દેશી રાજ્યોનો પ્રશ્ન/ઠાકોર સાહેબને ગાંધીજીના કાગળ
← અનશન | દેશી રાજ્યોનો પ્રશ્ન ઠાકોર સાહેબને ગાંધીજીના કાગળ મોહનદાસ કરમચંદ ગાંધી |
‘પ્રેમપંથ પાવકની જ્વાળા’ → |
૫૬
ઠાકોરસાહેબને ગાંધીજીના કાગળ
૧
મહેરબાન ઠાકોર સાહેબ,
આ કાગળ લખતાં સંકોચ થાય છે. પણ ધર્મ થઈ પડ્યો છે.
મારું અહીં આવવાનું કારણ આપ જાણો છો. ત્રણ દિવસ દરબાર વીરાવાળા સાથે વાતો થઈ. એમનાથી મને ભારે અસંતોષ થયો છે. એકેય વાત પર કાયમ રહેવાની શક્તિ જ એ ધરાવતા નથી એવો મારો આ ત્રણ દિવસના પરિચય પરથી બંધાયેલો અભિપ્રાય છે. મને લાગે છે કે એમની દોરવણીથી રાજ્યનું અહિત થાય છે.
હવે આ કાગળના હેતુ ઉપર આવું. વર્ધા છોડતાં મેં એ નિશ્ચય કર્યો હતો કે આપે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરાવ્યા વિના હું રાજકોટ નહીં છોડું. પણ મારે અહીં એકબે દિવસ કરતાં વધારે રહેવું પડશે અથવા મારી ઉપર જે વીતી છે એ વીતશે એમ મેં નહોતુ ધાર્યું.
હવે મારી ધીરજ ખૂટી છે. જો બની શકે તો મારે ત્રિપુરી જવું જોઈએ. હું ન જાઉં તો હજારો કાર્યકર્તા નિરાશ થાય અને લાખો દરિદ્રનારાયણ વ્યાકુળ બને. એટલે વખતની આ વેળા મારે સારુ બહુ કિંમત છે.
તેથી આપને વીનવું છું કે આપ નીચેની સૂચનાનો હૃદયપૂર્વક સ્વીકાર કરી મને ચિંતામુક્ત કરો ને અહીંથી કાલે વિદાય કરો.
૧. આપની નં. ૫૦ તા. ૨૬–૧૨–૩૮ ના ગૅઝેટમાં જાહેરાત છે તે કાયમ છે એમ ફરીથી પ્રજાની આગળ જાહેર કરો.
૨. આપની નં. ૬૧ તા. ૨૧–૧–૩૯ના ગૅઝેટની જાહેરાત રદ કરો.
૩. સુધારા સમિતિનાં સાત નામ આપે જાહેર કર્યાં છે તેમાંનાં ૨, ૩, ૫ અને ૭ રહેવા દઈ, રાજકોટ રાજકીય પ્રજાપરિષદવતી બીજાં નીચેનાં નામોનો સ્વીકાર કરો :
૧. શ્રી. ઉછરંગરાય ન. ઢેબર
૨. શ્રી. પોપટલાલ પુ. અનડા
૩. શ્રી. વ્રજલાલ મ. શુક્લ
૪. શ્રી. જેઠાલાલ હ. જોશી
૫. શ્રી. સૌભાગ્યચંદ્ર વી. મોદી
આ સૂચનાના ગર્ભમાં હેતુ એ છે કે રાજકોટ પ્રજાપરિષદની બહુમતી રહે.
મજકૂર નવમાંથી શ્રી. ઉછરંગરાય ઢેબરને પ્રમુખ નીમો.
૪. ત્રણ અથવા ઓછા અધિકારીઓ જેમને પરિષદની વતી હું પસંદ કરી શકું એમને સમિતિના મદદનીશ ને સલાહકાર નીમો. તેમને સમિતિના કામમાં મત આપવાનો અધિકાર ન હોય.
૫. આપ હુકમ કાઢો ! સમિતિને કાગળો, આંકડાઓ, વગેરે જે જે સામગ્રી તથા મદદ જોઈ એ તે સ્ટેટના ખાતાધિકારીઓ આપે. સમિતિને સારુ દરબારગઢમાં બેઠક કરવાની યોગ્ય જગ્યા આપ મુકરર કરો.
૬. મારી સલાહ છે કે, ઉપરની કલમ ૪થીની રૂએ આપ જેને સલાહકાર નીમો તેને જ આપનું કારભારી મંડળ નીમો. અને તેની ઉપર આપની તા. ૨૬ ડિસેમ્બરની જાહેરાતના હેતુને અનુસરતો કારભાર ચલાવવાનો તેમ જ એ જાહેરાતના હેતુને વિઘાતક એવું કોઈ પણ પગલું ન ભરવાનો ભાર મૂકો. આ સલાહકારમાંના એકને તે મંડળનો પ્રમુખ નીમો, ને તે મંડળ જે નિવેદનો, હુકમો કાઢે તેમાં આપ વગર સંકોચે સહી કરશો એવું જાહેર કરો. જો સમિતિના સલાહકારને કારભારી મંડળ બનાવવાનું આપ પસંદ ન કરો તો જે કારભારી મંડળ નીમો તે પણ મારી સાથે મસલત કરીને નીમો.
૭. સમિતિ પોતાનું કામ તા. ૭–૩–૩૯ ને રોજ શરૂ કરે ને તા. ૨૨–૩–૩૯ ને રોજ પૂરું કરે.
૮. સમિતિની ભલામણનો અમલ તેનું નિવેદન આપના હાથમાં આવે ત્યાર પછી સાત દિવસની અંદર કરવાનું જાહેર કરો.
૯. આવતી કાલે સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકો. તેઓના ઉપર થયેલા દંડ, જપ્તીઓ વગેરે માફ કરો; તેમ જ વસૂલ કર્યાં હોય તે પાછાં આપો.
મિ૦ ગિબસન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે તા. ૨૬મી ડિસેમ્બરની જાહેરાતને લગતું આપ જે કંઈ કરશો તેમાં તે વચ્ચે નહિ આવે.
જો આપ મારી આટલી વિનંતિ આવતી કાલ બપોરના બાર વાગ્યા પહેલાં કબૂલ નહિ કરો તો તે વખતથી મારા ઉપવાસ શરૂ થશે અને તે કબૂલ કરો ત્યાં સુધી ચાલુ રહેશે.
આપ મારી ભાષાને કડક નહિં માનો એવી આશા રાખું છું. જો કડક હોય તો આપના પ્રત્યે કડક ભાષા વાપરવાનો ને કડક થવાનો મને અધિકાર છે. આપના પિતામહનું મારા પિતાશ્રીએ લૂણ ખાધું હતું.
આપના પિતાશ્રી મને પોતાના પિતા તુલ્ય માનતા, મને તો તેમણે જાહેરમાં ગુરુપદ આપ્યું હતું. હું કોઈનો ગુરુ નથી એટલે એમને શિષ્યરૂપે મેં માન્યા ન હતા. હું આપને પુત્રવત્ માનું છું. આપ મને ‘પિતાતુલ્ય’ ન ગણો એ બને. જો મને ‘પિતાતુલ્ય’ ગણો તો મારી વિનંતીને આપ ક્ષણમાં સહેજે સ્વીકાર કરો, તે ૨૬મી ડિસેમ્બર પછી પ્રજા ઉપર વીતી છે તેનું દુઃખ જાહેર કરો.
મને સ્વપ્ને પણ આપનો કે રાજ્યનો દુશ્મન ન ગણશો. હું કોઈનો દુશ્મન ન થાઉં; જિંદગીભરમાં થયો નથી. મારો દૃઢ વિશ્વાસ છે કે મારી વિનંતીના હાર્દિક સ્વીકારમાં આપનું હિત છે, ભૂષણ છે, આપનો ધર્મ છે.
આપને એમ લાગશે કે મારી સૂચનાઓમાં કોઈ મેં તા. ૨૬ ડિસેમ્બરના નિવેદનની બહાર જઈને કરી છે.
ઉપરટપકે વિચારતાં એમ કહી શકાય. આપ જોશો કે પરિષદની બહારના સભ્યોને સ્વીકાર કરવામાં મેં આપના સ્વમાનનો જ ખ્યાલ રાખ્યો છે. એટલે એ તો રાજ્યપક્ષની જ વસ્તુ થઈ. બીજી સૂચનાઓ જે મજકૂર નિવેદન બહારની ગણાય એ રાજ્યપક્ષની ન ગણવી હોય તો એમ કહી શકાય. પણ તે પરિસ્થિતિ મને જણાતા આપના પ્રતિજ્ઞાભંગમાંથી જ ઉત્પન્ન થઈ છે. પણ મારી દૃષ્ટિએ તો એ પણ રાજાપ્રજાના રક્ષણાર્થે છે ને ફરી સમાધાની ન ભાંગી પડે એ દૃષ્ટિએ છે.
છેવટમાં આપને વિશ્વાસ આપું કે જે રિપોર્ટ સમિતિ તૈયાર કરશે તે જો મારો દેહ હશે તો તપાસીશ; મારો દેહ નહિ હોય તો સરદાર વલ્લભભાઈ તપાસશે; અને તેમાં એક પણ કલમ એવી નહિ રહે કે જેથી આપની પ્રતિષ્ઠાને કે રાજ્યને કે પ્રજાને હાનિ પહોંચે.
આની નકલ હું ગિબસન સાહેબને મોકલું છું.
આ કાગળ હું તુરત પ્રગટ નથી કરતો, અને આશા તો એવી સેવું છું કે મારી સૂચનાનો આપ હર્ષપૂર્ણવ સ્વીકાર કરશો ને આ પત્ર પ્રગટ કરવાનો ધર્મ મારી ઉપર નહિ આવી પડે.
પ્રભુ આપનું કલ્યાણ કરો, આપને સન્મતિ આપો.
૨
ઠાકોર સાહેબનો જવાબ
પ્રિય મહાત્મા ગાંધી,
તમારો કાગળ ગઈ કાલે મળ્યો. વાંચીને ઘણી જ દિલગીરી થઈ છે. તમને હું ખાતરી આપી ચૂક્યો છું કે તા. ૨૬–૧૨–૩૮ ને રોજ મેં કાઢેલી જાહેરાત હજુયે કાયમ રહે છે. સમિતિનાં નામોને લગતી તમારી સૂચના એ જાહેરાતને અનુસરીને નથી તેથી તે, તેમ જ બીજી સૂચનાઓ જે તમે કરી છે તે, સ્વીકારવાનું મને વાજબી લાગતું નથી. સમિતિ યોગ્ય અને રાજ્યનાં જુદાં જુદાં હિતોના સાચા પ્રતિનિધિ હોય એવા સભ્યોની અને એ જોવાની જવાબદારી રાજકોટના રાજ્યકર્તા તરીકે મારી છે, અને મારા રાજ્યના તેમ જ પ્રજાના હિતને વિચારતાં હું એ જવાબદારીમાંથી છૂટી શકું નહિ. આવી મુદ્દાની બાબતમાં છેવટનો નિર્ણય બીજા કોઈને કરવા દેવો એ મારે સારુ અશક્ય છે. હું અગાઉ ખાતરી આપી ચૂક્યો છું કે સમિતિ પોતાનું કામ શાંત વાતાવરણમાં વહેલામાં વહેલું શરૂ કરે એવી મારી તીવ્ર અભિલાષા છે, જેથી જરૂરી જણાય એવા સુધારા રાજમાં દાખલ કરવામાં ઢીલ થવા ન પામે.
આપનો
(સહી) ધર્મેન્દ્રસિંહ
- હરિજનબંધુ, ૫–૩–૧૯૩૯