દેશી રાજ્યોનો પ્રશ્ન/એનો મર્મ
← પૂર્ણાહુતિ | દેશી રાજ્યોનો પ્રશ્ન એનો મર્મ મોહનદાસ કરમચંદ ગાંધી |
રાજકોટની પ્રજા પ્રત્યે → |
૫૯
એનો મર્મ
રાજકોટ પ્રકરણ વિષે તાજા થયેલા સમાધાન વિષે ટીકાકાર કહી શકે છે : ‘તમને એવું શું મળી ગયું કે તમે ઉપવાસ છોડ્યા ? કેદીઓ છૂટવા ઉપરાંત તમારી માગણીમાંની એક પણ હજુ પૂરી કરવામાં નથી આવી. કેદીઓને છોડવવા સારુ તો કંઈ તમે ઉપવાસ નહોતા જ માંડ્યા.’
ઉપરટપકે જોતાં આ દલીલ સચોટ છે, નિષ્ઠુરપણે સચોટ છે. મારો જવાબ એક જ છે : શબ્દાર્થ નિર્જીવ વસ્તુ છે, શબ્દની પાછળ રહેલો ભાવ એ જ જીવનદાયી વસ્તુ છે.
અહીં જીવનદાયી વસ્તુ એ છે કે આ મામલામાં રાજકોટ આખા ભારતવર્ષની દૃષ્ટિએ પ્રતિનિધિરૂપ બન્યું છે. ઠાકોર સાહેબનું સ્થાન ના. વાઈસરૉયે લીધું છે, ને તેમનો શબ્દ ન માનવાનું મને કશું જ કારણ નથી.
ઠાકોર સાહેબે મારી બધી માગણીઓ સ્વીકારી હોત તોપણ તે પૂરી થવા બાબતમાં મારા મનમાં વસવસો રહેત. અને છતાં તેનો સ્વીકાર તો મારે કરવો જ પડત. અહીં તો મેં પોતે સરદારને ઠાકોર સાહેબે આપેલા કાગળમાં રહેલા અર્થને જાણીબૂજીને શંકાનો વિષય બનવા દીધો છે. હું તો એમ જ માનીને ચાલ્યો હતો કે એ કાગળનો એક જ અર્થ થઈ શકે, એમાં બે અર્થ થઈ શકે એમ હતું જ નહિ. પણ મારાં પાનાં જો કોઈ જોવા માગે તો તેને તેવી તપાસ, ફેરતપાસ અને ચકાસણી કરવા દેવાનો, અને જો ક્યાંયે મારી ભૂલ માલૂમ પડે તો તેનું પરિમાર્જન કરવાનો સત્યાગ્રહી તરીકે મારો ધર્મ છે.
તેથી થયેલા સમાધાનનો મારો અર્થ તો એવો છે કે પરમેશ્વરે મને ધાર્યા કરતાં ઘણું વધારે આપ્યું છે. મારી આ અટકળ બરાબર છે કે કેમ એ તો સમય જ બતાવશે.
- રાજકોટ, ૮–૩–૩૯
- હરિજનબંધુ, ૧૨–૩–૧૯૩૯