લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/મારી કેફિયત

વિકિસ્રોતમાંથી
← રાજકોટની લડત દેશી રાજ્યોનો પ્રશ્ન
મારી કેફિયત
મોહનદાસ કરમચંદ ગાંધી
લીંબડીની અંધેરશાહી →







પર
મારી કેફિયત

રાજકોટ તથા જયપુરને લગતાં મારાં લખાણોના ટીકાકારોએ એવો આરોપ કર્યો છે કે તેમાં મારે હાથે અસત્ય તથા હિંસાના દેાષ થયા છે. આનો મારે તેમની આગળ ખુલાસો કરવો રહ્યો છે. આ અગાઉ મારા ઉપર આવા આરોપો થયા છે. હું જાહેર જીવનમાં પડ્યો ત્યારથી જ થતા આવ્યા છે. પણ મને કહેતાં ખુશી ઊપજે છે કે, તેમાંના ઘણાખરા ટીકાકારોને પાછળથી કબૂલ કરવું પડ્યું છે કે અસત્યકથન કે હિંસાભરી ભાષાના દોષ મારે હાથે થયા નહોતા અને મેં જે કંઈ કહેલું અગર લખેલું તે મેં મારી માન્યતાને અનુસરીને કશા દ્વેષભાવ વગર નિખાલસભાવે કરેલું હતું. આજે પણ એ જ સ્થિતિ છે. મારી જવાબદારીનું મને પૂરેપૂરું ભાન છે. મારાં વચનોમાં મારાં ઘણાં દેશવાસી સ્ત્રીપુરુષો અનન્ય શ્રદ્ધા ધરાવે છે એ હું જાણું છું.

મારાં નિવેદનોની સાબિતીના પુરાવા ક્યાં છે એવા ટીકાકારોનો સવાલ છે. મેં તે આપ્યા છે. રાજકોટના રેસિડેન્ટે મહાસભા વિષે તથા સરદાર વિષે કાઢેલા ઉદ્‌ગારો સરદારે તેમના નિવેદનમાં ટાંક્યા છે. રેસિડેન્ટ વચ્ચે અને ઠાકોર સાહેબ તથા સર પેટ્રિક કૅડૅલ સહિત તેમની કાઉન્સિલના સભ્યો વચ્ચે ચાલેલી મસલતનું ટિપ્પણ મારી પાસે છે. એ બહુ લાંબુ હોવાથી પ્રગટ કર્યું નથી, પણ જરૂર પડ્યે પ્રગટ થશે.

જેને મેં ગોઠવણપૂર્વકની સંગઠિત ગુંડાગીરી કહી છે તેને લગતી હકીકતો અપાઈ ચૂકી છે. રેસિડેન્ટને હું તેમાં સામેલ ગણું છું, કારણ એણે એજન્સી પોલીસ રાજકોટ રાજ્યને આપી છે, અને તેથી તેનાં માણસો ત્યાં જે કંઈ ચલાવી રહ્યાં છે તે બધા માટે તે જવાબદાર ગણાવો જોઈએ. તે જ પ્રમાણે જયપુરમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને સારુ ત્યાંના અંગ્રેજ વડા પ્રધાન જવાબદાર છે. જયપુરમાં જમનાલાલજી જેટલી વાર વતનમાં દાખલ થવાનો પોતાનો કુદરતી હક બજાવવાની હિમ્મત કરે છે તેટલી વેળા એમને ફૂટબોલની માફક જે રીતે આમથી તેમ ધક્કે ચડાવી જયપુર બહાર કાઢવામાં આવે છે તેમાં લાજમરજાદ બધી છાપરે ફેંકવામાં આવી છે. આ બધી કારવાઈઓને હું યથાર્થ રૂપમાં રજૂ કરું તો તેમાં મેં હિંસામય ભાષા વાપરી એમ ન ગણાવું જોઈએ. જો કાઠિયાવાડ રેસિડેન્ટ પ્રત્યે અગર તો જયપુર વડા પ્રધાન પ્રત્યે મારા હૈયામાં દ્વેષભાવ હોય તો જ મેં હિંસાદોષ કર્યો ગણાય. સત્ય અને અહિંસાના પૂજારી તરીકે, બૂરાં કામ કરનારા પ્રત્યે દ્વેષભાવ ધર્યા વગર નિર્ભયપણે ઉઘાડું સત્ય રજૂ કરવું, એ મારું કામ છે. મારી અહિંસા કડવી ગોળીને પડ ચડાવવાનું જરૂરી નથી ગણતી.

તેથી મારાં તાજેતરનાં લખાણો ઉપરથી મારા પર કરવામાં આવેલા જાતિદ્વેષના આરોપનો મારે ઇનકાર કરવો રહ્યો છે. નગ્ન સત્યને છાવરવાથી અગર તો લેબાસ પહેરાવીને રજૂ કરવાથી લોકોને હિંસાના માર્ગથી હું ન જ વાળી શકું. હું તો તેમને સાફ કહીને, અને તેથીયે વધુ મારા પ્રત્યક્ષ વર્તનથી એ વાતનો અમલ કરી બતાવીને જ, તેમને વાળી શકું કે બુરાઈ કરનારનું, તેનાં કરતૂકો ગમે તેટલાં ભૂંડાં અને વસમાં હોય તોપણ, ભલું ચિંતવવું એ સાચો જ નહિ બલ્કે એ જ વધુ લાભનો પણ માર્ગ છે.

રાજાઓને રક્ષણ આપવાની ચક્રવર્તી સત્તાની ફરજ રહેલી છે એ ભલે, પણ એ રાજાઓની હકૂમત હેઠળ વસનારી પ્રજાને રક્ષણ આપવાની પણ એ સત્તાની તેટલી જ ફરજ છે. મને તો લાગે છે કે ચક્રવર્તી સત્તાની એ પણ ફરજ છે કે, જ્યારે એમ સાબિત થાય કે કોઈ રાજ્યકર્તા રાજકોટમાં બન્યું તેમ પોતાની પ્રજા જોડે વિશ્વાસઘાત કરી રહેલ છે, અથવા તો જયપુરમાં થયું છે તેમ એવું સાબિત થાય કે એની પ્રજાને સામાન્ય પ્રજાજનના હકો ભોગવવાની પણ બંધી કરવામાં આવી છે, એના એક પ્રજાજનને આમથી તેમ ધક્કે ચડાવવામાં આવે છે અને એને ન્યાયને સારુ અદાલતો સન્મુખ જઈને ઊભવાની પણ રાહત મળતી નથી — ત્યારે ચક્રવર્તી સત્તાની ફરજ છે કે એવા રાજ્યકર્તાઓને મદદ આપવી બંધ કરવી. ભારતવર્ષનાં દેશી રાજ્યોમાં અત્યારે ચાલી રહ્યું છે તે ઉપર તો હું જેમ જેમ વધુ વિચાર કરું છું તેમ તેમ મને લાગે છે કે, જો દેશી રાજ્યોમાં ચાલી રહેલા ધાગડધિંગાને ચક્રવર્તી સત્તા વચ્ચે પડ્યા વગર ટગર ટગર જોયા જ કરવાની હશે તો, આ દુખિયારા દેશને માટે હું અંધકારમય ભવિષ્ય સિવાય બીજું કશું જોતો નથી. કારણ રાજકોટ કે જયપુરમાં બની રહ્યું છે તે બીજાં રાજ્યોમાં જે બનવાનું છે તેની વાનગી માત્ર છે.

બિકાનેર નરેશે રાજાઓને સંગઠિત પગલાં લેવા કહ્યું એ બરોબર હતું. માત્ર તેમણે દોર્યો તે માર્ગ અવળો હતો. ‘લાતો અને લાલચો’ની નીતિ દેશી રાજાઓને અંતરિયાળ રાખશે. તેમણે ઝેર ઝઘડાની આગાહી કરી છે. દેશી રાજ્યની પ્રજા રાજાઓની પેઠે સંગઠિત લડત ભલે ન આપી શકે, પણ રાજાઓ સુધ્ધાં બીજા રાજ્યેાની કે બ્રિટિશ હદની પ્રજાને હવે પરદેશી તરીકે નહિ જ લેખી શકે. દેશી રાજ્યોની પ્રજા એટલી જાગી છે કે બધા રાજાઓની તમામ સંગઠિત કારવાઈ સામે તે ટક્કર ઝીલશે.

હરિજનબંધુ, ૧૨–૨–૧૯૩૯