લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/રડીને રાજ્ય લેવું છે

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડીઓને દેશી રાજ્યોનો પ્રશ્ન
રડીને રાજ્ય લેવું છે
મોહનદાસ કરમચંદ ગાંધી
જન્મભૂમિદર્શન →







૧૮
રડીને રાજ્ય લેવું છે
(રાજકોટમાં આપેલું ભાષણ)

આજે સવારે આ દરબારગઢમાં દાખલ થતાં જ મને પૂર્વનું એક પવિત્ર સ્મરણ યાદ આવ્યું, અને તેની હું લીલાધરભાઈને વાત કરતો હતો ત્યાં તો મોટર અહીં આવીને ઊભી. એ પવિત્ર સ્મરણ હું આપની આગળ આજે રજૂ કરવા માગું છું. માજી ઠાકોર સાહેબના તરફથી એક વાર કાનપુર અને ધરમપુર એમ બે ઊંજણાં જતાં હતાં. આવા પ્રસંગે મારા પિતાશ્રી છોકરાઓને પાછળ જ રાખતા, અને આજે એ વાતનો વિચાર કરું છું ત્યારે મને મનમાં થાય છે કે એ બરોબર હતું. એથી અમે બંને ભાઈઓએ કશું ખોયું જ નથી. મારી માતુશ્રીની સ્થિતિ જુદા પ્રકારની હતી. તે અમને ઊંજણામાં મોકલવા ઇચ્છતી હતી, તેને ધનનો લોભ હતો. અને કીર્તિ તો નારી રહી, એટલે તે નારીને વરે શેની ! તોયે એને કીર્તિનો પણ લોભ રહેતો આ ઊંજણાં વખતે અમને પાસે બોલાવીને તેમણે કહ્યું, ‘ઠાકોર સાહેબ સજ્જન માણસ છે, તેની પાસે જાઓ, અને રોવા મંડો, એટલે તે તમને જવા દેશે.’ ઊંજણું તો નીકળી ચૂકેલું હતું. મારી માતા એમ ઇચ્છતી હતી કે મારા દીકરાને ધરમપુર મોકલવામાં આવે, કારણ ત્યાંથી વધારે પૈસા મળે એમ હતું. એટલે બસ અમે તો માતાની શિખામણ માનીને ગયા લાગલા ઠાકોર સાહેબની પાસે. આ દરબારગઢ જોઉં છું અને જે જગ્યાએ અમે ઠાકોર સાહેબ પાસે અમારી વિનંતિ લઈને ગયેલા તે સ્થાન પણ મને યાદ આવે છે. અમે તો ઠાકોર સાહેબ પાસે જઈને રોવા માંડ્યું. સાહેબે મારા પિતાશ્રીને પૂછ્યું, ‘ગાંધીજી, આ છોકરાઓ કેમ રુએ છે?’ ગાંધીજીએ છોકરાઓ સામે આંખો કાઢી — તેમનામાં વિનયની તો ખામી નહોતી, છતાં તેઓ ઠાકોર સાહેબની ભૂલ લાગે તો તેમની સામે પણ આંખો કાઢતા. અમે ડરી ગયા, એટલે ઠાકોર સાહેબ કહે, ‘તમારે જે કહેવાનું હોય તે કહો, ડરો મા.’ અમે કહ્યું, ‘અમારે ધરમપુર જવું છે.’ ઠાકોર સાહેબે કહ્યું, ‘ઊંજણું તો ચાલ્યું ગયું, હવે તો તમને કાનપુર મેાકલીશું.’ એમ તે વેળા અમે બન્ને ભાઈઓએ રોઈને રાજ રાખેલું, અને આજે પણ હું રોઈ ને રાજ રાખવા માગું છું. શાસ્ત્રીજીએ આશીર્વાદ આપતાં કહેલું કે કીર્તિ કુંવારી છે. તે કીર્તિ ભલે કુંવારી રહે, કારણ મને વરી તો તો મારા ટુકડે ટુકડા થઈ જવાના છે. એટલે મારે કીર્તિ નથી જોઈતી. પણ એક બે વસ્તુ બીજી જોઈએ છે જેને માટે તો મારે રોવું જ પડશે. માનપત્રમાં મારે વિષે બહુ કહેવામાં આવ્યું છે, અને નામદાર ઠાકોર સાહેબે બીજું ઘણું કહ્યું, પણ એથી હું ભોળવાઉં કે ઠગાઉં એમ નથી. એથી હું એમ માની નથી લેવાનો કે એ બધાને હું લાયક બની ગયો છું. મને ઠાકોર સાહેબે જમણે હાથે બેસાડ્યો અને માનપત્ર આપ્યું તેથી હું એમ માનું નહિ કે રાજા થઈ ગયો. મારે રાજા નથી થવું. હું તો રૈયત જ છું, અને રૈયત જ રહેવા ઇચ્છું છું. માત્ર ઠાકોર સાહેબે કરેલા વિનયનો હું ત્યાગ નથી કરી શકતો. મારાથી જો બને તો એ વિનયથી, એવાં માનપત્રોથી હું અલિપ્ત જ રહું, મારી હદ ચાતરી ન જાઉં, ગાંડો ન બનું.

માનપત્ર માટે આભાર માનતાં મારે કહેવાની રજા લેવી જોઈએ કે એમાં બે વસ્તુનો ત્યાગ થયેલો હું જોઉં છું. એ ઇરાદાપૂર્વક થયો છે કે ભૂલથી જ થયો છે તે હું નથી જાણતો. એમાં મારી સેવાની આંકણી કરવામાં આવી છે, અને અહિંસા અને સત્યને મારા જીવનના મંત્ર કહેવામાં આવ્યા છે, એ ખરેખર છે. સત્ય અને અહિંસા મારા જીવનમાંથી ચાલ્યાં જાય તો હું મૃત દેહ જેવો રહું અને જીવનનો બાકીનો કાળ ગાળવો મારે માટે અશક્ય થઈ પડે. પણ એ સત્ય અને અહિંસાને જાળવવાની બે વસ્તુ, એ સાધનાઓ, જેનું હું પાલન કરી રહ્યો છું, તે વિષે સન્માનપત્રમાં લખવાનું તમે કેમ વીસર્યા એ વિચારતાં મને આશ્ચર્ય થાય છે. એ બે વસ્તુની સાધનામાં જે શક્તિ રહેલી છે તે હિંદુ-મુસલમાન ઐક્યમાં પણ નથી રહેલી. બલ્કે એ બેમાંથી એક પણ વસ્તુની સાધના વિના હિંદુ-મુસલમાન ઐક્ય પણ અશક્ય છે. એક મુસલમાન મિત્રે મને કહેલું કે, તમે જ્યાં સુધી એમ માનો કે હિંદુધર્મમાં અસ્પૃશ્યત્તાને સ્થાન છે ત્યાંસુધી હિંદુ-મુસલમાન ઐક્ય કેમ સંભવે? એ ભાઈ પવિત્ર મુસલમાન છે. મુસલમાનને અપવિત્ર માનનારા પણ પડ્યા છે, પણ મને લાગે છે કે તેઓ અધર્મ કરે છે. ગીતાજી અને હિંદુ ધર્મશાસ્ત્ર એમ શીખવે છે કે હિંદુ અને મુસલમાન અલગ અખંડિત વિભાગ હોય એ અશક્ય છે. હિંદુધર્મમાં જેને હું આજે વળગી રહ્યો છું તેને હું ગંગોત્રી કહું છું. એને અનેક શાખા છે, પણ એનું મૂળ તે એક જ છે. અને મૂળ એક છે તેમ એનું મુખ પણ એક જ છે.

ઢેડ ભંગી જન્મ્યા તેથી શું ? ચાંડાલ એવી તો કોઈ જાતિ નથી. ઢેડ જાતિ છે? ઢેડ એ શબ્દ શાસ્ત્રમાં છે? નથી જ. રૂઢિમાં છે ખરો. ઢેડ એટલે વણકર, ભંગી એટલે પાયખાનું સાફ કરનાર. પણ હું તો આજે જ ભંગી છું. બાળક મેલું કરે તો તેને હું સાફ કરી નાખું. મારી માતા પણ ભંગી હતી અને તેના હાથ અમારાં મેલાં સાફ્ કરીકરીને ઘસાઈ ગયેલા. તમારી માતા પણ સીતા જેવી સતી હશે, પતિત્રતા હશે, તો તેણે પણ બાળકોનાં મેલાં સાફ કર્યાં હશે, એટલે ભંગીનું કામ કર્યું હશે. સતી સીતા પ્રાતઃસ્મરણીય હતાં, પણ તેમણે પણ બહુ મેલાં ઉઠાવેલાં હતાં, તેથી તે પણ ભંગી બન્યાં હતાં. એ માતાઓનો જેમ ત્યાગ ન થાય તેમ ભંગીનો પણ કેમ ત્યાગ થઈ શકે ? એટલે હિંદુ ધર્મ શાસ્ત્રમાં અસ્પૃશ્યતા જેવી વસ્તુ અખંડિત હોય તો હું હિન્દુ કહેવડાવવાને મગરૂર ન થાઉં. શાસ્ત્રીઓને પણ ઉદ્ધત થઈ ને કહીશ કે હિન્દુધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, અને કહ્યે જ જવાનો કે નથી.

કાર્યક્રમ જોતાં કાર્યનો આરંભ પહેલાં શાસ્ત્રીઓ મને આશીર્વચન આપશે એમ મેં જોયું ત્યારે હું ખુશ પણ થયો અને મને ખેદ પણ થયો. ખુશ એથી થયો કે મારા અસ્પૃશ્યતાનિવારણના કાર્યને માટે પણ મને શાસ્ત્રીઓ તરફથી આશીર્વાદ મળશે. ખેદ એ માટે થયો કે રાજાની છાયા નીચે ઊભા રહી શાસ્ત્રીઓ ગમે તે વચનો કાઢે તેની કિંમત શી? મને ઘણાએ કહેલું કે કાઠિયાવાડને ટીંબે કાંઈ નહિ તો એક રાજા એવો છે કે જે વંદનીય છે. ઠાકોર સાહેબ પ્રજાજનનું હિત ચાહનારા છે એ સૌ જાણે છે, પણ ભૂલ તો પ્રાણીમાત્રની થાય. અને મને ઠાકોર સાહેબની ભૂલ જણાય તો, રાજકોટની પ્રજા હોઈ પ્રજાનો અધિકાર ભોગવીને, ઠાકોર સાહેબને હું કહું કે, તમારી ભૂલ થાય છે. હું રાજ્યના મારા કાળના શાસ્ત્રીઓને હજી જાણું છું. એમાંના એક માવજી જોશી હતા. તેઓ શાસ્ત્રી અને જ્ઞાની છતાં તેમનું જ્ઞાન ઘણીવાર ઢોળાઈ જવાનો પ્રસંગ આવતો. તેઓ આખાબોલા હતા. તેમને પણ કેટલીક વેળા સમય વિચારી બોલવું પડતું. મેં વિચાર્યું કે, ઠાકોર સાહેબે હુકમ કરેલો હશે કે ગાંધીને શાસ્ત્રીઓ પાસે આશીર્વચન અપાવવાં. નહિ તો શાસ્ત્રીઓ શેના આમ મારા જેવાને આશીર્વચન આપવા આવે? એમ મળેલા આશીર્વાદ શા કામના? હું તો એમ ઇચ્છું કે, શાસ્ત્રીઓમાં એટલું તેજ હોય કે તેઓ મને હિન્દુ ન માને તો, ને મને ચાંડાળ માને તો ચાંડાળ કહે. હું તો શાસ્ત્રીઓનો ભ્રમ ભાંગવા માગું છું. તેમને કહેવા માગુ છું: જે અહિંસાધર્મને ભજે છે તે કોઈને અસ્પૃશ્ય ન માને. એટલે મને દુઃખ થાય છે કે, શાસ્ત્રીઓની પાસે મને આશીર્વચન અપાવ્યા છતાં મારી હરિજનસેવા વિષે માનપત્રમાં ઉલ્લેખ પણ નથી. આ વિષે હું ઠાકોર સાહેબની આગળ જરૂર ફરિયાદ ખાવાનો છું, રડીને રાજ્ય લેવાનો છું. એટલે તેમને કહેવાનો કે ‘તમે જે અમીદૃષ્ટિ પ્રજાના બીજા વર્ગ ઉપર રાખો છો તે જ અમીદૃષ્ટ હરિજનો ઉપર પણ રાખજો, અને તો જ આ રાજ્ય નાનકડું છતાં આખી પૃથ્વી ઉપર શોભશે, અને રામરાજ્ય બનશે. વાલ્મીકિ કવિએ કહ્યું કે શ્રીરામચંદ્રે કૂતરાને પણ ન્યાય આપ્યો; અને તુલસીદાસે કહ્યું કે જેઓ ચાંડાળ કહેવાય તેની રામે દોસ્તી કરી. ભરત નિષાદરાજ પાછળ ગાંડા થઈને ગયેલા, તેના ચરણ ધોયેલા. એ ભરતના તમે વંશજ છો, તમે ગરીબને ન ભૂલજો, તમે રાત્રે ભટકીને પ્રજાનું દુઃખ શું છે તેની તપાસ રાખજો, હરિજનોનો પ્રતિનિધિ થઈ ને તમારી પાસે માગી લઉં હું તમે શાળાઓમાં હરિજનને સ્થાન છે કે નહિ તે પૂછજો, સ્થાન હોય તો હરિજનોને દાખલ કરાવજો, અને તેમ કીધાથી તે ખાલી રહે તો તેને ખાલી રાખજો.’

અહીં બૉય સ્કાઉટ્સને મેં જોયા ત્યારે મને થયું કે બૉય સ્કાઉટ્સનો યુનિફૉર્મ પણ ખાદીનો નહિ ? એમને ખાદીનો યુનિફૉર્મ મળે તો મારા હરિજનભાઈઓનું કાંઈક વળે, કાઠિયાવાડની અસંખ્ય ગરીબ બાઈનું પણ કાંઇક વળે. એક ગરીબડી બાઈએ મને કહ્યું, ‘રેંટિયો ચલાવીએ છીએ, પણ તમારા માણસ રેંટિયો લઈ ગયા.’ હું ચોંકી ગયો. મારા માણસ રેંટિયો લઈ જાય! મારા માણસ રેંટિયો લઈ લે તો તો પૃથ્વી રસાતળ જ જાય ના ! મેં તો તેને કહ્યું, મારા માણસ રેંટિયો ચલાવરાવતાં થાક્યા હશે એટલે બંધ કીધા હશે! તમે મને બહુ માન આપ્યું, પણ મેં જે અમોઘ રસ્તો બતાવ્યો છે તેને માટે મારી ભિક્ષા છે. તમે મને ખાદી આપો. આપ સૌ ખાદી પહરો, પ્રજાપ્રતિનિધિ મંડળમાં પણ ખાદીના ઠરાવો કરાવો. આપે તો મને સુવર્ણથી મઢેલું માનપત્ર આપ્યું. એને માટે હું તિજોરી ક્યાંથી લાવું ? અને તિજોરી માગું તો પાછા તે તિજોરીનો રક્ષક પણ માગવો પડે, તે રક્ષક ક્યાંથી લાવું? અને મારો રક્ષક તો રામ છે. એટલે એવાં માનપત્રો લઉં છું તેને રાખનાર જમનાલાલ બજાજ જેવા ધનવાન જે મારા દીકરા થઇને બેઠા છે તે છે. મારી ત્યાં તો કેવળ ખાદીને સ્થાન છે, અને તે હું ગમે તેની પાસે માગું. મેં તો લૉર્ડ રીડિંગને કહેલું કે, ‘તમે અને તમારા દરવાન ખાદીભૂષિત હો એમ હું ઇચ્છું છું.’ એના એ જ શબ્દો હું તમને અને તમારી પ્રજાના પ્રતિનિધિઓને કહું છું. અને એ કારણથી અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી એ મારી બે મુખ્ય પ્રવૃત્તિનો તમે માનપત્રમાંથી ત્યાગ કર્યો તે મને ખટકે છે. અત્યારે મારે કાનપુર અને ધરમપુરના ઊંજણામાં જવું છે. ઠાકોર સાહેબનાં ખરાં લગ્ન તો પ્રજાની સાથે છે, અને લગ્ન થાય તે માટે ઊંજણામાં જવાની માગણી મારી ખાદી અને હરિજનોદ્ધારની છે. પ્રજા તો કુમારિકા છે, અને તેને કુંવારી મટાડવા ઇચ્છતા હો તો એને વરો, એને સુખી કરો, એનું નિરીક્ષણ કરો, રાત્રે ફરીને એનાં દુઃખોને અને ફરિયાદોનો અભ્યાસ કરો, રામે ધોબીની ઊડતી વાત સાંભળી સીતાજીનો ત્યાગ કરેલો. તમે પણ પ્રજામત જાણીને તે પ્રમાણે વર્તવાનો યત્ન કરો. રાજાની તલવાર એ સંહાર કરવાનું ચિહ્ન નથી, એ તો રાજાનો ધર્મ ખાંડાની ધારે ચાલવાનો છે એ વાતની સાક્ષીરૂપે છે. ખાંડું હમેશાં યાદ અણાવે છે કે ખાંડાની ધારે ચાલજો, સીધે રસ્તે ચાલ્યા જજો, આડાઅવળા ન જશો. એનો અર્થ એ કે રાજકોટમાં એક પણ માણસ ભિખારી ન હોય, એક પણ માણસ દારૂ પીનાર ન હોય, છકેલો ન હોય, દરેક બાળા સીતાનું સ્થાન લેવા યોગ્ય હોય.

મને મારા પિતાનું સ્મરણ થાય છે. મારા પિતામાં એબો હતી પણ ગુણો પણ ભારે હતા. માજી ઠાકોર સાહેબમાં પણ એબો હતી, ગુણો પણ હતા. એમના બધા ગુણો આપનામાં ઊતરો, પ્રજામાં ઊતરો. એબોને પ્રયત્નપૂર્વક દૂર કરવી એ આપનો ધર્મ છે, દુર્બળતાને બદલે સબળતા દાખલ કરવી, મેલને બદલે પવિત્રતા દાખલ કરવી એ આપનો ધર્મ છે. એટલે ગરીબોની ઉપર દયા રાખજો, તેમને ખવડાવીને ખાશો. તમારી તલવાર તમારા પોતાના ગળા માટે છે. પ્રજાને તમે કહેજો કે અધિકારની મર્યાદાથી ચ્યુત થાઉં તો એ તલવાર મારા ગળા ઉપર ચલાવજો. હું ખોટી ખુશામત કરું તો અધમ કરું. આ દરબારગઢનું મેં લૂણ ખાધેલું છે. માજી ઠાકોર સાહેબે મારા પિતાને ૪૦૦ વાર જમીન કશી કિંમત કે શરત કે ભાડા વિના એનાયત કરેલી. ૪,૦૦૦ વાર આપવા માંડેલી પણ મારા પિતાએ ના પાડેલી, અને ૪૦૦ માગી લીધેલી. એ લૂણ ખાધેલું તે માટે હું તમને કંઈ આજે ન કહું તો બેવફા થાઉં. આખી પૃથ્વી મને માન આપે તોપણ હું ન છલકાઉં. તમારું માન મને બહુ ભાવે છે. કારણ હું રાજકોટમાં જ ઊછરેલો, અનેક છોકરાંઓ સાથે રમેલો, અસંખ્ય સ્ત્રીઓએ મને રમાડેલો અને આશીર્વાદ આપેલા. પણ અસંખ્ય સ્ત્રીઓ મને આશીર્વાદ આપે અને મારી મા ન આપે તો તે કેમ રુચે? મને દૂધને બદલે દારૂ મળે, શેરડી માગું અને સિગારેટ મળે તો તે કેમ કામ આવે? હું તો સ્ત્રીઓ, ગરીબો અને હરિજનોનાં દુઃખનું નિવારણ માગું હરિજનોની સાથે હું હરિજન થયો છું. સ્ત્રીઓને કહું છું કે તમારે માટે હું સ્ત્રી થયો છું, તમારી પવિત્રતાની રક્ષાને માટે પૃથ્વી ઉપર પર્યટન કરી રહ્યો છું. હું અહીં કંગાલ તરીકે આવેલો છું; પૃથ્વીમાં મને મળેલા માનને બળે નથી આવેલો; પ્રજાજન તરીકે આવેલો છું. મને તમે ખબર આપો કે રાજમાં કેટલા રેંટિયા દાખલ થયા, કેટલી ખાદી દાખલ થઈ, તો હું રાજી થઈશ. મને ખબર આપો કે રાણી સાહેબ પણ ખાદી પહેરે છે, આખા રાજ્યમાં, દરબારના ખૂણેખૂણામાં ખાદી દાખલ થઈ છે, તો હું ઉઘાડે પગે આવીને તમને પ્રણામ કરીશ. તમારું ભલું થાઓ અને પ્રજાનું કલ્યાણ કરવાને ઈશ્વર તમને સમર્થ બનાવો.

નવજીવન, ૨૨–૨–૧૯૨૫