દેશી રાજ્યોનો પ્રશ્ન/માફીનો એકરાર

વિકિસ્રોતમાંથી
← નવો પ્રયોગ દેશી રાજ્યોનો પ્રશ્ન
માફીનો એકરાર
મોહનદાસ કરમચંદ ગાંધી
નવો પ્રકાશ →







૭૧
માફીનો એકરાર

ગયા માસની ૨૪મી તારીખે કલકત્તા જતી વેળાએ મેં કહ્યું હતું કે રાજકોટ મારે સારુ કીમતી પ્રયોગશાળારૂપ નીવડ્યું છે. આનો છેલ્લો પુરાવો હું અત્યારે જે પગલાની જાહેરાત કરી રહ્યો છું તેમાં રહેલો છે. સાથીઓ જોડે પૂરી ચર્ચા કર્યા બાદ આજે સાંજના છ વાગ્યે હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે રાજકોટ પ્રકરણમાં હિંદના વડા ન્યાયાધીશને હાથે મળેલ ચુકાદાના લાભ મારે છોડી દેવા.

હું મારી ભૂલ જોઈ શક્યો છું. મારા ઉપવાસને અંતે મેં એમ કહેવાની છૂટ લીધી હતી કે અગાઉના કોઈ પણ ઉપવાસ કરતાં આ ઉપવાસ વધુ સફળ થયો હતો. હવે જોઉં છું કે મારા એ કથનમાં હિંસાનો રંગ હતો.

અનશન દરમ્યાન ચક્રવર્તી સત્તા પાસેથી ઠાકોર સાહેબને સમજાવીને તેમની પાસે આપેલું વચન પળાવવા સારુ તાત્કાળિક દરમ્યાનગીરી મેં ઇચ્છી હતી. આ અહિંંસાનો હૃદયપરિવર્તનનો માર્ગ નહોતો; એ માત્ર હિંસાનો અથવા દબાણનો હતો. મારું અનશન શુદ્ધ હોત તો કેવળ ઠાકોર સાહેબને જ અનુલક્ષીને લેવાવું જોઈતું હતું. અને જો એનાથી ઠાકોર સાહેબનું, અગર કહો કે એમના સલાહકાર દરબારશ્રી વીરાવાળાનું, હૈયું ન પીગળત તો મારે મરીને સંતોષ માનવો જોઈતો હતો. મારા માર્ગ આડે અણધારી મુશ્કેલીઓ ન આવી હોત તો મારી આંખો ન ઊઘડત.

મળેલ ચુકાદાથી સંતોષ માની દરબારશ્રી વીરાવાળા તેને માથે ચડાવે તેમ હતું નહિ; મારો માર્ગ સરળ કરી આપવાની સ્વાભાવિકપણે જ એમની તૈયારી નહોતી, એમણે દરેક તકનો લાભ ઉઠાવી લાંબી કસે ધવડાવવાની નીતિ આદરી. ચુકાદાથી મારો માર્ગ સરળ થવાને બદલે ઊલટું એ ચુકાદો જ મુસલમાનો તથા ભાયાતોના મારી સામેના રોષનું ભારે કારણ થઈ પડ્યો. અગાઉ અમે મિત્રભાવે મળીને વાટાઘાટ કરી હતી; હવે મેં સ્વેચ્છાએ અને કશી શરત કર્યા વિના આપેલા વચનનો ભંગ કર્યાનો મારા પર આરોપ કરવામાં આવે છે. મેં વચનભંગ કર્યો છે કે કેમ એ બાબત પણ વડા ન્યાયાધીશ પાસે નિર્ણયને સારુ રજૂ કરવાનું ઠર્યુ. મુસ્લિમ કાઉન્સિલ અને ગરાસિયા ઍસોસિયેશનનાં નિવેદનો મારી સામે પડ્યાં છે. ચુકાદાના લાભને છોડી દેવાનો નિર્ણય કર્યા બાદ એ બે નિવેદનોનો હવે મારે જવાબ આપવાપણું નથી રહેતું. મને નિસબત છે ત્યાં સુધી તો ઠાકોર સાહેબ મુસ્લિમો તથા ભાયાતોને જે કંઈ આપવા ઇચ્છે તે તેઓ સુખેથી લે. તેમના કેસ તૈયાર કરવાની તકલીકમાં મેં તેમને ઉતાર્યા તે બદલ હું તેમની માફી માગું છું. નામદાર વાઈસરૉયની પણ મારી નબળાઈને કારણે મેં તેમને નાહક તકલીફમાં નાંખ્યા તે બદલ મારે માફી માગવી રહી છે. વડા ન્યાયાધીશની પણ હું માફી માગું છું કે જે બધો પરિશ્રમ એમને મારે કારણે કરવો પડ્યો તે, મારામાં વધુ સમજણ હોત તો, કરવો પડત નહિ. સૌ ઉપરાંત હું ઠાકોર સાહેબની અને દરબારશ્રી વીરાવાળાની માફી માગું છું.

દરબાર વીરાવાળાની બાબતમાં મારે એ પણ કબૂલ કરવું રહ્યું છે કે મારા સાથીઓની પેઠે મેં પણ એમને વિષે બૂરા વિચારોને મારા અંતરમાં આવવા દીધા છે. એમની સામેના આરોપો ખરા હતા કે નહિ એ હું અહીં ન વિચારું. એની ચર્ચાનું આ સ્થાન નથી; એટલું જ કહું કે ‘અહિંસા’નો પ્રયોગ એમના પ્રત્યે કરવામાં નથી આવ્યો. અને મારી એ નામોશીનો એકરાર પણ હું કરી લઉં કે જેને બેવડી રમત કહી શકાય એવા આચરણનો પણ હું દોષી બન્યો છું. એટલે કે એક તરફથી ચુકાદાની તલવાર એમને માથે લટકતી રાખીને બીજી તરફથી તેમને રીઝવવાના પ્રયત્ન કરી ઉદાર સુધારા બક્ષવાની તેઓ ઠાકોર સાહેબને સ્વેચ્છાએ સલાહ આપે એવી આશા મેં રાખી! હું કબૂલ કરું છું કે આવી રીત ‘અહિંંસા’થી સાવ અસંગત છે. ૧૬મી એપ્રિલે મિ. ગિબસન જોડેની વાતચીત દરમ્યાન જ્યારે અચાનક પેલી ‘શરાફી વાત’ મને સૂઝી અને મેં કરી ત્યારે મારી નબળાઈનું મને દર્શન થયું. પણ તે જ ઘડીએ ત્યાં ને ત્યાં એમ કહેવાની મારી હિમ્મત ન ચાલી કે, ‘મારે ચુકાદા જોડે કશી લેવાદેવા નથી રાખવી.’ ઊલટું મેં તો કહ્યું કે ઠાકોર સાહેબ પોતાની સમિતિ નીમે અને પછી પરિષદવાળા ચુકાદાની દૃષ્ટિએ તેનો અહેવાલ તપાસે, ને એ દૃષ્ટિએ જો તે ખામીભર્યો જણાય તો તેઓ વડા ન્યાયાધીશ આગળ જઈ શકે.

દરબારશ્રી વીરાવાળાએ આ દોષ ઓળખ્યો અને વાજબી રીતે જ મારી ઑફર નકારીને કહ્યું, “તમે ચુકાદાની તલવાર તો મારા માથા પર લટકતી રાખો જ છો. અને ઠાકોર સાહેબની સમિતિ ઉપર અપીલની અદાલત બનવા માગો છો. જો એમ જ હોય તો તમે તમારું શેર માંસ જ ભલે કાપી લો. ઓછું નહિ ને વત્તું નહિ.” એમના વાંધામાં રહેલું વજૂદ મેં ઓળખ્યું. મેં એમને કહ્યું પણ ખરું કે, “ચુકાદાને ફગાવી દેવાની આ ઘડીએ મારી હિમ્મત નથી; પણ ભલા થઈ ને, જાણે ચુકાદો હસ્તીમાં જ નથી અને સરદાર તથા હું પણ નથી એમ ગણી પ્રજા જોડે સમાધાન કરો.” એમણે પ્રયત્ન કરી જોવા વચન આપ્યું. પોતાની રીતે પ્રયત્ન પણ કર્યો, પણ વિશાળ જિગર મને ન જડ્યું. હું તેમને દોષ નથી દેતો. ચુકાદાને વળગી રહેવાનું મારું કાર્પણ્ય એ પોતે ભાળી રહ્યા હોય ત્યાં હું એમના તરફથી વિશાળ જિગરની આશા કેમ રાખી શકું? વિશ્વાસ જ વિશ્વાસ પેદા કરે. એ તો મારામાં જ નહોતો.

પણ અંતે મેં ખોયેલી હિમ્મત પાછી મેળવી છે. મારા આ એકરારથી અને પશ્ચાત્તાપથી અહિંસાના સર્વોપરી ગુણ વિષેની મારી શ્રદ્ધાની જ્યોત વધુ તેજથી ઝગી રહી છે.

મારા સાથીઓને હું અન્યાય ન કરું, એમનામાંના ઘણાનાં હૈયાંમાં અંદેશો ભર્યો છે. તેમને મારા પશ્ચાત્તાપને સારું કશું કારણ નથી દેખાતું. તેમને લાગે છે કે ચુકાદાથી ઊભી થયેલી એક મહાન તક હું ફગાવી દઉં છું. એમને એમ પણ લાગે છે કે એક રાજદ્વારી નેતા તરીકે ૭૫,૦૦૦ની પ્રજાનાં — કદાચ આખા કાઠિયાવાડની પ્રજાનાં — કિસ્મત જોડે રમત કરવાનો મને અધિકાર નથી. મેં તેમને કહ્યું છે કે તેમની ધાસ્તી અકારણ છે; અને આત્મશુદ્ધિનું દરેક પગલું, હિમ્મતનો દરેક સંચાર, સત્યાગ્રહમાં રોકાયેલી પ્રજાના બળમાં હમેશાં ઉમેરો જ કરે છે. મેં એમને એમ પણ કહ્યું છે કે જો તેઓ મને સત્યાગ્રહના સેનાપતિ અને વિશારદ ગણતા હોય તો મારામાં જે તેમને ધૂન જેવું દેખાય તે પણ તેમણે નભાવી લેવું રહ્યું.

આમ ઠાકોર સાહેબને અને તેમના સલાહકારને ચુકાદાની ચૂડમાંથી મુક્ત કરી દીધા પછી હવે વગરઅચકાયે હું તેમને વિનવણી કરું છું કે, તે રાજકોટની પ્રજાની આશાઓ પૂરી કરીને અને તેના અંદેશાઓને દૂર કરીને તેને સંતોષે.

રાજકોટ, ૧૭–૫–૩૯
હરિજનબંધુ, ૨૧–૫–૧૯૩૯