દેશી રાજ્યોનો પ્રશ્ન/વિષ્ટિને કાજે

વિકિસ્રોતમાંથી
← લીંબડીની અંધેરશાહી દેશી રાજ્યોનો પ્રશ્ન
વિષ્ટિને કાજે
મોહનદાસ કરમચંદ ગાંધી
અનશન →







૫૪
વિષ્ટિને કાજે

સત્ય અને સુલેહને ખાતર વર્ષોથી રાજકોટ ભણી નીકળતી વેળાએ તા. ૨૫–૨–૩૯ ને રોજ ગાંધીજીએ નીચેનું નિવેદન કર્યું છે :

“રાજકોટ સ્ટેટ કાઉન્સિલના પ્રથમ સભ્ય અને મારી વચ્ચે નીચે મુજબ તારવહેવાર થયો હતો :

વર્ધા, તા. ૨૦–૨–૩૯ : સાંભળું છું કે રાજકોટ જેલના સત્યાગ્રહી કેદીઓ સરધારના કેદીઓ પ્રત્યે થતા અમાનુષી વર્તાવને કારણે ઉપવાસ કરી રહ્યા છે. કાંઈ ખુલાસો કરી શકશો ? — ગાંધી

રાજકોટ, તા. ૨૧: આપનો તાર મળ્યો. કાલે હું જાતે સરધાર જઈ આવ્યો. કેદીઓ પ્રત્યેના ગેરવર્તાવની વાત બિલકુલ સાચી નથી. — કાઉન્સિલના પ્રથમ સભ્ય

વર્ધા, તા. ૨૨ : તાર માટે આભાર. ઉપવાસ વિષે તમે ચૂપ છો. અત્યાચારો વિષે વળી લાંબો તાર મને મળ્યો છે તે ન માનવો મુશ્કેલ છે. મારે પોતે આમાં ઝંપલાવવું જોઈએ એમ મારો અંતરાત્મા રોજ રોજ વધુ જોરથી મને કહેતો જાય છે. ઠાકોર સાહેબે કરેલા વિશ્વાસભંગની વેદના સાથે અત્યાચારની આ વધતી જતી બાતમીઓ મને અસહ્ય થતી જાય છે. ઠાકોર સાહેબને કે કાઉન્સિલને મૂંઝવવાનો મારો ઇરાદો નથી. રાજકોટનો મિત્ર હોવાનો દાવો કરતા એક વૃદ્ધ માણસનું કહ્યું સાંભળવા વીનવું છું. — ગાંધી

રાજકોટ, તા. ૨૩: સરધાર જેલના કેદીઓ સાથે ગેરવર્તાવના આક્ષેપોમાં છાંટાભાર સત્ય નથી. આખી વાત કેવળ ઉપજાવી કાઢેલી છે. રોજનો ખોરાક, બિછાનાં, બધો જ કાર્યક્રમ લગભગ રાજકોટ જેલની ઢબે જ ગોઠવાયેલો છે. આ ખબર અહીંના જેલના ઉપવાસ ઉપર ગયેલા કેદીઓને મેં લેખી આપી છે. ખાતરી આપું છું કે વાજબી વર્તાવ માટે મનુષ્યથી શક્ય તેટલું બધું કરવામાં આવે છે. મહેરબાની કરી ચિંતા ન કરશો. — પ્રથમ સભ્ય

વર્ધા, તા. ૨૪: જો બધા અહેવાલો નર્યાં બનાવટી જ હોય તો તે મારે માટે અને મારા સાથીઓ માટે ગંભીર છે. તેમાં વજૂદ હોય તો રાજ્યના અમલદારોને સારુ ભારે લાંછનરૂપ છે. દરમ્યાન ઉપવાસો ચાલુ છે, મારી ચિંતા અસહ્ય છે. તેથી આવતી કાલે રાત્રે દાક્તરી પરિચારિકા, મંત્રી અને ટાઈપિસ્ટ એમ ત્રણ જણ સાથે રાજકોટ માટે નીકળવા ધારું છું. હું સત્યની શોધમાં અને સુલેહ કરનાર તરીકે આવું છું, પકડાવાના હેતુથી નહિ. વસ્તુસ્થિતિ જાતે જોવાની મારી ઇચ્છા છે. મારા સાથીઓ જો બનાવટી વાતો ઊભી કર્યાના દોષી હશે તો હું તેનું પૂરતું પ્રાયશ્ચિત્ત કરીશ. ઠાકોર સાહેબને પણ પ્રજા જોડે કરેલા વિશ્વાસઘાત સમારવા સમજાવીશ. લોકોને દેખાવો ન કરવા હું જણાવીશ, અને રાજકોટમાં મારો પ્રયત્ન ચાલે તે દરમ્યાન પ્રજાનો તેમજ બહારથી આવનારાનો સત્યાગ્રહ મોકૂફ રાખવા સરદારને હું કહું છું. જો દૈવયોગે ઠાકોર સાહેબ અને તેમની કાઉન્સિલ સુધારા સમિતિના સભ્યોનાં નામોના ફેરફાર પૂરતો અપવાદ રાખી આખું કરારનામું જેમનું તેમ સ્વીકારે, કેદીઓને છોડે ને દંડ પાછા આપે, તો હું મારી મુસાફરી અલબત રદ કરીશ. સભ્યોના ફેરફાર સિવાય બાકી બધી બાબતમાં પૂરી સત્તા આપીને કોઈ પણ અમલદારને તમે મોકલી શકો છો. સરદારે નીમેલા સભ્યોની બહુમતી એ શરત કાયમ રહેશે. પ્રભુ ઠાકોર સાહેબનો અને તેમના કાઉન્સિલરોનો માર્ગદર્શક થાઓ. હું તાકીદના તારની આશા રાખું ? —ગાંધી

રાજકોટ, તા. ૨૪: તમારા તાર પછી તમને ખબર મળી હશે કે ગઈ રાતે ઉપવાસ છૂટ્યા છે. ઉપવાસમાં વજૂદ નહોતું એની ખાતરી તમને નાનાલાલ જસાણી અને મોહનલાલ ગઢડાવાળાએ મોકલેલા તારથી થઈ હશે. પોતાની તરફથી કોઈ જાતનો વિશ્વાસભંગ થયો છે એમ ઠાકોર સાહેબ માનતા નથી. સર્વ પ્રતિનિધિઓની સમિતિ શાંત વાતાવરણમાં કાર્યનો આરંભ કરી શકે, જેથી સમિતિની ભલામણોનો પોતે પૂરેપૂરો વિચાર કરીને જરૂરી લાગે તે સુધારા બનતી તાકીદે દાખલ કરી શકે, એ સારૂ ઠાકોર સાહેબ ઇન્તેજાર છે. તેમને ખાતરી છે કે આ સંજોગોમાં તમે અહીં આવ્યેથી કશો ઉપયોગી હેતુ નહિ સરે. ઠાકોર સાહેબ ફરી તમને ખાતરી આપવા ઇચ્છે કે કોઈ પ્રકારનો અત્યાચાર કે ત્રાસ વર્તાવવામાં આવ્યો નથી અને આવશે હિ. — પ્રથમ સભ્ય

વર્ધા, તા. ૨૫: મારી અંતરની આજીજીનો જવાબ તમારા તારમાં નથી. હું આજે શાંતિ અર્થે રાજકોટ આવવા નીકળું છું. — ગાંધી

આ તારો પોતાની કથની પોતે જ કહે છે. ઉપવાસ છૂટ્યા જાણી મને આનંદ થયો. ચિંતાનું એક કારણ તેથી દૂર થાય છે. પરંતુ જૂઠાણાનો આક્ષેપ ઊભો રહે છે. રાજકોટના કાર્યકર્તાઓને હું અંગત નાતે પિછાનું છું. સત્તાવાળાઓ સામે અત્યાચારનો કેસ ઊભો કરવા માટે તેમણે જો જૂઠાણાનો આશરો લીધો હોય તો તેમણે અને મારે પૂરું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. બીજા દેશી રાજ્યોની જેમ રાજકોટની લડત પણ આઝાદીની લડતનું એક અંગ છે. એકબીજા સામે કાદવ ઉછાળવાથી કાર્યની પ્રગતિ થતી નથી. સત્યની શોધ તો થવી જ જોઈએ.

પ્રથમ સભ્યનો તાર વિશ્વાસઘાતના આક્ષેપનો ઇનકાર કરે છે. આથી હું દિઙ્‌મૂઢ બનું છું. આ ઇનકારનો અર્થ જ મને સમજાતો નથી. કરાર થયા તે દિવસની જાહેરાતની અને સરદાર સાથેના ભંગાણની જાહેરાતની સાદી ભાષા વાંચી જોનાર હરકોઈ બેઉ વચ્ચેનો સ્પષ્ટ વિરોધ સમજી શકે એમ છે.

મેં એમ પણ સૂચવ્યું છે કે રાજકોટના રેસિડેન્ટ આ વિશ્વાસઘાતને માટે જવાબદાર છે. આ આક્ષેપ કરવામાં મેં ઉતાવળ કરી છે, ને આ વસ્તુને બીજી બાજુ છે, એવી ટીકા થઈ છે. એમ હોય તો તે બીજી બાજુ સમજી લેવાની મારી ફરજ છે. આથી હું રેસિડેન્ટને પણ મળવા પ્રયત્ન કરીશ, અને મેં તેમને અન્યાય કર્યો છે એમ મને લાગશે તો હું તેમની જાહેર માફી માગીશ. વળી પરસ્પરના આક્ષેપોની વચ્ચે લોકોની વેદના ચાલુ રહેવા દેવી એ મારે માટે યોગ્ય નથી. તેથી ઓછામાં ઓછું રાજકોટ જઈ, સત્ય શું છે તે જોઉં, અને મને તો જે છચોકનો વિશ્વાસઘાત લાગ્યો છે તે સુધારી લેવા ઠાકોર સાહેબને વીનવું, સિવાય કે એ આક્ષેપનો ઇનકાર વાજબી ઠરે.

વળી અત્યાચારો વિષે કાર્યકર્તાઓએ કરેલાં વિધાનો જો સાચાં હોય, તો મનુષ્યની હેવાનિયતનાં આવાં ભૂંડામાં ભૂંડાં પ્રદર્શનોને ટાળવાનો કોઈ માર્ગ ખોળી કાઢવો જોઈએ, અને બને તો તેને તેની પોતાની જાત સામે સહાયતા કરીને ઉગારી લેવો જોઈએ. આઝાદી માટેની લડત જો અહિંસા ઉપર ખડી થયેલી હોય તો ખુદ ગુંડાઓને પણ સુધારવા એ લડતનો એક ભાગ જ છે, પછી ભલે તેવા લોકો પ્રજાપક્ષમાં હોય કે અમલદારોમાં પડ્યા હોય. રાજકોટ જઈને સમાજમાં રહેલા આ ગુંડા-તત્ત્વ જોડે અહિંસાને માર્ગે કામ લેવાનો માર્ગ શોધી કાઢવાની પરાકાષ્ઠા કરી છૂટવાની પણ મારી ધારણા છે. આ દૃષ્ટિએ રાજકોટ એક પ્રયોગરૂપ છે ખરું.

હું રાજકોટ જઈ રહ્યો છું, કારણકે મેં હંમેશાં દાવો કર્યો છે તેવો જ દેશી રાજ્યોનો હજીયે હું મિત્ર છું. મને દુઃખ થાય છે કે સંજોગોને બળે, જેમાંના બધા જ કદાચ હું નયે જાણતો હોઉં, પોતાની પ્રજાને આપેલા વચનનો રાજકોટના નરેન્દ્ર પાસે ભંગ કરાવ્યો છે. હું તો માનું છું કે, તમામ હિંદના નહિ તો છેવટ કાઠિયાવાડના રાજાઓની અને તેમના સલાહકારોની તો ફરજ છે કે તેમણે જો આ અનિષ્ટ સાચું હોય તો તે સુધારવામાં મદદ કરવી. જો એકબીજાના વચન પર વિશ્વાસ એ એક વગરકિંમતની વસ્તુ બની જાય તો પરસ્પર વહેવારમાં માનભર્યું સમાધાન એ એક અશક્ય વસ્તુ બની જાય.

આજની પેઠે જ્યારે જ્યારે કોઈ વિશ્વાસભંગનો હું સાક્ષી બન્યો છું એમ મને લાગ્યું છે ત્યારે મારે માટે જીવવું વસમું થઈ પડ્યું છે. વાંચનાર યાદ આણે કે જે ખરડા ઉપર નજીવા સુધારા સાથે રાજકોટ ઠાકોર સાહેબે સહી કરી હતી એ ખરડો મારો ઘડેલો હતો, અને હું જાણું છું કે પૂરેપૂરું સમજીને જ રાજ્યકર્તા એ ઉપર સહી કરે એ વિષે સરદારે ખાતરી કરી હતી.

કેવળ શાંતિની નેમ રાખીને હું રાજકોટ જતો હોવાથી મેં સરદારને જણાવ્યું છે કે, પ્રભુનો દોરવ્યો મારી ચાલુ વેદનાનો અંત લાવવાને હું નમ્ર પ્રયાસો કરું તે દરમ્યાન તેઓ લડતને બંધ રાખે.

જનતા દયાભાવે યાદ રાખે કે હવે હું શરીરે અપંગ છું. તેથી સ્ટેશનો પર ટોળાં ન થાય, કોઈ દેખાવો કરે નહિ. રાજકોટમાં મોકૂફી દરમ્યાન શહેરીઓ રાજ્યના હુકમો પૂરા પાળે. વાટાઘાટ દરમ્યાન ઘોંઘાટમાંથી મને મુક્તિની જરૂર રહેશે. એ વાટાઘાટોમાં જેમને શ્રદ્ધા હોય તે સઘળા મૂંગી પ્રાર્થનાથી મને સહાયતા કરે.

જો હિંદના નકશામાં રાજકોટ એક ટપકું માત્ર છે છતાં જે સિદ્ધાંતની સંસ્થાપનાને માટે હું રાજકોટ જઈ રહ્યો છું તે એવો છે કે જેના વિના માનવસમાજ છિન્નભિન્ન થઈ જાય.”

હરિજનબંધુ, ૫–૩–૧૯૩૯