લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/ત્રિવિધ પાપનું પ્રક્ષાલન

વિકિસ્રોતમાંથી
← હૈદરાબાદ દેશી રાજ્યોનો પ્રશ્ન
ત્રિવિધ પાપનું પ્રક્ષાલન
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજાઓ →







૯૩
ત્રિવિધ પાપનું પ્રક્ષાલન

[ શ્રી. પ્યારેલાલે ૧૯૩૯ અને ૧૯૪૦માં દેશી રાજાઓના ચક્રવતી સત્તા સાથેના સંબંધ વિષે અંગ્રેજીમાં એક લેખમાળા લખી હતી, તે થોડાક મહિના પહેલાં ‘Status of Indian Princes’ (દેશી રાજાઓનો દરજ્જો) એ નામે નાના પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ છે. તેની જે પ્રસ્તાવના ગાંધીજીએ મૂળ અંગ્રેજીમાં લખી છે તેનો અનુવાદ નીચે આપ્યો છે. ]

ભાઈ પ્યારેલાલે હિંદના રાજાઓના દરજ્જાના વિષયનો ઊંડો અભ્યાસ કર્યો છે ને તેને પરિણામે આ પુસ્તકમાંનાં સાત પ્રકરણ લખ્યાં છે. તે પુસ્તકાકારે ઘણા વખત પહેલાં પ્રસિદ્ધ થવાં જોઈતાં હતાં, અને મારા બીજા વ્યવસાયો આડે ન આવ્યા હોત તો થયાં પણ હોત. લેખક પોતે જેલમહેલમાં વિરાજે છે. તેથી આ પ્રકરણો જેવાં લખાયેલાં તેવાં જ પુસ્તકરૂપે પ્રગટ થાય છે. એ કદી વાસી થાય એવાં નથી. હિંદમાં જે લગભગ છસો રાજાઓ છે તેમના દરજ્જા વિષે આ પ્રકરણો કામગરા પ્રજાસેવકને કે વિદ્યાર્થીને સંક્ષિપ્ત રૂપમાં કંઈક ખ્યાલ આપે છે. આ પત્રિકાનો મુખ્ય ગુણ એ છે કે એમાં એવું કંઈ નથી જે પ્રમાણભૂત ગ્રંથો ને લખાણોમાંથી ન લેવામાં આવ્યું હોય. આવી જબરદસ્ત આપખુદી આ દેશમાં વર્તે છે તે અંગ્રેજોના લોકશાસન વિષેના દાવાને ખોટો પાડનાર મોટામાં મોટો પુરાવો છે, અને રાજાઓ અથવા આ નરી આપખુદીની તાબેદારીમાં જેમને રહેવું પડે છે તે અભાગી પ્રજા બેમાંથી એકેને ભૂષણરૂપ નથી. પોતાના માનવી તરીકેના ગૌરવનું જેને ભાન હોય એવા કોઈ પણ માણસના હાથમાં જે સત્તા ન રહેવી ધટે તે સત્તા રાજાઓ પોતાના હાથમાં રાખે છે તેમાં તેમની શોભા નથી. જે પ્રજા પોતાની મનુષ્ય તરીકેની પ્રાથમિક સ્વતંત્રતા ઉપર આમ તરાપ વાગતી મૂંગે મોઢે સહેતી આવી છે તેની પણ એમાં શોભા નથી. અને હિંદમાં અંગ્રેજી રાજ્ય ઉપર એ મોટામાં મોટું કલંક છે. એમ કદાચ કહી શકાય. પણ આપણે હજી આ ઘટનાઓની એટલા નજીક છીએ કે ‘રાજાઓનું હિંદ’ અથવા ‘હિંદી હિંદ’ એ નામથી સૂચવાતા વિભાગની રચના કેવા ખોખાટા પાયા પર થઈ છે તે આપણે સમજી શકતા નથી. એ તંત્ર તેના પોતાના જ અસહ્ય ભારથી ભાંગીને ભૂકા થઈ જશે. મારે નમ્ર અહિંસક પ્રયત્ન એ ત્રણે પક્ષને આ ત્રિવિધ પાપનું પ્રક્ષાલન કરવા સમજાવવાનો છે. એમાંનો એક પક્ષ પણ નિશ્ચયાત્મક પગલું ભરી શકે છે; તેની અસર બીજા બધાની ઉપર પડશે. પણ જો ત્રણે પક્ષ સામટા આ પાપની ભીષણતા સમજે અને સંયુક્ત પ્રયત્ન વડે તેને ધોઈ કાઢે તો એ એક ભવ્ય વસ્તુ થઈ જશે.

સેવાગ્રામ, ૨૩–૨–૪૧