લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/હૈદરાબાદ

વિકિસ્રોતમાંથી
← દેશી રાજ્યો અને મહાસભા દેશી રાજ્યોનો પ્રશ્ન
હૈદરાબાદ
મોહનદાસ કરમચંદ ગાંધી
ત્રિવિધ પાપનું પ્રક્ષાલન →






૯૨
હૈદરાબાદ

“નિઝામ રાજ્ય પાસેથી અંગ્રેજોએ એક કે બીજે બહાને વરાડ, દત્તમંડળ, કર્ણાટક વગેરે પ્રદેશો પડાવી લીધા છે તેને અંગેના નિઝામ સરકારના હક વિષે આપ શું કહો છો?”

આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. જેટલે અંશે આ પ્રદેશો અંગ્રેજોએ પડાવી લીધા હોય તેટલે અંશે તે અંગ્રેજો પાસેથી મેળવવાનો હક પ્રાપ્ત થાય છે એમાં શક નથી. ન્યાયની વાત કઈ કહેવાય એમ મને પૂછવામાં આવે તો હું એટલું જ કહું કે તે તે પ્રદેશની પ્રજાને પસંદગી કરવા કહેવું જોઈએ. હું તો એ જ એક ન્યાય જાણું છું.

પણ મારું કહેવું એમ છે કે આ જાતની બધી ચર્ચા કેવળ તાત્ત્વિક ગણાય. ભૂગોલદૃષ્ટિએ એક અખંડ એકમ તરીકે હિંદ જો પોતાનું સ્વાતંત્ર્ય મેળવશે — અને કોક દિવસ તો મેળવશે જ — તો એનો અર્થ એ થશે કે એનું એકેએક અંગ સ્વતંત્ર થશે. વળી એ સ્વતંત્રતા જો અહિંંસાને માર્ગે મેળવી હશે તો એ બધાં અંગો સ્વેચ્છાએ એકબીજાના આધાર લઈને રહેતાં હશે, અને એક મધ્યવર્તી પ્રતિનિધિ સત્તા હેઠળ પૂરી એકસંપીથી પોતપોતાના કારોબાર ચલાવતાં હશે. મધ્યવર્તી સત્તા પણ એવાં અંગોના તેના પ્રત્યેના વિશ્વાસમાંથી પોતાનું સત્તાબળ મેળવતી હશે. એથી ઊલટું જો હિંદે પોતાની આઝાદી શસ્ત્રબળથી મેળવી હશે તો પછી જે સૌથી બળવાન સત્તા હશે તે આખા હિંદ ઉપર અમલ ચલાવશે. આવી બળવાન સત્તા તે હૈદરાબાદ રાજ્ય પણ હોઈ શકે. નાનાં મોટાં તમામ રાજ્યો ઇચ્છાએ કે અનિચ્છાએ બ્રિટિશ ઝૂંસરીમાંથી તો છૂટાં થશે જ. તે બધાં પોતપોતાની હસ્તી ટકાવવા લડશે, જે સૌથી જબરદસ્ત ઠરશે તેને શરણે જશે, અને પેલો જબરદસ્ત હિંદનો સમ્રાટ બનશે. આવું તો જ બની શકે જો કરોડોની નિઃશસ્ત્ર પ્રજા સશસ્ત્ર રાજ્યોનાં સંગઠન સામે લાચાર બની તેને વશ થશે. બીજી પણ ઘણી શક્યતાઓ છે. બ્રિટિશ લશ્કરના હિંદી ભાગમાં એવી સ્થિતિમાં ઘણે ભાગે પોતાનું બળ અને સ્વતંત્ર હસ્તીનું ભાન થશે. મુસ્લિમ ફોજ, શીખ ફોજ, ગુરખા સેના, રાજપૂત સેના, એવાં કૈક લશ્કરો કદાચ ઊભાં થયાં હશે. કદાચ તો કાં તે આપસમાં લડશે, અથવા તો કોઈ રાષ્ટ્રીય પક્ષ જોડે મળી જઈ ને રાજાઓ સામે વ્યાપક સંગઠન રજૂ કરશે. વળી એમ પણ બને કે સરહદ પરથી લડાયક કોમો અહીં ઊતરી પડે, અને આવી લૂંટમાં અથવા તો સર્વોપરી રાજસત્તામાં પણ ભાગ પડાવવા માગે.

એવા સંજોગો ઊભા થવા પામે તો તે વખતે મહાસભા પાસે જો તેની અહિંંસા કશી સિલક રહી હશે તો તે હિંદમાં સર્વવ્યાપી શાંતિ સ્થાપવાના પ્રયત્નમાં મરી છૂટશે. એમ બનવું પણ અશક્ય નથી કે એ બધાં લડનારાં તત્ત્વોને એક મધ્યવર્તી સત્તાની નૈતિક આણ માનીને સ્વેચ્છાપૂર્વક તેનું શરણ સ્વીકારવામાં એકથી વધુ રીતે લાભ દેખાય. આમ બને તો એનો અર્થ એ થયો કે પ્રજાનાં તમામ સ્ત્રીપુરુષને મતાધિકાર હશે, અને તેનો ઉપયોગ શિસ્તબદ્ધ અને રાજદ્વારી બાબતોમાં સમજદાર એવાં મતદારમંડળો દ્વારા થતો હશે. એનો અર્થ એ પણ થયો કે કોમી અને બીજા કુસંપોનું યોગ્ય અને કાયમનું દફન થયું હશે.

પણ આવું ન બને એમ સંભવે. અત્યારે કશું આશાદાયક ચિહ્ન નથી. પણ હું શ્રદ્ધાળુ માણસ છું. અને શ્રદ્ધાની આંખને બધું જ શક્ય દેખાય છે. પણ ધારો કે બધું જ અવળું ઊતરે અને ભૂંડામાં ભૂંડી દશા થાય ને દેશમાં અંધાધૂંધી ફેલાય તો ઈશ્વરસાક્ષીએ હું તો એટલું જ કહી શકું છું કે હું એ વેળા આ કે તે એવી પસંદગી કરવા જીવતો નહિ હોઉં. એ અંધાધૂંધીની જ્વાળાને મારા નાનકડા કંપતા હાથથી ઓલવવાના વ્યર્થ પ્રયત્ન કરતાં કરતાં જ હું મરીશ. પણ જો તમે મને અત્યારથી જ એમ પૂછો કે એક બાજુ એવી અધાધૂંધી અને બીજી બાજુ બ્રિટિશ અથવા બીજી કોઈ વ્યવસ્થિત વિદેશી હકૂમતની સત્તા બેની વચ્ચે હું કોને વધુ પસંદ કરું, તો હું વગર આનાકાનીએ પેલી અંધાધૂંધીને જ પસંદ કરીશ — અગર કહો કે નાના મોટા ખંડિયા બનેલા રાજાઓના કે સરહદની મુસ્લિમ કોમોના ટેકાથી બધાના સરદાર બની બેઠેલા નિઝામની સત્તાને કબૂલ કરીશ. એવી સત્તા પણ મારે હિસાબે તો સોયે સો ટકા દેશી લેખાશે. ગમે તેવું પણ એ ‘હોમરૂલ’ (ઘરનું રાજ) હશે, જોકે સ્વરાજથી તો એ દૂર, સુદૂર જ હશે. પણ સાથેસાથે એટલું પણ હું ફરી કહી દઉં કે, જોકે તાત્ત્વિક દલીલરૂપે આ બધું હું લખી શકું છું, છતાં જો સાચે જ એવી સ્થિતિ મારી સામે આવીને ઊભે તો મારી પસંદગીમાં તે પ્રજાની જ ખાતર અને પ્રજાને હાથે ચાલનારું પ્રજાશાસન અને કાં તો મૃત્યુ એ બેની વચ્ચે જ થશે. પ્રથમ ગણાવ્યું તે પ્રજાશાસન એટલે જ નિર્ભેળ અહિંસાનું શાસન. હવે તમે સમજ્યા હશો કે મારી અહિંસા રૂના પોલ જેવી પોચી નથી પણ ‘વજ્રથીય વધુ કઠણ છતાં ફૂલથીયે કુમળી’ છે. એની ઉપમા એ પોતે જ છે; બીજી ઉપમા જ એને સારુ નથી.

તો પછી તમે મને સહેજે પૂછશો કે મારી આ વ્યવસ્થામાં રાજાઓને સારુ કયું સ્થાન છે? અહિંસામાં રહેલી બધી વસ્તુઓ તમે પૂરેપૂરી સમજી ગયા હો તો આવો પ્રશ્ન તમારા મનમાં ન ઊઠવો જોઈએ. કારણકે શસ્ત્રના પીઠબળ વગરના એક મધ્યવર્તી સંગઠનની નૈતિક સત્તાને તાબે રહીને ચાલનારા રાજાઓ તે વખતે પ્રજાસેવકો તરીકે પ્રજામાં માનભર્યુંં સ્થાન પામશે. પોતાની ફરજો ખુશીથી અદા કરવામાં રહેલા કુદરતી હક સિવાય કોઈ ને કશા હક નહિ હોય. એટલે આલા હજરત નિઝામ તે વખતે લોકોના પસંદ કરેલા પ્રજાસેવક જ હશે. માત્ર તે વખતે એમની પ્રજામાં મને કમને એમની આજની સરહદમાં વસતી પ્રજાની જ ગણના નહિ થાય, પણ કદાચ આખા હિંદની પ્રજાની પણ ગણના થાય. આને સ્વપ્નસૃષ્ટિ તરીકે ન ગણી કાઢતા. હું મને વહેવારુ માણસ ગણાવું છું. જો મહાસભા પોતાની નીતિને વફાદાર રહેશે તો આજે હવાઈ તરંગ જેવું જણાતું હશે તે કાલ સવારે ભાવતું સત્ય નીવડે તો નવાઈ નહિ. મારી યોજનામાં માણસની બુદ્ધિને કે રચનાત્મક પ્રયત્નને વ્યર્થ નીવડવાપણું છે જ નહિ. આ અનુસધાનમાં નામાંકિત અંગ્રેજ લેખક એચ.જી. વેલ્સે મનુષ્યના અધિકાર વિષે મારા ઉપર મોકલેલા તારનો મેં જે જવાબ મોકલ્યો હતો તે અહીં ટાંકું:

“તમારો તાર મળ્યો. મેં તમારા પાંચે લેખ કાળજીપૂર્વક વાંચ્યા છે. તમે ઊંધે માર્ગે ચડ્યા છો. અધિકારોનો તખતો તમારા કરતાંયે વધુ સોહામણો હું દોરી આપું એમ છું. પણ એનો શો ઉપયોગ ? એની ખોળાધરી આપનાર વાલી કોણ થશે? પ્રચારકાર્યથી અને પ્રજામત કેળવ્યેથી એમ થશે એમ કહેતા હો, તો પણ તમને કહું છું કે તમે અવળે છેડેથી શરૂઆત કરી છે. હું સાચો રસ્તો સૂચવું છું. માનવી કર્તવ્યનો તખતો દોરીને આરંભ કરો. એમ કરોશો તો, શિયાળાની પાછળ વસંતઋતુ તેમ આની પાછળ માનવી હકો અચૂક ચાલ્યા આવશે. હું અનુભવથી આ લખું છું. જુવાન વયે મારા અધિકારો પ્રસ્થાપિત કરવાના પ્રયાસોથી મેં જીવનની શરૂઆત કરેલી. થોડા જ સમયમાં મેં જોયું કે મારે અધિકાર કશા હતા જ નહિ—મારી સ્ત્રી પર પણ નહોતા. તેથી મારી સ્ત્રી પ્રત્યેની, બાળકો પ્રત્યેની, મિત્રો, સાથીઓ અને સમાજ પ્રત્યેની ફરજો સમજવા ને અદા કરવાના પ્રયત્નોથી મેં શરૂઆત કરી. અને આજે હું જોઉં છું કે જેટલા અધિકારો આજે મને છે તેટલા ભોગવનારો દુનિયામાં બીજો કોઈ માણસ મારી જાણમાં નથી. આ દાવો વધુપડતો લાગતો હોય તો એટલું કહીશ કે આજે મારા કરતાં વધુ હકો ધરાવતો હોય એવો માણસ મેં જાણ્યો નથી.”

સેવાગ્રામ, ૮–૧૦-૪૦
હરિજનબંધુ, ૧૯-૧૦-૧૯૪૦