દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજાઓ–૪

વિકિસ્રોતમાંથી
← ત્રિવિધ પાપનું પ્રક્ષાલન દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
સૂચિ →







૯૪
રાજાઓને

[ મુંબઈથી નીકળતા અંગ્રેજી પાક્ષિક ‘સ્ટેટ્સ પીપલ’ના ચોથા વરસના આરંભ નિમિત્તે ગાંધીજીએ માફલેલો જે સંદેશો તે પત્રના તા. ૨-૧૦-૧૯૪૧ના અંકમાં છપાયો હતો તેના અનુવાદ નીચે આપ્યો છે. ]

રાજાઓ અને તેમની પ્રજા વચ્ચેના સંબંધ વિષે હું કડક ને ચોક્કસ વિચારો ધરાવું છું. મારી દૃઢ પ્રતીતિ છે કે, ‘યુદ્ધ’ના ગૌરવભર્યા નામથી ઓળખાતી જે ગાંડી કતલ આજે ચાલી રહી છે તેને અંતે અચૂક સ્થપાનારા નવા વિશ્વતંત્રમાં રાજાઓની હસ્તી તો જ રહેશે જો તેઓ પ્રજાના સાચા સેવકો બનશે, અને પોતાની સત્તાને માટે તલવારબળ પર નહીં પણ પ્રજાનાં પ્રેમ ને સંમતિ પર આધાર રાખતા થશે. આવો મારે નિશ્ચિત મત હોઈ દેશી રાજ્યેાની પ્રજાને મારી એ સલાહ છે કે તેઓ ધીરજ કેળવે, અને જે જવાબદારી તેમના પર તેમની ઇચ્છા હોય કે ન હોય તોપણ પડવાની છે તેને માટે પરિશ્રમપૂર્વક મૂંગું રચનાત્મક કાર્ય કરીને તૈયારી કરે.

આનો અર્થ એ નથી કે તેમણે તીવ્ર ને આકરા જુલમને તાબે થવું. એ જુલમના ઘણા હેવાલો મારી પાસે આવ્યા કરે છે. એવા જુલમના તો તેનો ભોગ થનારાઓએ બની શકે તેટલી સારી રીતે સામનો કરવો જ જોઈએ. હું તો સારામાં સારી રીત અહિંસાની જાણું છું. એનું જ બીજું નામ જ્ઞાન ને નિશ્ચયપૂર્વક કરેલું કષ્ટસહન છે. પણ વ્યક્તિઓ પર શારીરિક જુલમ ગુજર્યાના ને તેમની હડધૂત થયાના દાખલા મારી જાણમાં આવ્યા છે. એ જો સાચા હોય અને જો એવા જુલમો જે માણસોના પર ગુજર્યા હોય તેમને અહિંસામાર્ગની જાણ ન હોય, તો તેઓ અંતરમાંથી જેટલી હિંસા પ્રગટાવી શકે તે બધી વાપરીને એ જુલમોનો સામનો કરશે, અને એ શારીરિક જુલમો અને હડધૂતનો સામનો કરતાં મોતની ભેટ કરવી પડે તો કરશે.

એવા હિંસક સામનો લગભગ અહિંસામાં ગણાશે— જેમ વિકરાળ બિલાડીના ઉંદરે કરેલો સામનો ગણાય છે. કોઈ નિઃશસ્ત્ર માણસના દેહ પર કોઈ જાલિમોની સશસ્ત્ર ટોળી અનેક યાતનાઓ ગુજારી રહી હોય એવા માણસની કલ્પના મારા મનમાં છે. કોઈ પણ માણસ શરીરે ગમે તેટલો નબળો હોવા છતાં તેનામાં જો સામનો કરવાનું સંકલ્પ બળ હોય અને સામી છાતીએ મોતની ભેટ કરવાની શક્તિ હોય, તો તેણે ગમે તેટલાં સંકટોની સામે પોતાને અસહાય માનવાની જરૂર નથી.

હું રાજાઓનો સાચો મિત્ર હોવાનો દાવો કરું છું. મારો એ દાવો રાજાઓ સ્વીકારે એમ હું ઇચ્છું છું. એવા મિત્ર તરીકે હું તેમને કહેવા ઇચ્છું છું કે, યુગધર્મને ઓળખવાનો રસ્તો એ છે કે તલવારનું બળ સાવ નિરુપયોગી છે એ સમજવું. બાઈબલમાં કહ્યું છે કે, ‘જેઓ તલવાર ઉઠાવશે તેમનું મોત તલવારથી જ થશે.’ એ વચન આપણે ધારેલું એના કરતાં વહેલું સાચું ઠરવાનું છે.

સેવાગ્રામ, ૨૦-૯-૪૧