દેશી રાજ્યોનો પ્રશ્ન/રામદુર્ગનો હત્યાકાંડ

વિકિસ્રોતમાંથી
← હું હાર્યો દેશી રાજ્યોનો પ્રશ્ન
રામદુર્ગનો હત્યાકાંડ
મોહનદાસ કરમચંદ ગાંધી
હૃદયમંથન →






૬૮
રામદુર્ગનો હત્યાકાંડ

અત્યાર સુધીમાં રામદુર્ગને વિષે મેં એક પણ શબ્દ કહ્યો નથી ડૉ. હરડીકરે મને તાર કરેલો કે એમની વાત સાંભળ્યા વિના મારે કશો ચોકસ અભિપ્રાય પ્રગટ કરવો નહીં. અને રાજકોટે મને બીજા કશા કામને સારુ એક ક્ષણની પણ ફુરસદ રહેવા દીધી નહીં. શ્રી. દિવાકર, કૌજલગી અને હરડીકરે તૈયાર કરેલું એ પ્રસંગનું બયાન મેં હમણાં આગગાડીમાં જ વાંચ્યું છે. શ્રી દિવાકરનો એક પ્રકાશ પાડનારો કાગળ પણ મેં વાંચ્યો છે. એ હત્યાકાંડ વિષેના શ્રી. ગંગાધરરાવ દેશપાંડેના બયાનનો પણ મેં અભ્યાસ કર્યો છે. રામદુર્ગ પ્રજા સંઘના પ્રમુખ શ્રી. મુન્નવલી અને શ્રી. મગડી મને મળી ગયા હતા. શ્રી. દિવાકર, કૌજલગી અને હરડીકરનું બયાન નિષ્પક્ષપણે લખાયેલું છે ને જેટલું લખાણ એમાં છે તે સંતોષકારક છે. એમનો ઉપસહાર આ પ્રમાણે છે:

“અંતે અમને લાગે છે કે રાજ્યના અમલદારો ઘણે અંશે કુનેહ વિના વર્ત્યા છે કે તેમણે પોલીસોને તેમનું ધાર્યું કરવા દીધું છે. અમે માનીએ છીએ કે તેઓ જો જરા વધારે ધીરજથી વર્ત્યા હોત અને, ઘણી વાર કરેલું તેમ, પ્રજા સંઘના કાર્યકર્તાઓની સજ્જનતા પર વિશ્વાસ રાખી તેમના પર બધું છોડી દીધું હોત તો તેઓ પરિસ્થિતિને કાબૂમાં શખી શક્યા હોત. પણ રાજ્ય તરફથી ઘોંચપરોણો થયેલો એ જોકે ખરું છે, છતાં એ ઘોંચપરોણો એટલો ભારે નહોતો કે જેથી માણસની પશુવૃત્તિ ભભૂકી ઊઠે, અને એનું કારણ લોકોનો અતિશય ઉશ્કેરાઈ જાય એવો સ્વભાવ જ છે એમ ગણવું જોઈએ. લોકોએ અફવા સાચી માની લીધી અને ઉશ્કેરાઈ ગયા એમ લાગે છે.

પણ ગમે તેટલો ભારેમાં ભારે ઘોંચપરોણો થયો હોય તોપણ, એથી લોકોની હિંસા સકારણ કે વાજબી હતી એમ તો બિલકુલ કહી જ ન શકાય. વસ્તુતઃ જેટલો ઘોંચપરોણો વધારે, તેટલી અહિંસાવૃત્તિ દાખવવાની તક અને જરૂરિયાત વધારે ગણાય. એ આપણો આદર્શ હોઈ, કોઈ પણ સંજોગોમાં જરા જેટલી પણ હિંસાનો બચાવ આપણાથી થઈ શકે નહીં. જે બનાવો બન્યા છે તે એ જ બતાવે છે કે લોકોમાં જે હિંસાની શક્તિ છૂપી પડેલી હતી. તેના પર પ્રજાસંઘનો કશો અંકુશ ન હતો. આ ભારેમાં ભારે દુઃખદાયક વસ્તુ છે, અને આ હત્યાકાંડથી રાજસ્થાનોમાંની સર્વ પ્રજાકીચ હિલચાલોને ધક્કો લાગ્યા વિના રહેવાનો નથી. આ ક્ષેત્રમાં કામ કરનાર સૌને એ સ્પષ્ટ ચેતવણીરૂપ છે, અને દરેક જણે પાકું સમજવું જોઈએ કે, લોકોને અહિંસાની સાચી તાલીમ ન મળી હોય ને નિયમપાલનની ટેવ ન પડી હોય ત્યાં સુધી કોઈ પણ મોટી સામુદાયિક હિલચાલ શરૂ કરવી એ ડહાપણભર્યું નથી.”

મારી પાસે આવેલા પુરાવાનો અભ્યાસ કરતાં હું એ નિર્ણય પર આવ્યો છું કે, રાજ્ય તરફથી ગમે તેટલો ઘોંચપરોણો થયો હોય તોપણ લોકોનો ઉત્પાત અવિચારી, ઘાતકી ને ઇરાદાપૂર્વક કરેલો હતો. ગામડાંમાંથી બે હજાર ઉપરાંત માણસો વેર વાળવાના ચોકસ ઇરાદાથી ભેગાં થયેલાં હતાં. પ્રમુખ અને બીજા કેદીઓને છોડાવવાની એમની પાકી ધારણા હતી. લોકોના જંગલીપણાને માટેના વાંકમાંથી મહાસભાવાદીઓ છટકી શકે એમ નથી. ગામડાંના લોકોને ખોટો પાઠ શીખવાઈ રહ્યો હતો. ઉત્કલમાં રણપુરનો કિસ્સો બન્યો એ ચેતવણીની પહેલી નિશાની હતી. રામદુર્ગ એ બીજી છે. રામદુર્ગના રાજાસાહેબ મહાસભાના મિત્ર હતા એ વાતનો કોઈએ ઇનકાર કર્યો નથી. એમની જોડે આથી સારું વર્તન થવું ઘટતું હતું. રાજ્ય તરફથી થયેલા ઘોંચપરોણાને વિષે જે પુરાવો આવ્યો છે તે ખરો છે કે ખોટો, એ વસ્તુની સાથે મને આ ઘડીએ નિસ્બત નથી. રાજ્યની સામે સારી પેઠે ગંભીર એવા આરોપો કરવામાં આવેલા છે. પણ લોકોએ કરેલી હિંસા વાજબી ઠરાવવા માટે સામા પક્ષ તરફથી થયેલા ઘોંચપરોણાનું કારણ આગળ ધરવું, એ નીતિ મહાસભાએ કદી રાખી નથી. મહાસભાની આ ધરમૂળની નીતિ સાથે આપણે ખેલ કરીશું તો આખી બાજી હારી બેસવાના છીએ. રામદુર્ગના ઉત્પાત પહેલાં મેં કહ્યું હતું કે જે હવા હું લઈ રહ્યો છું તેમાં જ મને હિંસાની ગંધ આવે છે. હિંસા કે અસત્યના જરા સરખા પ્રદર્શનની મને ખબર પડી જાય એટલી સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ મારામાં કેળવાઈ ગઈ છે. હિંસા અને અસત્ય એક જ માબાપનાં જોડિયાં સંતાનો છે.

મારા મનમાં તો લવલેશ સંદેહ નથી મહાસભાની પ્રાંતિક સમિતિઓએ, અને કાર્યવાહક સમિતિ રચાય ત્યારે પ્રાંતિકસભાના દળમાંથી મન, વચન ને કર્મની હિંસા નાબૂદ કરવાને કડક પગલાં લેવાં જ જોઈશે. વર્તમાનપત્રોમાં જે કંઈક થોડું હું વાંચું છું તે બતાવે છે કે જ્યાં ને ત્યાં સત્ય અને અહિંસાનો ભંગ થઈ રહ્યો છે. આ અનિષ્ટનો ઉપાય શી રીતે થઈ શકે એ હું જાણતો નથી. જે વર્તમાનપત્રો મહાસભાવાદીઓના વહીવટવાળાં કે તેમની માલિકીનાં હોય તે કદાચ નૈતિક અંકુશને વશ થાય એમ હોય. પણ મારું મન તો એમ માનવા તરફ ઢળે છે કે વધારેમાં વધારે તોફાન ગામડાંમાં કામ કરનારા મહાસભાવાદીઓ કરી રહ્યા છે. એમને કડક નિયમનમાં આણવામાં મુશ્કેલી ન આવવી જોઈએ.

રામદુર્ગમાં જે બનાવો બન્યા છે તેને માટે નિષ્પક્ષ તપાસ થાય એવી મારી સૂચના છે. કર્ણાટક પ્રાંતિક સમિતિએ એ કામ હાઈકોર્ટના કોઈ ન્યાયાધીશને સોંપવું જોઈએ. રાજાસાહેબ જો મદદ કરે તો આ કામ સહેલું થઈ પડશે. પણ તે મદદ ન કરે તોપણ સત્ય શોધી કાઢવામાં કશી મુશ્કેલી ન પડવી જોઈએ.

રામદુર્ગની હિલચાલનું બીજું એક માઠું પરિણામ આવ્યું છે. તેણે કોમી રૂપ ધારણ કર્યું છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર એવા એ પક્ષ પડી ગયેલા છે. અત્યાર સુધી મારી માન્યતા એવી હતી કે કર્ણાટક આ ઝઘડામાંથી ઠીક ઠીક અંશે મુક્ત રહેલું હતું. પણ મારા પર જે કાપલીઓ ને કાગળો આવ્યાં છે તે પરથી જણાય છે કે એ અનિષ્ટની જડ ત્યાં એટલી ઊંડી ઊતરેલી છે કે તેનો તત્કાળ ઇલાજ થવાની જરૂર છે. આ બાબતમાં મારે રસ્તો બતાવવો એમ મને કહેવામાં આવ્યું છે. એ સ્થળ પર જઈને એ ખટાશનું યોગ્ય નિરીક્ષણ કર્યા વિના હું જરા પણ રસ્તો બતાવવા જાઉં તો એ મારે સારુ અવિચારી સાહસ ગણાય. હું તો એટલી જ સૂચના કરી શકું કે, આ ખટાશ દૂર કરવામાં રસ ધરાવનાર બ્રાહ્મણો ને બ્રાહ્મણેતરો પૂરતી સંખ્યામાં હોય તો તેમણે એ ખટાશવાળા પ્રદેશમાં ફરવું જોઈએ, અને ખટાશનાં કારણો શોધી કાઢીને તેનો ઈલાજ કરવો જોઈએ. આ ખટાશ એ દેશમાં વધતી જતી હિંસાવૃત્તિનું એક લક્ષણ છે.

રાજકોટથી મુંબઈ જતાં ગાડીમાંથી, ૨૪–૪–૩૯
હરિજનબંધુ, ૩૦–૪–૧૯૩૯