દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડનાં સ્મરણો–૨
← જન્મભૂમિદર્શન | દેશી રાજ્યોનો પ્રશ્ન કાઠિયાવાડનાં સ્મરણો મોહનદાસ કરમચંદ ગાંધી |
પ્રજા અને રાજા → |
કાઠિયાવાડનાં સ્મરણો
૧
પ્રજાપ્રતિનિધિ મંડળ
તારીખ ૧૫મીથી ૨૧મી સુધીનાં કાઠિયાવાડનાં સ્મરણો મને સદાય તાજાં રહેશે. રાજકોટના ઠાકોર સાહેબની સ્વતંત્રતા ઉપર હું મોહિત થયો. પ્રજાપ્રતિનિધિ મંડળની ઉપયોગિતા વિષે મને શક હતો, પણ તેની બેઠકમાં મેં ત્રણ કલાક ગાળ્યા પછી મારો શક દૂર થયો. એ મંડળ છેવટે કેટલું લાભદાયી નીવડશે એ તો ભવિષ્યમાં જ જણાશે, પણ જે છે તે આજ પણ ઉપયોગી છે એમ કહી શકાય. તેની ઉપયોગિતામાં વધારો કરવો એ પ્રતિનિધિઓ ઉપર આધાર રાખે છે. પ્રતિનિધિઓને પોતાના વિચારો પ્રગટ કરવાની પૂરી સ્વતંત્રતા છે ને તેઓ તેનો પૂર્ણ ઉપયોગ કરતા જણાયા. ના. ઠાકોર સાહેબને શું પસંદ પડશે એ ખ્યાલ કોઈ રાખતા હોય એમ ન લાગ્યું. પણ તેમને અપ્રિય લાગવાનો સંભવ હોય એવા વિચાર પણ પ્રતિનિધિઓ જણાવતા હતા.
કાર્ય બધું ગુજરાતીમાં ચાલવાથી શોભી નીકળતું હતું. અંગ્રેજી ભાષામાં જે કૃત્રિમતા, ડોળ વગેરે જોવામાં આવે છે તે અહીં મુદ્દલ નહોતાં, કેટલાંક ભાષણો તો સરસ ને અસરકારક હતાં એમ કહી શકાય. ભાષણો લાંબાં પણ ન કહેવાય, ને સામાન્ય રીતે સહુ મુદ્દાસર બોલતા હતા. દલીલ કરવાની શક્તિમાં, મર્યાદા જાળવવામાં, પદ્ધતિસર કામ કરવામાં કોઈ પણ પ્રતિનિધિ મંડળથી આ મંડળ ઊતરે એમ હું ન કહું.
આ મંડળમાં મુખ્ય ચર્ચા મદ્યનિષેધ વિષે હતી. પ્રતિનિધિમંડળે એકમતે ઠરાવ કર્યો કે દારૂની દુકાનોને દારૂ ગાળવા દેવાનું દરબારે બંધ કરવું જોઈએ. ના. ઠાકોર સાહેબનો મત એથી વિરુદ્ધ હતો એ પ્રતિનિધિઓ જાણતા હતા. આ ઠરાવ બીજી વેળા લાવવામાં આવ્યો હતો.
ના. ઠાકોર સાહેબ પોતે પ્રતિનિધિઓ સાથે દલીલમાં ઊતર્યાં હતા. તેથી તેમના વિચારો જાણી શકાતા હતા. જો દારૂની દુકાનો બંધ કરવામાં આવે તો વ્યક્તિસ્વાતંત્ર્યને હાનિ પહોંચે, એ તે નામદારની દલીલ હતી. મને લાગે છે કે આમાં મોટો વિચારદોષ રહેલો છે. દરબાર દારૂની દુકાનો બંધ કરે તેમાં વ્યક્તિસ્વાતંત્ર્યને શો ધક્કો પહોંચે છે એ સમજવું મુશ્કેલ છે. દારૂનું પીવું ગુનો ગણાય એવી પ્રજાની માગણી નહોતી, પણ દારૂ બનાવવો કે વેચવો બંધ થાય એ માગણી હતી. જે વસ્તુને વ્યક્તિ કે સમાજ દોષવાળી ગણે તે વસ્તુ બનાવવા કે વેચવા સમાજ કે વ્યક્તિ બંધાયેલાં નથી. દારૂથી થતી હાનિ સૌ કોઈ જાણે છે. જેમ ચોરી કરવાનું સ્વાતંત્ર્ય હોય નહિ, તેમ દારૂ બનાવવા કે વેચવાનું પણ ન જ હોય. જેને પીધા વિના ન જ ચાલે તે તેઓ હદ છોડી શકે છે. આવી બંધીનાં દૃષ્ટાંતો વ્યક્તિસ્વાતંત્ર્યને પૂજનારા દેશોમાં પણ પુષ્કળ જોવામાં આવે છે. સ્વાતંત્ર્ય અને સ્વચ્છંદ બે એક જ વસ્તુ નથી. કોઈ વ્યક્તિને સ્વચ્છંદ કરવાનો અધિકાર હોય જ નહિ. હોય ત્યાં સ્વતંત્રતાદેવીનો વાસ જ ન સંભવે, પ્રત્યેક મનુષ્યને માત્ર એટલી જ સ્વતંત્રતા ભોગવવાનો અધિકાર છે જેથી બીજાને નુકસાન ન પહોંચે. અંગ્રેજીમાં નીતિશાસ્ત્રની કહેવત છે કે, મનુષ્ય પોતાની વસ્તુનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી બીજાને હાનિ ન પહોંચે. મને મારી જમીન આખી ખોદી નાંખવાનો હક છે, પણ મારા પાડોશીના ઘરનો પાયો નબળો થઈ જાય તેટલે દરજ્જે તે ન ખોદાય. પ્રજાનો કોઈ ભાગ દારૂ પીએ તો તેનું પરિણામ પીનારને સોસવું પડે છે એટલું જ નહિ, પણ પીનારનાં બાળબચ્ચાંને અને પાડોશી સુધ્ધાંને સોસવું પડે છે. અમેરિકાએ દારૂની દુકાનો ને દારૂ બનાવવાનાં કારખાનાં બંધ કર્યાં તેથી કંઈ ત્યાં વ્યક્તિસ્વાતંત્ર્યનો લોપ નથી થયો. આખી દુનિયામાં અત્યારે દારૂના વેપાર વિરુદ્ધની હિલચાલ ચાલી રહી છે. તે વેળા રાજકોટનરેશ દારૂને અંગે વ્યક્તિસ્વાતંત્ર્યની વાત કરે એ ખેદકારક ગણાય.
વળી માનો કે દારૂના વેપારની બંધીથી વ્યક્તિસ્વાતંત્ર્યને ધક્કો પહોંચે છે, તોયે જ્યાં પ્રજાનો મત સ્પષ્ટ રીતે એક જ હોય ત્યાં તો મતને વશ વર્તવાનો રાજાનો ધર્મ છે, એવો જગતમાન્ય સિદ્ધાંત છે. પ્રજાપ્રતિનિધિ મંડળમાં કોઈ પણ એવો જોવામાં ન આવ્યો કે જે દારૂના વેપારની બંધી નહોતો ઇચ્છતો. એવા પુરાવા મોજૂદ છે કે દારૂ પીનારા પોતે તો બંધી ઇચ્છે છે. તેમનાં કુટુંબો ત્રાસ પામ્યાં છે. આવી બાબતમાં રાજકોટના ઠાકોર સાહેબ પ્રજામતને માન ન આપે એ શોચનીય જ ગણાય. જેણે પ્રજાપ્રતિનિધિ મંડળ કાઢવાની પહેલ કરી છે તે નરેશને વિષે જરૂર હું એવી આશા રાખું કે તેઓ દારૂની બાબતમાં દૂષિત સિદ્ધાંતને વશ રહી પ્રજામતનો તિરસ્કાર નહિ કરે પણ દારૂનો વેપાર બંધ કરી ગરીબની આંતરડીની દુવા મેળવશે.
રાજકોટના ઠાકોર સાહેબ નિયમિતતાના પૂજારી છે. બધું કામ નીમેલે વખતે કરતા જણાય છે ને પોતે કરેલી વખતની નિમણુકોનો ખંતપૂર્વક અમલ કરે છે ને બીજા પાસે કરાવે છે. ‘ડિસિપ્લિન’ — સંયમન — ના પણ પૂજારી છે. તેઓ માને છે કે આપણામાં મોટી ખામી સંયમનનો અભાવ છે. આમાં બહુ સત્ય છે એની ના પાડી શકાય એમ નથી. નિયમ અને સંયમનને અભાવે પ્રજા પોતાની શુભેચ્છાઓ પાર નથી પાડી શકતી.
બીજાં રાજ્યો
જે લોકપ્રિયતા મેં નામદાર ઠાકોર સાહેબને વિષે અનુભવી તે પોરબંદર, વાંકાનેર અને વઢવાણના નરેશો વિષે પણ અનુભવી. દરેક પ્રજાનું હિત ચહાતા જણાયા. દરેક પ્રજાને સંતોષવાનો પ્રયત્ન કરે છે એવી છાપ મારા મન ઉપર પડી. પણ મારાથી એક વસ્તુ કહ્યા વિના ન રહેવાય. દરેક રાજ્યમાં ઓછાવત્તા પ્રમાણમાં રાજાનું ખર્ચ આવકના પ્રમાણમાં બહુ વધારે જોવામાં આવ્યું. મારી ખાતરી છે કે જ્યાંલગી રાજા પોતાના ખર્ચની ઉપર અંકુશ ન મૂકે ત્યાંસુધી તે તેનું રક્ષકપણું સિદ્ધ નથી કરતો. રાજા પ્રજાની મહેનતની કમાણીમાંથી ભાગ લે છે તે તેના બદલામાં તે પોતાની નોકરી આપે છે. જેની નોકરી વિના ન જ ચલાવી શકાય તે સરદાર બને છે. પણ તે જ્યાંલગી વફાદાર રહે ત્યાંલગી જ સાચો સરદાર રહે છે. રાજાની વફાદારીમાં બે ગુણ હોવા જોઈએ. એક તો પ્રજાની સુખાકારી, સ્વતંત્રતા ને નીતિનું રક્ષણ કરવું; ને બીજો પ્રજાની પાસેથી મળેલા દ્રવ્યનો સદુપયોગ કરવો. જો રાજા પોતાને સારુ અણછાજતું ખર્ચ કરે તો તે દ્રવ્યનો સદુપયોગ નથી કરતો. પ્રજાજન કરતાં તે અમુક પ્રમાણમાં જરૂર વધારે ખર્ચો કરે, વધારે મોજશોખ કરવા હોય તે કરે, પણ તેની મર્યાદા તો હોવી જ જોઈએ. પ્રજાજાગૃતિના આ યુગમાં મર્યાદાની પૂરી આવશ્યકતા છે એ હું તે તટસ્થ રહેલો સંપૂર્ણતાએ જોઈ રહ્યો છું. એક પણ સંસ્થા જે પોતાનું લોકોપયોગીપણું સિદ્ધ ન કરી શકે તે લાંબો કાળ નહિ જ નભી શકે. કાઠિયાવાડનાં ચાર રાજ્યનું નિરીક્ષણ જેટલું એક અઠવાડિયામાં થઈ શકે તેટલું કરતાં કાઠિયાવાડ રાજકીય પરિષદ આગળના મારા રાજ્યતંત્રના બચાવને ટેકો મળ્યો છે, પણ તેની જ સાથે હું તે તંત્રની નબળાઈઓ પણ જોઈ શક્યો છું. રાજાઓના શુભેચ્છક તરીકે હું નમ્રતાપૂર્વક કહેવા ઇચ્છું છું કે, મેં ઉપર જણાવ્યું છે તે વ્યવસ્થા જો તેઓ સ્વેચ્છાએ દાખલ કરશે તો તેઓ વધારે લાકપ્રિય થશે એટલું જ નહિ, પણ પોતાનું રાજાપણું વધારે શોભાવશે. એ સત્તાધીશ સાચે કે જે પોતાની સત્તાની મર્યાદા પોતાની મેળે જ આંકે ઈશ્વરે પોતે પોતાની સત્તાને મર્યાદા આંકી છે. સત્તાનો દુરુપયોગ કરવાની શક્તિ છતાં તેણે તે શક્તિનો ત્યાગ કર્યો છે. શરીર નિભાવવાની શક્તિ છતાં જે તે શક્તિનો ત્યાગ કરે છે તે મોક્ષ મેળવે છે. શુદ્ધતમ બ્રહ્મચારી સ્વેચ્છાએ પોતાની શક્તિનો સંગ્રહ કરતાં એવી પરાકાષ્ટાએ પહોંચે છે કે છેવટે તે ક્લીબના જેવો થઈ રહે છે. એ સ્થિતિ અવર્ણનીય છે. એ સ્થિતિ દ્વંદ્વાતીતની છે. તે જડ હોવા છતાં શુદ્ધ નિર્વિકારી ચૈતન્ય છે, તેથી જ અંગ્રેજીમાં કહેવત છે કે રાજા દોષ કરતો જ નથી. ભાગવતકાર કહે છે કે તેજસ્વીને દોષ નથી. તુલસીદાસે પોતાની મધુરી હિંદીમાં કહ્યું, ‘સમરથ કો નહિ દોષ ગુસાંઈ’. આ ત્રણ વાક્યોનો અનર્થ આ કાળમાં થાય છે. એટલે કે બળવાન દોષ કરતા છતાં દોષ નથી કરતો એમ મનાવવું ને માનવું. સત્ય તો તેથી ઊલટું જ છે. બળવાન એ જ કે જે પોતાના બળનો દુરુપયોગ ન જ કરે, પોતાની ઇચ્છાએ તે બળના દુરુપયોગનો ત્યાગ કરે, તે એટલે સુધી કે તે દુરુપયોગ કરવા અશક્ત બને. આપણા નરેશો એવા કેમ ન બને ? એવા થવું તેઓની શક્તિની બહાર છે?
બે રાષ્ટ્રીય શાળાઓ ખોલવાની ક્રિયાનો હું સાક્ષી હતો. એક તો રાજકોટની. તે ખોલવાની ક્રિયા નામદાર ઠાકોર સાહેબે જ કરી ને મેં હાજરી આપી, બીજી વઢવાણની. તે ખોલવાની ક્રિયા મેં જ કરી. બન્નેની ઉપર વાદળ આવ્યાં. બન્નેને હરિજન પ્રશ્ન નડ્યો, બન્ને તે પ્રશ્નને ઓળંગી ગઈ છે, છતાં તે વિષે નિર્ભય નથી થઈ. નિર્ભય થવામાં અધ્યાપકોની શક્તિનું માપ આવશે. જો અધ્યાપકો વિવેકથી, શાંતિથી, મર્યાદાપૂર્વક ને તિતિક્ષાથી પોતાનું કાર્ય ચલાવશે, તો હરિજનને સંઘરતા છતાં લોકોનો વિરોધ નહિ વહોરે ને શાળામાં ઈતર વર્ણનાં બાળકો આવશે જ. શાળાનું રાષ્ટ્રીયપણું અધ્યાપકોના ચારિત્રબળમાં રહેલું છે, તેઓના દેશપ્રેમમાં રહેલું છે, તેઓની ત્યાગવૃત્તિમાં રહેલું છે, તેઓની દૃઢતામાં રહેલું છે. બન્નેનાં મકાનોનો મને મીઠો દ્વેષ છે. એ મકાનોમાં તપસ્વી અધ્યાપકો વસે તો તો તે ભલે થયાં, નહિ તો તે આપણને અધોગતિએ પહોંચાડનારાં નીવડવાનો સાંભવ છે. બ્રહ્મદેશમાં એક કાળ એવો હતો કે ગામેગામ સુંદર મકાનોમાં, સુંદર નિશાળોમાં ત્યાંના સાધુઓ ઉદ્યમપૂર્વક શીખવતા. હવે મકાનો તે જ છે. પણ જ્યારે મેં તે નિશાળોની મુલાકાત લીધી ત્યારે મે ત્યાં ઊંઘતા આળસુ સાધુઓને જોયા હતા. નિશાળનું નામ માત્ર હતું. તેના પ્રાણ ઊડી ગયા હતા. હરિજનને લેવા એ જેમ રાષ્ટ્રીય શાળાનું આવશ્યક અંગ છે તેમ જ રેંટિયો છે. એ ચક્રની નિયમિત ગતિ ઉપર ભારતવર્ષના ચક્રની ગતિ નિર્ભર છે. એ ચક્રનો સંપૂર્ણ વિકાસ તો રાષ્ટ્રીય શાળાઓ મારફતે જ થાય. દરેક શાળામાં તેની સાધનાની આશા હું રાખું. એને વિષે આદર પેદા કરવામાં શિક્ષકોની દેશસેવાનું માપ છે, આળસની નિદ્રામાં સૂતેલા આ દેશને ઉદ્યમી બનાવવાનું એક જ સાધન રેંટિયો છે. રેંટિયામાં નિષ્કામ ઉદ્યમ છે તેથી તેમાં સંપૂર્ણ ફળ છે. ને તે ઉદ્યમનું સુંદર સ્વરૂપ છે. અત્યારે તે ભલે નીરસ લાગે, પણ તેની એ નીરસતામાં જ રસ છે. એ રસ લાવવાનું કામ શિક્ષકોનું છે. બન્ને શાળા આદર્શ બને એવી આશા હું રાખું છું.
રાજકોટ તેમજ વઢવાણના શહેરીઓને તે તે શાળાઓમાં રસ લેવા વીનવું. પણ મારી વિનવણી મુખ્યત્વે વઢવાણના શહેરીઓ પ્રત્યે છે. વઢવાણમાં આચાર્ય ફૂલચંદ અને શહેરીઓ વચ્ચે કંઈક કડવાશ હતી. મેં ઇરાદાપૂર્વક તે વસ્તુ સમજવાનો પ્રસંગ શોધ્યો. જેઓને ફરિયાદ હતી તે ભાઇઓને હું મળ્યો. પરિણામે મને એમ લાગ્યું કે ભાઈ ફૂલચંદના સ્વભાવની ઉગ્રતા સિવાય બીજું કારણ ફરિયાદનું ન હતું. નવી વ્યવસ્થામાં શહેરીઓને સંપૂર્ણ સ્થાન છે. શાળા શહેરીઓની છે. તેમાં તે ઉત્સાહપૂર્વક ભાગ લે એ ઇચ્છવા યોગ્ય છે. એમ ભાગ લેવો એ તેઓનો ધર્મ છે. એક સમયે તેઓ એવો ભાગ લેતા હતા. તેઓ દ્રવ્ય પણ દેતા હતા. સહુ કહેતા હતા કે, જો ભાઈ શિવલાલ જીવતા હોત તો વઢવાણનું તેજ જુદું જ હોત. પણ મનુષ્યમાત્રને મરવું તો છે જ. આપણો જેના પ્રત્યે સ્નેહ હોય તેઓને અમર રાખવા એ આપણા હાથમાં છે. વઢવાણના ઘણા સમજુ શહેરીઓ કાં શિવલાલ ન બને ? વઢવાણની શાળાનું ખર્ચ વઢવાણના શક્તિમાન શહેરીઓ ઉપાડે એ વધારેપડતી આશા નથી. આવી સંસ્થાઓનો પ્રાણ અધ્યાપકો છે. તેનું શરીર શહેરીઓ હોવા જોઈએ.
વઢવાણમાં ભાઈ શિવલાલે સ્થાપેલી કાંતવા વણવાની ઉદ્યોગશાળા પણ ધ્યાન ખેંચવા લાયક છે. એ શાળા મારફતે ખાદીનો પ્રચાર ઠીકઠીક થયો છે, પણ વઢવાણની આસપાસનાં ગામડાંઓની શક્તિના પ્રમાણમાં ઘણો ઓછો પ્રચાર થયો ગણું છું. જ્યાં આસપાસ કંઈ ન થયું હોય ત્યાં થોડું પણ દીપે છે એ ન્યાયે વઢવાણે ભલે ઠીક કર્યુંં ગણાય. પણ આપણે થોડે સંતોષ નથી માની શકતા. વઢવાણની શક્તિ મુજબ વઢવાણે કર્યું છે કે નહિ એ જ સવાલ હોય. વઢવાણની શક્તિ વધારે છે એમ હું જોઈ ગયો છું. ઉદ્યોગશાળા એ ભાઈ શિવલાલનું ભારે સ્મારક છે. રેંટિયો તેમની જીવનદોરી હતી. તેનું રહસ્ય તે બરોબર સમજ્યા હતા એમ મને કહેવામાં આવ્યું હતું. એ રેંટિયાની બધી કળા વઢવાણ મારફતે ખીલે એમ હું ઇચ્છું છું.
પ્રજા રેંટિયો ચલાવે, ખાદી પહેરે ને હું રાજ્યપ્રકરણને તપાસું, એવો વિભાગ આપણે પરિષદ સમયે પાડેલો. એ વિભાગનો અર્થ મેં સમજાવ્યો તો છે જ છતાં ફરી સ્પષ્ટ કરવાની જરૂર છે. તે આ છે. જેમ પ્રજા જાગ્રત રહી પોતાની પ્રતિજ્ઞા પાળે તેમ જ હું જાગ્રત રહી મારી પ્રતિજ્ઞા પાળું. પ્રજા જાગ્રત રહે તો પોતાની પ્રતિજ્ઞા પાળી સફળ થઈ શકે છે; કેમકે સફળતા પોતાને હસ્તક છે. હું જાગ્રત રહેતો ને તે પ્રતિજ્ઞાનું પાલન કરતો છતાં સફળ ન થાઉં એ શક્ય છે; કેમકે મારી સફળતા પરને હસ્તક છે. વળી મારી સફળતાનો આધાર પ્રજાના પ્રતિજ્ઞાપાલન પર છે. સૂતરની સાથે રાજ્યપ્રકરણને કેમ સંબંધ છે એ હજી સમજાવવું પડે છે એ દુઃખદ છે. સૂતર કાંતવામાં પ્રજાની સંઘશક્તિ રહેલી છે. તે શક્તિનો અદૃશ્ય પ્રભાવ સર્વત્ર પડે એવી મારી શ્રદ્ધા છે. તેમ હો કે ન હો, મારી પ્રતિજ્ઞાનો અર્થ પ્રજા સમજે એટલું આવશ્યક છે. હું કશું કરી શકીશ જ એવું કંઈ નથી. તો હું જેને સારામાં સારો રસ્તો માનું છું એ પ્રજાને સૂચવ્યો છે. પ્રજા કેવળ આન્દોલનોથી કંઈ નથી મેળવી શકતી. રાજાઓની સ્થિતિ પણ સમજવી જોઈએ. નિંદા કે ટીકા જ કરવાથી અર્થ સરતો નથી. આ સ્થિતિ સમજવા ખાતર મેં પરિષદને રાજ્યપ્રકરણી ઠરાવો કરતાં ખામોશ રહેવાની સલાહ આપી. પ્રમુખ તરીકે મારાથી બની શકે તેટલી તપાસ કરવાની પ્રતિજ્ઞા કરી. તેનું પાલન કરવાનો મારો પ્રયાસ ચાલુ જ છે. હું નિરાંત વાળીને બેઠો નથી, બેસવાનો નથી. પણ આનો અર્થ એવો નથી કે જેને દર્દ છે તે પોતાનો ઇલાજ ન કરે. પરિષદની સહાયતા ઉપર પ્રમાણે મળે, એટલો જ મારી સલાહનો અર્થ છે. વ્યક્તિએ પોતાને યોગ્ય લાગે તેવા સત્ય ને શાંત ઉપાય ન્યાય મેળવવા લે તેમાં મારા તરફથી કશી રોકટોક નથી, એ સમજાવું જોઈએ. પરિષદથી બને તેટલી મદદ તો કરે જ. તે મદદે અત્યારે સ્વરૂપ એ પકડ્યું છે કે મારે મારી વીનવવાની શક્તિનો ઉપયોગ જે જે રાજ્યો વિષે ફરિયાદ થઈ છે. તે તે રાજ્યો વિષે કરવો. ફળનો આધાર વસ્તુની ને પાત્રની શુદ્ધતા ઉપર ને પ્રજાના પોતાની પ્રતિજ્ઞાના પાલન ઉપર છે. પ્રજાએ પણ પોતાની કાર્યદક્ષતાની છાપ પાડવી જ જોઈએ. પ્રજા જો રચનાત્મક કાર્ય કરી સ્વમાન જાળવશે તો પ્રજાને આત્મવિશ્વાસ આવશે. અત્યારે તો જેમ બીજા ભાગમાં તેમ કાઠિયાવાડમાં પ્રજા આત્મવિશ્વાસ ખોઈ બેઠી છે; જ્યારે સ્થિતિ તો એવી છે કે પ્રજા ધારે તેટલી પ્રગતિ કાઠિયાવાડનાં ઘણાં રાજ્યની અંદર કરી શકે છે, એમ મારો અનુભવ મને સૂચવે છે. કેટલીક સગવડો બ્રિટિશ વિભાગમાં નથી તે સગવડો કાઠિયાવાડનાં રાજ્યોમાં પ્રજાને છે, તે સગવડોનો પૂરો લાભ પ્રજા રચનાત્મક કાર્યો કરીને જ લઈ શકશે.
- નવજીવન, ૧૮–૩–૧૯૨૫