દેશી રાજ્યોનો પ્રશ્ન/અનશન
← વિષ્ટિને કાજે | દેશી રાજ્યોનો પ્રશ્ન અનશન મોહનદાસ કરમચંદ ગાંધી |
ઠાકોર સાહેબને ગાંધીજીના કાગળ → |
૫૫
અનશન
રાજકોટના ઠાકોર સાહેબનો અંતરાત્મા જાગૃત કરી તેમની પાસે તેમણે પોતાની પ્રજાને આપેલા વચનનું પાલન કરાવવાના ઉદ્દેશથી ગાંધીજી અનિશ્ચિત સમયનું અનશન આદરવાના છે, એવી અફવા સાંભળીને ‘ટાઈમ્સ ઑફ ઈંડિયા’ ના ખાસ પ્રતિનિધિએ તા. ૨ જીએ ગાંધીજીની મુલાકાત લીધી અને આ અફવા ખરી છે કે ખોટી એમ પૂછેલું, તેના ઉત્તરમાં ગાંધીજીએ કહેલું :
“તમારા સવાલના જવાબમાં મારે ‘હા’ કહેવી પડે છે તેને સારુ હું દિલગીર છું. આ ખબર વહેલી ફૂટી ગઈ તેને સારુ પણ હું દિલગીર છું, હું હજી હમણાં મારા કાગળ પ્રસિદ્ધ કરવા માગતો નથી. આ અણીની ઘડીએ તો હું એટલું જ કહેવા ઇચ્છું છું કે એક આખી રાત વગરઊંઘ વિતાવ્યા પછી હું એવા નિર્ણય પર આવ્યો કે જો મોકૂફ રહેલી લડત ફરી શરૂ કરવી ન હોય, અને જે અત્યાચારો વિષે મેં આટલું બધું સાંભળ્યું છે ને જેને વિષે ર્તમાનપત્રોમાં કરેલા મારા નિવેદનમાં મારે ઉલ્લેખ કરવો પડેલો તે અત્યાચારો પણ પાછા શરૂ થવા દેવા ન હોય, તો આ વેદનાનો અંત આણવાનો કંઈક ચાંપતો ઇલાજ મારે કરવો જોઈએ; અને ઈશ્વરે મને આ ઇલાજ સુઝાડ્યો.
“મેં લેવા ધારેલા પગલાની સાથે હું ઈશ્વરનું નામ જોડું હું તેને પ્રજા હસી ન કાઢે. ખરી કે ખોટી પણ મારી એવી માન્યતા છે કે હરેક વિપત્તિને પ્રસંગે સત્યાગ્રહી તરીકે મારી પાસે ઈશ્વરની સહાયતા સિવાયનું બીજું કશું જ બળ નથી. અને પ્રજા એટલું અવશ્ય માને કે મારાં જે કાર્યો અકળ ભાસે છે તેનું ખરું કારણ અંતરાત્માની પ્રેરણા જ છે.
સંભવ છે કે આ કદાચ કેવળ મારી સંતપ્ત કલ્પનામાંથી પેદા થયેલી વસ્તુ પણ હોય. એમ હોય તો એ કલ્પનાને હું અણમોલ ગણું છું, કારણ એણે લગભગ ૫૫ થી પણ વધારે વરસના અનેકવિધ ઘટનાઓથી ભરેલા મારા જીવનમાં મને કામ આપ્યું છે; કેમકે હું ૧૫ વરસનો થયો તે પહેલાંથી જ જ્ઞાનપૂર્વક ઈશ્વર પર આધાર રાખતાં શીખ્યો હતો.
“એક બીજી વાત. અનશનનું શસ્ત્ર પૂરા વિચાર વિના ઉગામી શકાય એવું નથી. એ કળામાં કુશળ માણસ એ ન વાપરે તો એમાં હિંસાની ગંધ સહેજે આવી શકે છે. આ વિષયમાં એવો કળાકાર હું છું એવો મારો દાવો છે.
“એ યાદ રાખવાની જરૂર છે કે રાજકોટ અને તેના રાજાઓની સાથે મારે નિકટનો સંબંધ છે. હું ઠાકોર સાહેબને મારા સગા દીકરા સમાન માનું છું, તેથી જાતે કષ્ટ સહન કરીને એમના સ્વભાવમાંના ઉત્તમ અંશને જાગૃત કરવાનો મને પૂરો હક છે. મારો ઉપવાસ ટળશે એવી મને આશા છે. પણ એ ઉપવાસમાં દબાણ છે એવો અર્થ જો કરવામાં આવનાર હોય તો હું એટલું જ કહી શકું કે એવું નૈતિક દબાણ આ પ્રસંગ સાથે સંબંધ ધરાવનાર સહુએ વધાવી લેવું ઘટે છે.
“વચનભંગથી — ખાસ કરીને જ્યારે એ ભંગ કરનારની સાથે મારે કોઈ પણ પ્રકારનો નાતો હોય ત્યારે — મારું અંતર સમસમી ઊઠે છે. અને એને સારુ મારે આજે ૭૦ વરસની ઉમરે પ્રાણાર્પણ કરવું પડે — જિંદગીના વીમાની દૃષ્ટિએ પણ મારી જિંદગીની કશી જ કિંમત ન ગણાય — તો પવિત્ર અને ગંભીર વચનનું પાલન કરાવવાને સારુ એવું પ્રાણાર્પણ હું બહુ જ ખુશીથી કરું.”
તા. ૩ જીએ સાંજે રાજકોટથી ઍસોસિયેટેડ પ્રેસનો નીચે પ્રમાણેનો તાર મળ્યો છે:
“ગાંધીજીને ઠાકોર સાહેબ તરફથી કશો ઉત્તર ન મળવાથી તેમણે આજે બપોરે બાર વાગ્યે પ્રાર્થના પછી ઉપવાસ શરૂ કર્યો છે. રાષ્ટ્રીય શાળાના સર્વ નિવાસીઓ અને થોડાક પત્રકારો આ પવિત્ર વિધિ વખતે હાજર હતા, ‘વૈષ્ણવ જન’ અને રામનામની ધૂન ગવાયા પછી ગાંધીજીએ ઉપવાસનો આરંભ કર્યો. પ્રાર્થના પછી તરત, તેમણે ઠાકોર સાહેબને લખેલો કાગળ છાપાંમાં પ્રસિદ્ધ કરવા આપ્યો છે. તે કાગળ પ્રસિદ્ધ કેમ કરવો પડ્યો તેનો ખુલાસો કરતું નિવેદન પણ કર્યું છે.”
તા. ૩ જીએ રાતે મળેલો બીજો તાર આ પ્રમાણે છે :
“ઉપવાસના આરંભ પછી થોડાક કલાકે ગાંધીજીનાં ૭૫ વરસનાં બહેન ગાંધીજીને મળવા આવ્યાં હતાં. ભાઈબહેનની આ મુલાકાતનું દૃશ્ય હૃદયસ્પર્શી હતું. કલાકેક સુધી એમણે ગંભીરપણે કંઈક વાતો કરી.
“ડાક્ટરોનો અભિપ્રાય એવો છે કે ગાંધીજીની જીવનશક્તિ બહુ મંદ છે ને તે ઘણા જ અશક્ત છે. અગાઉના પ્રસંગોના ઉપવાસ કરતાં આ ઉપવાસના આરંભ વખતે એમનામાં જીવનશક્તિ ને શરીરબળ ઘણાં ઓછાં છે. ગયાં છ અઠવાડિયાંના પરિશ્રમથી એમની અશક્તિમાં વધારો થયો છે.”
- હરિજનબંધુ, ૫–૩–૧૯૩૯