લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/લીંબડીની અંધેરશાહી

વિકિસ્રોતમાંથી
← મારી કેફિયત દેશી રાજ્યોનો પ્રશ્ન
લીંબડીની અંધેરશાહી
મોહનદાસ કરમચંદ ગાંધી
વિષ્ટિને કાજે →







૫૩
લીંબડીની અંધેરશાહી

લીંબડી કાઠિયાવાડમાં આવેલું દેશી રાજ્ય છે. તે પ્રગતિમાન રાજ્ય કહેવાતું. ત્યાંના કાર્યકર્તાઓને ઓળખવાનું સદ્ભાગ્ય મને છે. તે શાણા, સેવાભાવી અને પરિશ્રમી છે. ઘણાં રાજ્યોમાં થયું તેમ લીંબડીમાં પણ ભારે લોકજાગૃતિ આવી. કાર્યકર્તાઓ તેમના પ્રગતિશીલ યુવરાજ માટે ભારે અભિમાન લેતા. પણ હવે તેમને ખબર પડી છે કે આ યુવરાજે પશ્ચિમના દેશોની હુકમશાહીઓની ઢબના કેટલાક વિચિત્ર ખ્યાલો કેળવ્યા છે. નાનું સરખું લીંબડી શહેર આખું પ્રજાકીય કાર્યકર્તાઓ ખૂંદી વળે તેમાં યુવરાજને વાંધો નથી, પણ ગામડાંમાં તેમાંનો કોઈ પગ મૂકે તે તેમને ન ખપે. ગામડાંમાં આ યુવરાજને કોઈની પણ દખલગીરી વગર પોતાને મનગમતા અખતરા કરવા છે. લીંબડીના કાર્યકરોએ માન્યું કે ગામડાંની પ્રજામાં કામ કરવાનો યુવરાજના જેટલો જ તેમને પણ હક છે, ખાસ કરીને એ કારણસર કે ગામડાંની જનતા જોડે તેમના સંબંધ બંધાયેલા છે. આથી તેમણે ગામડાંમાં જવાની હિમ્મત કરી. તેનું પરિણામ નીચે આપેલા ઉતારામાં વર્ણવ્યું છે :

“લાઠીઓ, ધારિયાં, ગામઠી બંદૂકો, તલવારો, કુહાડીઓ, વગેરેથી સજ્જ થયેલા ઓછામાં ઓછા ૮૦ માણસો ૫મી તારીખ (ફેબ્રુઆરી)ની મધરાતે પાણશીણા ગામ પર તૂટી પડ્યા, ત્રણથી પાંચ જણની ટુકડીઓએ ઝાંપા રોક્યા. વીસની બે ટુકડીઓ ગામમાં ફરી વળી અને પ્રજામંડળના કાર્યકર્તાઓનાં તેમ જ તેની પ્રવૃત્તિઓ જોડે સહાનુભૂતિ ધરાવનારાઓનાં ઘરો લૂંટને સારુ શોધી કાઢ્યાં. સૌથી પહેલાં પ્રજામંડળની ઑફિસે જઈ તેને બહારથી સાંકળ મારી, જેથી અંદર સૂતેલા સ્વયંસેવકો બહાર નીકળી ન શકે. પછી એક ટોળી ગામના પ્રમુખ વેપારી અને પ્રજામંડળના કાર્યકર્તા શ્રી. છોટાલાલને ઘેર પહોંચી અને તેમને તથા તેમનાં પત્નીને ઘાતકી રીતે માર માર્યો. બાઈને ગંભીર ઈજાઓ થઈ છે અને ગુહ્ય ભાગો પર પણ ઇજાઓ છે. પ્રજામંડળની સ્થાનિક શાખાના પ્રમુખ પર તલવારનો હુમલો થયો અને જખમથી તેમનું ફેફસું વીંધાયું છે. આશરે ૩૦ માણસોને ગંભીર ઈજા થઈ છે. આગળ પડીને પ્રજામંડળનું કામ કરનારા સભ્યોનાં ૧૦-૧૨ ઘરોમાંથી મળીને લગભગ રૂા. ૬૦,૦૦૦ ની મતા લૂંટી ગયા છે. ધાડપાડુઓએ લગભગ બે કલાક સુધી હવામાં તેમ જ ઘરો તરફ તાકીને બંદુકોના ભડાકા કરવાનું ચાલુ રાખ્યું હતું.

અહીંથી પછી બે ગાઉ પર રળોલ ગામે ગયા. ત્યાં પણ એ જ કર્યું. પ્રજાચળવળ જોડે સહાનુભૂતિ ધરાવનારા ત્રણ સોની તથા એક વણિકને ગંભીર ઈજાઓ થઈ છે અને રૂ. ૧૦,૦૦૦ જેટલી કિંમતનો માલ લૂંટાયો છે. સિયાણીમાં આજે જેચંદ વાલજી નામના વાણિયા ઉપર છરીના હુમલા થયા છે અને ચાર જગાએ જખમ પડવા છે. તેની બહેનને પણ માર પડ્યો છે.

ઘાડમાં રાજ્યના અમલદારોનો હાથ હોવાની શંકા લેવાને લોકો પાસે સબળ કારણો છે. ધાડપાડુમાંના કેટલાકને રાજ્યના પગી તેમ જ પસાયતાઓ તરીકે લોકોએ ઓળખ્યા હતા. રાજ્યના પગી પસાયતાઓ પ્રજામંડળના કાર્યકરોને તેમ જ સહાનુભૂતિ ધરાવનારાઓને ગયા અઠવાડિયાથી ધમકીઓ આપી રહ્યા હતા કે, તેમને લૂંટવામાં તેમ જ મારવામાં આવશે. આઠેક મોટરોમાં તથા બે મોટર ખટારાઓમાં લૂંટેલો માલ ઉપાડી ગયા. આ બધી મોટરો ખાનગી શખસોએ પૂરી ન જ પાડી હોય. બે કલાક હવામાં ગોળીબાર કર્યાં તેટલાં કારતૂસ પણ ખાનગી માણસ પાસેથી ન મળી શકે. રાજ્યની પોલીસે હજી કશી તપાસ શરૂ કરી નથી. પંચનામાં પણ નથી કર્યાં. કશી દાક્તરી મદદ રાજ્યે લીંબડીથી મેલી નથી. ઠાકોર સાહેબ પાસે ગયા છતાં તેમણે કશું સખત પગલું લીધું નથી. બીજાં ગામડાંમાં પણ રાજ્યના પસાયતાઓ આવી જ ધાડોની ધમકી આપી રહ્યા છે.

આ અગાઉ બનેલા ગુંડાગીરીના બનાવો શંકાને સબળ કરે છે. જાંબુ ગામે ભક્તિબાની મોટર પર મુખીઓએ હુમલો કરેલો, સિચાણીમાં પ્રજામંડળની મોટર તોડી નાંખેલી, ને તેના ડ્રાઈવર તથા કાર્યકર્તાને માર મારેલો. રાસકા ગામે પ્રજામંડળના સભ્યોને માર પડેલો, સિયાણી ગામે સ્વયંસેવકોના ઉપરીને ગામપસાયતાએ ખૂનની આપેલી ધમકી, અને એ ગામમાં ડાંગો, ધારીયાં તેમ જ છરીઓ લઈને ફાવે તેમ ફરતા ત્રીસ જેટલા ગુંડાઓ — આવી આવી કેટલીયે બીનાઓ પરથી અહીંયાં શંકા નથી રહી કે તાજેતરમાં ચાલુ થયેલી પ્રજાકીય ચળવળને દાબી દેવા રાજ્યે સંગઠિત ગુંડાગીરી ચાલુ કરી છે. કેટલીયે વાર ઠાકોર સાહેબનું આ બનાવો તરફ ધ્યાન ખેંચ્યું પણ ફોગટ. છેલ્લી ધાડના કૃત્ય સામે નગરશેઠ લાલચંદભાઈ, તેમ જ શ્રી. દુર્લભજી ઉમેદચંદ, અમૂલખ અમીચંદ જેવા આગેવાન શહેરીઓ સાથે ૪૦૦ થી ૫૦૦ લોકોએ ઉપવાસ આદર્યા છે ને રાજમહેલ સામે રાતદિવસને સારુ બેઠા છે. આજ સવારથી બીજા ત્રણેક હજાર લોકો જોડાયા છે. રાજ્ય સામે પ્રજાનો પુણ્યપ્રકોપ ઊકળી ઉઠ્યો છે. પ્રજા અદ્ભુત અહિંસાવૃત્તિ દાખવી રહેલ છે અને ગમે તે આફતનો સામનો કરવા તૈયાર છે.”

તેમણે તેમની પ્રજા પરિષદનું અધિવેશન ભરવાની જાહેરાત કરવાની પણ હિમ્મત કરી, અને તેનું પરિણામ મારા ઉપર આવેલા નીચલા તારમાં વર્ણવવામાં આવ્યું છે :

“પ્રજા પરિષદની બેઠક આવતી કાલે છે. તેને તોડી પાડવા સંખ્યાબંધ ગુંડાઓને લીબડીમાં આણવામાં આવ્યા છે. લોકોનું માનવું છે કે રાજ્યના અધિકારીઓનો આમાં હાથ છે. આવી શંકાને સારુ સબળ કારણો છે. શહેરમાં બધે આખો દિવસ લાઠીઓ, ખુલ્લી તલવારો, બંદૂક અને ધારિયાં લીધેલા ગુંડાઓનાં સરઘસ ઘૂમી રહ્યાં છે. તેમાંના કેટલાકે અમુક સ્ત્રીઓ પર હુમલા કરવા પ્રયત્ન કર્યો. પ્રમુખ વેપારી મુંબઈવાળા શેઠ ‘અમૂલખ અમીચંદ’ વચ્ચે પડ્યા અને ‘સ્ત્રીઆને ન મારો, જોઈએ તો મને મારો’ એમ કહ્યું, શેઠ દુર્લભજી ઉમેદચંદ તથા ભગવાનલાલ હરખચંદ પણ છ સ્વયંસેવકો સાથે પહોંચી ગયા. આ સ્વયંસેવકોને લાકડીઓનો માર પડ્યો. બીજે એક ઠેકાણે ગુંડાઓએ ભાવનગરવાળા વકીલ પ્રહ્‌લાદરાય મોદીને પકડ્યા અને જ્યારે ખાતરી કરી લીધી કે તેઓ પ્રજામંડળના સભ્ય નથી ત્યારે જ તેમને છોડ્યા. ભોગીલાલ ગાંધીને ઉઘાડી તલવાર લીધેલા ગુંડાઓએ ખૂન કરવાની ધમકી આપી. મનુભાઈ ઠાકરને ડાંગનો ફટકો પડ્યો. ગુંડાઓ પ્રજામંડળ ઑફિસ સામે બુમરાણ મચાવી રહ્યા છે. સિયાણીવાળા ટપુભા, જેઓ રાજ્યના નોકર છે અને જેમણે બે દિવસ પહેલાં એ ગામમાં પ્રજામંડળના સ્વયંસેવકોને માર્યા હતા, તેમની સરદારી હેઠળ સ્થાનકવાસી ભોજનશાળા જ્યાં ગામડાંમાંથી પરિષદ માટે આવેલા ખેડૂતોનો ઉતારો છે, તેની બહાર બુમરાણ મચાવી રહ્યા છે. જે કોઈ બહાર આવે છે તેને ઠાર કરવાની ધમકી આપી રહ્યા છે. ગુંડાટોળીઓ રસ્તા પર ફરી રહી છે. ઘેરો નંખાયો હોય અને રાજ્યે લશ્કરી કાયદો જારી કર્યો હોય એવી સ્થિતિ વર્તી રહી છે. આને સારુ રાજ્ય જવાબદાર છે એમ લોકો માને છે. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ નારુભાને આમાંના કેટલાક જોડે વાતો કરતા પ્રતિષ્ઠિત લોકોએ જોયા છે. ઘણા લોકોને ગામડાંમાંથી બળજોરીએ આણ્યા છે, અને શહેરના રસ્તાઓ પર ફરતાં ગુંડાઓનાં સરઘસોમાં તેમને પરાણે ફેરવી રહ્યા છે. પ્રજા અદ્ભુત અહિંસા જાળવી રહી છે અને પરિષદ ભરવાનો હક ભોગવવાને અંગે ગમે તેટલું વેઠવાના નિશ્ચયમાં મક્કમ છે.”

પાછળથી મળેલી ખબરો પરથી મેં જાણ્યું છે કે, દરબારસાહેબ તથા ભક્તિબાને ઉપલા તારમાં જણાવેલા લોકોએ ઘેરી લીધાં હતાં ને બન્નેને સાધારણ ઈજા થઈ હતી. આટલું કરીને ગુંડાઓએ પરિષદની બેઠક અટકાવ્યાનો ઘડી વાર સંતોષ મેળવ્યો.

આ તારના સંદેશાઓને ન માનવાનું મને કશું કારણ નથી. બીનાઓની જે ભરચક વિગતો તેમાં આપેલી છે તે ખાતરી ઉપજાવનારી છે. વળી જેમણે તે મોકલી છે તેમને હાથે જાણીજોઈને અતિશયોક્તિભરી કે બનાવટી વાત મોકલવાનો દોષ થવો હું અસંભવિંત માનું છું.

આ બધી અંધેરશાહી છતાં, જો સત્યાગ્રહીઓ ફના થઈ જવાની તૈયારીવાળા હશે અને પ્રજામતના સાચા પ્રતિનિધિ હશે, તો અંતે જીત એમની જ છે. બહારની પ્રજાનું તેમને પીઠબળ મળશે. ચક્રવર્તી સત્તા પણ, શ્રી. પ્યારેલાલે લી વૉરનરના ગ્રંથના ઉતારા પ્રગટ કરીને સચોટ રીતે પુરવાર કરી આપ્યું છે તેમ, તેમને મદદ આપવાને રાજ્યો જોડેના મૈત્રીના કોલકરારોની રૂએ બંધાયેલી છે. પણ સત્યાગ્રહીઓ જાણી લે કે સાચી મુક્તિનો ઉગમ અંતરમાં છે. એ અંતરાત્માની રક્ષા કરવી હશે અને જન્મસિદ્ધ હક એવી સ્વતંત્રતા મેળવવાનો તેમનો નિરધાર હશે તો તે સારુ તેમણે પોતાનું સર્વસ્વ હોમવું પડશે.

સેવાગ્રામ, ૨૭–૨–૩૯
હરિજનબંધુ, ૨૬–૨–૧૯૩૯