દેશી રાજ્યોનો પ્રશ્ન/નવા પ્રયોગનો અમલ

વિકિસ્રોતમાંથી
← નવો પ્રકાશ દેશી રાજ્યોનો પ્રશ્ન
નવા પ્રયોગનો અમલ
મોહનદાસ કરમચંદ ગાંધી
કેટલે સુધી? →







૭૩
નવા પ્રયોગનો અમલ

ત્રાવણકોરની પરિસ્થિતિ વિષે શ્રી. તાણુ પિલ્લે, શ્રી. વરગીઝ તથા શ્રી. ફિલિપોઝ જોડે મારે લાંબી વાતો થઈ. રાજકોટના મારા કીમતી અનુભવથી હું જોઈ શક્યો છું કે ત્રાવણકોરનો સત્યાગ્રહ બરાબર યોગ્ય વખતે મોકૂફ થયો હતો. રાજકોટના પ્રાયશ્ચિત્તમાંથી હું શીખ્યો છું કે ત્રાવણકોરમાં પણ દીવાન સર સી. પી. રામસ્વામી આયર સામેના આક્ષેપો ખેંચી લેવાયા એટલું બસ નહોતું. ત્રાવણકારવાળાઓએ એ વસ્તુ કબૂલ કરવી રહી છે કે તેમણે એકલા મહારાજાની જોડે નહિ પણ તેમના દીવાન જોડે પણ કામ લેવાનું છે.

હું એ પણ જોઉં છું કે ઘણા ત્રાવણકોરી ટીકાકારોએ કહ્યું છે કે લડત મોકૂકીથી રાજ્ય તરફનું દમન વધ્યું છે. ટીકાકારો નથી જાણતા કે રાજ્યના દમનથી બચાય એટલા ખાતર અગર તો દમન અટકે એવી આશાએ મોકૂફીની સલાહ આપવામાં નહોતી આવી. એ સલાહ તો લોકોને હાથે હિંંસા થવાની શક્યતા ટાળવા ખાતર અપાઈ હતી, પછી એવી હિંસા ગમે તે કારણે અથવા ગમે તેની ઉશ્કેરણીથી થવા પામી હોય. વળી મહાસભાવાળાઓના મનુષ્યસ્વભાવમાં નરી હેવાનિયત વ્યાપતી અટકાવવાને સત્યાગ્રહ મોકૂફ કરવામાં આવ્યો હતા. આ બેઉ હેતુ ઠીક ઠીક સફળ થયા છે એમ કહી શકાય. સત્તાવાળાઓ સાથે માનભરી સમજૂતીનો માર્ગ સહેલો થાય અને લોકો પણ ખરો અહિંંસામાર્ગ સમજતા થાય, એ પણ સત્યાગ્રહમોકૂફીની પાછળ હેતુ હતો. હેતુની સિદ્ધિને સારુ હજુ પણ કામ કરવું રહ્યું છે. આ કામમાં મને થયેલી નવા પ્રકાશની ઝાંખી મદદરૂપ થઈ પડે છે. તે ન થઈ હોત તો અત્યારે જેટલા આત્મવિશ્વાસથી હું સલાહ આપી રહ્યો છું તેટલા વિશ્વાસથી તે આપી શકત નહિ.

મારા મનમાં શંકા નથી રહી કે સત્તાવાળાઓ સાથે સમાધાનીની વાત સીધી જ ઉપાડવી જોઈએ. આટલા દિવસ રાજ્ય મહાસભાવાળા રાજ્ય પ્રત્યે અને રાજ્યવાળા રાજ્ય મહાસભાવાળા પ્રત્યે સીધું ઉદ્દેશીને ન બોલતાં આડકતરું બોલતા આવ્યા. પરિણામે બેઉ વચ્ચેનો દરિયો વધ્યો છે. બે હાથ વગર તાળી ન પડે એ સત્યાગ્રહીની દલીલ ન હોય. એમાં તો રાજ્યવાળા પણ સત્યાગ્રહી છે એવી અપેક્ષા આવી; જ્યારે વસ્તુતાએ તો જેઓ સત્યાગ્રહી હોવાનો કશો જ દાવો કરતા નથી એવાઓ સામે મત્યાગ્રહ કરવામાં આવે છે, તેથી માનભરી વાટાઘાટોને સારુ તક શોધવાનો ભાર પણ પહેલો તેમ જ છેલ્લો સત્યાગ્રહીને માથે હોય. અને જ્યાં બંને પક્ષ ગાંઠ વાળીને જ બેઠા હોય કે સામા જોડે સમાધાની શક્ય નથી, ત્યાં એમ થવું અશક્ય છે. આમ થવા દેવામાં હું ભાગીદાર છું. હવે હું વધુ સમજ્યો છું. જો આગેવાનોમાં સક્રિય અહિંંસા કામ કરી રહી હોય તો તેમણે આવી વાટાઘાટની સંપૂર્ણ શક્યતા અને તેની અગત્યમાં માનતા થવું જોઈએ. અને આવી આસ્થા જો તેમનામાં આવશે તો તેવો માર્ગ પણ ખચીત ખુલ્લો થશે. મારી પોતાની બાબતમાં તો હું હંમેશાં આ સિદ્ધાંતને અનુસરતો આવ્યો છું, એ જાણીતી વાત છે.

આવી વાટાઘાટનો રસ્તો ખોલવા ખાતર આપણો સૂર કંઈક હળવો કરવો પડે એમ બને. આપણું ધ્યેય તો છે તે જ રહેવું જોઈએ; પણ આખા કરતાં ઓછાને સારુ વાટાઘાટ કરવા પણ આપણે તૈયાર રહેવું જોઇએ. અને જ્યાં સુધી એનાં જાતપોતમાં એ વાટાઘાટ આપણા આદર્શ મુજબની જ હોય, અને એના માર્ગમાં વિકાસની શક્યતા હોય, ત્યાં સુધી એમ કરવામાં કશું જ અનુચિત નથી. મેં જોયું કે કદાચ એક ઔંધ રાજ્યના અપવાદ સિવાય ક્યાંયે રાજાઓ પ્રજાની તરફેણમાં બધી સત્તા છોડવા તૈયાર નથી, તેમ ચક્રવર્તી સત્તા પણ દેશી રાજ્યની પ્રજા સંપૂર્ણ જવાબદાર તંત્રને પામે એ દિશાએ જરાયે ઇંતેજાર નથી. જો એક તંત્રને મન જેવું કશું હોઈ શકે એવી કલ્પના કરી શકાતી હોય અને એ તંત્રના મનોભાવનો હું યથાર્થપણે અર્થ કરી શકતો હોઉં, તો હું એટલે સુધી કહું કે કોઈ મહત્ત્વનું રાજ્ય આજે ઔંધના દાખલાનું અનુકરણ કરે તો ચક્રવર્તી સત્તાને દિલગીરી થાય. પણ સૌથી મહત્ત્વની બીના તો એ છે કે દેશી રાજ્યોની પ્રજા પોતે સમુદાયરૂપે ક્યાંયે આઝાદીની કિંમત ચૂકવવા તૈયાર નથી. દેશી રાજ્યોમાં જાગૃતિ આવી છે એની ના નથી, પણ ધ્યેયસિદ્ધિને સારુ તે પૂરતી નથી. આ સ્થિતિ ઓળખવામાં હિત રહેલું છે. ગજા ઉપરવટની ફાળ ભરવા જતાં બધું ખોઈ બેસવાનો સંભવ છે. ગમે તેવા સદ્‌ભાવવાળી એક અગર વધુ વ્યક્તિના કરતાં કાયદાનું તંત્ર દેશી રાજ્યોમાં સ્થપાય એને સારુ હું મોટી કિંમત પણ આપું. એ નક્કર પાયા ઉપર પછી હું જવાબદાર રાજ્યતંત્રનું ચણતર કરવાનો રસ્તો કાઢું. પ્રજાનાં નિશ્ચય અને શક્તિના પીઠબળ વિનાના જવાબદાર રાજ્યતંત્રની ખેરાત એ તો માત્ર કાગળ ઉપરની જવાબદારી હશે, અને જે કાગળ ઉપર તે છપાઈ હશે તેના કરતાં તેની વધુ કિંમત નહિ હોય.

સત્યાગ્રહ મોકુફીનો બીજો ઉદ્દેશ ઉપર લખ્યું તેની જોડે નિકટ સંબંધ ધરાવે છે. દેશી રાજ્યોમાં તાત્કાળિક જવાબદાર પ્રજાતંત્રને સારુ માફક વાતાવરણ નથી, અને લોકોમાં તેની કિંમત આપવાની તૈયારી નથી. આમાંથી ફલિત થાય છે કે લોકોને ઘટતી તાલીમ મળવી જોઈએ. હું હવે ક્યાંયે ઝટ ઝટ સામુદાયિક સત્યાગ્રહની સલાહ આપું એમ નથી. એને સારુ ઘટતી તાલીમ અને શિસ્ત લોકોમાં નથી. એવા સત્યાગ્રહને સારુ લોકોએ એક અગર વધુ નક્કર કસોટીમાં પાસ થવું જ રહ્યું. નરી શારીરિક હિંંસાથી દૂર રહ્યે આપણો હેતુ નહિ સરે.

નક્કર કસોટીઓના એવા કાર્યક્રમના મધ્યભાગમાં અલબત્ત હું રેંટિયાને જ એના સંપૂર્ણ અર્થમાં વગર અચકાયે મૂકું છું. આ કાર્યક્રમને જો તત્કાળ ઝિલાય તો તાલીમનો ક્રમ ટૂંકો બને. પણ લોકો એ કાર્યક્રમને ઉત્સાહથી ન ઝીલે તો તે લાંબો નીવડે એમ પણ બને. મારી પાસે તો છેક ૧૯૨૦ ની સાલથી હું જેની હિમાયત કરતા આવ્યો છું તે ચતુર્વિધ કાર્યક્રમ સિવાય બીજો માર્ગ નથી. પ્રજા તેને જિગરથી ન અપનાવે તો તેનામાં અહિંસા નથી, મારી કલ્પનાની અહિંસા તો નથી જ — એવું જ અનુમાન હું દોરું. મારી પાસે આ સિવાય બીજી કસોટી નથી. મારો નવો પ્રકાશ મને કહે છે કે ઉપર સૂચવેલી શિસ્ત પળાવવાની બાબતમાં મારે ઢીલું ન જ મૂકવું જોઈએ. જ્યાં આ શરતો પૂરી પળાય ત્યાં સવિનય ભંગની રજા આપવામાં મને મુદ્દલ ખટકો નહિ થાય. એ સવિનય ભંગ વ્યક્તિગત હશે, પણ અહિંસાની દૃષ્ટિએ તે પાછલા સામુદાયિક સવિનય ભંગ કરતાં ઘણો વધારે સચોટ હશે. મારે કબૂલ કરવું જોઈએ કે પાછલી લડતો થોડીઘણી મેલી હતી જ. એ ઉપાડ્ચાનો મને પસ્તાવો નથી, કારણ તે કાળે એથી વધુ સારાનું મને જ્ઞાન નહોતું, અને જ્યારે જ્યારે મારી ભૂલો મને જડી ત્યારે ત્યારે પાછું પગલું ભરવાની સમજ અને નમ્રતા મારામાં હતી. આથી પ્રજા અક્કેક પગલું આગળ જ ગઈ. પણ હવે હું સૂચવું છું તે દિશાએ પાકો ફેરફાર કરવાનો સમય આવી પહોંચ્યો છે.

આમ મારી અત્યારની મનઃસ્થિતિનું સ્પષ્ટીકરણ કરતાં અને ત્રાવણકોરની સ્થિતિને અંગે તેની રૂખ તપાસતાં મારો અભિપ્રાય નવેસર ઘડાયો છે, તે ટૂંકમાં આ પ્રમાણે:

( ૧ ) સવિનય ભંગ બિનમુદતને સારુ મોકૂફ રાખવો. (૨) સત્તાવાળાઓની જોડે માનભરી વાટાઘાટનો માર્ગ ખોલવાની રાજ્ય મહાસભાવાળાઓને પક્ષે મનીષા હોવી જોઈએ. ( ૩ ) જેલમાં પડેલા સત્યાગ્રહીઓની અગર તો નવા જેલ જાય તે સત્યાગ્રહીઓની ફિકર ન કરવી. જો સત્યાગ્રહની ભાવના યથાર્થ રીતે પચી હોય તો આવી જેલો અને હાડમારીઓથી ઊલટું લોકોને ઉત્સાહ ચડવો જોઈએ. ( ૪ ) છેવટના ધ્યેયને પહોંચવાની ગતિ વધારવાને હિસાબે જો જરૂર જણાય તો તાત્કાળિક માગણીઓનો સૂર હળવો પણ કરવો જોઈએ. ( ૫ ) ક્યારે પણ સવિનય ભંગ ફરી શરૂ કરતા પહેલાં, આમવર્ગ રાજ્ય મહાસભાની શિસ્ત હેઠળ આવ્યાની પ્રથમ શરતરૂપે, વધુ નહિ તો, રચનાત્મક કાર્યક્રમની પૂર્ણતા તો તેમને હાથે થવી જ જોઈએ.

મારી આ સલાહનો અસ્વીકાર કરવાનો કાર્યકર્તાઓને સંપૂર્ણ અધિકાર છે, એ કહેવાની તો ભાગ્યે જ જરૂર હોય. વળી સ્થાનિક પરિસ્થિતિના તેઓ જ વધુ સાચા જાણકાર હોઈ શકે એ મારે કબૂલ કરવું જોઈએ. તેથી મારી સલાહ જો તેમની બુદ્ધિને તથા હૈયાને બેસે અને સ્થાનિક પરિસ્થિતિના તેમના પોતાના ક્યાસની જોડે જો તે બંધબેસતી હોય તો જ તેઓ તેને સ્વીકારે.

મુંબઈ, ૪-૬-૩૯
હરિજનબંધુ, ૧૧-૬-૧૯૩૯