દેશી રાજ્યોનો પ્રશ્ન/હું હાર્યો

વિકિસ્રોતમાંથી
← મારી વ્યથા દેશી રાજ્યોનો પ્રશ્ન
હું હાર્યો
મોહનદાસ કરમચંદ ગાંધી
રામદુર્ગનો હત્યાકાંડ →







૬૭
હું હાર્યો

રાજકોટે મારી જુવાની હરી લીધી છે. ઘડપણ મેં કદી જાણ્યું નહોતું. આજે હું અપંગ અખમ છું એનું મને ભાન થયું છે. નિરાશા શી ચીજ છે એની મને કદી ઓળખ નહોતી. આજે રાજકોટમાં આશાની ટાઢી ઠારીને હું નીકળ્યો છું. મારી અહિંંસાની આવી કસોટી અગાઉ કદી થયેલી મેં નથી જાણી.

હિંદના વડા ન્યાયાધીશના ચુકાદા મુજબની સમિતિ નીમવાના પ્રયાસ પાછળ મેં કીમતી પંદર દિવસ ગાળ્યા. પણ એ સમિતિથી હું હજુ જેટલો ને તેટલો જ દૂર છું. મારા માર્ગોમાં ન કલ્પેલા અંતરાયો નડ્યા છે. આખા દેશે વડા ન્યાયાધીશના ચુકાદાને સરદારના સંપૂર્ણ વિજય તરીકે નવાજ્યો; પણ એ જ ચુકાદાને, મેં મુસ્લિમો તથા ભાયાતો પ્રત્યે કરેલા વિનયની રૂએ, મારા પર વચનભંગનો આરોપ મૂકવામાં સચોટપણે મારી વિરુદ્ધ વાપરવામાં આવ્યો છે ! ઠાકોર સાહેબે આપેલું વચન હું દિલ્લીથી પાછો ફર્યો ત્યારથી મારે માથે ઢોળવામાં આવ્યું છે. મેં મુસ્લિમો તથા ભાયાતો જોડે કરેલા વિનયનો સ્પષ્ટ અને સરળ અર્થ એટલો જ હતો કે ઠાકોર સાહેબે આપેલું વચન પૂરું કરાવવામાં તેમને મદદ કરવા હું તૈયાર હતો. જોકે ચુકાદા પછી તેવી મદદ કરવાનું બંધન રહેતું નથી. આમ છતાં ગમે તે કારણે પણ મુસ્લિમો તેમ જ ભાયાતોએ ઠાકોર સાહેબને તેમનો વાયદો પૂરો કરવાની ફરજ અદા કરવાના બોજામાંથી મુક્ત કર્યા અને મારા ઉપર મોરચો માંડ્યો.

મુસ્લિમો તેમ જ ભાયાતોની જોડે પેરેપેરે મેં મથી જોયું. હું નિષ્ફળ ગયો. થાકીને મેં ઠાકોર સાહેબને પરિષદ વતીનાં સાત નામો મોકલ્યાં. મને જવાબ મળ્યો કે સાતમાંના છ રાજકોટ રાજ્યના પ્રજાજન છે એ મારે સાબિત કરી આપવું! વાંધો કેવા પ્રકારનો છે એનો સહેજ ખ્યાલ સામા માણસને આપવામાં આવે એટલી આશા તો કોઈ પણ રાખે. સામાન્યપણે પ્રતિષ્ઠિત ગણાતા માણસોએ કહેલી દરેક વાત સાબિત કરી આપવાનો પડકાર કરવામાં આવે, તો એકેએક બાબતની વિગતોની તપાસ પૂરી કરવા પાછળ જ વરસ દિવસ વીતે. પણ મેં જરૂરી પુરાવો મોકલી આપ્યો છે.

આમ જ્યારે બધેથી મારા હાથ હેઠા પડ્યા અને મારી ધીરજની અવધિ આવી ત્યારે મેં રેસિડેન્ટને ચક્રવર્તી સત્તાના સ્થાનિક પ્રતિનિધિ તરીકે ફરિયાદનો કાગળ મોકલ્યો, અને વાઈસરૉયે મને આપેલી બાંહેધરીની રૂએ મેં તેમની મદદ માગી. તેમણે મને મળવા બોલાવ્યો. અમે બેઉ કાંઈક માર્ગ કાઢવાની ચર્ચા કરી રહ્યા હતા. એવામાં મારા મનમાં કલ્પના સ્ફુરી કે, સમિતિ ઉપર સભ્ય નીમવાનો હક જ આખો છોડી દઈને આ હૈયાઉકાળો ખતમ કરું તો કેવું! મને આ ખાસી વીરોચિત દરખાસ્ત લાગી. રેસિડેન્ટને પણ તેવી લાગી. દરખાસ્ત એમ હતી કે આખી સમિતિ ઠાકોર સાહેબ પસંદ કરે ને નીમે, સમિતિ તા. ૨૬-૧૨-૩૮ની જાહેરાતને અનુસરીને રિપોર્ટ કરે; શરત એ કે રિપોર્ટ પરિષદને બતાવે, અને જો પરિષદને લાગે કે ૨૬મીની જાહેરાતની તેમાં પૂર્ણતા નથી થઈ તો તે તેની જોડે પોતાનો મત રજૂ કરતી ભિન્નમતપત્રિકા ટાંકે, અને તેવી પત્રિકા સાથેનો એ મૂળ રિપોર્ટ વડા ન્યાયાધીશ આગળ નિર્ણયને સારુ મોકલવો. રેસિડેન્ટે મારી આ ઑફર દરબારશ્રી વીરાવાળા પર મોકલી આપી, પણ ઠાકોર સાહેબે તે નામંજૂર કરી.

પંદર દિવસની આ અંતરવ્યથા પછી હું જોઈ શક્યો છું કે, જો ઠાકોર સાહેબને કે દરબાર વીરાવાળાને એમ લાગતું હોય કે ઉપરના દબાણને લીધે તેમને કશું આપવું પડ્યું તો, મારી અહિંસા નિષ્ફળ લેખાવી જોઈએ. મારી અહિંસા સામું જોતાં મારે એમનામાંથી એવી લાગણી નાબૂદ કર્યે છૂટકો હતો. તેથી તક મળતાં જ દરબાર વીરાવાળાની એવી ખાતરી કરાવવા મેં પ્રયાસ કર્યો કે ચક્રવર્તી સત્તાની મદદ માગવામાં મને કશો આહ્લાદ ન હતો. અહિંસા ઉપરાંત મારા રાજકોટ જોડેનો સંબંધ પણ મારા પર આવો અંકુશ મૂકે એમ હતું. મેં દરબાર વીરાવાળાને ખાતરી આપી કે મને અનાયાસે સ્ફુરી આવેલી ને મિ. ગિબસન આગળ કરેલી મારી ઑફર ઉપલી દિશામાં કરેલા મારા પ્રયાસનું જ પરિણામ હતું. તરત જ તેમણે મને સંભળાવ્યું : “પણ જો તમે ઠાકોર સાહેબની સમિતિના રિપોર્ટથી ન સંતોષાઓ તો જાહેરાતની રૂએ તેને કસવાનો હક તો માગો જ છો ના? વળી પરિષદ ભિન્નમતપત્રિકા ટાંકે તો તમે પાછા એ રિપોર્ટ તેમ જ પત્રિકા બેઉ વડા ન્યાયાધીશ પાસે છણાવવા માગો છો. આને તમે દબાણની લાગણી નાબૂદ કરવાનો પ્રયાસ કહો છો ? ઠાકોર સાહેબ ઉપર વિશ્વાસ મૂકવા તૈયાર હો તો તે ઠેઠ સુધી એમની ઉપર અને એમના સલાહકાર ઉપર વિશ્વાસ કાં નથી મૂકતા? તમને કદાચ માગો છો તે બધું નહિ મળે, પણ જે કંઈ મળશે તે તેમના સદ્‌ભાવ સાથે મળ્યું હશે અને તેના પૂરા અમલની બાંહેધરી તેમાં હશે. પરિષદવાળા ઠાકોર સાહેબ વિષે તથા મારે વિષે શું શું બોલ્યા છે તે તમે જાણો છો ? પોતાના રાજા પાસેથી સુધારા મેળવવા ઇચ્છતી પ્રજાના આ રસ્તા ?” દરબાર વીરાવાળાનાં આ વચનોમાં કડવાશ અને પરિષદના લોકો પ્રત્યેનો તિરસ્કાર ટપકતાં હતાં. પણ અહિંસાના અપૂર્ણ અમલના એકાએક થયેલા ભાનને પ્રતાપે, એમણે કરેલો ઘા ચુકાવવાને બદલે, મનુષ્યસ્વભાવના મૂળમાં પડેલી ભલાઈ વિષેની મારી આસ્થાની ઊણપ તથા મારી અહિંસાનું દારિદ્ર્ય બતાવનારું એમની દલીલમાં પડેલું વજૂદ મેં પિછાન્યું. આમ અમારી વાતો ચાલુ રહી અને ઘણી દરખાસ્તો અમે ચર્ચી. પણ કશો સાર ન નીકળ્યો. ગૂંચનો કોઈ યે ઉકેલ હું પામી શક્યો નહિ. છૂટા પડતાં એટલી લાગણી મને થઈ ખરી કે અમે એકબીજાને વધુ ઓળખતા થયા હતા, અને દરબાર વીરાવાળાને રીઝવવાનો પ્રયાસ કરવામાં મેં યોગ્ય જ કર્યું હતું. હું પાટે હતો, ચાતર્યો નહોતો.

અને તેથી મેં સાથીઓ આગળ ઉકેલને સારુ આ નવી દૃષ્ટિ રજૂ કરી. તેમણે મને અનેક વેળા કહ્યું હતું કે, રાજકોટની તમામ આફતનું મૂળ દરબાર વીરાવાળા છે અને તે જાય એ રાજકોટને પૂરું સ્વરાજ મળ્યા બરોબર છે. મેં તેમને સમજાવ્યું કે એ તો સુ-રાજ્ય થયું, સ્વ-રાજ નહિ. ગઈકાલની બેઠકમાં મેં કાર્યકર્તાઓને કહ્યું કે, જો અહિંસાનો મારો અર્થ તેમને કબૂલ હોય તા દરબાત્ર વીરાવાળાને કાઢવાનો ખ્યાલ છોડી દઈને તેમનો હૃદયપલટો કરવાનો સંકલ્પ તેમણે કરવો રહ્યો છે. આ તેમનાથી તો જ થઈ શકે જો તેઓ તેમની એબો જોવાનું છોડી તેમના ગુણ હોય તે શોધી કાઢી તે કેળવવા તરફ રોકાય. દરેક માણસની હિંસાવૃત્તિને બૂઠી કરી નાંખવાની અહિંસાની શક્તિને વિષે અનંત શ્રદ્ધા કેળવતાં તેમણે શીખવું રહ્યું છે. ખરી અહિંસા એ જ છે કે દોડીને હિંસાના મોઢામાં જઈ પડવું. જો ગાયોમાં વિચારશક્તિ હોય તો એવી કલ્પના કરી શકાય કે, જો પૂરતી સંખ્યામાં એવી ગાયો નીકળે જે વાઘના મોઢામાં જ દોડીને પડે તો વાઘને ગાયના માંસની રુચિ નહિ રહે અને તે પોતાનો જાતિસ્વભાવ બદલશે. તેથી તેઓ દરબાર વીરાવાળાનો ભય છોડે અને અશક્યવત્‌ દેખાતી વસ્તુ સિદ્ધ કરવાની હિંસાની શક્તિ વિષેની અશ્રદ્ધા તજે.

આ (તેમને) નવો લાગતો સિદ્ધાંત મારે મોઢેથી તેમણે ધ્યાનપૂર્વક સાંભળ્યો. તેમને ગળે ઊતર્યો કે કેમ એ મેં ન પૂછ્યું. મને આશા છે કે તે તેમને હૈયે બેઠો હશે. તેઓ મને વાજબીપણે જ સામું પૂછી શકતા હતા: “વડા ન્યાયાધીશના ચુકાદાને ફગાવી દઈને, કેવળ દરબાર વીરાવાળાના જિંગરની ભલમનસાઈ ઉપર વિશ્વાસ મૂકવાની ભલામણ કરનારા તમારા અવનવા ચલણના વાજબીપણા વિષે તમારી પોતાની ગળા સુધી ખાતરી છે?” જો તેમણે આવો સવાલ કર્યો હોત તો મને કહેવાની ફરજ પડત કે, “એટલે લગીની હિંમત હજુ હું મારામાં ભાળતો નથી.” સાચે અહિંસા શૂરાને જ વરી છે.

એટલે હું ખાલી હાથે, ભાંગેલ દેહે અને આશા ઉમેદ બધી દફનાવીને નીકળ્યો છું. રાજકોટ મારે સારુ જીવનની અણમૂલી પ્રયોગશાળા નીવડ્યું છે. કાઠિયાવાડની રાજખટપટે મારી ધીરજની બૂરી કસોટી કરી છે. હું કાર્યકર્તાઓને કહીને આવ્યો છું : “દરબારશ્રી વીરાવાળા જોડે મંત્રણા કરો. મને અને સરદારને ભૂલો. જો તમને તમારી ઓછામાં ઓછી હાજતો પણ મળી રહે તો અમારા બેમાંથી એકેને પૂછવા વાટ ન જોતાં તે સ્વીકારી શકો છો.” દરબારશ્રી વીરાવાળાને મેં કહ્યું છે: “હું હાર્યો છું. તમે જીતજો. પ્રજાને અપાય તેટલું આપીને રીઝવજો. અને મને તાર કરજો કે જેથી આ ઘડીએ બળી ખાખ થયેલી દેખાતી મારી આશાવેલ ફરી લીલી થવા પામે.”

રાજકોટથી મુંબઈ જતાં ગાડીમાંથી, ૨૪–૪–૩૯
હરિજનબંધુ, ૩૦–૪–૧૯૩૯