લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજાઓ અને ચક્રવર્તી સત્તા

વિકિસ્રોતમાંથી
← લીંબડી વિષે દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાઓ અને ચક્રવર્તી સત્તા
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજકોટના સુધારા →






૮૧
રાજાઓ
અને ચક્રવર્તી સત્તા

વળી રાજાઓ પણ યુરોપિયનોની જ હારમાં ઊભેલા નથી શું ? એમાંના ઘણાખરા નહિ તો ઘણા સામ્રાજ્યે જ સરજેલા છે અને સામ્રાજ્યનાં જ હિતોને અંગે તેમને નભાવવામાં આવે છે. રાજાઓ કોઈ વાતે તેમની પ્રજાના પ્રતિનિધિ નથી. રજવાડી પ્રજા તરફથી દર અઠવાડિયે જે ફરિયાદો મારી પાસે ચાલી આવે છે તે બધી જો હું પ્રગટ કરું તો ‘હરિજન’નાં પાનાં મારે બમણાં કરવાં પડે. એ ફરિયાદોમાં જે વીતકોની રામકહાણી ગાયેલી હોય છે તે નથી હોતી રાજાઓને શોભાસ્પદ કે નથી હોતી તેમની રક્ષણહાર બ્રિટિશ સત્તાને. આવી બ્રિટિશ રક્ષિત સત્તા નાગો સામ્રાજ્યવાદ નહિ તો બીજું શું છે ? રાજાઓને લઘુમતી તરીકે ગણવાનું મહાસભાને કહેવામાં આવે છે. બ્રિટિશ પ્રભુના આધાર વિના રાજાઓથી શ્વાસ પણ લઈ શકાય તેમ નથી. મહાસભાવાદીઓ જોડે કશી સમજણમાં ઊતરવાનું તો દૂર રહ્યું, તેમને મળવાની પણ રાજાઓને સ્વતંત્રતા નથી હોતી. આ કટોકટીને કાળે રાજાઓ જે કંઈ કરી રહ્યા છે તેની સામે મારી કરિયાદ નથી. બીજું કશું તેમનાથી થઈ શકે તેમ નથી.

હરિજનબંધુ, ૫–૧૧–૧૯૩૯

આ વિષયની ચર્ચા કરતાં ‘ટાઈમ્સે’ રાજાઓનો જે ઉલ્લેખ કર્યો છે તે ખાસ અણઘટતો છે. તેઓ ચક્રવર્તી સત્તાની જ સૃષ્ટિ છે, અને તેના વગર તેમની કશી સ્થિતિ કે પ્રતિષ્ઠા નથી. મારું કથન વિચિત્ર લાગે છતાં મારે કહેવું રહ્યું કે રાજાઓ ચક્રવર્તી સત્તાની સ્પષ્ટ કે મોઘમ સંમતિ વગર સારું અગર તો બૂરું કશું જ કરી શકવાની સ્થિતિમાં નથી. તેઓ તેમના પોતાના સિવાય બીજા કોઈના પ્રતિનિધિ નથી. આવા રાજાઓની સાથે સમાધાની કરવા મહાસભાને કહેવું એટલે ચક્રવર્તી સત્તા જોડે જ સમાધાની કરવા કહ્યા બરાબર છે.

હરિજનબંધુ, ૧૨-૧૧-૧૯૩૯