દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજકોટના સુધારા–૨

વિકિસ્રોતમાંથી
← રાજકોટના સુધારા દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજકોટના સુધારા
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજાઓ →






૮૩
રાજકોટના સુધારા

રાજકોટ રાજ્યે સુધારાને લગતી પ્રગટ કરેલી યાદી મેં જોઈ. તેમાંના રદિયાની મારા પર કશી અસર નથી થઈ. મેં આ સુધારાઓને વિષે લખતાં જે કંઈ કહ્યું છે તેના અક્ષરેઅક્ષરને હું વળગી રહું છું. સમય જ આ સુધારાનો અર્થ શો છે તે બતાવશે. મારા લેખમાં શ્રી. ઢેબરના નામનો ઉલ્લેખ નહોતો, છતાં રાજ્યની યાદી ઘડનારે નાહક તેમનું નામ ખેંચી આપ્યું છે; અને આમ કરીને જે સજ્જનને એકલાને મારી હાજરીમાં એક સાચા અને ભડ સુધારક તરીકે સ્વીકારવામાં આવ્યા છે તેમના પ્રત્યેની પોતાની ખફગી દેખાડી આપી છે. શ્રી. ઢેબર તો તેમના પર થનારા બધા હુમલાઓમાં થઈ ને પણ અંતે ટકી રહેશે. રાજકોટના સુધારા જો સાચે જ તેમને અંગે જે દાવો કરવામાં આવે છે તેવા સરસ નીવડશે તો મારાથી વધુ રાજી બીજું કોઈ નહિ થાય. બાકી તો જન્મતા પહેલાં મૃત્યુ પામેલી બંધારણ સમિતિને માટે સૂચવાયેલા દસ સભ્યોમાંથી એકની સંમતિ આ સુધારાને સારું રાજ્યના અમલદારો મેળવી શક્યા એ બીનાને સારુ તેઓ ધન્યવાદને પાત્ર ગણાય. અને તે જ રીતે એ બીના રાજ્ય પરિષદની તેમ જ મારી હારરૂપ ગણાય. આ ગુલાંટ કાઠિયાવાડી રાજખટપટના આબાદ નમૂનારૂપ છે. પણ મને ફરિયાદ કરવાનો અધિકાર નથી. ભલે કદાપિ ઢેબરભાઈ સિક્કે રાજ્ય પરિષદે સૂચવેલા દસેદસ જણાએ રાજકોટ રાજ્યના આ સુધારા સ્વીકાર્યા હોત તોપણ મેં એ સુધારાનું કરેલું પૃથક્કરણ જો ખરી હકીકતો પર ઘડાયેલું હોય — અને હું માનું છું કે — તો તે કોઈ વાતે બદલાતું નથી. માત્ર જેમને કંઈક જોઈતું હતું તે બધા જો તેમની પાસે જે મોજૂદ હતું તેનાથી પણ ઓછું લઈને સંતોષ પામવા તૈયાર થાય તો એવું પૃથક્કરણ નિષ્ફળ ઠરે ખરું, માટે એ અર્થમાં રાજકોટના સત્તાવાળાઓ બેશક જીત્યા કહેવાય.

સેવાગ્રામ, ૧૦-૧૨–૩૯
હરિજનબંધુ, ૧૭–૧૨–૧૯૩૯