લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/નવો પ્રકાશ

વિકિસ્રોતમાંથી
← માફીનો એકરાર દેશી રાજ્યોનો પ્રશ્ન
નવો પ્રકાશ
મોહનદાસ કરમચંદ ગાંધી
નવા પ્રયોગનો અમલ →







૭૨
નવો પ્રકાશ

[વૃંદાવનથી તા. ૧૨ મીએ રાજકોટ પાછા ફરતાં જ ગાંધીજીએ રાજકોટનું કામકાજ કલલત્તે જતાં જ્યાં પડ્યું હતું ત્યાંથી જ વળી પાછું હાથમાં લીધું. તેમને ખબર પડી હતી કે ‘હું હાર્યો’ વાળું તેમનું ૨૩મી એપ્રિલનું નિવેદન પરિષદના કેટલાક કાર્યકર્તાઓના રોષનું કારણ બન્યું હતું. તેમને દરબાર વીરાવાળા જ રાજકોટનાં બધાં અનિષ્ટોનું મૂળ લાગતા હોવાથી તેમની જોડે સમાધાનીની વાટાઘાટ કરવાની સલાહે તેમને બેચેન કરી મૂક્યા હતા. થોડાકે એક નિવેદન પણ કાઢ્યું હતું જેમાં ‘શત્રુનો હૃદયપલટો’ કરવાની ફિલસૂફી પ્રત્યે તેમણે પોતાની અશ્રદ્ધા જાહેર કરી હતી. બીજા કેટલાકને લાગતું હતું કે ૨૬ મી ડિસેંબરની જાહેરાતના અમલ માટે આગ્રહ રાખવો જોઈએ. ગાંધીજીએ તા. ૧૨મીએ રાજકોટ પાછા આવતાંવેત બે કલાકમાં પરિષદના કાર્યકર્તાઓને ભેળા કરી તેમની આગળ પોતાના વલણ વિષેની સ્પષ્ટતા કરી. શંકાસમાધાન પણ કર્યું. ટૂંકાવવા ખાતર સવાલો પડતા મૂકી વાતચીતનો સાર અહીં આપું છું. પ્યારેલાલ]

૨૩ મી એપ્રિલના મારા નિવેદનથી તમારામાંના કેટલાક ભાઈઓ અસ્વસ્થ થયા છે એમ સાંભળ્યું. આનું કારણ હું સમજી શક્યો નથી. મેં તેમાં કશું નવું કહ્યું નથી. રાજકોટ છોડતી વેળાએ મેં જે વાત વિગતથી તમને કરી હતી તેનો જ સાર મેં તેમાં આપ્યો છે.

વજુભાઈ અને તેમના સાથીઓના નિવેદન વિષે એટલું કહું કે મને તે ગમ્યું છે. કારણ એમના મંડળની અને મારી વચ્ચેના પાયાના મતભેદ એથી સ્પષ્ટ થાય છે. કાર્યવાહક સભા સત્યાગ્રહની લડત ચલાવવાના હેતુ પૂરતી પરિષદે બનાવી હતી. હવે એ હેતુ બિનમુદ્દત મુલતવી રહ્યાથી એનું કામ ખલાસ થયું છે. એને નામે સમાધાનની વાટાઘાટ કરવા સામેનો વાંધો હું સાવ સમજી શકું છું. પણ હું તેને નામે વાટાઘાટ નથી કરી રહ્યો. મારી સ્થિતિ કહી દઉં. ચુકાદો જાહેર થયો ત્યારે તે ઘડીના ઉત્સાહમાં મારાથી કહી જવાયું કે રાજકોટનો ઉપવાસ ધાર્યા કરતાં વધુ સફળ નીવડ્યો. હવે જોઉં છું કે તે મારા ગળા ફરતો ગાળિયો નીવડ્યો છે.

હું અહીં તમારો બોલાવ્યો નથી આવ્યો. હું આવ્યો, કારણ રાજકોટ મારા બચપણનું વતન છે. ઉપરાંત મને લાગ્યું કે હું તેના રાજ્યકર્તા પાસે તેમણે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરાવી શકીશ. આવ્યા પછી જે જે કંઈ મેં કર્યું તેમાં કેવળ મારા અંતરના પ્રકાશથી અને સંજોગોનો દોરવ્યો હું દોરવાયો છું. મારા આ અખતરામાં જોડાવાની કોઈના ઉપર ફરજ નથી. જેને જુદું સૂઝે તેને પોતાને રસ્તે જવાની સંપૂર્ણ છૂટ છે. અને રાજકોટની પ્રજા જુદી પદ્ધતિએ લડવાનો નિર્ણય કરે તે મને વાંધો નથી. કોઈ કામ કરવાનો મને સૂઝે તે કરતાં જુદો અને ચડિયાતો રસ્તો હોઈ શકે એટલું જાણવાની નમ્રતા મારામાં છે; અને લોકો કાયર થાય, નામર્દ બની જાય એ તો કોઈ વાતે મને પરવડે એમ નથી.

પરિષદની બેઠક બોલાવવી અને ભવિષ્યને માટે કરવાના કામ વિષે તેની આજ્ઞા મેળવવી એ સૂચના પણ હું આવકારું છું, પણ વસ્તુસ્થિતિ પ્રત્યે તમે આંખ ન મીંચો એમ ઇચ્છું છું. દરબાર વીરાવાળાના સદ્‌ભાવને જાગૃત કરી, વીનવી, સમાધાની કરાવવાનો કઠણ અને નાજુક પ્રયાગ હું કરી રહ્યો છું. સાથે સાથે ચુકાદામાં કલ્પેલાં પગલાં લેવડાવવા પણ મથી રહ્યો છું. રાજકોટનો મામલો પ્રથમ દર્શને દેખાય છે તેટલો સાદો કે છીછરો નથી. તેની પાછળ બીજાં અને મહાબળવાન બળો મંડાયેલાં છે.

આ મામલાના ઉકેલને સારુ નવો માર્ગ ગ્રહણ કરવાની આવશ્યકતા તમારી જોડે ચર્ચ્યાને અઢાર દિવસ થયા. દિવસ જાય છે તેમ મારો અભિપ્રાય દૃઢ થતો જાય છે. હું કબૂલ કરું છું કે મિ. ગિબસનને અપાર વિલંબ વિષે તેમ જ ભાયાતોને મેં તેમને આપેલી ખોળાધરીનો અર્થ વડા ન્યાયાધીશ પાસે કરાવવાની તેમની સૂચના વિષે મેં લખ્યું તેમાં મારી અધીરાઈ હતી. કાયદાની દૃષ્ટિએ હું સાચો હતો, પણ અહિંસા કાયદેસર અધિકારો ઉપર ચાલતી નથી.

હવે મને દર્શન થયું છે કે અપાર ધીરજથી મારે રસ્તો ખેડવો રહ્યો છે. એ કંઈ જાદુઈ આંબાનું ઝાડ નથી જે આંખના પલકારામાં હથેળીમાં ઉગાડી બતાવી શકાય. એને સારુ સવિનય ભંગ કરતાં પણ વધુ પ્રાણવાન એવું બળ જોઈએ. એ બળ તે અહિંસાના મૂળમાં પડેલો પ્રેમનો સિદ્ધાંત, જે નવા પ્રકાશની મને ઝાંખી થયાનું ભાસે છે તે આ. હજી ઝાંખી છે તેથી તેની સ્પષ્ટ વ્યાખ્યા હું નથી કરી શકતો.

મારાથી બને તો, દરબાર વીરાવાળાને શાંત કરવાના કામમાં આગળ વધતા પહેલાં ચુકાદાના આશ્રયને હું સાવ છોડી દઉં. પણ તેને સારુ હિંમત, નિર્ભયતા અને પૂરી આસ્થા જોઈએ. મારામાં તે હોત તો ભભૂકતા અગ્નિમાં ઝંપલાવતાં હું ન અચકાત. આવી આસ્થા કૃત્રિમ સાધનોથી ન આવે. માણસમાં ધીરજ જોઈએ અને તેણે ઈશ્વરની કરુણા ભાખવી જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ મેં ઉપાડ્યો ત્યારે જેલજીવન શું હોય તેની કલ્પના પણ મને નહોતી. પણ એક વાર અંદર પેઠો એટલે એ મારે સારુ મહેલ, મંદિર કે યાત્રાધામ સમી થઈ પડી. ત્યાં હું જે કાંઈ શીખ્યો તે બહાર ભાગ્યે જ શીખી શકત. મારા એકલાને માટે હોત તોપણ હું આમ ઝંપલાવતાં ન ખંચાત. પણ લોકોના હિતના રખેવાળ તરીકે હું જોખમો કાં સુધી ખેડી શકું એ પ્રશ્ન છે. આમ અંતરબુદ્ધિ મને ભીરુ બનાવી રહી છે અને હું શંકા અને શ્રદ્ધા વચ્ચે ઝોલાં ખાઉં છું.

મારી અહિંસા તો મને કહે છે કે ચુકાદાને કાઢીને ફગાવી દે. પણ બુદ્ધિ હજી માનતી નથી. મનમાં થાય છે, ‘દરબાર વીરાવાળા અને ઠાકોર સાહેબનો સહકાર જોઈએ છે અને ચક્રવર્તી સત્તાની મદદ નથી જોઈતી’ એનો અર્થ પણ શું ? શું એક જ સંચાનાં એ બધાં ચક્રો નથી ? આમ મારી જ બુદ્ધિને ચકરાવે હું ચડું છું. હું જાણું છું કે આ બધું મારી શ્રદ્ધાની ઊણપનું લક્ષણ છે. મનબુદ્ધિના આવા દ્વંદ્વયુદ્ધ વચ્ચે હું તમને મારી જોડે ચાલવા કેમ કહું ? તમને કઈ રીતે દોરી શકું ? મારી પાસે માર્ગ ચાલવાને કશો નિર્ણીત સિદ્ધાંત નથી. સત્યાગ્રહના શાસ્ત્રમાં હું સંપૂર્ણતાએ ઉત્તીર્ણ થયો નથી. હું હજુ ફાંફાં મારું છું. આ ખોજમાં, જો તમને રસ પડે અને અંતરમાંથી સાદ સંભળાય તો તમે જોડાઈ શકો છો.

જે વાણોતર છે તેણે દરેક પગલે શેઠને પૂછીને અને તેની સૂચના લઈને ચાલવાનું હોય છે. પણ વૈદ પોતાના દર્દીને અંગે તેમ કરી શકે નહિ. તેણે તે વખતોવખત તેને જે કાંઈ આત્મપ્રેરણાથી સૂઝે તેનાથી દોરાવું રહ્યું. અને ઘડીએ ઘડીએ રોગનાં ચિહ્નો જે પ્રમાણે વધતાં ઘટતાં તેને જણાય તે પ્રમાણે તેણે તેની ઉપાયયોજના બદલવી રહી. દર્દીનું કહેવું માનવું તેનાથી ન બની શકે. તમારી સાથે મારે બેવડો સબંધ રહ્યો છે. હું તમારો પ્રતિનિધિ છું, વૈદ પણ છું. તમારા વૈદમાં તમને વિશ્વાસ હોય ત્યાં સુધી તેની સારવાર સંપૂર્ણ આસ્થાપૂર્વક સ્વીકારવી રહી છે. જો તેના પર વિશ્વાસ ન રહ્યો હોય તો બીજો વિશ્વાસ ધરાવે એવો વૈદ નીમવો જોઈએ.

ગર્ભિણીનું દુઃખ ગર્ભિણી જ જાણે. બીજાં તેની સ્થિતિ જુએ, તેની દયા પણ મનમાં આણે, પણ પ્રસૂતિની પીડા તો પેલી એકલી જ જાણે અને વેઠે. સત્યાગ્રહની ગર્ભધારણા મારી છે. તેથી પ્રસૂતિની પીડા પણ મારે જ એકલાએ વેઠવી રહી છે. હું વિનોદ નથી કરી રહ્યો. પેટછૂટી વાત કરું છું. આ માર્ગમાં હું એકલો જ બાકી રહીશ તોપણ એ પાવકની જ્વાળાઓમાં ઝંપલાવીશ અને મારે પંથ ખેડીશ. દરબાર વીરાવાળાનો હૃદયપલટો કરવાને સારુ સત્યાગ્રહનું એકેએક સાધન અજમાવવાનો અને ખતમ કરવાનો મારો નિશ્ચય છે. જો હું સફળ થઈશ તો તેના ફળના તમે ભાગીદાર હશો. જો નિષ્ફળ જઈશ તો તેની જવાબદારી મારા એકલાની હશે, તમને આંચ નહિ આવે.

મારા બચપણમાં રાજકોટમાં બે આંધળા ગવૈયા હતા. તેમાંનો એક જણ જ્યારે વગાડતો ત્યારે વાજિંત્ર પર તેની આંગળીઓ ન છબે. એવી અદ્ભુત એની કળા હતી. સાંભળનારા મંત્રમુગ્ધ બની જતા. દરેક માનવ અંતઃકરણમાં એવા જ તાર હોય છે. જો તમને તે સ્પર્શતાં આવડે તો તરત જ ઝણઝણી ઊઠે છે અને તેમાંથી કલ્યાણકારી સંગીત જન્મે છે. દરબાર વીરાવાળા આને અપવાદરૂપ નથી. મેં તેમને સાવ નિર્ભય કર્યા છે? તેમની જોડેના વહેવારમાં કેવળ સત્ય અને અહિંસાથી કામ લીધું છે? ચુકાદાને તેમની સામે ઉગામી રાખ્યો નથી? રાજકોટમાં આપણે પ્રજાતંત્ર સ્થાપવું છે. પ્રજાતંત્રવાદી જન્મથી જ શિસ્તવાદી હોય. માનવી અગર દૈવી એવા તમામ કાયદાઓને જે સ્વેચ્છાએ પાળનારો છે તેને જ પ્રજાતંત્ર સદે છે. હું સ્વભાવે તેમ જ શિક્ષણે પ્રજાતંત્રવાદી હોવાનો દાવો કરું છું. જેમને પ્રજાતંત્રની સેવાની મહત્ત્વાકાંક્ષા છે તેઓ પ્રથમ પ્રજાતંત્રની આ કસોટીમાં પાસ થાય. વળી પ્રજાતંત્રવાદી સાવ નિઃસ્વાર્થી હોવો જોઈએ. તેણે પોતાની અગર પોતાના પક્ષની દૃષ્ટિએ નહિ પણ સમસ્ત પ્રજાના તંત્રની દૃષ્ટિએ બધું વિચારવું જોઈએ, બધાં સ્વપ્નાં ઘડવાં જોઈએ. ત્યારે જ તે સવિનય ભંગનો અધિકારી બને છે. કોઈ પોતાની માન્યતા છોડે કે પેાતાની જાતને દબાવે એમ હું નથી માગતો. નરવો પ્રમાણિક મતભેદ આપણા કાર્યને હાનિ કરે એમ પણ નથી માનતો. પણ તકસાધુપણું, છેતરપિંડી અથવા તે થાગડથીગડ સમાધાની જરૂર હાનિ કરશે. જો તમારે જુદા પડ્યે જ છૂટકો હોય તો, તમારા મતભેદ તમારી હાડોહાડની માન્યતાઓના નિદર્શક છે, માત્ર પોતાના પક્ષની પ્રતિષ્ઠા વધારવા ખાતર યોજેલું સગવડિયા બુમરાણ નથી, એ વાતની પૂરી ખાતરી અને કાળજી તમને હોવી જોઈએ.

આપણું પ્રજાતંત્ર અત્યારે અંદરઅંદરના ઝઘડાઓથી ગૂંગળાઈ રહ્યું છે. આપસના કજિયા આપણને છિન્નભિન્ન કરી રહ્યા છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે, બ્રાહ્મણ-અબ્રાહ્મણ વચ્ચે, મહાસભાવાદી અને મહાસભાવાદી વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. આ ટોળાતંત્રમાંથી પ્રજાતંત્ર ઘડવું સહેલું નથી. તેમાં વળી પક્ષાપક્ષીનાં ઝેર ઉમેરીને આપણે વર્તી રહેલી અંધાધૂંધીને વધુ ગાઢ ન બનાવીએ.

વ્યક્તિસ્વાતંત્ર્યની મને કિંમત છે. પણ માણસ મૂળે સામાજિક પ્રાણી છે એ ન ભૂલવું જોઈએ. સામાજિક પ્રગતિની જરૂરિયાતોને વ્યક્તિરૂપે બંધબેસતા થવાનું શીખતાં શીખતાં જ તે આજની સ્થિતિએ પહોંચ્યો છે. નિરંકુશ વ્યક્તિસ્વાતંત્ર્ય એ તો જંગલના પશુનો જીવનનિયમ છે. આપણે વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક અંકુશ વચ્ચે મધ્યમમાર્ગ કાઢતાં શીખ્યા છીએ. સામાજિક અંકુશોનો આખા સમાજના કલ્યાણના હિતની દૃષ્ટિએ સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં જ વ્યક્તિનો તેમ જ સમાજનો અભ્યુદય રહેલો છે.

રાજકોટ, ૨૦-૫-૩૯
હરિજનબંધુ, ૨૮-૫-૧૯૩૯