લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/નવો પ્રયોગ

વિકિસ્રોતમાંથી
← હૃદયમંથન દેશી રાજ્યોનો પ્રશ્ન
નવો પ્રયોગ
મોહનદાસ કરમચંદ ગાંધી
માફીનો એકરાર →







૭૦
નવો પ્રયોગ
*[]

આજના મારા વિષય તરીકે, રાજકોટથી નીકળતી વેળાએ પ્રગટ કરેલા નિવેદનમાં મેં કહેલી એકબે બાબતો તમને સમજાવવા સારુ હું પસંદ કરીશ. શ્રી. કિશોરલાલે એમાંની એક મુખ્ય, અહિંસાનો અર્થ ક્યાં સુધી આપણને લઈ જાય છે, એની સવિસ્તર ચર્ચા કરી જ છે. એટલે કે આપણા દિલમાં વસતી અહિંંસા જો સો ટચની હોય તો તે સામે વિરોધીનું આપણા પ્રત્યેનું વલણ ઉત્તરોત્તર નરમ પડવું જોઈએ, ગરમ ન થવું જોઈએ. એ તેને પિગળાવે, તેના અંતરના તાર ઝઝણાવે. જો હિંસાનો સ્વભાવ જે કોઈ આડે આવે તેને ભરખી જવાનો હોય તો અહિંસાનો સ્વભાવ દોડીને એ હિંસાનું ભક્ષ થવાનો છે. જ્યાં અહિંસાનું જ વાતાવરણ છે ત્યાં માણસને પોતાની અહિંસાને કસી જોવાનો અવકાશ નથી. હિંસાનો સામનો કરવામાં જ એની પરીક્ષા થાય છે.

આ બધું જાણતો આવ્યો છું અને તેને અમલમાં ઉતારવાનો પણ મારો પ્રયત્ન રહ્યો છે. પણ તેમાં મને હંમેશ સફળતા મળી છે એમ ન કહી શકું હું એવો દાવો ન કરી શકું કે મારા વિરોધીઓનાં હૈયાં પિગળાવવામાં હું હંમેશાં સફળ નીવડ્યો છું. રાજકોટે આ બીનાનું મને વધુ સચોટ દર્શન કરાવ્યું. હું વિચારી રહ્યો હતો કે દરબાર વીરાવાળાનો હૃદયપલટો કરાવવામાં આપણે કેમ નિષ્ફળ ગયા. મારા અંતરમાંથી સીધો જવાબ મળ્યો કે એમની સામે આપણે શુદ્ધ અહિંસાનો પ્રયોગ નથી કરી શક્યા. આપણા લોકોએ એમને ગાળો કાઢી. મેં એમની સામે વપરાતી ભાષા પ્રત્યે દુર્લક્ષ રાખ્યું. મેં પોતે મારી જીભ ઉપર કાબૂ રાખ્યો હશે, પણ બીજાઓની જબાન ઉપર તેવો જ કાબૂ જાળવવાનું ધ્યાન મેં રાખ્યું નહિ.

આ વસ્તુનું દર્શન રેસિડેન્ટ ગિબસન જોડેની વાતચીત દરમ્યાન મને એકાએક થયું. મેં ઠાકોર સાહેબ ઉપર પોતાની સુધારા સમિતિ બનાવવાનું છોડનારી શરાફી વાત કરી, જેને રેસિડેન્ટે પણ શરાફી કહી. તે વખતે આ વસ્તુ જેને મેં અહિંસાનો ‘નવો પ્રયોગ’ કહ્યો છે તે મને જડી. એ જોખમ વિનાની નથી; કારણ કે તેને લીધે જે કામ ચાલી રહ્યું હતું તે બધું મોકૂફ કરવાની સૂચના મારે આપવી પડી. રાજકોટની લડત દરમ્યાન મારે અનશનને ટાંકણે તાજના પ્રતિનિધિની દરમ્યાનગીરી નોતરવી પડી, અને ત્યાર પછી તેના રાજકોટ ખાતેના પ્રતિનિધિનો આશ્રય હું લઈ રહ્યો હતો. ‘શરાફી વાત’ મને સૂઝી ત્યારે હું એમ વિમાસી રહ્યો હય્પ્ કે ચક્રવર્તી સત્તાને વીસરી જઈ એકલા રાજ્યને જ હું કાં ન વળગું ? પણ એટલે લગીની હિંમત કદાચ મારામાં હજી નથી. રાજકોટ પ્રકરણમાં ચક્રવર્તી સત્તાનો આશ્રય ન જ લેવો, ગ્વાયર ચુકાદાને ફાડીને ફગાવી દેવા લોકોને કહેવું, અને રાજ્ય જોડે ફરી પાછા શ્રીગણેશાયથી શરૂઆત કરવી, એવી ગાંઠ મેં નથી વાળી. એમ થાય ત્યારે તો પછી મારો સત્યાગ્રહ એકલા રાજ્યની સામે જ ચાલે, અને રાજકોટ રાજ્યના અધિકારીઓનું હૃદયપરિવર્તન કરવાના પ્રયત્નમાં જ મારે મારી જાતને હોમવી રહે. પછી તો મારા તમામ પ્રયોગ રાજકોટની અવનવી પ્રયોગશાળામાં જ મર્યાદિત થઈ જાય. અહિંંસાની દૃષ્ટિએ એમાં વધુ સંપૂર્ણતા આવે. મારા અંતરની આ દુવિધા — કદાચ કાયરતા — ની પાછળ મારી અહિંસામાં કશાકની ઊણપ છે એમ માનું છું.

મહાસભાના સડાની વાત લો. મહાસભામાં આટલો બધો સડો કાં ? આટલે લગી સડો હોય ત્યાં પછી આપણે મહાસભાવાદી કેવા ? તમારામાંના કેટલાક ‘ગાંધીવાદી’ ગણાઓ છો. ગાંધીવાદી એ તો ધૂળ જેવું નામ છે. તેના કરતાં આપણે ‘અહિંંસાવાદી’ કાં ન કહેવાઈએ ? ગાંધી ભલાઈબૂરાઈ, બળ-દુર્બળતા, અહિંસા-હિંસાનું મિશ્રણ છે, પણ અહિંસામાં તો કશી જ ભેળસેળ નથી. હવે ‘અહિંસાવાદી’ તરીકે શું આપણે સૌ કહી શકીએ ખરા કે આપણે શુદ્ધ અહિંસા આચરીએ છીએ ? શું આપણે કહી શકીએ કે વિરોધીઓનાં બાણ કશો જવાબ વાળ્યા વિના ખુલ્લી છાતીએ ઝીલીએ છીએ ? શું કહી શકીએ ખરા કે એની ટીકાથી આપણે રોષે નથી ભરાતા, બેચેન નથી થતા ? મને ધાસ્તી છે કે આપણામાંના ઘણા આનો જવાબ હકારમાં નહિ આપી શકે.

તમે કહેશો, ‘આટલે લગીની અહિંસાનું આચરણ તમે કેદહાડે માગ્યું હતું?’ તેમ હોય તો મારે કબૂલ કરવું રહ્યું છે કે મારા અહિંસાના અમલમાં તેટલે અંશે ખામી હતી. અહિંંસા પોતાના દોષોને પહાડ જેવડા અને વિરોધીના દોષ રાઈના દાણા જેવડા કરીને જુએ. પોતાની આંખમાંનું કણું સાંબેલું કરીને જુએ અને સામાની આંખમાંનું સાંબેલું કણું કરીને ભાળે. આપણે આનાથી ઊલટા વર્ત્યા છીએ. દેશી રાજ્યોના પ્રશ્નમાં આપણે તેમનાં તંત્રોમાં સુધારા ઇચ્છ્યા છે; તેમના રાજ્યકર્તાઓનો હૃદયપલટો માગ્યો છે; તેમના નાશની વાંછના નથી કરી. પણ આપણાં વયનોએ આપણી મનસાને જૂઠી પાડી છે.

રાજકોટ વિષે મેં કરેલા નિવેદન છતાં હું તમને ખાતરી આપી દઉં કે રાજકોટને હું છેહ દઉં એમ નથી. મારા સાથીઓને મારાથી અંતરિયાળ કેમ છોડાય ? તેમનો નૈતિક અધઃપાત મારાથી શે સંખાય ? મારે હાથે એવું થાય તો મને સાચે જ બુઢાપાએ ઘેર્યો ગણાય. પણ હું એવો અપંગ થયો હોઉં એમ મને જણાતું નથી. ઊલટું, ત્યાંના કાર્યકર્તાઓનાં તેજોબળ પ્રતિદિન વૃદ્ધિ પામે એવી જ પ્રાર્થના મારા અંતરમાં હંમેશ ચાલ્યા કરે છે. હું તો માત્ર સાધનશુદ્ધિની દૃષ્ટિએ પ્રયોગમાં આકરા ફેરફારની હિમાયત કરી રહ્યો છું.

હરિજનબંધુ, ૧૪–૫–૧૯૩૯
  1. * વૃંદાવન ખાતે મળેલા પાંચમા ગાંધી સેવા સંઘ સંમેલન સમક્ષ ગાંધીજીએ કરેલા પ્રવચનનો શ્રી. મહાદેવભાઈએ આપેલો સારાંશ.