દેશી રાજ્યોનો પ્રશ્ન/કેટલે સુધી?
← નવા પ્રયોગનો અમલ | દેશી રાજ્યોનો પ્રશ્ન કેટલે સુધી? મોહનદાસ કરમચંદ ગાંધી |
એની સમજણ → |
કેટલે સુધી?
દેશી રાજ્યોની પ્રજાને તેમની માગણીઓનો સૂર જરૂર લાગે ત્યાં હળવો કરવાની મેં આપેલી સલાહ વિષે લખતાં એક પત્રલેખક જણાવે છે કે, “એમ પ્રજાએ ક્યાં સુધી હળવું થવું ? અને માગણીઓમાં ઘટાડો કરવાનો સૂચવ્યો હોય તો તેવા ઘટાડાનો તમારો શો ખ્યાલ છે ? દાખલા તરીકે જયપુરમાં. ત્યાંની પ્રજાકીય માગણી તો તમે પોતે ઘડી છે એમ કહેવાય.”
મેં વાપરેલી ભાષા ધ્યાનપૂર્વક વંચાઈ હોત તો આવો પ્રશ્ન ઊઠવા પામત નહિ. સૌ પહેલાં તો મારા લખાણમાં ‘જરૂર હોય ત્યાં’ એવી શરત છે. આવી જરૂર સ્પષ્ટ સિદ્ધ થવી જોઈએ, અને દરેક સમિતિએ એવી જરૂરિયાતને બરાબર કસીને તપાસવી જોઈએ તથા તેનું પ્રમાણ ઠરાવવું જોઈએ. બીજું, જ્યાં માગેલી સત્તાઓનો અમલ કરવાની અને કરેલી માગણીઓ પૂરી કરાવવાનું બળ જમાવવા અને ખીલવવા સારુ જોઈતું બલિદાન આપવાની પ્રજામાં તૈયારી હોય ત્યાં મૂકેલી માગણીઓને હળવી કરવાનો સવાલ ન જ હોય. રાજકોટનો જ દાખલો લો. ગ્વાયર ચુકાદો મળ્યો હોત કે ન હોત તોપણ આમપ્રજામાં જો જરૂરી પ્રમાણમાં બલિદાનની શક્તિ હોત અને સ્વરાજ સ્થાપવાની તેનામાં તૈયારી હોત, તો એની સિદ્ધિમાં કોઈ પણ અંતરાય એમને રોકી શકત નહિ.
એમ કહેવું અગર માનવું સાવ ભૂલભરેલું છે કે, મારે હાથે થઈ તે ભૂલ ન થઈ હોત તો રાજકોટની પ્રજા તેણે માગ્યું હતું તે લઈને બેસી ગઈ હોત. મારી ભૂલનો એકરાર જગજાહેર થઈ ચૂક્યો છે. પણ એટલા સારુ રાજ્યની પેલી જાણીતી જાહેરાતની નિષ્ફળતા એ ભૂલને માથે ઓઢાડ્યે નહિ ચાલે. મેં ‘ઘાણ બગાડ્યો’ તેથી બધો ગોટાળો વળ્યો અને લોકો નાસીપાસ થઈ ગયા, એમ કહેવું વાહિયાત છે. સત્યાગ્રહમાં નાસીપાસી જેવી વસ્તુ જ નથી. જે સાચા, અહિંસાપરાયણ અને શૂરા છે તેમનાં સચ્ચાઈ, નિષ્ઠા અને શૂરાતન તેમનો આગેવાન બેવકૂફ નીવડે તેની સાથે આથમી જતાં નથી. હા, એ ગુણોનો અવસર પૂરતો સ્વાંગ માત્ર ધર્યો હોય અને એરણ ઉપર ચડતાં તે ફટકિયાં નીવડે તો ભંગાણ પડે, બલ્કે ફજેતી થાય. પણ જે લોકો સ્વભાવે જ બળવાન છે તે તો નબળા આગેવાનને કોરે મૂકે, અને જાણે પોતાને આગેવાનની કદી જરૂર જ નહોતી એમ કામ આગળ ચલાવે. ને આગેવાનની જરૂર જ જણાય તો ચટ દઇ ને એકાદ વધુ સારો આગેવાન ગોતીને ચૂંટી લે.
દેશી રાજ્યોના કાર્યકર્તાઓને રાજકોટના કિસ્સામાંથી કશું શીખવા જેવું લાગે તો જ તેમણે તેને સમજવા યત્ન કરવો જોઈએ. જો એમને એ બહુ ગૂંચવાડાભર્યો લાગે તો તેને પડતો મૂકી, જાણે તે બન્યો જ ન હોય તેવી વૃત્તિથી આગળ જવું જોઈએ. રાજકોટના મામલામાં મેં કામ ‘વણસાડ્યું’ તે અગાઉ રાજાઓ ધ્રૂજી રહ્યા હતા અને પોતપોતાની પ્રજાને રાજ્યની લગામ સોંપી દઈને માળા ફેરવતા બેસવાના હતા, એમ માનવું એ ભીંત ભૂલ્યા બરોબર છે. હું રાજકોટ ગયો પણ નહોતો ત્યારથી તેઓ જો કશું કરી રહ્યા હતા તો તે એટલું જ કે, તેમની કલ્પના મુજબ તેમની ખુદ હસ્તીને પણ જોખમમાં મૂકનારી આ નવી આફતને કઈ રીતે પહોંચી વળવું તેની તેઓ આપસમાં વેતરણ કરી રહ્યા હતા. લીંબડીએ કર્યું તે આપણે જોયું. મુસલમાનોને, ગરાસિયાને, બલ્કે હરિજનોને પણ મહાસભાની સામે સંગઠિત કરવાની વાતો ચાલી જ રહી હતી. મારા પગલાથી આપણા અંગનો એ મેલ ઉપર તરી આવ્યો અને આપણને એનું સ્પષ્ટ દર્શન થયું. રોગનું સાચું નિદાન પોણા ભાગના ઇલાજ જેટલું ગુણકારી મનાયું છે. આજે કાર્યકર્તાઓ એ અળખામણા સંગઠનનો સામનો કઈ રીતે કરાય એનો ઇલાજ શોધી શકે એવી સ્થિતિમાં આવ્યા છે. મહાસભાવાદીઓએ અથવા સત્યાગ્રહીઓએ તેમની સામે મંડાયેલાં બળો ઉપર કાબૂ મેળવવાની જરૂરિયાત આથી ફરી એક વાર સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ છે. તેમને તો પ્રજાને સારુ તેટલી જ મુસ્લિમ, ગરાસિયા, હરિજનો, બલ્કે ખુદ રાજાઓને સારુ પણ સ્વતંત્રતા જોઈએ છે. સત્યાગ્રહીઓએ શાંત દલીલોથી તેમ જ પોતાના વર્તનથી બતાવી આપવું રહ્યું છે કે, રાજાઓથી હવે કાયમને સારુ આપખુદ રહેવાય એમ નથી અને પ્રજાના માલિક મટીને વાલી બનવું એ એમના પોતાના હિતની વાત છે. બીજા શબ્દોમાં કહું તો, રાજકોટમાં મારી ભૂલ સુધારી લઈ ને મેં સત્યાગ્રહીઓને સાચો માર્ગ બતાવવા ઉપરાંત કશું કર્યું નથી. એ માર્ગ અનુસરવામાં કદાચ તેમના ધ્યેયને વહેલા પહોંચવાની ગણતરીએ તેમને આ ઘડીએ તેમની તાત્કાળિક માગણીઓનો સૂર હળવો કરવા પડે. મતલબ કે નબળાઈને કારણે માગણી હળવી કરવાની વાત ન હોઈ શકે. સ્થાનિક પરિસ્થિતિને પૂરેપૂરી તોળી વિચારીને અને તેને પહેાંચી વળવાની કાર્યકર્તાઓની શક્તિ માપીને જ હોઈ શકે. નાસીપાસી અને ભંગાણને સારુ તો આમાં ક્યાંયે અવકાશ જ નથી. વળી જયપુર જેવા દાખલામાં તો માગણી હળવી કરવાનો સવાલ જ ન હોઈ શકે એ સ્પષ્ટ છે. મૂળ માગણી જ ત્યાં તો હળવામાં હળવી છે. તેમાં વધુ હળવું કરવાને જગા જ નથી. માગણી કેવળ નાગરિક સ્વતંત્રતાની છે, અહિંસાપાલન સાથેની નાગરિક સ્વતંત્રતા સ્વરાજનું પ્રથમ પગથિયું છે. એ રાજદ્વારી તેમ જ સામાજિક જીવનના શ્વાસરૂપ છે. એ તમામ સ્વતંત્રતાના પાયારૂપ છે. એમાં હળવું પાતળું કરવાપણું કશું હોય જ નહિ. જીવનને પાણી જેટલી જ એ જરૂરી છે. પાણીથી વધુ પાતળું બીજું શું હોઈ શકે ?
બીજા એક પત્રલેખકે બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે. તે લખે છે, ‘તમે અમને સમાધાનીભરી વાટાઘાટથી કામ લેવા કહો છો. પણ સામે પક્ષે વાટાઘાટની કશી વૃત્તિ જ ન હોય અને સ્વતંત્રતા માગનાર પક્ષને હીણવવાની અને તેનું માનભંગ કરવાની જ વૃત્તિ હોય ત્યાં શું કરવું?’ અલબત્ત, કંઈ જ ન કરવું, સિવાય કે વાટ જોવી અને દુઃખો વેઠવાની તૈયારી કરવી અને રચનાત્મક કામ જમાવવામાં ગૂંથાવું.
સત્તાધારી વર્ગમાં સમાધાનીભરી વાટાઘાટની વૃત્તિ ન હોવી એ સ્વતંત્રતા માગનારાઓના પક્ષ વિષે કાં તો તુચ્છકાર અથવા તો અવિશ્વાસ સૂચવે છે. એમાંથી ગમે તે હોય તોપણ એનું ઓસડ એક જ છે: મૂંગું કામ. સમાધાનીની વાટાઘાટ તો સત્તાવાળાઓ — પછી તે દીવાન હોય કે બીજું કોઈ — ની અવગણના એટલે કે તુચ્છકારની અવેજીમાં મેં સૂચવી છે. અને ખરું જોતાં તો તેમાં એટલી જ વિનવણી છે કે કાર્યકર્તાઓને પક્ષે એવી સમાધાનીની વાટાઘાટને સારુ હમેશાં વૃત્તિ અને તૈયારી જોઈએ. એવુંયે બને કે વાટાઘાટની ભૂમિકા આવવા જ ન પામે. જે એમ થાય તો, સત્યાગ્રહીઓને વાંકે એમ બન્યું એમ ન કહેવાવું જોઈએ.
- સેવાગ્રામ, ૧૯-૬-૩૯
- હરિજનબંધુ, ૨૫-૬-૧૯૩૯