં કરી જાય છે, પ્રજાને પીસી રહી છે, અને તેની આકાંક્ષાઓને ગૂંગળાવી રહી છે. આ બધું દિવસે દિવસે હવે વધુ ને વધુ અસહ્ય થતું જાય છે.

વળી મોટા ભાગનાં દેશી રાજ્યોની ભયાનક આપખુદીનું ભાન પણ દિનપ્રતિદિન વધુ તીવ્ર થતું જાય છે. સંખ્યાબંધ રાજ્યોમાં સવિનય ભંગ મોકૂફ કરાવ્યાની મારી જવાબદારી મારે કબૂલ કરવી રહી છે. પરિણામે પ્રજામાં તેમ જ રાજાઓમાં બેઉમાં નાદાની પેઠી છે. પ્રજા હતાશ થઈ ગઈ છે, અને એને લાગે છે કે બધું ઢોળાઈ ગયું. રાજાઓની નાદાની એ કે, તેઓ એમ માનવા લાગ્યા છે કે પ્રજા તરફથી એમને હવે કશું જ બીવાપણું નથી, તેને કશું ખોવાપણું નથી. બેઉ ભૂલમાં પડ્યાં છે. હું આ પરિણામથી ગભરાતો નથી. ખરું જોતાં જયપુરી કાર્યકર્તાઓ જોડે હું તેમની લડત નિયમો અને મર્યાદાઓથી પરિમિત હતી છતાં મોકૂફ રાખવાની યોગ્યતા વિષે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે આવાં પરિણામોની શક્યતાની મેં આગાહી કરી હતી. પ્રજામાં આવેલી નિરાશા બતાવે છે કે બાહ્ય ક્રિયાની અહિંસા પાછળ મનવાણીની અહિંસા નહોતી, અને તેથી જેલ જવાનો કેફ અને જુસ્સો અને તેને અંગેના દેખાવોની ઉત્તેજના ખલાસ થયાં તેની સાથે જ જાણે ખલાસ થઈ એવી લાગણીએ તેને ઘેરી. રાજા માની બેઠા કે લડનારાઓની સામે જલદ ઇલાજો લઈને અને નરમ લોકો હોય તેમને નકલી સુધારાથી સમજાવી લઈને હવે તેઓ નિરાંતે પોતાની આપખુદીની કિલ્લેબંધી કરી શકે તેમ છે.

પણ સાચી સમજણ હોત તો પ્રજા તેમ જ રાજાઓ બેઉના ઉપર મારા પગલાની જે અસર થવી ઘટતી હતી તે જ થાત. લોકો મારી સલાહની યથાર્થતા સમજીને મૂગા અને નિશ્ચયી પ્રયત્નથી રચનાત્મક કાર્યને વળગી, શાંતપણે બળ અને શક્તિનો સંચય કરવા પાછળ લાગત, અને રાજાઓ મોકૂકીથી મળેલી તકને ઓળખી, વગર સોદો કર્યે શુદ્ધ ન્યાય તોળી સમજદાર પણ પ્રગતિમાન એવા પ્રજાપક્ષને સંતોષે એવા સુધારા આપત. યુગબળને ઓળખે તો જ તેમનાથી આ થઈ શકે. હજીયે પ્રજાને કે રાજાઓને કોઈને સારુ વેળા વહી ગઈ નથી.

અહીં ચક્રવર્તી સત્તાનો પણ ઉલ્લેખ કરવાનું મારે ચૂકવું ન જોઈએ. રાજાઓ પોતાની પ્રજાઓને તેમને ઠીક લાગે તેવા સુધારાઓ આપવાને મુખત્યાર છે, એ મતલબની ચક્રવર્તી સત્તાએ કરેલી જાહેરાતનો કેમ જાણે તેને પસ્તાવો થઈ રહ્યો હોય એવાં લક્ષણ દેખાય છે. એવી વાતોના ભણકારા આવે છે કે જાણે ચક્રવર્તી સત્તા કહેતી હોય કે રાજાઓએ એ જાહેરાતનો અક્ષરશઃ અમલ કરવાની જરૂર નથી. એ જગજાહેર વાત છે કે, જેનાથી ચક્રવર્તી સત્તાની ખફામરજી થાય એમ હોય એવો અંદેશો પણ મનમાં ડોકાય એવું કોઈ પણ કામ કરવાનું સાહસ કરવાની રાજાઓની સ્થિતિ નથી. જેમને તેઓ મળે હળે નહિ એમ ચક્રવર્તી સત્તા ઇચ્છે તેમને રાજાઓ મળે પણ નહિ. આવડી સર્વગ્રાસી અસર રાજાઓ ઉપર ચક્રવર્તી સત્તા ચલાવતી હોય ત્યાં પછી આજે ઘણાં રાજ્યોમાં વર્તી રહેલી નિર્ભેળ આપખુદીને સારુ ચક્રર્વતી સત્તાને જવાબદાર ગણવી એ સાવ સ્વાભાવિક છે.

તેથી, આ દુર્ભાગી દેશમાં જો કદી હિંસા ફાટી જ નીકળવાની હશે, તો તેની જવાબદારી ચક્રવર્તી સત્તાને શિરે, રાજાઓને શિરે, અને સૌની ઉપરાંત મહાસભાવાદીઓને શિરે રહેશે. પહેલાં બેએ તો અહિંસક હોવાના દાવો કદી કર્યો જ નથી. તેમની સત્તા તો ખુલ્લી રીતે હિંસામાંથી આવેલી અને હિંસાબળ ઉપર અધિષ્ઠિત છે. પણ મહાસભાએ તો છેક ૧૯૨૦ની સાલથી માંડીને અહિંસાને પોતાની નિશ્ચિત નીતિ તરીકે સ્વીકારી છે, ને તેને વફાદાર રહેવા તે હંમેશાં પ્રયત્ન કરતી રહી છે. પણ મહાસભાવાદીઓનાં અંતઃકરણ કોઈ પણ વખતે અહિંસાથી છલકાયાં નથી, તેથી એ ગમે એટલી અજાણમાં પણ થયેલા દોષનું આજે તેમને ફળ ભોગવવું રહ્યું છે. બરાબર અણીની વેળાએ તેમના દોષ ઉપર તરી આવ્યા છે અને તેમની સદોષ કાર્યપદ્ધતિ આજે પરિસ્થિતિને પહોંચી વળવાને અસમર્થ નીવડી છે. અહિંસા એ દબાણ કે બળજોરીની રીત હરગિજ નથી, એ તો હૃદયપલટાની જ રીત છે. આપણે રાજાઓનો હૃદયપલટો કરવાને અસમર્થ નીવડ્યા છીએ, અંગ્રેજ શાસકોનો હૃદયપલટો કરવાને પણ અસમર્થ ઠર્યા છીએ. માણસની પાસે તેની સત્તા રાજીખુશીથી છોડાવવી એ અશક્ય વસ્તુ છે, એવી દલીલ નિરર્થક છે. સત્યાગ્રહ એક નવો પ્રયોગ છે એવો દાવો મેં કર્યો છે. મહાસભાવાદીઓ તેને પૂરા જિગરની અજમાયશ આપે તે પછી જ તેની નિષ્ફળતાની ઘોષણા કરવી વાજબી ઠરે, તે અગાઉ નહિ. માત્ર વ્યવહારનીતિ તરીકે સ્વીકારેલી વસ્તુને પણ જો સચ્ચાઈપૂર્વક અજમાયશ આપવી હોય્ તો તે તે પૂરા જિગરથી ચલાવવી જોઈએ. આપણે તેમ નથી કર્યું. તેથી ચક્રવર્તી સત્તા અગર તો રાજાઓ ન્યાયથી વર્તે એવી અપેક્ષા કરતા પહેલાં મહાસભાવાદીઓ એ પોતે પોતાનો હૃદયપલટો કરીને પોતાની નિષ્ઠાને સાચા નીવડવું રહ્યું છે.

પણ જો મહાસભાવાદીઓ અહિંસાની દિશામાં અત્યાર સુધી ગયા છે તેથી વધુ આગળ જઈ શકે તેમ ન હોય અગર જવા તૈયાર ન હોય, અને જો ચક્રવર્તી સત્તા તથા રાજાઓ પણ સ્વેચ્છાએ અને પોતાનો સ્વાર્થ ઓળખીને જે ન્યાય્ય વસ્તુ છે તે કરવા તૈયાર ન થાય, તો દેશે હિંસાને ફાટી નીકળેલી જોવા તૈયાર રહેવું જ રહ્યું છે — સિવાય કે મારા નવા પ્રયોગમાંથી અન્યાય અને દુઃખમાંથી ઊગરવાના ભાગરૂપે હિંસાની અવેજી કરી શકે એવી અહિંસક લડતની કોઈ સંગીન રીત જડી આવે. હિંસા નિષ્ફળ નીવડવાની છે એ બીના એને ફાટી નીકળતી નહિ અટકાવી શકે. નરી કાયદેસરની ચળવળથી કામ નહીં સરે.

મુંબઈ, ૪-૭–૩૯
હરિજનબધું, ૯–૭–૧૯૩૯