દેશી રાજ્યોનો પ્રશ્ન/જન્મભૂમિદર્શન
← રડીને રાજ્ય લેવું છે | દેશી રાજ્યોનો પ્રશ્ન જન્મભૂમિદર્શન મોહનદાસ કરમચંદ ગાંધી |
કાઠિયાવાડનાં સ્મરણો → |
જન્મભૂમિદર્શન*[૧]
મને પોરબંદરની પ્રજાએ આ માનપત્ર દીવાનસાહેબને હાથે અપાવ્યું તે માટે તેમનો હું બહુ આભાર માનું છું. અને ચાંદીની અથવા સુખડની દાબડીની અંદર એ માનપત્ર આપવાને બદલે તમે ૨૦૧ રૂપિયાનો ચેક આપ્યો છે તેમાં રહેલા તમારા વિવેક માટે તમને ધન્યવાદ આપું છું. જો પોરબંદરના શહેરીઓ મારી અભિલાષા ન સમજે અને પૂરી ન પાડે તો પૃથ્વીની સપાટી પર બીજી કઈ જગ્યાએ હું એ આશા રાખું ? મેં અનેક જગ્યાએ કહ્યું છે કે મારી પાસે ચાંદી વગેરે રાખવાનું સાધન નથી. એવાં સાધન રાખવાં એ ઉપાધિરૂપ છે; એવી વસ્તુઓનો ત્યાગ કરવાથી જ હું મારી સ્વતંત્રતાને સંભાળી શકું છું. એટલે હું હિન્દુસ્તાનને કહી રહ્યો છું કે, જેને સત્યાગ્રહનું પાલન કરવું છે તેણે નિર્ધન થવાની અને ગમે તે સમયે મરણને ભેટવાની તૈયારી રાખવી જોઈએ. મારી પાસે ચાંદીની પેટી રાખવાને સ્થાન ક્યાંથી હોય ? એટલે તમે મને તેને બદલે ચેક આપ્યો એથી તો આનંદ જ થાય છે.
પણ એક તરફથી તમને ધન્યવાદ આપું છું તો બીજી તરફથી મને મારી કંજૂસાઈની દયા આવે છે. મારી ભૂખ મોટી છે. આટલા કાગળના કટકાએ મારું પેટ ન ભરાય. ૨૦૧ રૂપિયા તે મારે માટે પૂરતા ન ગણાય. આમ હું કહું છું, કારણ તમારી પાસેથી હું જેટલું લઉં તેનું દામદૂપટ અથવા તેથી પણ વધારે તમને મારી પાસેથી મળી રહેશે એવી હું ખાતરી આપી શકું છું. કારણ મારી પાસે એક પૈસો એવો નથી આવતો કે જેમાંથી પૈસાનાં ઝાડ ન ઊગતાં હોય — વ્યાજથી નહિ, પણ તેના ઉપયોગથી; વ્યાજ લઈને નભવા કરતાં તો મરણ વધારે સારું — પણ એક પૈસામાંથી જેટલો રસ લૂંટાવાય તેટલો હું લૂંટાવું. તેનો ઉપયોગ હિંદુસ્તાનની પવિત્રતાની રક્ષા કરવા, હિંદુસ્તાનનાં નાગાંને ઢાંકવા માટે જ થશે. પાઈએ પાઈનો હિસાબ રહેશે. મને આજ સુધી એક માણસ એવો નથી મળ્યો કે જેને હું કહું કે તમે મને બહુ આપ્યું. મારા મેમણ મિત્રો એથી જ મારાથી ભાગે છે, નહિં તો ઉમર હાજી આમદ ઝવેરી જેવા તો અહીં હોય જ. તે કહે છે કે તું તો હવે સામો મળે તો લૂંટવાની જ વાત કરે છે! આમ આજના કઠણ કાળમાં મારી સાથે મિત્રાઈ રાખવી ભયંકર છે. આજના કઠણ સમયમાં જે ભાઈ હિંદુ હોઈ પોતાના પૈસા ભંગી પાસે લૂંટાવવા તૈયાર હોય, જે ભાઈ દેશને સ્વાતંત્ર્ય અપાવવાને માટે પોતાની બધી શક્તિ અથવા પોતાનું બધું ધન ખર્ચી નાંખવા તૈયાર હોય, તે જ મારી મિત્રાચારી રાખી શકશે. રાજકોટના ઠાકોર સાહેબે મારા ઉપર પ્રેમના ધોધ છોડ્યો હતો, તેમાં હું ડૂબું ડૂબું થઈ રહ્યો હતો, પણ હું થરથરી રહ્યો હતો કે, ‘અરે જીવ ! આ રાજાની મિત્રતા તું ક્યાં સુધી રાખી શકશે ?’ મારા પિતા જે રાજ્યના દીવાન હતા તે રાજ્યના રાજાને હાથે મને માનપત્ર લેવાનું કેમ ન ગમે ? આજના મહારાણા સાહેબના પિતામહના રાજમાં મારા પિતામહ દીવાન હતા, તેમનાયે પિતાના રાજમાં મારા પ્રપિતામહ દીવાન હતા. રાણા સાહેબના પિતાશ્રી મારા મિત્ર હતા, મારા અસીલ હતા. મેં તેમનું ખાધુંપીધું છે — એટલે મહારાણા સાહેબનું આમંત્રણ પણ મને કેમ ન પસંદ પડે ? પણ બધી મિત્રાચારી જાળવવી મુશ્કેલ છે, જેમ અંગ્રેજની હું નથી સાચવી શક્યો. કારણ જગતમાં એક જ મિત્રાઈ સાચવવાની મને જરૂરની લાગે છે. તે મિત્રાઈ ઈશ્વરની. ઈશ્વર એટલે અંતરાત્મા, એના ભણકારા વાગે અને મને લાગે કે જગતની મિત્રતા છોડવી જોઈએ, તો તે છોડવાને તૈયાર છું. તમારી મિત્રતાનો હું ભૂખ્યો છું, અને તમારા બધા પૈસા લઈ જાઉં છતાં હું ધરાઉં નહિ. તમારી પાસે હું માગ્યે જ જઈશ, અને તમે મારો દેશનિકાલ કરશો તો ઈશ્વરના ઘરમાં મારી જગા લઈશ. મારું અટક હિંદુસ્તાન છે. હિંદુસ્તાનમાં જ્યાંસુધી દુઃખના દાવાનળ સળગે છે ત્યાંસુધી હિંદુસ્તાન છોડી ક્યાંયે જવું મને નહિ ગમે. દક્ષિણ આફ્રિકા મને સંઘરે એમ છે, પણ આજે મને ત્યાં જવું પણ ન ગમે, કારણ અહીંના અગ્નિ બુઝાવાય ત્યારે જ ત્યાંના બુઝાવાય એમ છે. એ અગ્નિ બુઝાવવામાં મદદ કરવાની બધા રાજાઓને વિનંતિ કરી રહ્યો છું તેમાં પોરબંદર પાસે વધારેમાં વધારે આશા રાખું તો શું ખોટું?
પ્રજા પાસે પણ એની જ આશા રાખી બેઠો છું. હું તમારા સહુનો સહકાર માગું છું. એને પરિણામે કદાચ અંગ્રેજ સાથે પણ આપણે સહકાર કરતા થઈ જઈએ. એટલે એમ નહિ કે આપણે અંગ્રેજોની પાસે દોડી જઈએ. તે જ દોડતા આવશે. તેઓ મને કહે છે કે તું ભલો છે, પણ તારા સાથી બદમાશ છે, તને ચૌરીચૌરા દગો દેશે. પણ હું તો મનુષ્યસ્વભાવમાં માનનારો છું. દરેકમાં આત્મા રહેલો છે, અને દરેક આત્માની શક્તિ મારા આત્માના જેટલી જ છે. મારી શક્તિ તમે જોઈ શકો છો, કારણ મેં મારા આત્માને વીનવીને, ઢોલ વગાડીને, તેની આગળ નાચીને જાગ્રત રાખ્યો છે. તમારો એટલો જાગ્રત ન હોય પણ આપણે સ્વભાવે તો સરખા જ છીએ. રાજાપ્રજા, હિન્દુમુસલમાન લડ્યા કરે છે, પણ એ લોકોને જો ઈશ્વરની મદદ ન હોય તો એક તૃણ પણ હલાવી શકે એમ નથી. પ્રજા એમ માને કે અમે બળવાન થઈ રાજાને નડીશું, અને રાજા એમ માને કે હું બળવાન થઈ પ્રજાને મસળી નાંખીશ; હિન્દુઓ માને કે સાત કરોડ જેટલા મુસલમાનોને કચડી નાંખવા અઘરા નથી, અને મુસલમાન માને કે બાવીસ કરોડ ભાજીખાઉ હિન્દુઓને અમે કચડી નાંખીશું; તો રાજાપ્રજા, હિન્દુ-મુસલમાન બંને મૂર્ખ છે. એ ખુદાનો કલામ છે, વેદનું વાક્ય છે. બાઈબલમાં લખાયું છે કે, માણસ માત્ર એકબીજાના ભાઈબંધ છે. દરેક ધર્મ પોકારે છે કે, સ્નેહની ગાંઠથી જ જગત બંધાઈ રહેલું છે. એ સ્નેહબંધન ન હોય તો, વિદ્રાન શાસ્ત્રીઓ શીખવે છે કે, પૃથ્વીના કણેકણ નોખા થઈ જાય; પાણીમાં પણ સ્નેહ ન હોય તો તેનાં બિંદુ બિંદુ છૂટાં થઈ જાય. તેમ જ મનુષ્ય મનુષ્ય વચ્ચે એ ન હોય તો આપણે મૂઆ પડ્યા છીએ. એટલે આપણે સ્વરાજ ઇચ્છતા હોઈએ, રામરાજ્ય ઇચ્છતા હોઈએ, તો આપણી સૌની સ્નેહની ગાંઠ બંધાવી જોઈશે. એ સ્નેહની ગાંઠ એટલે હાથે કાંતેલા સૂતરની ગાંઠ. એ સૂતર પરદેશી હોય તો એ લોખંડની બેડી થઈ પડે. તમારું અનુસંધાન તો તમારાં ગામડાંની સાથે, રબારીઓની સાથે, બરડાના મેરોની સાથે હોવું જોઈએ. તેને બદલે લૅંકેશાયર કે અમદાવાદ સાથે થાય તેમાં પોરખંદરનું શું પાકે? ખરી વસ્તુ જે પ્રજા માગી રહી છે તે એ છે કે, અમારી મહેનત વાપરો, અમને બેકાર રાખી ભૂખે ન મારો. રાણાવાવના પથ્થરને બદલે તમે ઇટાલીથી પથ્થર મંગાવો તો કેમ ચાલે ? તમે તમારાં ગામડાંઓમાં વણાયેલાં પાનકોરાં અને તમારી જ ગાયભેંસનાં ઘી છોડી કલકત્તાથી મંગાવો તે કેમ પાલવશે? તમે તમારી વસ્તુઓનો ઉપયોગ ન કરતાં પારકે ઠેકાણેથી મંગાવશો તો હું કહીશ કે તમે બેડીથી જકડાયેલા છો. જ્યારથી મને આ શુદ્ધ સ્વદેશીનો મંત્ર લાધ્યો છે, જ્યારથી ગરીબમાં ગરીબની સાથે ભારે અનુસંધાન હોવું જોઈએ એમ હું સમજ્યો છું, ત્યારથી હું મુક્ત થયો, અને મારો આનંદ લૂંટવાને નથી રાણા સાહેબ શક્તિમાન, કે નથી લોર્ડ રીડિંગ શક્તિમાન, કે રાજા જ્યૉર્જ.
બહેનોને કહીશ કે, તમારાં દર્શન પણ કરીને હું ત્યારે જ પાવન થાઉં કે જ્યારે તમે ખાદીભૂષિત હશો, તમે કાંતતાં હશો. આજે હવેલીમાં જઈને ધર્મ જાળવવા માગો છો, પણ જે કાંતતી હશે તેનું જ હૃદય મંદિરરૂપ બનશે. એથી જ તમને કહું છું કે, શું તમારી આગળ હિમાલયના ચમત્કારની વાતો કહું તો જ તમે સાંભળવાનાં? શું તમને ઘેરઘેર ચૂલાની સાથે રેંટિયો રાખવા કહું તો તમે કહેશો કે આ ડોસાની ડાગળી ચસકી ગઈ છે? હું તો ડાહ્યો છું. હું તો સમજુ છું. મારો અનુભવ પોકારીને કહી રહ્યો છું.
મને એક જણે પૂછેલું કે તું પોરબંદરનું માનપત્ર લઈને શું કરશે ? પોરબંદરમાં ખાદી પહેરનારાઓ કેવા છે તે તો પ્રથમ જાણી લે. પણ પોરબંદરમાં ખાદી પહેરનારા કેવા છે એમ પૂછવાને બદલે ખાદી પહેરનારા જ ક્યાં છે એમ પૂછું. તમે ઝીણાં કપડાં પહેરવાની ઇચ્છા રાખો છો. મને કરોડાધિપતિઓએ સંભળાવ્યું છે કે ઝીણું તો હમેશાં કરોડાધિપતિને પણ ખરીદવું ન પાલવે. પણ જેમ તમે ઘરમાં ઝીણી ઝીણી શેવ બનાવો છો તેવું ઝીણું કાંતો તો ઝીણું પહેરી શકશો.
આ સૂતરનો ઇલાજ ન કરીએ ત્યાંસુધી સ્નેહની ગાંઠ નથી બાંધી શકાવાની. આખા જગતને તમે એ ગાંઠથી બાંધવા માગતા હો તો બીજો ઉપાય નથી, નથી ને નથી જ. હિંદુ-મુસલમાન સવાલને માટે પણ બીજો એક ઉપાય નથી. મારી સાથે રાજકોટમાં ભાઈ શ્વેબ કુરેશી આવેલા હતા. તેમને ત્યાંના મુસલમાનોએ કહ્યું કે, ‘ગાંધી તમને છેતરે છે, ખાદીનો પ્રચાર કરાવીને વિલાયતી કપડાંનો વેપાર કરનાર મુસલમાનોને ભિખારી બનાવવા માગે છે.’ પણ શ્વેબ કાંઈયે સાંભળે એમ નહોતું. તે જાણે છે કે હું મૂઠીભર પરદેશી કપડાંનો વેપાર કરનારા ઉપર એઠી નજર ન નાખું, તે પોતે ખાદીભક્ત છે, અને જાણે છે કે, જેટલી સેવા હું ઇસ્લામની કરી રહ્યો છું તેટલી ખાદીની કે દેશની નથી કરી શકતો. મુસલમાનભાઈઓએ સમજવું જોઈએ કે, તેમની જન્મભૂમિ આ જ છે, અને તેને સ્વતંત્ર કર્યાં વિના ઇસ્લામને સ્વતંત્ર થવાની આશા નથી.
મારી કાઠિયાવાડની કદાચ આ છેલ્લી મુલાકાત હોય. મારે કદાચ બહુ ઓછાં વર્ષ જીવવાનું હોય. મેં મહામુસીબતે મહાસભાનું પ્રમુખપદ સ્વીકાર્યું, કાઠિયાવાડ રાજકીય પરિષદનું પણ સ્વીકાર્યું. હવે માત્ર દસ જ મહિના રહ્યા છે. હું તમારી પાસે એથી જ આવ્યો છું કે તમે મને વિશેષે કરીને ભાઈ સમજતા હો — જોકે હું તો જીવમાત્રનો ભાઈ છું — તો મારી વિનંતી સમજો અને અર્ધો કલાક રેટિયો કાંતો. એમાં તમારું કશું નથી જવાનું, અને દેશનું દળદર ફીટશે. તમે મારી પાસે કેટલું દુઃખ રોવરાવવા માગો છે ? તમે અસ્પૃશ્યતા ન કાઢી શકો તો ધર્મનો નાશ છે. સાચો વૈષ્ણવધર્મ તે જ કે જેમાં વધારેમાં વધારે પોષક શક્તિ હોય. અત્યારે તો વૈષ્ણવધર્મને નામે હરિજનોનો નાશ થઈ રહ્યો છે. અસ્પૃશ્યતા એ હિન્દુધર્મનું રહસ્ય નથી. અસ્પૃશ્યતાનિવારણ, હિંદુમુસલમાન-ઐક્ય, અને ખાદી એ મારી ત્રિવેણી છે. તે ભાઈબહેનો પાસે, રાય અને રંક સહુની પાસે હું માગું.
દારૂની બદીનો નાશ થવો જ જોઈએ, અને તે પ્રજાના જ પ્રયત્ને. મને શંકા નથી કે પ્રજાના જ પ્રયત્ને એ બદી અટકી શકે. કેટલાક મૂર્ખાઓએ જબરદસ્તીના ઉપાય ન લીધા હોત તો હિંદુસ્તાનમાં આજે એ બદી ક્યારનીય નાશ પામી ગઈ હોત. પોરબંદરમાં ઘણા ખારવાઓએ દારૂ છોડ્યો એમ મેં સાંભળ્યું છે. અને રાણા સાહેબ એમાં સંમત છે અને મદદ કરવા તૈયાર છે એમ પણ સાંભળ્યું છેં. આપણે દારૂની લતમાંથી ન છૂટીએ ત્યાંસુધી આપણે સ્વતંત્ર ન થઈ શકીએ. સ્વતંત્રતા માટેના યુરોપના ઇલાજ આપણને કામ ન આવે. ત્યાંના અને આબોહવા અને આપણા લોકો અને આપણાં આબોહવામાં હાથીઘોડાનો ફેર છે. ત્યાંના લોકો દયાનો ત્યાગ કરી શકે છે, આપણે નથી કરી શકતા. મને પરદેશના મુસલમાનો કહે છે કે અહીંના મુસલમાનોનું હાડ મુકાબલે રાંક છે. એ સારું કે ખરાબ એ તો હિંદુમુસલમાનો જ કહી શકે, કે જગત કહી શકે. પણ મને લાગે છે કે તેઓ રાંક છે તેથી આપણે કશું ખોવાના નથી. દયાળુ બનવું એટલે બીકણ બનવું, લાકડીનો ત્યાગ કરવો એમ નહિ, પણ લાકડી હોવા છતાં લાકડી ન વાપરવી. લાકડી વાપરનાર કરતાં જે લાકડી ન વાપરી છાતી કાઢીને દુશ્મનની સામે ઊભો રહે તે જ વધારે બળવાન છે. પોતાનું સ્થાન ન તજવું, પીઠ ન બતાવવી એ પહેલવાનનો મંત્ર, ક્ષત્રીવટનું રહસ્ય છે, અને એ ગુણ મેળવવાને માટે માદક પદાર્થના ત્યાગની જરૂર છે. એટલે પોરબંદરની પ્રજા દારૂનો સદંતર ત્યાગ કરે એમ ઇચ્છું. રાજકોટમાં દારૂની બદી બહુ ફેલાઈ રહી છે. સિવિલ સ્ટેશનના દુકાનવાળા સાથે હરીફાઈ ચાલે છે એટલે દારૂ ત્યાં સોડાને દામે વેચાય છે. પણ જેમને એ દારૂ એટલો સોંઘો મળે છે, તેઓ લોહીનાં આંસુ પાડી રહ્યા છે. મજૂરોની સ્ત્રીઓ મને કહે છે કે, ‘તમે ઠાકોર સાહેબને ન કહો? અમારા ઘરમાં આ બદીએ સત્યાનાશ વાળ્યું છે, અમારાં ઘરમાં જાદવી દાખલ થઈ છે, અમારા પતિઓ વ્યભિચારી થયા છે, અમારાં ઘરમાં દળદર વ્યાપી રહ્યું છે.’ આ ગરીબડી સ્ત્રીઓના આશીર્વાદ લેવા હોય તો આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે, અને રાજાને કહેવું પડશે કે આ ત્રાસથી રૈયતને બચાવો. એમાંથી કમાણી થતી હોય તોપણ શું ? એમાંથી ક્ષણિક આનંદ થતો હોય તોપણ શું ? એ બદી ફેલાશે તો દેશની એવી બિહામણી સ્થિતિ થશે કે એનો આપોઆપ નાશ થઈ રહેશે. કોઈને નાશ કરવાનો પ્રયત્ન કરવાની જરૂર પણ નહિ રહે. ઈશ્વર તમારું કલ્યાણ કરો. મારું દીન વચન સાંભળવાની અને સમજવાની ઈશ્વર તમને શક્તિ આપો, ને એથી આખા જગતનું પણ કલ્યાણ થાઓ.
- નવજીવન, ૧–૩–૧૯૨૫
- ↑ * પોરબંદરમાં આપેલું ભાષણ