લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/‘પ્રેમપંથ પાવકની જ્વાળા’

વિકિસ્રોતમાંથી
← ઠાકોર સાહેબને ગાંધીજીના કાગળ દેશી રાજ્યોનો પ્રશ્ન
‘પ્રેમપંથ પાવકની જ્વાળા’
મોહનદાસ કરમચંદ ગાંધી
પૂર્ણાહુતિ →







૫૭
‘પ્રેમપંથ પાવકની જ્વાળા’

અનશન

ઠાકોર સાહેબ તરફથી સંતોષકારક જવાબ ન મળવાથી ગાંધીજીએ તા. ૨જી માર્ચે બપોરે ૧૨ વાગ્યે અનશન શરૂ કર્યું. ઠાકોર સાહેબને લખેલો કાગળ છાપાંમાં પ્રગટ થવા મોકલતાં તેમણે નીચે મુજબનું નિવેદન કર્યું હતું :

ઠાકોર સાહેબને મેં લખેલો કાગળ હું ભારે હૈયે પ્રગટ કરું છું. મારા જીવનમાં ઘણી વાર વસમી ફરજો બુજાવવાના પ્રસંગો મને આવ્યા છે. આ તેમાંનો એક છે. મારા તમામ મિત્રો તથા મારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓ પાસે હું માગી લઉં છું કે સૌ કોઈ મારું અનુસરણ કરીને એક દિવસને માટે પણ ઉપવાસ કરતાં કડકપણે રોકાય. હું જાણું છું કે સત્યાગ્રહની પેઠે જ ઉપવાસનો પણ આજે જ્યાં ત્યાં અતિશય દુરુપયોગ થઈ રહ્યો છે. નજીવામાં નજીવા બહાના હેઠળ લોકો ઉપવાસ આદરતા જોવામાં આવે છે; ઘણી વાર તેની પાછળ હિંસાની લાગણી હોય છે.

બીજે કારણે નહિ તો આવું વિચારહીન અનુકરણ અટકાવવાના વહેવારું કારણોસર પણ્ અનશન કરવા હું ઘણો નાખુશ હતો. પણ અંતરાત્માની માગણી આગળ મારું ચાલ્યું નહિ.

તેથી સાચાં કે માની લીધેલાં દુઃખોની દાદ મેળવવા ખાતર ઉપવાસ કરવા ઇચ્છનાર તમામ લોકોને મારું અનુકરણ કરવા સામે હું ચેતવું છું. ઉપવાસ એ કેટલીક જલદ માત્રાઓની જેમ કેવળ અતિ જૂજ પ્રસંગોએ અને નિષ્ણાતની દોરવણી હેઠળ લેવાનો ઇલાજ છે. દરેક જણે પોતાને નિષ્ણાત સમજવું એ અનુચિત છે, પાપ છે.

જાહેર પ્રજા જાણે કે મારી જિંદગીમાં બહુ વહેલેથી આત્મશુદ્ધિ અર્થે હું ઉપવાસ કરતો આવ્યો છું. મારા એક ભૂલ કરનાર પુત્રને ખાતર મેં પહેલવહેલા લાંબો ઉપવાસ કરેલો. થોડા સમય બાદ એથીયે વધુ લાંબો ઉપવાસ એક પરમ મિત્રની પુત્રીની ભૂલને સારુ કરેલો. આ બન્ને દાખલામાં ઉપવાસનું સુપરિણામ આવ્યું હતું. પહેલો જાહેર ઉપવાસ મેં દક્ષિણ આફ્રિકામાં ત્યાંના સત્યાગ્રહની લડતમાં જોડાયેલા ગિરમીટિયાઓનાં દુઃખોને અંગે કર્યો હતો. ઉપવાસનો મારો એક અખતરો નિરર્થક પ્રયત્ન નીવડ્યાનું મને સ્મરણ નથી. ઊલટું, સફળતા ઉપરાંત એ બધા ઉપવાસો દરમ્યાન મને અણમૂલ શાંતિ અને અપરંપાર આનંદનો અનુભવ થયો છે. બાકી તો હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ઉપવાસની પ્રેરણા જો કેવળ ઈશ્વરી અનુગ્રહરૂપે જ ન થઈ હોય તો તે અર્થહીન ભૂખમરો છે કે તેથીયે બૂરી વસ્તુ છે.

બીજી વાત એ કહેવા ઇચ્છું છું કે ઠાકોર સાહેબ, તેમના સલાહકારો અગર તો રેસિડેન્ટ વિષે કોઈ કડવો શુકન ન કાઢે, ન લખે. રેસિડેન્ટ વિષે તેમ જ રાજ્યના અમલદારો વિષે મેં આ અગાઉ આકરી ભાષા વાપરી છે. એથી મેં તેમને કોઈ રીતનો અન્યાય કર્યો છે એમ જો હું જોઈશ તો તેનું પ્રક્ષાલન કેમ કરવું એ હું જાણું છું. તેથી ઠાકોર સાહેબના સબંધમાં અગર તો આ કરુણ કાંડનાં બીજા પાત્રોના સંબંધમાં જો કોઈ કડવી ભાષા વાપરશે તો જે અસર ઉપજાવવાનો હેતુ ઉપવાસની પાછળ છે તે નિષ્ફળ થશે. પવિત્રપણે કરેલી પ્રતિજ્ઞા અથવા કરારના ભંગથી નીપજનારાં દુષ્પરિણામોની વિકરાળતાનો ચિતાર આપવા સારુ તીખી કે કડવી ભાષા જરૂરી નથી. જાહેર પ્રજા તેમ જ છાપાં જો ઊભી થયેલી પરિસ્થિતિમાં ઉપયોગી થવા માગતાં હોય, તો તે રાજકોટ ઠાકોર સાહેબની કારવાઈ પ્રત્યે ગરવો નિષેધ જાહેર કરીને જાગતા પ્રજામતના દબાણનું તેમને ભાન કરાવે.

તમામ સત્યાગ્રહ અને ઉપવાસ ત્યાગનાં જ જુદાં જુદાં સ્વરૂપ છે. સર્વ પ્રકારની કડવાશથી રહિત એવો નરવો પ્રજામત પ્રગટ થવા ઉપર એની અસરનો આધાર રહે છે. ઉપવાસને કારણે જોઈતું પરિણામ નિપજાવવાની વાતમાં કોઈ અધીરાઈ ન કરે. જેણે મને અનશન કરવા પ્રેર્યો છે તે જ મને તેમાંથી પાર ઊતરવાનું બળ આપશે. અને જો એની એવી ઇચ્છા હશે કે મેં સ્વેચ્છાએ અંગીકારેલું માનવજાતિની સેવાનું કાર્ય ચાલુ રાખવા ખાતર હજુયે થોડો સમય મારે આ દુનિયામાં જીવવું, તો ગમે તેટલા લાંબા ઉપવાસથી પણ દેહ પડશે નહિ. હરિજન-પ્રશ્ન પરના મારા યરવડાના ઉપવાસથી ઘણા લોકો પોતાની મરજી વિરુદ્ધ વર્તવા દોરાયા હતા, એ બીનાનું દુઃખદ ભાન મને છે. આ ઉપવાસના સબંધમાં એવું કશું નહિ થાય એવી મને ઉમેદ છે. જો કોઈ એવા આગેવાનો હોય જેઓ માનતા હોય કે રાજકોટ ઠાકોર સાહેબે તા. ૨૧–૧–૩૯ ને રોજ કરેલી જાહેરાત તેમણે તેમની તા. ૨૬–૧૨–૩૮ની જાહેરાતમાં આપેલા વચનનો ભંગ છે એમ કહેવામાં મેં ભૂલ કરી છે, તો તેઓ મારા કથનને તેમ જ મારા ઉપવાસને વખોડી કાઢીને મારા પ્રત્યેનો મિત્રધર્મ બજાવે. ઉપવાસની પાછળ ઠાકોર સાહેબનું હૈયું પિગળાવવાનો હેતુ તો સ્પષ્ટ છે, પણ જાહેર પ્રજાને સંકડામણમાં મૂકીને તેમની પાસે ઠાકોર સાહેબ પર અગર તો જેમની નજરમાં ઠાકોર સાહેબનું વર્તન નિર્દોષ છે તેમના પર દબાણ આણવાનો હેતુ નથી.

બીજી પણ એક વાતનો ઉલ્લેખ કરું. મારા કાગળની પહેલી કંડિકામાં દરબાર વીરાવાળા પર મેં ટીકા કરી છે. હું સત્ય પ્રતિજ્ઞાથી કહી શકું કે માણસના દોષ જોવામાં હું ધીમો છું, કારણ હું પોતે દોષોથી ભર્યો છું. કોઈ પર કાજીપણું ન કરવાનું અને કોઇની ત્રુટીઓ દેખાય ત્યાં પણ આકરા ન થતાં ઉદારભાવે જોવાનું હું શીખ્યો છું. દરબાર વીરાવાળાના સબંધમાં તો એમ બન્યું છે કે મારી પાસે તેમની વિરુદ્ધ અતિ કડવી અને ગંભીર ફરિયાદો આવી છે. તેમની જોડેની વાતોમાં મેં એનો ઉલ્લેખ કર્યો, અને મારે એમની તરફેણમાં કહેવું જોઈએ કે તેમણે એની તપાસ કરી જોવા મને કહ્યું. મેં કહ્યું હું કરીશ, અને ઉપવાસ વચ્ચે ન આવ્યા હોત તો તેવી તપાસ હાથ ધરવાની મારી પૂરી ઇચ્છા હતી. તેમની સામેના ચોક્કસ આક્ષેપોને લગતો પુરાવો મને આણી આપવા મિત્રોને મેં કહ્યું પણ હતું. પણ ત્રણ દિવસની લાંબી વાતો પછી મારી છાપ થઈ કે અમારી વાતોમાંથી મને મળી આવેલો પુરાવો જ એમની સામેના ભારે તહોમતનામાની સાબિતીને સારુ બસ હતો. મારા કાગળની પહેલી કંડિકામાં મેં જે કંઈ કહ્યું છે તે મારા અભિપ્રાયની ઇરાદાપૂર્વકની અલ્પોક્તિ છે. એ કંડિકા લખતાં મને અતિશય દુઃખ થયું છે, પણ મારો ધર્મ બજાવવામાં એ જરૂરી હતું. ઠાકોર સાહેબની ઉપર એમણે પાથરેલા વશીકરણ સામે હું ઠાકોર સાહેબને ચેતવું. થોડાઘણા નહિ પણ કેટલાયે પીઢ મોભાદાર લોકોએ વાળીવાળીને મને કહ્યું છે કે, દરબાર વીરાવાળાનું કામણ ઠાકોર સાહેબ ઉપર ચાલુ છે ત્યાં સુધી પ્રજાને સારુ શાંતિ નથી. મને પોતાને લાગે છે કે આ કથનમાં ઘણું સત્ય રહેલું છે. અને અનશનનો આરંભ કરી રહ્યો છું એવી વેળાએ જો હું આ સાચી હકીકતથી જાહેર પ્રજાને અજાણ રાખું તો અધર્મ થાય. મેં દરબાર વીરાવાળાને એક ખાનગી અંગત કાગળ મોકલ્યો છે તે મારા તરફથી તો કદાપિ પ્રગટ નહિ જ થવા પામે, પણ હું એમને નમ્રભાવે અરજ ગુજારું છું — અને જેઓને તેમની જોડે ઓળખાણ છે તે બધાને તેમાં જોડાવા વિનંતી કરું છું — કે ઠાકોરને તેમની અસરમાંથી છૂટવું મુશ્કેલ હોય તોપણ તેમણે પોતે ઠાકોર સાહેબને દોરવતા અટકવું. બીજું ઘણું હું કહી શકું એમ છું પણ ન કહું.

દોઢ બે પેઢી થયાં હું કાઠિયાવાડમાંથી દેશવટે છું, છતાં હું કાઠિયાવાડની મેલી રાજખટપટથી પરિચત છું. આ દુર્ભાગી પ્રાંત એના કાવાદાવાને માટે નામચીન છે. ચાર દિવસના મારા અહીંના વસવાટ દરમ્યાન પણ એની બદબોથી હું ડઘાયો છું. મારા ઉપવાસથી કાઠિયાવાડના રાજકારણની જરાતરા પણ શુદ્ધિ થાઓ એવી મારી ઝંખના છે. તેથી કાઠિયાવાડના રાજાઓને તેમ જ મુત્સદ્દીઓને મારી પ્રાર્થના છે કે મારા ઉપવાસના પ્રસંગને લઈને તેઓ રાજખટપટના આ ઝેરી વાતાવરણની જીવલેણ અસર, જે કાઠિયાવાડમાં વસનારના જીવનને દોહ્યલું બનાવી મૂકે છે, તેનાથી કાઠિયાવાડને મુક્ત કરે.

રેસિડેન્ટને પત્ર

આનંદકુંજ,
રાજકોટ, માર્ચ ૨, ૧૯૩૯

 

પ્રિય મિ. ગિબસન,

ઘણા ખેદપૂર્વક પણ ધર્મ સમજીને મેં હમણાં જ ના. ઠાકોર સાહેબને એક કાગળ લખ્યો છે તેની નકલ આ જોડે બીડું છું, હું હજુ તેનો અંગ્રેજી તરજુમો કરી શક્યો નથી તેથી મૂળ ગુજરાતીની જ નકલ મોકલું છું. અંગ્રેજી આજે દિવસ દરમ્યાન મોકલવા ઉમેદ રાખું છું. તે મળ્યેથી કૃપા કરીને તેને જ એકમાત્ર સત્તાવાર તરજુમા તરીકે અગર જાણે કે તે જ મૂળ હોય તેમ ગણજો.

મારી દરખાસ્તના અમલમાં તમારા શકય તેટલા બધા જિગરભર્યા સહકારની આશા રાખું ?

તમારો
મો∘ ક∘ ગાંધી

 

બળતામાં ઘી

ઠાકોર સાહેબનો જવાબ વાંચીને ગાંધીજીએ નીચના ઉદ્‌ગારો કાઢ્યા હતા :

ઠાકોર સાહેબનો જવાબ દુઃખદ છે. મારે કહેવું રહ્યું છે કે એમને અવળી સલાહ મળી છે. આ જવાબ તો બળતામાં ઘી હોમવા જેવો ગણાય. કાગળમાં એમણે રજૂ કરેલી વિચારસરણી એમણે તા. ૨૬–૧૨–૩૮ની જાહેરાત ઘડીને સરદારને આપી ત્યાર પછી હવે અપ્રસ્તુત છે. એ જાહેરાતમાં આ શબ્દો હતા :

“એવું કબૂલ કરવામાં આવ્યું છે કે આજે રાજ્ય તરફથી કરવામાં આવેલી જાહેરાતની કલમ ૨ જીમાં જણાવેલી સુધારા સમિતિ ઉપર સાત સભ્યો સરદાર વલ્લભભાઈ સૂચવશે અને તેમની નિમણૂક અમારે કરવાની છે.”

આ ભાષા અસંદિગ્ધ અને ભારવાળી છે. આ જાહેરાતથી ઠાકોર સાહેબે નામો પસંદ કરવાની જવાબદારી સ્વેચ્છાએ આપી દીધી છે. નિમણૂકની જવાબદારી તો ઠાકોર સાહેબ ઉપર રહે જ છે, પણ નિમણૂકની શરત એ છે કે નામો સરદારે ભલામણ કરેલાં હોવાં જોઈએ. તેથી ઘટતી ભલામણો કરવાની જવાબદારી સરદાર ઉપર ગઈ છે અને ઠાકોર સાહેબની ઈચ્છાથી આમ થયું છે.

જો સરદારની ભલામણ રાજ્યકર્તાને અગર તેમના સલાહકારોને અઠીક લાગી હોય, તો તેમની જોડે વાટાઘાટ કરવાનો અને બીજી ભલામણો કરવા સરદારને સમજાવવાનો માર્ગ તેમને સારુ ખુલ્લો હતો. પણ જો સરદાર તેવી સમજાવટથી ન માને તો સરદારની ભલામણો માન્ય રાખવાનો ઠાકોર સાહેબનો ધર્મ હતો, કારણ નામ પસંદ કરવાની જવાબદારી ઠાકોર સાહેબ પોતે છોડી ચૂક્યા હતા. બુદ્ધિથી પણ એ જ સમજાય એવું છે કે જેમને સારુ જાહેરાત કાઢવી જરૂરી થઈ તેમની પસંદગીની સમિતિ નિમાય તો જ રાજ્યની જાહેરાતમાં કરેલો સમિતિને લગતો ઉલ્લેખ સાર્થક થયો ગણાય નહિ તો એક હાથે દીધું તે બીજે હાથે લઈ લીધા બરોબર થાય. એ કેમ બને ?

જો રાજા અને તેમના સલાહકારોને જ પસંદગી કરવાની હોય, તો તેમને એવી સમિતિ નીમતાંયે કોણ રોકે કે જેમની ભલામણો જ એવી હોય જે રાજ્યે કરેલી જાહેરાતના હેતુને જ સંપૂર્ણપણે નિષ્ફળ કરી મૂકે ?

પણ હવે એ વિષે દલીલ કરવાપણું રહ્યું નથી. ઠાકોર સાહેબે મને લખ્યો છે તે કાગળ જ જો એમનું આ બાબતમાં છેવટનું કહેવું હોય તો મારો ઉપવાસ મારો દેહ પડતા સુધી ચાલુ રહેશે. મને ઉમેદ છે કે આ કસોટીમાંથી હું પ્રસન્ન ચિત્તે પસાર થઈશ. અને હું જાણું છું કે મારે જીવતે જે નહિ સધાય તે મારી આહુતિ પછી નિઃસંશય સિદ્ધ થશે.

ઠાકોર સાહેબને ગાંધીજીનો બીજો પત્ર

મહેરબાન ઠાકોર સાહેબ,

તમારો પત્ર વાંચી દુઃખ થયું. વચનની તમને કંઈ કિંમત હોય એમ લાગતું નથી. તમારું વર્તન તો કોક મોટા દાનનું વચન આપી એ વચનનો ભંગ કરનાર માણસ જેવું છે. તા. ૨૬ ડિસેમ્બર, ૧૯૩૮ ની જાહેરાતથી તમે પ્રજાને કેટલું વિશાળ દાન કર્યું હતું ! ઉદારતા એ રાજવંશી ખવાસનું એક લક્ષણ છે અને આભૂષણ પણ છે.

એ જાહેરાતથી તમે એક ઉદાર દાન જાહેર કર્યું હતું. સુધારણા સમિતિના સભ્યોનાં નામોની પસંદગી કરવાનો હક જતો કરવાનો એમાં પ્રધાન સૂર છે. અને આપણા કિસ્સામાં તો તમે સરદારને, પરિષદના પ્રતિનિધિ તરીકે, એક ખાસ પત્ર લખીને એ હક આપી દીધો છે. આજનો તમારો પત્ર એ દાન રદ કરે છે. હું તો એમ માનું છું કે ગઈ કાલના મારા પત્રમાં મેં જણાવેલી શરતોનો સ્વીકાર વચનપાલન માટે જરૂરી છે. ઈશ્વર તમને એ સ્વીકારવાની સદ્‌બુદ્ધિ આપો.

ખાંસાહેબ દ્વારા આજે મેં સૂચના તમારા પર પાઠવી છે તેનો અમલ કરવા યોગ્ય છે, અત્યારે સત્યાગ્રહ મોકૂફ રહેલો હોવાથી સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવાનો તમારો ધર્મ છે.

રાજકોટ, ૪–૩–૩૯
મોહનદાસના આશીર્વાદ
 

નરી નિષ્ઠુરતા
(ગાંધીજીનું નિવેદન)

રાજકોટ દરબારે પ્રગટ કરેલી યાદી વાંચી મને દુઃખ થયું. અત્યાર લગી બહાર પડેલાં નિવેદનો જેમણે વાંચ્યાં છે તેઓ મારા અભિપ્રાયને મળતા થશે કે આ યાદી ટાળાટાળથી તેમ જ અનર્થોથી ભરપૂર છે. આ યાદીને વિગતવાર તપાસવાની મારામાં અત્યારે શક્તિ નથી, ઇચ્છાયે નથી. પણ ઠાકોર સાહેબ પરના મારા પત્રમાં તેમ જ છાપાંનાં નિવેદનમાં જે એક બાબત વિષે મેં મૌન સેવ્યું છે તે બાબતમાં ખુલાસો કરવાની જરૂર આ યાદીથી ઊભી થઈ છે. એ બાબત મારા રાજકોટ આવવાના સંબંધમાં જે જુલમોનો મેં મારા તારવહેવારમાં ઉલ્લેખ કર્યો હતો તે છે. હું ચૂપ એટલા સારુ રહ્યો હતો કે ખાંસાહેબ તથા તેમની નીચેના અમલદારો જેઓ સત્યાગ્રહીઓ જોડે થયેલા વર્તાવને સારુ સૌ પહેલા જવાબદાર હતા તેમને ભૂલ્યેચૂક્યે પણ અન્યાય ન થવા દેવા અને સંપૂર્ણ ન્યાય આપવા હું ઇંતેજાર હતો. પણ મારા મૌનની કદર કરવાને બદલે ઊલટું મારી સામે પુરાવા તરીકે એનો ઉપયોગ યાદીમાં કરવામાં આવ્યા છે. તેથી વસ્તુસ્થિતિ જાહેર આગળ મૂકવાની મને ફરજ પડે છે.

બેઉ જેલોની મારી મુલાકાત પછી ખાંસાહેબને મેં કહ્યું હતું કે, કેદીઓની કથની સાંભળીને હું સમસમી ઊંઠ્યો હતો અને તેમણે કરેલા આરોપો માનવા તરફ મારું વલણ જતું હતું. તેમાંના ઘણાને હું અંગત રીતે પિછાનતા હતો અને બીજા ઘણા સમાજમાં મોભાદાર અને પ્રતિષ્ઠિત ગણાતા સદ્‌ગૃહસ્થો હતા, જેમનું કહેલું ખોટું સાબિત કરવામાં આવે ત્યાં સુધી હરકોઈ સાચું જ માને. તેથી મેં ખાંસાહેબને કહ્યું કે આરોપો એટલા ગંભીર હતા તેમ જ એટલા બધા પ્રકારના હતા કે રાજ્યને ન્યાય આપવાનો એકમાત્ર રસ્તો મારે સારુ એ હતો કે નિષ્પક્ષ અદાલત સામે તેની ન્યાયસરની તપાસ સૂચવવી. ખાંસાહેબે પોતાના તરફથી તો મારી સૂચનાનો તત્કાળ સ્વીકાર કર્યો, અને મારી વિનંતીના જવાબમાં અમુક અંગ્રેજ અમલદારોનાં તેવી ન્યાયસરની તપાસ ચલાવનાર તરીકે નામ પણ્ સુચવ્યાં. અમારી વચ્ચે એમ પણ ઠર્યું કે મારે તહોમતનામું તૈયાર કરી ખાંસાહેબને આપવું. તે તેને તપાસે, તેના જવાબ આપે, અને પોતાના તરફનું સામું તહોમતનામું તૈયાર કરે, જે હું તપાસું ને તેના જવાબ આપું. આમાં જેટલા આરોપોનો બેઉ પક્ષની કબૂલાતે છેદ ઊડી જાય તે જતાં જો કંઈ બાકી રહે તો તે ન્યાયસરની તપાસ માટે નક્કી કરેલી અદાલત સમક્ષ મૂકવા.

ખાંસાહેબે મને એમ પણ પૂછ્યું કે સત્યાગ્રહીઓ સામે નર્યા જૂઠાણાના જે આરોપો એઓ લાવવા માગતા હતા તે સાચા ઠરે તો હું તેનું શું પરિમાજન કરું? મેં કહ્યું કે જો પ્રતિનિધિસ્વરૂપ ગણાય એવા કોઈ સત્યાગ્રહીએ જુઠાણું કર્યાનું સાબિત થાય તો હું પોતે રાજકોટની લડતમાંથી સદંતર નીકળી જાઉં, અને એવા જૂઠ આચરનારા લોકોનો જવાબદાર રાજ્યતંત્ર માગવાનો હક રદ થયો છે એમ ગણું. મેં વગર આનાકાનીએ કરેલી આ કબૂલાતથી ખાંસાહેબને ધાર્યા કરતાં વધુ ખુશી થયેલી જણાઈ હતી.

જો હું આ અગ્નિપરીક્ષામાંથી બચીશ તો ખાંસાહેબને આપેલું વચન પૂરું કરવાની મારી ઉમેદ છે. પથારીએ પડ્યો પણ હું એકઠો થયેલો પુરાવો ગોઠવવાની તજવીજ કરી રહ્યો છું. જેમના પર વીતી છે એવા અને બીજાઓના ૧૭૫ થી વધુ એકરારો મારી પાસે આવી ચૂક્યા છે.

મારા ઉપર વચનભંગનો સામો આરોપ યાદીમાં કર્યો છે તે નરી નિષ્ઠુરતા છે. મારો ઉપવાસ મારા સુલેહના કાર્યનું એક અંગ છે. તેને અંતે બીજું ગમે તે થાઓ ન થાઓ પણ સુલેહ થશે જ થશે. એમ ને એમ વાટાઘાટ ભાંગી પડતાં તો લડત શરૂ થાત અને કડવાશ તેમ જ ઝેરવેરનો પાર રહેત નહિ.

સમાધાન

રાજકોટના રેસિડન્ટ મિ. ગિબસન મારફતે ના. વાઈસરૉયે તા. ૭મી માર્ચને રોજ સવારના ૧૦–૪૫ વાગ્યે મોકલેલો ગાંધીજી ઉપરનો સંદેશો તથા ગાંધીજીએ મોકલેલો જવાબ નીચે મુજબ હતા:

પ્રિય મિ. ગાંધી,

ના. વાઇસરૉયને તમે પાઠવેલો જવાબ કાલે જ મેં તારથી મોકલ્યો હતો, અને હવે મને તેઓ નામદાર તરફથી નીચેનો સંદેશો તમને પહોંચાડવાની સૂચના આવી છે :

ના. વાઈસરૉયનો સંદેશો

“તમારો સંદેશો મને હમણાં જ મળ્યો. તે માટે તમારો ઘણો આભારી છું. હું તમારી સ્થિતિ સમજું છું.

તમે જે કહો છો તે પરથી સ્પષ્ટ છે કે આ પ્રકરણમાં વચનભંગ થયો છે એમ જે તમને લાગ્યું છે એ જ મુદ્દાની વાત છે. હું જોઈ શકું છું કે ઠાકોર સાહેબની જાહેરાત, જેની તેમણે પાછળથી સરદાર વલ્લભભાઈ પટેલને આપેલા કાગળથી પૂરણી કરવામાં આવી હતી, તેના અર્થ વિષે શંકાને સારુ અવકાશ હોઈ શકે એમ છે. અને તેથી મને લાગે છે હું એવી શંકાનો ઉકેલ કરવાનો સૌથી સરસ માર્ગ એ જ છે કે દેશના સૌથી વડા ન્યાયમૂર્તિ આગળ તેનો અર્થ કરાવવો. તેથી હું એવી દરખાસ્ત કરું છું કે ઠાકોર સાહેબની સંમતિથી — અને એઓ તેવી સંમતિ આપવા તૈયાર છે એવા ખબર આવ્યા છે — તેમની ઉપર જણાવેલી જાહેરાત તથા કાગળની રૂએ સમિતિ કઈ રીતે રચાવી જોઈએ એ બાબત ઉપર હિંદના વડા ન્યાયમૂર્તિનો અભિપ્રાય લેવો. આ પછી એમણે આપેલા નિર્ણય મુજબ સમિતિ નીમવામાં આવે, અને એમ પણ ઠરાવવામાં આવે કે સમિતિના સભ્યો વચ્ચે પણ જે જાહેરાતને અનુસરીને એમણે ભલામણો કરવાની છે તેના કે તેના કોઈ અંશના અર્થ વિષે મતભેદ ઊભો થાય તો તે સવાલ પણ એ જ વડા ન્યાયમૂર્તિ પાસે રજૂ કરવામાં આવે ને તેમનો નિર્ણય છેવટનો ગણવામાં આવે.

હું પૂર્ણપણે માનું છું કે આવી ગોઠવણ ઠાકોર સાહેબ તરફથી પોતે પોતાની જાહેરાતમાં આપેલાં વચનોનો અમલ કરશે એવી ખોળાધરી સાથે અને મારા તરફથી પણ તેઓ તેમ કરશે એ રીતે હું મારું વજન મૂકીશ એવી ખોળાધરી સાથે તમને મળ્યા પછી તમારા મનમાં ઊભી થયેલી બધી બીક દૂર થશે, અને આ પ્રકરણમાં ન્યાય થાય એ સારુ હવે બધી સાવચેતી લેવાઈ છે એવી લાગણીમાં તમે મારી જોડે સહમત થશો, અને અનશન છોડી તમારા દેહને થઈ રહેલા કષ્ટમાંથી અને મિત્રોને ચિંતામાંથી મુક્ત કરશો.

હું તમને જણાવી ચૂક્યો છું કે હું તમને અહીં મળવા અને તમારી જોડે ચર્ચા કરવા ઘણો રાજી છું, જેથી રહીસહી શંકાઓ તેમ જ સંદેહ દૂર થઈ જાય.”

ગાંધીજીનો જવાબ

ગાંધીજીએ ના∘ વાઈસરૉયને જવાબ વાળતાં નીચલો કાગળ તુરત જ રેસિડેન્ટ મિ. ગિબસન ઉપર મોકલ્યો:

“તમારો પત્ર મળ્યો. વળી કેટલાક મુદ્દા વિષે મારે સ્પષ્ટતા જોઈતી હતી તેથી તમે મારી પાસે આવી રૂબરુ મળી ચર્ચા કરી ગયા. મારી અત્યારની તબિયતમાં હું શરીરશક્તિ બને તેટલી બચાવવા માગું છું તેથી એ મુદ્દાઓને કાગળ પર મૂકતો નથી. માત્ર તમને નીચેનો સંદેશો ના. વાઈસરૉયને તારથી મોકલવા વિનંતી કરું છું :

“આપે તાકીદે મોકલેલા જવાબ માટે આપનો આભારી છું. જવાબ તાબડતોબ મને ૧૦-૪૫ વાગ્યે પહોંચાડવામાં આવ્યો છે.

જવાબમાં જોકે સ્વાભાવિક રીતે જ ઘણી વસ્તુઓનો ઉલ્લેખ બાકી રહ્યો છે, છતાં આપના ભલા સંદેશાને અનશન છોડવાને સારુ અને જે લાખો લોકો મારા ઉપવાસની પાછળ વહેલા સમાધાનને સારુ પ્રાર્થના અને બીજા પ્રયત્નો કરી રહ્યા છે તેમની કાળજી દૂર કરવાને સારુ હું પૂરતું કારણ ગણું છું. મારે પક્ષે એટલું જ કહેવું ઉચિત સમજું છું કે જે બાબતોનો આપના તારસંદેશમાં ઉલ્લેખ નથી તે મારા તરફથી પડતી મુકાઈ નથી, પણ તે બાબતમાં મને સંતોષ મળવો રહેશે, છતાં રૂબરૂ ચર્ચા થતાં સુધી તે બાબતો મુલતવી રાખી જ શકાય. દાક્તરો દિલ્લી સુધીની મુસાફરી કરવાની રજા આપશે કે તુરત જ હું દિલ્લી આવીશ.

જેના ઉપર મારે અનશન કરવું પડ્યું તે પ્રકરણ આટલી તાકીદે અને આટલી સહાનુભૂતિથી હાથમાં લીધાને સારુ ફરી એક વાર આપનો આભાર માનું છું.”

હરિજનબંધુ, ૧૨–૩–૧૯૩૯