લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજકોટની પ્રજા પ્રત્યે

વિકિસ્રોતમાંથી
← એનો મર્મ દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજકોટની પ્રજા પ્રત્યે
મોહનદાસ કરમચંદ ગાંધી
ઉપવાસ વિષે →







૬૦
રાજકોટની પ્રજા પ્રત્યે

જે હેતુથી હું આવ્યો હતો તે ઈશ્વરકૃપાએ સફળ થયો છે. ના. ઠાકોર સાહેબની પ્રતિજ્ઞા પળાશે અને ૨૬ મી ડિસેંબરની એમની જાહેરાતને અનુસરતું રાજ્યતંત્ર સ્થપાશે, અને તેમ થવાની ખોળાધરી ના. ઠાકોર સાહેબ તરફથી ને તેમની સંમતિથી વડી સરકાર તરફથી મળી છે. આટલો સરળ ને લૌકિક અર્થ ના. વાઈસરૉય સાહેબ અને મારી વચ્ચે થયેલા તારવહેવારનો છે. આને હું શુભ અને ધાર્યા ઉપરાંત વધારે સારું પરિણામ માનું છું. એને સારું આપણે પ્રભુનો પાડ માનીએ. એની કૃપા વિના આવું પરિણામ નીપજવું અસંભવિત હતું. રાજા પ્રજા બંનેની લાજ જળવાઈ અને લોકોએ વેઠેલી યાતના સફળ થઈ.

બીજી બાબતોનો ઉલ્લેખ આ પત્રિકામાં નથી કરતો. એ મેં છોડી નથી દીધી એટલું અહીં કહેવું બસ થવું જોઈએ. છાપાબંધી વગેરે અગવડો હજુ દૂર નથી થઈ એ મારી જાણ બહાર નથી. એ દૂર કરાવવાનો પ્રયત્ન ચાલુ છે. એ દૂર થશે જ.

આમાં આપણને ફુલાઈ જવાનું કશું કારણ નથી. પ્રજાજને ખરું કામ તો હવે કરવાનું છે. રાજ્યતંત્ર મળશે તો ખરું, પણ પ્રજા તેને ઝીલશે? શોભાવશે? આનો જોઈતો જવાબ આપવા સારુ પ્રજાએ આજથી તૈયારી કરવી ઘટે છે. સભાઓ અને ભાષણોની જરૂર હવે થોડી હોવી જોઈએ. અને રહે તો તેનો ઉપયોગ લોકોને જોઈતું શિક્ષણ આપવા પૂરતો હશે. સફળતા મેળવવા સારુ દરેક સ્ત્રીપુરુષે પોતાનો ફાળો આપવો પડશે.

૧. હિંદુ, મુસલમાન ઇત્યાદિ વચ્ચે ફૂટ ન હોવી જોઈશે.
૨. હિંદુમાં ઊંચનીચના, સ્પૃશ્યાસ્પૃશ્યના ભેદભાવો વર્તે છે, તે નાબૂદ થવા જોઈશે.
૩. આપણો કારભાર સત્ય અને અહિંસાને આશ્રયે ચાલવાનો છે, એટલે પરસ્પરના વહેવારમાં અહિંસા કેમ કામ કરે છે એ સમજાવું જોઈશે.
૪. લોકસમસ્તમાં સેવાની ભાવના પેદા થવી જોઈશે.
૫. કેટલાંક નવયુવકો ને યુવતીઓએ પોતાની સેવા પ્રજાને અર્પવી જોઈશે.
૬. ખટપટ અને દ્વેષભાવ જઈને આપણામાં નિયમન આવવું જોઈશે.
૭. લોકોએ ઉદ્યમી થવું જોઈશે; ને તેથી તેઓ કાંતણ ઇત્યાદિ કરે ને ખાદીવ્રત લે.
૮. ભણેલાં અભણને અક્ષરજ્ઞાન આપે.

રાજકોટ, ૯–૩–૩૯

અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાણવાપણું નથી હોતું, પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઈ ફરજ એવી નથી કે જેને છેડે કંઈક હક ન હોય. અને ખરા હક કે અધિકાર એ જે કેવળ પાળેલા ધર્મોમાંથી ઉત્પન્ન થાય છે. જે સેવાધર્મ પાળે છે તેને જ શહેરીના ખરા હક મળે છે, ને તે જ તેને જીરવી શકે છે. જૂઠું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન થાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જે પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે. અને તેવા માણસ પોતાના અધિકારને પણ સેવા સારુ વાપરે છે, સ્વાર્થ સારુ કદી નહિ.

પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજ્ય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિના શહેરી તરીકેના પોતાના ધર્મના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઈ ને પોતાના અધિકારનો ખ્યાલ સરખોય નથી હોતો. અધિકાર આવશ્યક હોય ત્યારે એની મેળે દોડી આવે છે.

આવા વિચારની આપલેમાંથી ગઈ કાલે કાર્યકર્તાઓની સભાએ એ નિર્ણય કર્યો કે, ચૂંટી કાઢેલા સ્વયંસેવકો અને સેવિકાઓ ગામડાંમાં તેમ જ શહેરમાં લોકોને સ્વરાજના ધર્મના પાઠ આપે. જેમકે ગામડાંમાં જનાર સ્વયંસેવક લોકોને ગામડાંને સાફ અને સ્વાવલંબી કરવાનો ધર્મ શીખવે. સ્વરાજમાં ગામડાં સરકાર સાફ કરી નહિ દે, પણ લોકો તેને પોતાનાં માની પોતે જ સાફ કરશે. ગામડાં ગ્રામઉદ્યોગો નાશ થવાથી પાયમાલ થઈ ગયાં છે. તેનો પુનરુદ્ધાર ગ્રામઉદ્યોગોનો ઉદ્ધાર કરવાથી જ થવાનો છે. આમાં રેંટિયો મધ્યબિંદુ છે, તે તેની આસપાસ બીજા ધંધા ગોઠવાયેલા રહે છે. રાજકોટ રાજ્યમાં બધાં પોતાનો ધર્મ સમજે તો કોઈ સ્વદેશી કપડાં નહિ પહેરે, પણ સહુ પોતે કાંતેલા સૂતરની કે રાજ્યમાં કંતાયેલા સૂતરની ખાદી પહેરશે. આમ લોકો ઉદ્યમી થઈ જાય ને પ્રજાના કલ્યાણ સારુ ઉદ્યોગો કરે તો પ્રજાના લાખો રૂપિયા બચે, પ્રજાનું ધન વધે, ને પ્રજા ઓછામાં ઓછા કર ભરી વધારેમાં વધારે સુખી થાય. જેઓ પ્રજાને અર્થે મહેનત કરે છે તે રૂપિયા આપી કર ભરનારના જેટલો જ કર ભરે છે. રૂપિયો અમુક મહેનત કર્યાની સંજ્ઞા છે. તેની બહાર રૂપિયાની કાંઈ કિંમત નથી. હું એક રૂપિયાનો બજારમાંથી આટો લાવું તેનો અર્થ એ થયો કે, ઘઉં ઉગાડનાર, તેને લાવનાર, તેને દળનારની મજૂરી મેં ચૂકવી. એટલે ખરો ધનિક અને મૂડીદાર તે જેને જ્ઞાન ઉત્પન્ન થયું છે તે મજૂર કે મહેનત કરનાર છે. હું રાજ્યને દર વરસે એક રૂપિયો કર આપું કે એક રૂપિયા જેટલી મહેનત આપું એ બંને સરખાં છે, ને કેટલીક વાર રાજ્યને નાણાં કરતાં મહેનત વધારે કીમતી થઈ પડે છે. મહેનનરૂપી કર પ્રજાને પુષ્ટ કરે છે. જ્યાં પ્રજાજન સ્વેચ્છાએ પ્રજાસમસ્તના કલ્યાણ અર્થે મહેનત કરે છે ત્યાં નાણાંની આપલે કરવાની ઓછી જરૂર રહે છે, કર વસૂલ કરવાની અને તેનો હિસાબ રાખવાની મહેનત બચી જાય છે; છતાં પરિણામ કર આપ્યા જેટલું જ આવે છે.

ઉપર પ્રમાણે તાલીમ દરેક સ્ત્રીપુરુષને મળવી જોઈએ. રાજ્યની મિલકત તે પ્રજાની મિલકત છે. ના. ઠાકોર સાહેબ તેના ટ્રસ્ટી છે. ટ્રસ્ટી તરીકે તેમણે પોતે ને રાજકુટુંબીઓએ પોતાનો ધર્મ પાળવો જોઈએ, અને એ ધર્મપાલનમાંથી તેઓને અમુક રકમ લેવાનો હક પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે રાજાઓ રાજધર્મ પાળે તો રાજાપ્રજા વચ્ચે કડવાશ પેદા થાય જ નહિ.

સ્વરાજમાં રાજાથી માંડી પ્રજાનું એક પણ અંગ ન ખીલે એમ ન બનવું જોઈએ. તેમાં કોઈ કોઈના દુશ્મન ન હોય. બધા પોતપોતાનો ફાળો ભરે. કોઈ નિરક્ષર ન હોય. ઉત્તરોત્તર તેનું જ્ઞાન વધતું જાય. આવી પ્રજામાં રોગ ઓછામાં ઓછા હોય. કંગાલ કોઈ હોય નહિ. મહેનત કરનારને મહેનત મળતી હોય. તેમાં જુગાર, મદ્યપાન, વ્યભિચાર ન હોય; વર્ગવિગ્રહ ન હોય. ધનિક પોતાનું ધન વિવેકસર વાપરે, ભોગવિલાસ વધારવામાં કે અતિશય રાખવામાં નહિ. મૂઠીભર ધનિક મીનાકારીના મહેલમાં રહે અને હજારો કે લાખો લોકો હવા અજવાળું ન હોય એવાં અંધારિયાંમાં રહે, એમ ન હોય.

હિંદુમુસલમાન, સ્પૃસ્યાસ્પૃશ્ય, ઊંચનીચના ભેદ વિષે હું આગલી પત્રિકામાં લખી ગયો છું. ગરાસિયા ભાયાતના પ્રશ્ન વિષે બે શબ્દ લખવાની આવશ્યકતા રહે છે. એઓ પણ પ્રજાનું અંગ છે, એઓને પણ સ્વરાજવાદીએ અભયદાન આપવું ઘટે છે. કોઈના વાજબી હક ઉપર અહિંસક સ્વરાજમાં કોઈ તરાપ ન મારી શકે. એથી ઊલટું કોઈ ગેરવાજબી હક પણ ન ભોગવી શકે. જ્યાં તંત્ર વ્યવસ્થિત છે ત્યાં ગેરવાજબી હક કોઈથી ભોગવી શકાતા જ નથી. ગેરવાજબી હક ભોગવનારની સામે હિંસાનો ઉપયોગ કરવાપણું નથી રહેતું. ગરાસિયા ભાઈઓને મહાસભા તરફથી ધાસ્તી પેદા થઈ છે. જો તે પોતાના ગરાસ ટ્રસ્ટી તરીકે વાપરે અને ઉદ્યોગી બને કે રહે, તો તેઓને ડરવાનું કશું કારણ નથી રહેતું. મહાસભા કોઈના હક ઉપર ચડાઈ કરીને પ્રતિષ્ઠા ન મેળવી શકે. તેની પ્રતિષ્ઠા તેના સાર્વજનિક હિત સાધવાના સતત પ્રયત્નમાં રહેલી છે.

ગરાસિયા મંડળનું અધિવેશન હાલ ચાલે છે. આજે તેનું સરઘસ નીકળ્યું હતું તે મારી પથારી ઉપરથી હું જોઈ શક્યો હતો. તેઓનાં સૂત્રવાક્યો મને કોઈ સ્વયંસેવકે આપ્યાં છે. તે સરસ હોવાથી અહીં ઉતારું છું :

૧. કેળવણી, દારૂનિષેધ ને સાદાઈ ને આચરણમાં મૂકો.
૨. ગિરાસદારો રચનાત્મક કામમાં માને છે.
૩. મારું એટલું સારું નહિ માનતાં સારું એટલું મારું માનતાં શીખો.
૪. ખોટી મોટાઈ, ઈર્ષ્યા ને કુવ્યસનને તિલાંજલિ આપો.
૫. કોઈના હક ઉપર આક્રમણ કરવું એ અમારો ઉદ્દેશ નથી.
૬. દુઃખીનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે.
૭. ક્ષમા વીરસ્ય ભૂષણમ્‌
૮. બોલ બોલ અમૂલ રે, બીન સોચે મત બોલ.
૯. મુક્ત થવા મર્દ બનો.

એ પ્રમાણે ચાલવાનું મંડળના સભ્યોને બળ મળો.

આટલું બધું રચનાત્મક કાર્ય તો જ થઈ શકે જો રાજકોટના લાયક નવયુવકો અને યુવતીઓ તે હોંશે ઉપાડી લે. તેઓમાં આવા કામને વિષે શ્રદ્ધા હોવી જોઈએ. મૂક સેવાની ટેવ આપણામાં બહુ ઓછી છે. એ ટેવ પાડવી જોઈએ. આવી મૂક સેવા કરનારની મંડળી મેં ગઈ કાલની સભામાં માગી. તેઓનાં નામ મને મળ્યાં છે. જો એઓ મન વાચા કર્મથી અહિંસા ને સત્યમાં શ્રદ્ધા રાખી પોતાનું કાર્ય તનમનથી કરશે, તો રાજકોટની પ્રજા સ્વરાજનો બોજો જરૂર ઊચકી શકશે. એ સેવામંડળનાં નામો નીચે પ્રમાણે છે :

૧. શ્રી. ઉછરંગરાય ન. ઢેબર
ર. „ જેઠાલાલ હ. જોશી
૩. „ પોપટલાલ પુ. અનડા
૪. „ રામજીભાઈ માણેકચંદ દોશી
પૂ. „ સૌભાગ્યચંદ વીરચંદ મોદી
૬. „ જમનાદાસ શાહ
વાંચનાર જોશે કે જે ભાઈઓને મેં સૂચવેલા કાર્યમાં કે અહિંસા સત્યમાં ધર્મરૂપે શ્રદ્ધા નથી તેઓ અળગા રહ્યા છે. પણ તેઓ આ કાર્યક્રમનો વિરોધ નહીં કરે અને મંડળનું કંઈ કાર્ય તેમનાથી શ્રદ્ધાપૂર્વક થઈ શકે એવું હશે ને તે તેઓને સોંપવામાં આવશે તો સહર્ષ કરશે. આવા ત્યાગ અને સ્વદેશપ્રેમને સારુ એ ભાઈઓને ધન્યવાદ આપું છું.

રાજકોટ, ૧૩–૩–૩૯
હરિજનબંધુ, ૧૯–૩–૧૯૩૯