લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/એની સમજણ

વિકિસ્રોતમાંથી
← કેટલે સુધી? દેશી રાજ્યોનો પ્રશ્ન
એની સમજણ
મોહનદાસ કરમચંદ ગાંધી
અહિંસા વિ૦ હિંસા →







૭૫
એની સમજણ

મારાં લખાણો અગર કાર્યોને સમજવામાં જેમને આજ સુધી કશી મુશ્કેલી નથી પડી એવાઓને પણ દેશી રાજ્યોને લગતાં મારાં તાજેતરનાં નિવેદનોએ મૂંઝવણમાં નાંખી દીધા છે, એ જોઈ હું દિલગીર થાઉં છું. અધૂરામાં પૂરું રાજકોટનાં મારાં નિવેદનો, રાજકોટમાં મેં લીધેલાં પગલાં, અને ત્રાવણકોરને લગતું મારું નિવેદન, એ બધાંએ મળીને મૂળ મૂંઝવણને અનેકગણી વધારી મૂકી છે. પ્યારેલાલ અને પાછળથી મહાદેવ મારાં લખાણો તેમ જ કાર્યોને તેના ખરા અર્થમાં સમજાવવા આ પત્રની કટારોમાં ભડવીર પ્રયત્નો કરી રહ્યા છે. વ્યાપેલી ગેરસમજણો તેમના પ્રયત્નથી અમુક અંશે દૂર થવા પામી છે એમ પણ જાણું છું. પણ હું જોઉં છું કે હું પોતે કેટલુંક સમજાવું એવી જરૂર રહી છે. તેથી મારે મારાં તાજાં લખાણો તેમ જ પગલાંઓનો હું સમજું છું તે અર્થો પ્રજા આગળ મૂકવા યત્ન કરવો રહ્યો.

સૌ પહેલાં તો એ લખાણો તેમ જ કાર્યોનો જે અર્થ નથી તે કહી દઉં. એક તો એ કે, વ્યક્તિગત, સમૂહગત કે આમવર્ગના સત્યાગ્રહને લગતા મારા વિચારો બદલાયા નથી. તેમ જ મહાસભા અને રાજાઓ વચ્ચે અગર તેા રાજાઓ અને તેમની પ્રજાઓ વચ્ચે કેવો નાતો હોવો જોઈએ એને લગતા મારા વિચારોમાં પણ કશો ફેરફાર નથી થયો. વળી જે ચક્રવર્તી સત્તાએ આટલા કાળ લગી દેશી રાજ્યોની પ્રજાઓ પ્રત્યેની પોતાની ફરજને બૂરી રીતે અવગણી છે તેણે તે ફરજ આજે બજાવવી અતિ જરૂરી છે, એ મારા અભિપ્રાયમાં પણ કશો ફેર પડ્યો નથી. મારો પશ્ચાત્તાપ મારી એક જ ભૂલ અંગે હતો, અને તે એ કે જે ઈશ્વરને નામે રાજકોટમાં મેં અનશન લીધું તેને ચરણે ચિત્ત ચોટેલું રાખવાનું છોડી મેં અંતરમાં અવિશ્વાસ આણ્યો અને વાઈસરૉયને વચમાં પડવા બોલાવીને પ્રભુના કાર્યની પૂરણી કરવા પ્રયાસ કર્યો! ઈશ્વર ઉપર આધાર રાખવાને બદલે વાઈસરૉયનો આધાર શોધ્યો અગર કહો કે ઠાકોર સાહેબને ઠેકાણે આણવાના કામમાં વાઇસરૉયને ઈશ્વરની મદદે બોલાવવાનો મેં પ્રયત્ન કર્યો, એ નરી હિંસા હતી. આવી હિંસાને મારા અનશનમાં ક્યાંયે મુદ્દલ સ્થાન હોઈ શકે નહિ.

રાજકોટ પ્રકરણે મારી જિંદગીમાં જે નવું સત્યદર્શન ઉમેર્યું. તે એ કે, છેક ૧૯૨૦ ની સાલથી માંડીને પ્રજાકીય આંદોલનને અંગે જે અહિંસાનો આપણે દાવો કર્યો છે તે અદ્‌ભુત છતાં નિર્ભેળ નહોતી એ વાત મને જડી. આથી જે પરિણામો અત્યાર સુધીમાં નીપજ્યાં તે જોકે અસાધારણ કહેવાય, છતાં આપણી અહિંસા અણીશુદ્ધ હોય તો ઘણાં વધુ કીમતી નીવડ્યાં હોત. મનવાણી થકી સંપૂર્ણ અહિંસાપૂર્વકની અહિંસક લડત વિરોધીમાં સ્થાયી અહિંસાવૃત્તિ કદી ન જ નિપજાવે. પણ મેં જોયું કે દેશી રાજ્યોની લડતે રાજાઓ તેમ જ તેમના સલાહકારોમાં હિંસાવૃત્તિ પ્રગટાવી છે. મહાસભા પ્રત્યેના અણવિશ્વાસથી આજે તેમનાં અંતર છલોછલ છે. જેને તેઓ મહાસભાની દખલગીરી કહે છે તેવી દખલગીરી તેમને ન જોઈએ. કેટલેક ઠેકાણે તો મહાસભાનું નામ પણ તેમને અકારું થઈ પડ્યું છે. આમ થવું નહોતું જોઈતું.

આ શોધની મારા પર જે અસર થઈ તેની માટે મન મોટી કિંંમત છે. આથી સત્યાગ્રહીઓ તરફની મારી અપેક્ષાઓ અને મારી માગણીઓમાં હું આકરો બન્યો છું. પરિણામે મારી સંખ્યા ઘટીને સાવ નજીવી બની જાય એમ હોય, તો તેની મને ફિકર ન હોવી જોઈએ. જો સત્યાગ્રહ એ બધી પરિસ્થિતિમાં લાગુ પડી શકે એવો વ્યાપક સિદ્ધાંત હોય, તો મૂઠીભર સાથીઓની મારફત સુધ્ધાં સચોટ લડત આપવાની કાર્યપદ્ધતિ મને જડવી જ જોઈએ. અને મને નવા પ્રકાશની ઝાંખી થયાની હું જે વાત કરું છું તેનો અર્થ એ જ છે કે, આ સત્યદર્શન થયા છતાં હજુ એવા મૂઠ્ઠીભર માણસો કઈ રીતે સંગીન અહિંંસક લડત આપી શકે એની ખાતરીલાયક કોઈ પદ્ધતિ મને જડી નથી. મારા આખા જીવનમાં બનતું આવ્યું છે તેમ એવું બને કે પહેલું ડગલું ભર્યા પછી જ તે પછીનું સૂઝે. મારી શ્રદ્ધા મને કહે છે કે જ્યારે એવું ડગલું ભરવાનું ટાણું થશે ત્યારે તેની યોજના સૂઝશે જ.

પણ અધીરો ટીકાકાર કહેશે, ‘ટાણું તો હંમેશાં બારણે ઊભેલું જ છે. બધી તૈયારી છે. તમે જ તૈયાર નથી થતા.’ આ આરોપ હું નાકબૂલ કરું છું. મારો અનુભવ એથી ઊલટો છે. કેટલાંક વર્ષોથી હું કહેતો આવ્યો છું કે સત્યાગ્રહ ફરી શરૂ કરવાનો મોકો નથી. કાં? કારણો સ્પષ્ટ છે.

પ્રજાવ્યાપી સત્યાગ્રહ ચાલુ કરવાનું સચોટ વાહન બનવા જેવી મહાસભા આજે રહી નથી. એનું કલેવર ભારે બની ગયું છે. એમાં સડો છે. મહાસભાવાદીઓમાં આજે નિયમન નથી. નવા નવા હરીફ સમુદાય ઊભા થયા છે જેઓ તેમનું ચાલે ને બહુમતી મેળવી શકે તો મહાસભાના કાર્યક્રમમાં ધરમૂળનો ફેરફાર કરે. એવી બહુમતી તેઓ હજુ સુધી મેળવી શક્યા નથી એ બીના મારે સારુ આશ્વાસનરૂપ નથી. બહુમતી છે તેમની પણ પોતાના કાર્યક્રમને વિષે જીવન્ત શ્રદ્ધા નથી. કોઈ પણ દૃષ્ટિએ નરી બહુમતીને જોરે સત્યાગ્રહ માંડવો એ વહેવારુ પગલું નથી. દેશવ્યાપી સત્યાગ્રહની પાછળ તો એકજીવ બનેલી સમસ્ત મહાસભાનું બળ જોઈએ.

વળી રોજ રોજ વધતા કોમી વિખવાદ છે જ. જુદી જુદી કોમોનું મળીને રાષ્ટ્ર બન્યું છે તેમની વચ્ચે માનભરી સુલેહ અને એકતા વગર આખરી સત્યાગ્રહની લડતની કલ્પના અશક્ય છે.

છેવટે પ્રાંતિક સ્વાયત્તતાની વાત કરું. આ દિશાએ મહાસભાએ માથે લીધેલા કામને એણે ઘટતો ન્યાય નથી આપ્યો એ મારી માન્યતા હજુયે કાયમ છે. એ પણ કબૂલ કરવું જોઈએ કે ગવર્નરોએ પોતાનો ભાગ એકંદરે છાજતી રીતે ભજવ્યો છે. તેમણે પ્રધાનોના કામમાં બહુ ઓછી દખલ દીધી છે. પણ દખલગીરી — ઘણી વાર અકળાવે તેવી દખલગીરી — તો પ્રધાનોને મહાસભાવાદીઓ અને મહાસભામંડળો તરફની વેઠવી પડી છે ! જ્યાં સુધી મહાસભાના પ્રધાનો કારભાર ચલાવી રહ્યા છે ત્યાં સુધી લોકપક્ષીય હિંસા કે રમખાણો તો થવાં જ નહોતાં જોઈતાં. આજે તો પ્રધાનોની ઘણી મોટી શક્તિ મહાસભાવાદીઓની માગણીઓને તેમ જ વિરોધને પહોંચી વળવામાં જ ખરચાય છે! જો પ્રધાનો પ્રજાને અપ્રિય હોય તો પ્રજાએ તેમને બરતરફ કરવા જોઈએ. આજે તો કામ પર કાયમ રહેવા દઈ ને ઘણા મહાસભાવાદીઓ તેમને પોતાનો સક્રિય સહકાર આપતા નથી.

બીજા બધા ઉપાયો ખલાસ કર્યા વિના આખરી પગલું ઉપાડવું એ મહાસભાના એકેએક નિયમની વિરુદ્ધ છે.

આના જવાબમાં કંઇક વાજબીપણે એમ કહી શકાય ખરું કે, મેં જણાવેલી બધી શરતો પૂરી કરવાનો આગ્રહ રાખવામાં આવે તો સવિનય ભંગ લગભગ અશક્ય જ થઈ પડે છે. આવો વાંધો સંગીન ગણાય ખરો ? દરેક પગલાના સ્વીકાર સાથે તેની શરતો તો રહેલી હોય જ. સત્યાગ્રહ તેને અપવાદરૂપ ક્યાંથી હોય ? પણ મારું અંતર મને કહે છે કે, આજની અશક્ય સ્થિતિમાંથી છુટકારો પામવાને સારુ સત્યાગ્રહની કોઈ ને કોઈ રીત — પછી તે સવિનય ભંગ જ હોય એમ નહિ — જડવી જ જોઈએ. ભારતવર્ષ અત્યારે વધુ વખત ન ચલાવી લઈ શકાય એવી અશક્ય સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સમજી શકાય એટલા સમયની અંદર કાં તો એણે લડાઈની કોઈ ને કોઈ સચોટ રીત શોધી કાઢવી રહી છે, અગર તો એણે હિંસા અને અંધાધૂંધીમાં સપડાવું રહ્યું છે.

આ સ્થિતિની વધુ વિચારણા હવે પછી.

સેવાગ્રામ, ૨૦-૬-૩૯
હરિજનબંધુ, ૨૫-૬-૧૯૩૯