દેશી રાજ્યોનો પ્રશ્ન/પૂર્ણાહુતિ

વિકિસ્રોતમાંથી
← ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’ દેશી રાજ્યોનો પ્રશ્ન
પૂર્ણાહુતિ
મોહનદાસ કરમચંદ ગાંધી
એનો મર્મ →







૫૮
પૂર્ણાહુતિ

મારા અભિપ્રાય મુજબ આ પૂર્ણાહુતિ લાખો જનતાની પ્રાર્થનાનું ફળ છે. મારાં એ દરિદ્રનારાયણોને હું ઓળખું છું. ચોવીસે કલાક મને એમનું રટણ છે. સવારે જાગતાં ને રાત્રે સૂતાં એમનું જતન એ જ મારું ભજનપૂજન છે, કારણ એ મૂગાં દરિદ્રનારાયણોના અંતરમાં વસતા પ્રભુ સિવાય બીજા ઈશ્વરને હું નથી ઓળખતો. તેમને એ અંતરજામીની ઓળખ નથી, મને છે. અને હું એ જનતાની સેવા વાટે જ પરમેશ્વરને સત્યરૂપે કે સત્યને પરમેશ્વરરૂપે ભજું છું.

પણ હું જાણું છું કે એ દરિદ્રનારાયણો ઉપરાંત આખી દુનિયાભર બીજા પણ ઘણા ઘણાની પ્રાર્થનાઓ તથા સહાનુભૂતિ મારે સારુ વહી રહી હતી અને બુદ્ધિશક્તિવાળા વર્ગે માનભરી સમજૂતી કરાવીને ઉપવાસનો સત્વર અંત આણવા અવિરત યત્ન કર્યો હતો. આમાં અંગ્રેજ, હિંદી સૌ કોઈ સામેલ હતા. રાજકીય દૃષ્ટિએ જોતાં આ સમાધાન ના. વાઈસરૉયે કરાવ્યું ગણાય.

હું જાણું છું કે અંગ્રેજ લોકો ઉપવાસની રીત સમજી શકતા નથી — ખાસ કરીને જેને કેવળ રાજદ્વારી ગણી શકાય તેવા પ્રશ્નને અંગે ઘણી વાર તો તેમને આવી રીત પ્રત્યે નરી સૂગ જ ચડે છે. એવા હિંદીઓને પણ હું જાણું છું જેઓ ઉપવાસના માર્ગની કદર કરી શકતા નથી. મારામાં શક્તિ આવ્યે હું ‘ઉપવાસના માર્ગ’ વિષે લખવા ઉમેદ રાખું છું, કારણ પચાસથી વધુ વર્ષના મારા અનુભવે મને ખાતરી કરાવી છે કે સત્યાગ્રહના શાસ્ત્રમાં એને એક ચોક્કસ સ્થાન છે જ.

ઉપવાસનો અહીં ઉલ્લેખ કરવાનું મને ખાસ કારણ છે. હું ના. વાઈસરૉયે લીધેલા તાત્કાળિક પગલાની પૂરી કિંમત આંકવા માગું છું, કારણ વાઈસરૉય અંગ્રેજ માનસના પ્રતિનિધિને સ્થાને છે. તે કહી શકતા હતા — અને ઓછામાં ઓછો હું તો તેમનું તેમ કરવું તેમની દૃષ્ટિએ બરોબર જ લેખત — કે, આ માણસના ધંધા કોઈ વાતે સમજી શકાય એમ નથી. એનાં અનશન અને ઉપવાસોને અંત જ દેખાતો નથી. રોજ ઊઠીને એની એ હૈયાહોળી, કોક દિવસ તો આ સ્થિતિનો અંત આણ્યે જ છૂટકો છે. એ તો કોઈ દિવસ કહેવાનો નથી કે આ હવે મારો છેલ્લીવારનો ઉપવાસ છે. આ વખતે તે પહેલાં ઉપવાસ છોડે ત્યાર પછી જ બીજી વાત. બસ, ત્યાં સુધી એની સાથે વાત નહિ ને ચીત નહિ. એ આ જ લાગનો છે.’

હું જાણું છું કે ના. વાઈસરૉયે આવું વલણ લીધું હોત તો નીતિની દૃષ્ટિએ તે ખોટું ગણાત; પણ રાજકીય દૃષ્ટિએ જોતાં અને અંગ્રેજના દૃષ્ટિબિંદુથી વસ્તુસ્થિતિ વિચારતાં, જો તે તેવા અક્કડ રહ્યા હોત તો, હું તેમના પગલાને બરાબર કહેત. મારી આશા તો એવી છે કે ઊલટું અંગ્રેજ માનસને અકળ એવી આ પદ્ધતિની આવી કદર અને તેનો આવો શુભ અંત મેં જેને પ્રાથમિક અન્યાય કહ્યો છે તેનું પરિમાર્જન કરીને જ નહિ અટકે, પણ તે આખા વાતાવરણને ચોખ્ખું કરશે અને દેશી રાજ્યોના સમગ્ર પ્રશ્નનો સર્વસામાન્ય ઉકેલ આણવામાં મદદરૂપ થઈ પડશે.

હું એમ નથી કહેતો કે બધાં રાજ્યોને રાજકોટના દાખલાને અનુસરવું પડશે. રાજકોટની વાત ન્યારી છે, અને તેને એક અલગ કિસ્સા તરીકે ગણવું જોઈએ. એવાં રાજ્યો છે જેના પ્રશ્નો તેના જ ગુણદોષ મુજબ સ્વતંત્રપણે છણાવા જોઈએ. પણ પ્રજાની આંખ આજે દેશી રાજ્યોનો પ્રશ્ન ઉપર જ ચોંટી છે. મને આશા છે કે એ પ્રશ્નના ઉકેલમાં વિલંબને સારું ગુંજાશ નથી એ વાત સૌ સ્વીકારશે.

રાજાઓ મારા શબ્દ ઉપર વિશ્વાસ રાખે કે હું રાજકોટ એમના મિત્ર તરીકે અને સો ટકા શાંતિદૂત તરીકે જ આવ્યો હતો. મેં જોયું કે રાજકોટમાં સત્યાગ્રહીઓ અણનમ હતા, અને એ સ્વાભાવિક હતું. તેમની ઇજ્જત હોડમાં હતી. તેમની સત્ત્વપરીક્ષા હતી. મારી ઉપર જુલમોનાં બયાનોનો ધોધ ચાલુ હતો. મને લાગ્યું કે જો હું સત્યાગ્રહ ચાલુ રહેવા દઉં તો માનવી પશુતાના બૂરામાં બૂરા વિકારો ફાટી નીકળશે. એમાંથી પછી માત્ર રાજકોટ રાજ્ય અને સત્યાગ્રહીઓ વચ્ચે જ નહિ પણ, માણસનું મન વ્યષ્ટિમાંથી સમષ્ટિ તરફ દોડે છે તેમ, રાજાઓ અને પ્રજા વચ્ચે સર્વ સામાન્ય ઝેરવેરભર્યો તીવ્ર વિગ્રહ ઊભો થાત.

અત્યારે પણ દેશમાં એક વધતો જતો જનસંપ્રદાય છે જેમની ખાતરી થઈ ચૂકી છે કે રાજાઓ કોઈ વાતે સુધાર્યા સુધરે તેમ નથી અને એ ‘જંગલી યુગના અવશેષો’ને મિટાવ્યા વિના ભારતવર્ષની મુક્તિ નથી. હું તેમનાથી જુદો પડું છું, અને અહિંસામાં અને તેથી માનવસ્વભાવની ભલાઈમાં માનનારા તરીકે મારું વલણું બીજું ન હોઈ શકે. મારી દૃષ્ટિએ હિંદમાં તેમનું સ્થાન છે. પ્રાચીન કાળની તમામ પરંપરાઓ ભૂંસી કાઢવી શક્ય નથી. તેથી હું માનું છું કે જો રાજાઓ ભૂતકાળના પાઠ હૈયે ધરશે, યુગબળને ઓળખશે અને તેને અનુકૂળ થશે તો બધું કુશળ છે. માત્ર આ બાબતમાં થાગડથીગડ કોઈ નહિ ચાલે. તેમણે ભડ થઈને વીરગતિએ કદમ ઉઠાવવાં પડશે. રાજકોટને જ તેમણે અનુસરવું જોઈએ એમ નથી પણ સાચી અને મુદ્દાની સત્તાઓ પ્રજાની તરફેણમાં તેમણે છોડવી જ પડશે.

આ સિવાય, હું જાણું છું ત્યાં લગી, સ્થિતિને સાચવી લેવાનો અને ભારતવર્ષને ભયાનક ખૂનખરાબીમાંથી બચાવી લેવાનો બીજો કોઈ વચલો રસ્તો નથી. રાજાઓને લગતાં જે કાગળો મારી પાસે આવ્યા છે તે મારાથી છાપ્યા જાય એવા નથી. પણ આ વિષે મારે આગળ ઉપર વધુ કહેવા લખવાનું થશે. અત્યારની મારી શારીરિક નબળાઈની સ્થિતિમાં આ નિવેદન લખાવવું પણ પરિશ્રમરૂપ છે, છતાં લખાવી રહ્યો છું, કારણ અત્યારે જ્યારે મારામાં ઉપવાસની મનોદશા હજુ ચાલુ છે અને જેને હું આધ્યાત્મિક આનંદ કહું છું તે મારામાં ઊભરાઈ રહ્યો છે તેવી વેળાએ મારે મારા સારામાં સારા વિચારો આપી દેવા જોઈએ.

વળી ભાયાતોનો અને ગરાસિયાનો પ્રશ્ન છે. તેમણે તેમનો કેસ મને સમજાવ્યો. મેં તેમને મારી સહાનુભૂતિની ખાતરી આપી છે. તેઓ મને તેમનો મિત્ર ગણે અને મારા પર વિશ્વાસ રાખે. તેઓ પણ ગરાસિયા તથા ભાયાતો તરીકે રહે એવી મારી ઇચ્છા છે. પણ તેમણે સુધ્ધાં કાળને ઓળખીને ચાલવું પડશે. તેમણે પોતાનાં જીવન નવેસર રચવાં પડશે. જેમના પર તેઓ એક પ્રકારનો અધિકાર ભોગવે છે તે પ્રજા જોડે તેમણે ઓતપ્રોત થવું પડશે.

મુસલમાન ભાઈઓ પણ આવેલા. મેં મુદ્દલ આનાકાની વગર કે દલીલ કર્યા વગર તેમને કહી દીધું કે તેમનાં ખાસ હિતોની રક્ષાની તેમને ખોળાધરી આપવામાં આવશે. વળી જો રાજકોટમાં તેમને આંકેલ બેઠકો સાથેનો સ્વતંત્ર મતાધિકાર જોઈતો હોય તો તે પણ હું કરાવી આપું. ધાર્મિક સ્વતંત્રતાની સંપૂર્ણ રક્ષાને સારુ વગરમાગ્યે તેમને પૂરેપૂરી ખોળાધરી અપાશે. અને સુધારા સમિતિ ઉપર નિમાવાની બાબતમાં પણ જો તેમનો આગ્રહ હશે તો હું તેમનો વિરોધ નહિ કરું. તેમના મનમાં અને આખા દેશભરના મુસલમાનોના મનમાં આ બાબતમાં કશો વસવસો ન રહેવા પામે તે સારુ આ વાત અહીં કહી નાંખવી મેં જરૂરી ગણી. હું ઇચ્છું છું કે તેઓ સમજે કે હું અથવા મહાસભા એમને એમનાં દીન તથા સંસ્કૃતિની રક્ષાને સારુ જે કઈ ખોળાધરીઓ જરૂરી હોય તેમાં લેશમાત્ર ઘટાડો કરવાનો ગુનો કદી પણ નહિ કરીએ.

આજે સવારે ૧૦–૪૫ વાગ્યે મને મળેલા ના. વાઈસરૉયનો તારનો સંદેશો અને મેં તેમને તારથી વાળેલો જવાબ જ માત્ર મેં છાપાંમાં પ્રગટ કર્યો છે. એ વિષે મારે ખુલાસો કરવો રહ્યો છે. આ બે સંદેશાઓમાં તે અગાઉના સંદેશાઓની આપેલેનો ઉલ્લેખ છે. ના∘ વાઈસરૉયની પૂરી સંમતિથી હું તે છાપતો નથી. તેમણે મને નથી રોક્યો. હું જાણું છું કે જાહેર કાર્યકર્તાઓને છૂપા સંદેશા મોકલવામાં તેઓ માનતા નથી. પણ જેની ચર્ચા અત્યારે કરવી બિનજરૂરી ગણાય એવાં કારણોસર, જે કાર્યને ખાતર આ બધો વહેવાર થયો તે કાર્યના જ હિતની દૃષ્ટિએ, એ પ્રગટ કરવો એ ડહાપણભર્યું નથી એ દલીલ મને ગળે ઊતરી. તે પ્રગટ કરવાની જરૂર કદી ન પડો. મારા સંદેશાઓમાં એવા ઉલ્લેખ છે જેની વિગત આપવી પ્રસ્તુત ગણાય, પણ તે ઉલ્લેખ જાહેર પ્રજાને સારુ કરેલા નથી. તેથી આગલા સંદેશાઓ પ્રગટ ન કરવાની જવાબદારી મારી એકલાની છે.

મહાસભાના અધિવેશન વિષે પણ કહી લઉં. મારો જીવ ત્યાં વળગ્યો છે, પણ હું જોઉં છું કે હવે મારાથી ત્યાં નહિ જ પહોંચી શકાય. હજુ મને નબળાઈ ઘણી છે. પણ એથીયે વધુ મહત્ત્વની વાત તે એ છે કે રાજકોટ પ્રકરણ અને તેના ગર્ભમાં રહેલું બધું પૂરું પાર ઉતારવું હોય તો મારે ત્રિપુરી તથા રાજકોટ એમ બેઉ જગાએ મારું ધ્યાન ન વહેંચવું જોઈએ. રાજકોટ ઉપર જ મારું બધું લક્ષ એકાગ્ર કરવું જોઈએ. અહીં હજુ ઘણું કરવાનું રહ્યું છે. દિલ્લી પણ શક્તિ આવે કે તરત જવું જોઈએ. મને આશા છે કે ત્રિપુરીમાં સૌ સારાં વાનાં થશે.

આટલાં બધાં વરસમાં આ વરસે જ મહાસભાના અધિવેશનમાં ગેરહાજર રહેવું એ મારે સારુ એક અજબ અનુભવ છે. પણ જે થયું તે સારું જ થયું છે. મારા વગર કશું ગંભીર કામકાજ થઈ શકે નહિ એવું અભિમાન મારામાં શા સારુ જોઈએ ? ત્રિપુરીમાં મળેલા લોકનેતાઓ મારા જેટલા જ હિમ્મતવાન, ત્યાગી અને કર્તવ્યપરાયણ છે, તેથી મને તો શંકા જ નથી કે બીજી કોઈ નીતિ અખત્યાર કરવામાં આવે તોપણ કશી કડવાશ નહિ થવા પામે અને કોઈ વિચાર, વાણી કે વર્તનથી હિંસા નહિ કરે.

અંતમાં છાપાંના ખબરપત્રીઓનો હું આભાર માનવા ઈચ્છું છું. આ બધા ચિંતાભર્યાં દિવસો દરમ્યાન તેઓ મારી સાથે રહ્યા છે. તેમને સારુ હું મગરૂર છું. છાપાંવાળાની સર્વોત્તમ પરંપરાને તેમણે દીપાવી છે. તેમણે ધાંધલિયા બની ભાતભાતના ગપગોળાના બજાર ન ખોલતાં સંગાથી શાંતિદૂત તરીકે કામ કર્યું. તેમણે મારી વધુમાં વધુ અનુકૂળતા સાચવી. મને ક્યારેય સંતાપ્યો નહિ.

મારી દાક્તરી સંભાળ લેનારા મિત્રોનો પણ હું જાહેર રીતે આભાર માનું છું. તેમણે વગરઆનાકાનીએ મારી સારવાર કરી છે.

પ્રાર્થનામાં માનનારા તેમની પ્રાર્થનાઓ ચાલુ રાખશે એવી ઉમેદ રાખું છું. એક રીતે જોતાં મારું કામ હવે જ શરૂ થાય છે. હું વળી પાછો દુન્યવી જીવનની ભૂમિકા ઉપર આવું છું. મારે નાજુક વાટાઘાટો ચલાવવી રહી છે. જે ચોમેરના સદ્‌ભાવથી હું અત્યારે નાહી રહ્યો છું તે હું ગુમાવવા માગતો નથી.

હું ઠાકોર સાહેબનો વિચાર કરું છું, દરબારશ્રી વીરાવાળાનો વિચાર કરું છું. મેં તેમના પર ટીકા કરી છે, તે કેવળ મિત્રભાવે કરી છે. હું ફરી વાર કહું છું કે ઠાકોર સાહેબ પ્રત્યે મને એક પિતાના જેવો જ ભાવ છે. તેમના પ્રત્યે મેં મારા રખડુ પુત્ર પ્રત્યે કર્યું છે તે કરતાં કશું વધારે નથી કર્યું. તેમની આંખ આગળ જે કંઈ બની ગયું તેનું મહત્ત્વ બેઉ જણ સમજે એમ ઇચ્છું છું. અને મેં જે કંઈ કહ્યું કર્યું તે બધું મિત્રદાવે કર્યું એ વાત તેઓ સમજી ગયા છે, તેની કદર બૂજે છે અને હું તેમના તરફની જે અપેક્ષા કરી રહ્યો છું તેવો જવાબ વાળવા તૈયાર છે, એવી વધામણી જો મને મળે તો ખરેખર મારા અનશનનું સાચું સાર્થક થયું ગણાય.

રાજકોટ કાઠિયાવાડનું નાભિકેન્દ્ર છે. રાજકોટને પ્રજાતંત્ર મળે તો કાઠિયાવાડનાં બીજાં રાજ્યો આપમેળે અને કશા વધુ સત્યાગ્રહ વગર એની પંગતમાં બેસશે. સૃષ્ટિમાં આબેહૂબ એકસરખી એવી કોઈ બે બીનાઓ નથી બનતી. થોકબંધ વિવિધતામાં જ એનું સૌંદર્ય રહેલું છે. કાઠિયાવાડનાં બંધારણોમાં પણ ભલે વિવિધતા રહે. થડ સાચું રહેવું જોઈએ.

રાજકોટ, ૭–૩–૩૯
હરિજનબંધુ, ૧૨–૩–૧૯૩૯