દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો/ઇન્દુ
દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો ઇન્દુ રામનારાયણ પાઠક |
રેંકડીમાં → |
ઇન્દુ
સત્યાગ્રહનું બીજી વખતનું યુદ્ધ ચાલતું હતું. આ વખતે સરકારે પહેલા યુદ્ધ વખતે એક પછી એક જે ઑર્ડિનન્સો કાઢેલા હતા તે બધાનો સરવાળો કરીને એક મોટો ઑર્ડિનન્સ પસાર કરી દીધો હતો. લડતમાં ભાગ લેનારાઓને પાંચ પાંચ વરસની સખ્ત મજૂરીની જેલ મળતી હતી. ગયે વખતે જેલમાં જેમને ‘અ’ વર્ગની જેલ મળેલી તેમને પણ આ વખતે ‘ક’ વર્ગની મળતી હતી. જપ્તીઓ ઉપર જપ્તીઓ થતી હતી, ભલભલા ડરી ગયા હતા, ત્યારે પોતાના તાલુકાની લાજ રાખવા નરેન્દ્રને જેલમાં જવાને ખાનગી સૂચના મળતાં તેણે તરત હા પાડી. ગયે વખતે તેનો મિત્ર વીરેન્દ્ર ગયો હતો અને નરેન્દ્રને જવાનું આવે તે પહેલાં લૉર્ડ અરવિન સાથે સન્ધિ થઈ હતી. આ વખતે પણ પોતાના કુટુંબવાળા મિત્ર નરેન્દ્રને બદલે, વીરેન્દ્ર, છડે છડો હોવાથી, પોતે જવાને તૈયાર થયેલો, તેણે નરેન્દ્રને ઘણું સમજાવ્યું. પણ નરેન્દ્ર માન્યો નહિ. તેનું જ નામ નેતા તરીકે જાહેર થયું. ધ્વજવંદન, છૂપા ઓચિંતા મેળાવડા, લાઠીમાર, ધરપકડ વગેરે બધી ભૂમિકાઓ ભજવાઈ જઈ છેવટની ભૂમિકા આવી. નરેન્દ્રને ન્યાયની કોર્ટમાં રજુ કર્યો. વરરાજા વિનાની જાન જેવા, તહોમતદાર જ્યાં જરાપણ ભાગ લેતો નહોતો એવા કેસો, પ્રૉસિક્યૂટરનાં ગંભીર ટૂંકાં ભાષણા પછી ફટાકિયાની પેઠે ચાલતા હતા, તહોમતદારના પૈસાદાર સગા તો બીકના માર્યાં કોર્ટમાં મળવા પણ આવતા નહોતા. ઘણાખરા ગરીબ સગાઓ, ઘણાખરા અસહકારી મિત્રો, અને તેમની સાથે ભેળસેળ થઈને બેઠેલા સી. આઈ. ડી.ના માણસોથી કોર્ટના બાંકડા પુરાતા હતા.
ત્રણચાર કેસો ચાલ્યા પછી નરેન્દ્રનો કેસ આવ્યો. નરેન્દ્રનું ધ્યાન કેસના કરતાં, તેની પત્ની, નાના ત્રણ ચાર માસના ઇન્દુને લઈને બેઠી હતી, અને તેની પાસે તેનો મિત્ર વીરેન્દ્ર બેઠો હતો, તેના તરફ વધારે હતું. એ તેમના તરફ જોતો હતો તેનો લાભ લઈ એક પોલિસ અમલદારે બીજાને કહ્યું: “જો પેલી છોકરાને લઈને બેઠી તે નરેન્દ્રની બૈરી જમના.”
બીજો : “તે શું ધાવણા છોકરા સાથે જેલમાં જશે ?”
પહેલો : “અરે બે જીવવાળી બૈરીઓ પણ જાય છે ને ત્યાં છોકરાં જેણે છે ને !”
બીજો : “ધણી જાય પછી ખાવાનું ન મળે એટલે ન જાય ને શું કરે ?”
પહેલો : “નરેન્દ્ર તો બી. એ. થયેલો છે. તેને મ્યુનિસિપાલિટીમાં સારી જગ્યા મળતી હતી તે છોડીને જાય છે. ને પેલો તેની પાસે બેઠો છે તે વીરેન્દ્ર, ઓળખી લેજે. ગયે વખતે તે જેલમાં ગયેલો. આ વખતે પણ જાય તો કહેવાય નહિ !” અને એ રીતે એ અમલદારે બીજા આ લડતમાં ભાગ લે એવા ઘણાયને ઓળખાવ્યા.
દરમિયાન કેસ પૂરો થયો. નરેન્દ્રને બેત્રણ કલમો નીચે સાડાત્રણ વરસની સજા થઈ. જેલમાં લઈ જતાં પહેલાં તહોમતદારને તેનાં સગાંને મળવા દેવો એવો એક રિવાજ અસ્તિત્વમાં આવ્યો હતો. નરેન્દ્રને તેની પત્ની જમના અને વીરેન્દ્ર મળવા આવ્યાં. વીરેન્દ્રે કહ્યું : “ખરેખર ! આ કુટુંબવાળા આવી રીતે જાય છે તે મને પસંદ નથી.”
નરેન્દ્ર : “તે કેમ, અમે એવા બરડ હોતા હઈશું કે વિરહમાં ઘડીકમાં ભાંગી જઈએ ?”
વીરેન્દ્ર : “ના, હું તો સ્ત્રીઓ માટે કહું છું.”
નરેન્દ્ર : “ત્યારે તો તું સમજતો જ નથી ! તમે કુંવારા લોકો સમજી ન શકો ! જ્યારથી ઇન્દુ આવ્યો છે ત્યારથી હું દુનિયામાં છું તેની ભાગ્યે જ જમનાને ખબર હશે. નહિ, એક શ્લોકમાં કહ્યું છે, કે સ્ત્રીનું સુખ પુત્રજન્મ સુધી !”
જમના : “થોડાં બીજા સંસ્કૃત પુસ્તકો સાથે લઈ જાઓ, ને જેલમાં બેઠા બેઠા સ્ત્રીની ભયંકરતા વિશે બીજા શ્લોકો શોધી કાઢો.”
નરેન્દ્ર : “આ વખતે તો પુસ્તકો મળવાનાં નથી.”
વીરેન્દ્ર : “તો નવા જોડી કાઢજો!”
નરેન્દ્ર : “ઠીક પણ આમ લડવું જ છે કે કાંઈ વાત કરવાની છે ? તારે જોઈતું કરતું—”
જમના : “નહિતો પણ તમે કે દા’ડે કશું ઘરનું કામ કરતા’તા ! વીરેન્દ્રભાઈ કરતા ને વીરેન્દ્રભાઈ કરશે. તમે તમારે જાઓ ને જેલમાં લહેર કરજો.”
આમ કેટલીય મશ્કરી કરીને હસીને ત્રણેય જુદાં પડ્યાં. પાછાં ફરતાં જમના એક પણ શબ્દ બોલી નહિ. તેની બંને આંખોમાં આંસુની છોળો ઊડતી હતી. આ નિર્બળતા વીરેન્દ્ર પાસે પ્રગટ થઈ ગઇ તેની માફી માગતી હોય તેમ ઘેર જઈ તે બોલી : “વીરુભાઈ, કશી ચિન્તા થતી નથી. તમે છો, ઇન્દુ છે, મારાં ત્રણ વરસ તો ઘડીમાં નીકળી જશે, પણ બળ્યાં આંસુ આવી જાય છે !’
અને ખરેખર જમના ધીરજથી રહેવા લાગી. ઇન્દુને સંભાળતી, ઘરનું કામ કરતી, તે કરકસરથી રહેતી. વીરેન્દ્ર જોઈતું કરતું લાવી આપતો, અને તે સ્વીકારવામાં તેને સંકોચ ન થાય, એટલો તે નિકટનો મિત્ર હતો, વીરેન્દ્ર હમેશ એક્વાર આવી જતો, બન્ને ભેગાં થઈ, લડતની, નરેન્દ્રની, ઇન્દુની ઉલ્લાસથી વાતો કરતાં. નરેન્દ્રના કાગળો અને તેની મશ્કરીઓ—જેલમાંથી લખેલા કાગળોમાં પણ તે ખૂબ મશ્કરીઓ કરતો—દિવસો દિવસો। સુધી તેમની વાતચીતનો વિષય થતાં.
આ સુખ ઝાઝા દિવસ ચાલ્યું નહિ. નરેન્દ્રને જેલમાં ગયે ત્રણચાર માસ થયા ને ઈન્દુ માંદો પડ્યો. તેને ન્યુમોનિયા થયો. જમનાએ અદ્ભુત વીરતાથી તેની સારવાર કરી. વીરેન્દ્ર અને જમના બન્નેએ રાતદિવસ ઉજાગરા કર્યા, દાક્તરો આણ્યા, સદ્ભાગ્યે દાક્તરો પણ સારી મદદ કરતા હતા, પશુ ઇન્દુ બચ્યો નહિ ! જમના સર્વે હિંમત હારી ગઈ, તેને ખાવાપીવામાં રસ રહ્યો નહિ. નરેન્દ્રને માઠું લાગશે કરી તેને કશા ખબર જેલમાં આપ્યા નહોતા. તેને બીજી જેલમાં બદલાવેલો હતો. તેના પત્રોનું સાન્ત્વન પણ અત્યારે નહોતું; વીરેન્દ્રને માથે બહુ નાજુક ફરજ આવી પડી.
“બહેન, તું નહિ ખાય, તો હું પણ નહિ ખાઉં” કહી તે ભૂખ્યો જમનાને ઘેર બેઠો ત્યારે તેની ખાતર જમનાએ રાંધ્યું ને ખાધું. આ દુઃખના દિવસોમાં સાન્ત્વન આપવા વીરેન્દ્ર દિવસના અહીં જમવા લાગ્યો.
એક દિવસ લડતના કંઈક ખાનગી કામને અંગે વીરેન્દ્રથી આખો દિવસ જમના પાસે અવાયું નહિ. રાતના ઠેઠ અગિયાર વાગે તે આવ્યો. ઘરમાં દીવો નહોતો. ખાલી બારણાં વાસી દિવસ આખો રોતી એક સાદડી પર જમના પડી રહી હતી. અંધારામાં જમનાને શોધી નજીક બેઠો. જમના તેના ખોળામાં માથું નાંખી એક લાંબા ડુસ્કામાં લગભગ બેભાન થઈ ગઈ. વીરેન્દ્ર તેના લોથ જેવા થઈ ગયેલા શરીરની સારવાર કરવા લાગ્યો. તેણે તેનાં આંસુ લૂછ્યાં. તેના વાળ સરખા કર્યો. તેની મૂંઝવણ ડુસકાં અને અકળામણ વધતા તેના કબજાનાં બટન ઉધાડી તેણે છાતી ખુલ્લી કરી. પણ એમ કરતાં તે પોતે અવશ થતો જતો હતો તેનું તેને ભાન રહ્યું નહિ...
શું થયું તે બન્નેને જાણે બેભાનમાં કશું સમજાયું નહિ. પણ થોડીવારે ઓથારમાંથી ઝબકીને જાગે તેમ જમના ચીસ પાડીને જાગી ઊઠી. જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેમ તેણે લાંબી હાય નાંખી. સામી ભીંતે તેણે જોરથી માથું પછાડ્યું. વીરેન્દ્રે ઊભા થઈ દીવા કર્યો, પણ આ સ્ત્રીને સાન્ત્વન આપવા, તેણે શરૂ કરેલી પશ્ચાત્તાપની ભયંકર શિક્ષા અને તેનાં હૃદય ચીરો નાંખે એવાં ક્રન્દને અટકાવવા તે કાંઈ જ કરી શક્યો નહિ. એક જ કાર્યથી, એક જ સ્ખલનથી જાણે તેને મદદ કરવાનો સર્વ હક તે ખોઈ બેઠો હોય, એમ તેને લાગ્યું. આસપાસનાં પાડોશી દોડી આવ્યાં. ‘અનેક માબાપોએ છોકરાં ખોયાં છે,’ ‘કાલ સવારે નરેન્દ્રભાઈ આવશે’, ‘તમે આમ કરીને બિચારા વીરેન્દ્રભાઈને કેવા ઘાંઘા કરી મૂકો છો,’ વગેરે સાન્ત્વન આપ્યું. જમના રોતી રહી ગઈ. વીરેન્દ્ર ચાલ્યો ગયો. જમના બધાને જવાનું કહી બારણું વાસી પડી રહી.
બીજે દિવસે વીરેન્દ્ર આવ્યો ત્યારે તેણે જમનાને જુદી જ જોઈ. કલ્પાન્ત કર્યાનું એક પણ ચિહ્ન તેનામાં દેખાતું નહોતું. તે જાણે કંઈ જ બન્યું નથી એમ ઘરનું કામકાજ કરતી હતી અને રાંધવા લાગી હતી. પણ એની સ્વસ્થતા ભયંકર દેખાતી હતી; મનની અંદર ચાલતા કોઈ ભીષણ વિચારોનું તે બાહ્ય લક્ષણ હતી. વીરેન્દ્રને અનેક એટલો ભય લાગ્યો કે તે કશું પૂછી ન શક્યો. જમનાએ, શહેરની એક બે પરિસ્થિતિના સવાલો પૂછી, જોઈતું કરતું મગાવી, વાતચીતના વલણથી જ વીરેન્દ્રને રજા આપી.
સાતેક દિવસ આમ ગયા પછી વીરન્દ્ર મળવા ગયો ત્યારે જમના રાંધતી હતી. દૂર રહી એ જોતું કરતું પૂછતો હતો તેને જમનાએ પાસે આવવાનું કહી બેસાર્યો તે બોલીઃ “મેં એમને જેલમાં કાગળ લખ્યો છે તેમાં તમે પણ એ શબ્દો લખો. જુઓ, એ રહ્યો.’ કાગળમાં ઇન્દુના મૃત્યુના સવિસ્તર સમાચાર હતા, વીરેન્દ્ર અને બીજા દાક્તરોએ મદદ કર્યાનો ઉલ્લેખ હતો. છેલ્લે હતું: “પહેલાં તો તમને ચિંતા ન કરાવવા ખબર જ ન આપવા એમ મેં ધારેલું પણ અત્યારે મારા મનને હું સંપૂર્ણ સ્વસ્થ કરી શકી છું. એટલે તમને પણ ખબર લખું છું. તમે પણ મનને સ્વસ્થ રાખશો. મારી ખાતર પણ અસ્વસ્થ થશો નહિ.” લખવા સંબંધી નિશ્ચય આમ એકદમ શાથી ફેરવ્યો એવો તર્ક વીરેન્દ્રને થયો પણ જમના સામે જોતાં તે પૂછવાની તેની હિંમત ચાલી નહિ. તેણે પણ બે શબ્દો સાન્ત્વનના લખ્યા. તે લખી રહ્યો એટલે ફરી વીરેન્દ્રને તેણે બેસાડી આગળ કહેવા માંડ્યું: “જુઓ, એ જેલમાં ગયા. એની લાગણી પૂરી ભોગવી શકું તે પહેલાં ઇન્દુનું દુઃખ પડ્યું. એનું દુ:ખ પૂરું ભોગવી શકું તે પહેલાં મારી ભૂલનું દુઃખ પડ્યું....” એ આગળ કહેવા જતી હતી તે પહેલાં વીરેન્દ્રે કહ્યું: “બહેન, મને પણ રાતદિવસ પશ્ચાત્તાપ થયા કરે છે.”
જમનાએ વચ્ચેથી અટકાવીને કહ્યું: “પણ મારા નસીબમાં પશ્ચાત્તાપ ભોગવવાનું નથી. એ ભૂલનું પરિણામ માત્ર માનસિક પશ્ચાત્તાપ કરતાં મારે માટે વિશેષ છે.” વીરેન્દ્ર ફરી લાગણીના આવેશમાં બોલ્યો: “બહેન, તમે કહો તે કરવા હું તૈયાર છું.” ફરી તેને બોલતો અટકાવી જમના બોલી: “તમે સમજ્યા નહિ. મારે માટે એ વધારે વિકટ પ્રશ્ન છે, જે આવી ભૂલમાં માત્ર સ્ત્રી માટે જ હોય છે, અને વર્તમાન ને ભવિષ્યની કોઈ પણ વ્યક્તિને ઓછામાં ઓછો અન્યાય થાય એ રીતે મારે મારો માર્ગ નક્કી કરવાનો છે. વીરેન્દ્ર તો સ્તબ્ધ જ થઈ ગયો. “વીરેન્દ્રભાઈ, જુઓ, મુંબઈમાં અનાથ બાળકોનાં પ્રસૂતિગૃહો અને અનાથાલયો હોય છે ?” વીરેન્દ્રે શબ્દ બોલ્યા વિના માત્ર માથું હલાવી હા કરી. જમના આગળ બોલીઃ “આપણે અત્યારથી મુંબઈ જઈએ અને આજથી તમે મારે માટે આવતા મદદના પૈસા બંધ કરો. અને પેલા વાડકામાં મારાં પિયરનાં ઘરેણાં મૂક્યાં છે તે વેચી અને તેનાં નાણાં કરી આપો.” વીરેન્દ્રથી રહેવાયું નહિ. તેણે કહ્યું: “બહેન, પૈસાની મદદ જ્યાં જઈશું ત્યાં તમને મળી શકશે. અને પૈસા તો મારી પાસે બીજા પણ જોઇએ તેટલા છે. આમાં તો મારી પણ જવાબદારી છે,” ફરી તેને બોલતો રોકી જમનાએ કહ્યું: “તમારી જવાબદારી માટે તમારે જાતે જે કરવું હોય તે કરવું. મારા તરફની તમારી જવાબદારી જો કાંઈ માનતા હો તો હું કહું છું તેમ કરવું, ન કરવું હોય તો! ના પાડો. હું મારી મેળે કરી શકીશ.”
“પણ, પણ . . .”
“નહિ ! મેં એવી કાંઈ પણ મદદ નહિ લેવાનો નિર્ણય કર્યો છે. અને મારા આખા જીવનનો ક્રમ નક્કી કર્યો છે, તમારે આટલો હા નાનો જવાબ દેવાનો છે.”
“તમે કહેશો તેમ કરીશ, બહેન !”
“ત્યારે આના રૂપિયા કરી આપો. જુઓ, કસીને લેશો તો હું જાણું છું કે બાવીસસેં તેવીસસેંને આશરે આવશે. તેટલાથી હું મુંબઈમાં રહી શકીશ.”
વીરેન્દ્ર ઘરેણાં લઈ નીકળ્યો. રસ્તામાં તેને અનેક વિચારો આવ્યા. હવેની પ્રસૂતિમાં છોકરો આવે તો તેને જ ઇન્દુની જગાએ મૂકી શકાય. છોકરી આવે તો અનાથાલયમાં ભલે રહે. બધી વાત ખાનગી રાખી શકાય. પણ જમનાએ પોતે જ ઇન્દુના મરણના સમાચાર લખાવ્યા છે. કાગળ પોતે જ પોસ્ટ કરવાની છે, તે ફેરવી શકાશે નહિ. પણ તે પોતે પણ નવી પ્રસૂતિનું ફરજંદ અનાથાલયમાં જ મૂકવા ઈચ્છે છે. એ પણ આ પ્રસૂતિનું પ્રકરણ ગુપ્ત જ રાખશે ને! ત્યારે છોકરો આવ્યાના વિકલ્પનો લાભ શા સારુ ન લેવો? મુંબઈ મારે ક્યાં રહેવું ? એ ક્યાં રહેશે ? લોકોને વહેમ નહિ પડે ? અહીંના માણસોને વહેમ નહિ પડે ? નરેન્દ્રને મળવા જશે ત્યારે કેવી રીતે ગુપ્ત રાખી શકશે ? પણ આ બધા તર્કોમાંથી એક પણ જમના પાસે મૂકી જોવાનો વિચાર કરતાં, જમનાની અગમ્ય ભીષણ નિર્ણયવાળી મુખમુદ્રા તેની આંખ આગળ રજુ થતી અને તેના બધા તર્કો નાસી જતા !
આઠ દિવસમાં પૈસા સેવિંગ્સ બેન્કમાં પોતાને નામે મૂકી, નરેન્દ્રની બદલી વીસાપુરમાં થઈ છે ત્યાં જવું સહેલું પડે માટે પોતે દક્ષિણમાં નજીક રહેવા જાય છે એમ પાડોશીઓને કહી, તેણે પેાતાનું શહેર છોડ્યું. મુંબઈમાં ક્રિશ્ચનોના લતામાં નાની ઓરડી વીરેન્દ્ર પાસે લેવરાવી તે રહી. પોતાની તબિયત સારી નથી માટે દાક્તરોની સલાહ લેવા મુંબઈ આવવું પડ્યું છે પણ ચિન્તાનું કારણ નથી એવા તેણે નરેન્દ્રને ખબર આપ્યા. સદ્ભાગ્યે એવું બન્યું કે વીસાપુરમાં ઘણા મુલાકાત લેવા જનારા માણુસો ત્યાં દુઃખી થતા તે જોઇ નરેન્દ્રે પોતે જ જમનાને આવવાની ના લખી, અને પરસ્પર પત્રો લખી સંતોષ માનવા કહ્યું. વીરેન્દ્ર શહેરના બીજા લત્તામાં રહેતો, કોઈ કોઈ વાર જમનાને જોઈતું કરતું આપવા આવતો, ને નરેન્દ્ર–જમનાનો પત્રવ્યવહાર વીરેન્દ્રને સરનામે ચાલતો. મહિના ઉપર મહિના આમ ચાલ્યા, જમનાને કશી મુશ્કેલી આવતી નહોતો, કશી જાણે અણધારી સ્થિતિ આવી પડતી નહોતી, કશાથી એ ડરતી નહોતી. જાણે બધી સ્થિતિને પહોંચી વળવાને પહેલેથી તૈયાર હોય, જાણે બધું પોતાના ધારેલા કાર્યક્રમ પ્રમાણે ચાલતું હોય, તેમ, કોઈ આંતર નિર્ણય પ્રમાણે તે અડગ ચાલ્યા કરતી હતી. માત્ર એકવાર તે હિંમત હારી ગઈ. પૂરા દિવસ થયે તે અનાથાલયમાં પ્રસૂતિ માટે ગઈ. ત્યાંના અધ્યક્ષે તેને નાત ને નામ પૂછ્યાં. પહેલેથી નક્કી કર્યા પ્રમાણે તેણે પોતાની નાત ‘વાણિયાં’ એમ કહી નામ ‘ગંગા’ એવું જણાવ્યું. પણ કેટલાં વરસથી વિધવા થયાં છો એમ પૂછ્યું, ત્યારે એ પ્રશ્નથી, તેના સર્વ મર્મો ભેદાઈ ગયા, તે નીચે બેસી ગઈ, તેણે આંસુ સાથે કહ્યું: “હું સધવા છું. હવે મને કશું ન પૂછશો.” અનેક પતિત સ્ત્રીઓના પરિચયથી કંઈક બુઠ્ઠી લાગણીવાળા થઈ ગયેલ અધ્યક્ષ પણ ઘડી સ્થિર થઇ ગયો. તેણે જમના માટે બધી સગવડ કરી આપી. અને નોકર ચાકર નર્સ ડોક્ટર બધાંને સંભાળ લેવાને એટલી તાકીદ કરી કે ઘણાંને વહેમ આવ્યો કે બાઈ અધ્યક્ષની સંબંધી છે.
અનાથાલયમાંથી પણ વીરેન્દ્ર મારફત તે નરેન્દ્રને પત્ર લખતી રહી. તે હંમેશાં સ્વસ્થ રહેતી. પણ તેણે નહિ ધારેલી રીતે તેના નિર્ણયો ફરીથી તૂટવા માંડ્યા અને તે બહાવરી અની ગઈ. પહેલાં તેનો નિર્ણય એવો હતો કે બચ્ચાને માટે પોતાના પૈસાનું ટ્રસ્ટ કરવું અને પ્રસૂતિ પછી બહાર નીકળી જઈ આપઘાત કરવો અને આપઘાત વખતે બધી કબૂલતનો પત્ર નરેન્દ્રને લખી જણાવવો. પણ પ્રસૂતિ પછી તેનો આ નિર્ણય, હાથમાંથી ઝીણી રેતી સરી જાય તેમ સરવા માંડ્યો. તેને પુત્ર આવ્યો. જે સંબંધથી આ પુત્ર થયો હતો તે સંબંધને તે ધિક્કારતી હતી, એ સંબંધની પોતે ભાગીદાર હતી તે તરીકે તે પોતાને અત્યન્ત ધિક્કારતી હતી, અને બીજા ભાગીદાર વીરેન્દ્રની હાજરી પણ તે સહન કરી શકતી નહોતી. છતાં આ બાળક તરફ તેને અદ્ભુત વહાલ થયું ! તેનું નામ તેણે ઇન્દુ પાડ્યું ! તેને એ લાગ્યો પણ ઇન્દુ જેવો. જે જગતમાં ઇન્દુ હોય તે જગત છોડી જતાં તેનો જીવ ન ચાલ્યો. આપણી દુનિયાંમાં તે કોઈ રીતે આ નવા ઇન્દુને નહિ મળી શકે એમ તે સ્પષ્ટ સમજતી હતી, ઇન્દુના સતત બાળતા વિયોગમાં, કોઈને ન કહેવાય તેવા વિયોગમાં, તેને નિઃસહાય સ્થિતિમાં મૂક્યાના સતત પશ્ચાત્તાપમાં જીવન ગાળવું પડશે એ જાણતી હતી; છતાં તેનું મન મરવાનું માન્યું નહિ. તેની બધી યોજના કથળી પડી! અને એમ થયું એમાં તેનો દોષ નહોતો. તેના પર જગતની વધારે મંગળ વધારે વ્યાપક યોજના જીત મેળવતી હતી. જગતના જીવનની યોજના આગળ વ્યક્તિની કરેલી યાજના તૂટે તેમાં તો જગતની આશા છે!
તેણે ફરીવાર વિચાર કરવા માંડ્યો, અને જીવવાના નિર્ણયથી વિચાર કરવા માંડ્યો. નરેન્દ્રને ખરી હકીકત નહિ કહી શકાય, અને ઇન્દુને અસહાય રાખવો પડશે, એ પાપના ભાનથી તે ફરી ભીષણ બની, એક વિજયી રાજા લાંબા વખતના અહંકારી શત્રુ પાસે હીણપતની શરતો કબુલ કરાવે, એક તહોમતદારને ફાંસીની સજા માફ કરી સરકાર તેને જીવનભરની કેદની સજા કરે, તેમ તેણે ફરી પોતા માટે જીવનના સખ્ત નિયમો ઘડવા માંડ્યા.
ઇન્દુને બે માસ થતાં સુધી તે અનાથાલયમાં રહી, અને પછી એક દિવસ તેણે અનાથાલ છોડવાનો નિશ્ચય કર્યો. જમના નાની હતી ત્યારે પોતાના ગામમાં કોઈ સ્ત્રી કૂવે પડીને મરી ગઈ તેનું વર્ણન સ્ત્રીઓમાં થતું તેણે સાંભળેલું : “પાનકોર સવારમાં ઊઠી. નાહી ધોઈ ઠાકોરજી આગળ ઘીનો દીવો કરી પગે લાગી. રૂપાળો છોકરાને લઈને ધવરાવ્યો થોડીવાર રહીને દૂધસાકરે નવરાવ્યો. રૂપાળું આંજણ આંજીને ફરીવાર ધવરાવીને ઊંઘાડ્યો. છોકરો ઊંઘી ગયો એટલે રૂપાળી રાતી ચૂડલી સિવાય બધાં ઘરેણાં પટારાના દાબડામાં મૂકી છાનીમાની ઘરમાંથી છટકી ગઈ. એ છટકી તે છટકી, ફરી ઘરમાં જીવતી પાછી આવી નહિ !” જમનાને કદાચ ઇન્દુને મૂકીને જવું એ મૃત્યુ જેવું લાગ્યું હશે તેથી કે ગમે તે કારણથી, જવાને દિવસે આ પાનકોર યાદ આવી. તે પણ ઇશ્વરસ્મરણ કરતી ઊઠી. તેણે પણ ઇન્દુને તે દિવસ ખૂબ રમાડ્યો, નવરાવ્યો, આંજણ આંજ્યું, તેનાં કપડાં ધોયાં, ને સાંઝને વખતે તેને ઉંઘાડી, બચીઓ ભરીને બહાર જવા નીકળી. રસ્તામાં પગથિયું ઊતરતાં તેને અડવડિયું આવ્યું, તે ભીંતને ટેકે ઊભી રહી, તેને ફરી ઇન્દુનું મોઢું જોવાનું અને બચી ભરવાનું મન થયું, પણ મનને મજબૂત રાખી, ફરી નિશ્ચય કરી, તેને જોવા ઊભી રહેલી બીજી બાઈઓ સામે નજર પણ નાખ્યા વિના તે નીકળી. બહારનો સંસાર તેને માટે કૂવા જેવો હતો, જો કે ત્યાં તેને મૃત્યુની રાહત કે અવધિનો લાભ શક્ય નહોતો !
વીરેન્દ્રની મારફત તેણે રહેવાનું ઘર બદલાવ્યું હતું. ત્યાં જઈ તેણે સૌથી પહેલું વીરેન્દ્રને હવે પોતા પાસે ન આવવા કહ્યું, ને ઉમેર્યુ : “મારી નજરે પડો એમ ક્યાંઈ આવશો નહિ. નરેન્દ્રને મળવું હોય તો તમારી પાસે બોલાવજો, પણ મારી પાસે આવશો નહિં. ક્યાં જવું તેનો નિર્ણય કરી નાખજો. નિર્ણય, બનતી તાકીદે કરજો, ને નિર્ણય કરીને અહીં આવજો. પછી એ વાત નરેન્દ્રને લખજો. હું પણ કાગળમાં લખીશ. એ આપણી છેલ્લી મુલાકાત. મને ફરી મળશો નહિ. આ કશુંય તમારા તરફના તિરસ્કારથી કહેતી નથી, મારા તરફના તિરસ્કારથી કહું છું. હવે જાઓ.”
વીરેન્દ્ર આ બાઈ સામે એક શબ્દ ઉચ્ચારી ન શક્યો. તે શું કરવા ઇચ્છતી હતી તે તે કશું જ સમજ્યો નહિ. પણ તે કહે તે કરવા સિવાય તેને બીજો માર્ગ દેખાયો નહિ, તેણે યન્ત્રવત્ એ બધાનો અમલ કર્યો. રંગુનમાં તેણે નોકરી લીધી. અત્યારની પરિસ્થિતિમાં બહારની મદદ લેવી પોતાને યોગ્ય ન લાગી, અને જમનાબહેને બહારની કે વીરેન્દ્રની મદદ પણ ન લેવાનો નિશ્ચય કર્યો હોવાથી, પોતે રંગુન જાય છે. એવો પત્ર નરેન્દ્રને લખ્યો. તેમાં જમનાએ પોતાના ખુશખબર અને જરાપણ ચિંતા ન કરવા લખ્યું. વીરેન્દ્ર રંગુન ચાલ્યો ગયો.
જેલ પૂરી થયે નરેન્દ્ર ઘેર આવ્યો, તે મુંબઇ ને સ્ટેશને ઊતર્યો. જમના સામે આવી હતી. પણ જમનાએ તેની સામે જઈને નમસ્કાર ન કર્યાં હોત તો કદાચ તે તેને ઓળખી પણ ન શકત. એ અત્યન્ત દૂબળી થઇ ગઇ હતી. તેના હાથપગ કંઈક વધારે કાળા પડ્યા હતા. તેની આંખ ફરતાં ગોળ કાળાં ચકામાં થયાં હતાં, માત્ર મોં પહેલાંનું હતું. પણ તેમાં હાસ્યનો પ્રકાશ નહોતો, નર્યો ભીષણ નિર્ણય હતો. નરેન્દ્ર તેનાથી જરા આભો બની ગયો. પણ તેણે ક્ષણમાં પોતાનો હાસ્યમય ઉલ્લાસ પાછો મેળવી લીધો. તેના ખભા પર હાથ મૂકી જરા ખભો હલાવીને તેણે કહ્યું : “કાગળમાં તો લખતી હતી કે સ્વસ્થ છું ને આવી કેમ થઈ ગઈ ?”
જમનાએ સામું જોઈ કહ્યું : “સ્વસ્થ જ છું. શરીર તો ગમે તેવું થાય.” આટલું વાક્ય તેણે એવા અવાજે કહ્યું કે નરેન્દ્નો બધો ઉલ્લાસ જતા રહ્યો. જમનાને શું થયું છે તેના વિચારમાં તે પડી ગયો.
ઘરનું કામ બરાબર સામાન્ય રીતે ચાલ્યું. રાતે વાળુ કરી રસોડામાં અબોટ દઈ જમીન કોરી કરી જમનાએ પોતાને માટે એક સાદડી ને પાતળી ગોદડી પાથરીને બીજી ઓરડીમાં નરેન્દ્રને માટે પથારી કરી. નરેન્દ્ર આ જોઈ રહ્યો. તેણે મશ્કરીમાં કહ્યું : “કેમ, સરકારની સજા ઓછી હતી કે તું હજી નવી સજા કરવા લાગી છે?”
“નહિ, હું મને પોતાને જ સજા કરવા ઈચ્છું છું !”
નરેન્દ્ર એકદમ ઉમળકાથી ઊભો થયો. તેણે જમનાને બાથમાં લીધી.—તેનું મોં દીવે ધર્યું તે જ વખતે જમના એવા દુઃખસંવેગથી રડી પડી, કે નરેન્દ્રને ભય લાગ્યો કે તેમાંથી તે કદાચ બેભાન થઈ જશે. તેણે જમનાતે ધીમેથી પથારીમાં સુવાડી. તેનો આવેશ શમવા દીધો. તેને પાણી પાયું. એક પ્રયત્નથી સ્વસ્થ થઈ જમનાએ કહ્યું : “મને તમારી દાસી સમજજો, એમાં જ મને સુખ છે. એથી વધારે સુખ કે અધિકાર આપવા જશો તો હું વધારે દુઃખી થઈશ.”
નરેન્દ્ર સાચ્ચા દિલથી જમનાને અનુકૂળ થવાનો નિશ્ચય કરી ‘ભલે’ કહી ઊઠવા જતો હતો, તેના આભારમાં જમનાએ તેના પગને તળિયે ચુંબન કર્યું. એ ચુંબનમાં પણ નરેન્દ્રને ભવિષ્યની આશા દેખાઈ ને તે કાંઈ પણ વિશેષ પૂછ્યા વિના પોતાની પથારીમાં જઈ બેઠો. જમનાએ વચલું બારણું બંધ કર્યું.
નરેન્દ્રને એ જ મ્યુનિસિપાલિટીમાં જેલ પહેલાં જે નોકરી મળવાની હતી તે મળી. જમનાને ઇન્દુ ન સાંભરે માટે તે બીજા લત્તામાં રહેવા ગયો. તેનું બધું કામ બરાબર આગળ ચાલવા લાગ્યું. પણ જમનામાં તેણે કશો ફેરફાર જોયો નહિ. એની એ યાતના, એનો એ શાન્ત નિઃશબ્દ સંતાપ, એનું એ નિરવધિ દુ:ખ, એની એ હેતુ પ્રયોજન ન સમજાય તેવી કસોટી ! આપણે એ દુઃખોની વિગત નહિ જોઈએ. માત્ર પાંચ છ મહિને નરેન્દ્રે વીરેન્દ્રને ખાનગી કાગળ લખ્યો તે જ જોઈએ :
પ્રિય ભાઈ વીરેન્દ્ર
ઘણી અવઢવ પછી આ પત્ર તને લખું છું. મને મારી મૂંઝવણ કે દુ:ખ કોઈને કહેવાં ગમતાં નથી. એને એક મનની નબળાઈ માનું છું. એટલું જ નહિ, એ બીજાને કહીને તેને નિરર્થકદુઃખી કરવા બરાબર સમજુ છું. પણ ઘણીવાર કોઈ વાતનો સાદો ખુલાસો પણ એક માણસ ન કરે તે બીજા તરત કરી શકે છે, એમ ધારી આ તને લખી જોઉં છું.
જેલમાંથી પાછા આવ્યો ત્યારથી જમનાનું માનસ તદ્દન ફરી ગયું લાગે છે. તેનો મારા પ્રત્યેનો પ્રેમ તો એનો એ જણાય છે. પણ ન સમજાય તેવા કારણે મારી સાથે પતિપત્નીના સંબંધ રાખતી નથી. હઠપૂર્વક તે પોતાના સર્વ પ્રેમાળ ભાવો દાબી રાખે છે. તેને મારા તરફથી અજાણતાં પણ કોઇ અન્યાય કે અસંતોષ થયો હોય એવો સાચોખોટો ભાસ પણ તેનામાં જણાતો નથી. એ વિકલ્પ જ શક્ય નથી, પૂછતાં કહે છે કે તે મારી દાસી થઈ ને રહેવાને યોગ્ય છે. અને ખરેખર ભીષણ આગ્રહથી દાસી જ થઈને રહે છે. કોઈ હાસ્ય, કોઈ મર્મ, કોઈ પ્રેમ, કોઈ આવેશ, કોઈ પરિસ્થિતિ તેને તેના આવેગમાંથી ખસેડી શકતી નથી. તમે તો મારા નિકટના સ્નેહી છો. અમારા પ્રેમના સાક્ષી છો. એટલે ખાનગી વાત પણ તમને કહેવામાં વાંધો નથી. મેં તેને કહ્યું તારે દાસી થઈ રહેવું હોય તો ભલે રહે પણ મારાથી તેના સમાનતાના પ્રેમ સિવાય નથી રહી શકાતું તેનું કેમ ? તો કહે, તમારા પ્રેમની અધિકારી કોઈ બીજી સ્ત્રીને લાવો. હું તમારી બન્નેની દાસી થઈને રહીશ. તેમાં મને સુખ મળશે, એવું બીજા કશામાં નહિ મળે. અને એટલી ગંભીરતાથી બોલે છે કે હાસ્યથી પણ તેનો પ્રતિકાર કરવાની હિંમત ચાલતી નથી. ગત ઇન્દુની તો તે વાત પણ નથી કરતી. તેવી વાતમાં પણ તે મારા તરફથી કોઈ પણ સાન્ત્વન સ્વીકારવા ઉન્મુખ થતી નથી. જાણે પ્રેમનાં સર્વ બારીબારણાં બંધ રાખી બેસવા માગતી હોય, તેવી રીતે ચાવીસે કલાક બેસી રહે છે. આપણે સાથે હતા ત્યારે અમે ઘણી વાર તમારી મશ્કરી કરતાં, તમારે માટે પત્ની શોધી લાવવાની તે ઘણી વાર વાત કરતી. એવાં ભૂતકાળનાં સંસ્મરણોથી તેનો જીવ ફરી તાજો કરવા મેં પ્રયત્ન કરી જોયો, તો તેનો શાન્ત વિરોધ કંઈક વધારે સખ્ત થાય છે, જરા પણ ઘટતો નથી. બહુ વાત કરતાં કહે કે મારી પાસે બીજા પુરુષોની વાત ન કરો, મેં મશ્કરીમાં કહ્યું, તું તો પહેલા પુરુષની વાત પણ ક્યાં સાંભળે છે ? તો કહે, હા, ખરૂં છે. મારે કોઈ પુરુષ સાથે સંબંધ રાખવો નથી. અને ખરે જ, મિત્રો મળવા આવે ત્યારે સાથે આવી બેસતી પણ નથી !
વધારે મનાવવા જતાં, તેના સુખનો પ્રયત્ન કરતાં, તે એટલી દુઃખી થાય છે, કે એને ક્યાંક વધારે ગંભીર કંઈ થઈ જાય એવી મને દહેશત લાગે છે.
એનું દુઃખ જોતાં, એ કાંઈ કલ્પી લીધેલું દુઃખ જણાતું નથી. એ ઘેલછાથી બદલાઈ ગઈ હોય એવી જણાતી નથી, એ એની એ છે. પણ કોઈ ફૂલમાં કુદરતના કોપથી અગ્નિ પ્રગટે, ફૂલ રહ્યું રહ્યું એ અગ્નિથી દાઝે ને અડવા જતાં અન્યને દઝાડે, એવું થઈ ગયું લાગે છે. મને બીજું દુઃખ થતું નથી, હું તેના દુ:ખમાં ભાગ તો લઈ શકતો નથી પણ તે સમજી પણ શકતો નથી. હવે તો આ નહિ સમજવાથી થતું દુઃખ સમજવાથી થતા કોઈ પણ દુઃખ કરતાં વધારે અસહ્ય થઈ પડ્યું છે.
તું અહીં હોત તો કદાચ આ સમજી શકત. પણ દૂર રહ્યો રહ્યો તો આવી વિચિત્ર સ્થિતિ સમજી તું કલ્પી પણ ભાગ્યે જ શકીશ. એ વિચાર આવતાં આ કાગળ લખી તને નિરર્થક શાને દુ:ખી કરવો એમ પણ વિચાર આવે છે. અને છતાં, આ કાગળ લખું છું. એ એક નબળાઈ છે. પણ અંદર રહેલી નબળાઈ ક્યાંક પણ માર્ગ માગે છે અને તે માર્ગ સ્વાભાવિક રીતે તારા તરફ જ જાય છે.
બસ. હવે પત્ર વાંચી દુઃખી થતો નહિ. માણસે પોતાનું પ્રારબ્ધ પોતે જ ભોગવવું જોઈએ. અને હું માનું છું કે હું તે ભોગવવાને સમર્થ થઈશ જ.
નરેન્દ્ર
પત્ર વીરેન્દ્રે વાંચ્યો. ઘડીક તેને બધી વાત લખી જણાવવાની ઇચ્છા થઈ. પણ વળી વિરુદ્ધના વિચારો આવ્યા. ‘જમના જાતે જણાવતી નથી અને પોતાથી જણાવાય ? તેમ કરવાથી જમનાની શી સ્થિતિ થાય ? વખત જતાં જમનાનો પશ્ચાત્તાપ એની મેળે શમી જશે. ને પછી તો બંને વચ્ચે મેળ થતાં વાર નહિ જ લાગે. ને જમનાને નરેન્દ્ર માટે લાગણી તો છે જ અને પોતે સાચી હકીકત કહે તો ઊલટું એ સમાધાનમાં સાચી હકીકત વિઘ્નરૂપ થાય !’ અનેક વિચારો કરીને તેણે સાચી હકીકત કહેવાનો વિચાર બંધ રાખ્યો. અને માત્ર સમભાવનો અને ધીરજનોને કાગળ જવાબમાં લખ્યો. પણ આ પત્ર પછી નરેન્દ્રને
માટે તેને સાચી ચિંતા થવા માંડી. ભૂતના કૃત્યનો વિચાર કરતાં જમનાએ આદરેલું પ્રાયશ્ચિત્ત જોતાં તેને પણ આ કુટુંબ અને નવા ઇન્દુ તરફના પોતાના કર્તવ્યનું મંથન થવા માંડ્યું.
બારેક માસ પછી નરેન્દ્રને વીરેન્દ્ર તરફથી ઑફિસને સરનામે એક લાંબો સીલ કરેલો પત્ર મળ્યો. તેની તારીખ ચારેક માસ ઉપરની હતી. તેમાં તેણે બધી બનેલી હકીકતનો એકરાર કર્યો હતો. આખા સ્ખલનનો દોષ પોતાનો જ હતો, કારણકે જમનાબહેન તો માનસિક દર્દમાં જ બેભાન હતાં. એ એક જ સ્ખલન, તેનું પરિણુામ, અનાથાલયમાં એક બાળકનો જન્મ, તેની માતાનું નોંધાયેલું નામ ગંગા, તે બાળકનું નામ ઇન્દુ વગેરે સર્વ હકીકત જણાવી, વિશેષ લખેલું હતું : “જમનાબહેનના પશ્ચાત્તાપની વાત તમે લખી તે પછી મને પણ ઘણો સંતાપ થયો. તમારા જીવનનો રસ્તો ખુલ્લો કરવા આત્મઘાત કરવો એવો વિચાર પ્રથમ આવ્યો તે કરી ન શક્યો. ખરી રીતે એ તો માત્ર એક વેવલા મિથ્યાશૌર્યની આત્મવંચના જ હતી. ઘણા વિચાર પછી નક્કી કર્યું કે ઓછામાં ઓછું ચિરંજીવી ઇન્દુના અભ્યાસ માટે એક ટ્રસ્ટ કરવું ને મરતાં પહેલાં તને આ કાગળ મોકલવો. તારે આ સ્થિતિમાં શું કર્તવ્ય છે તે સંબંધી સૂચના કરવા પણ મને હક્ક નથી. માત્ર તેં ખરી હકીકત માગેલી તે આપી, છેવટે સત્ય જણાવવા જેટલું ઋણ તો અદા કરતો જાઉં એ બુદ્ધિથી આ લખું છું. બાકી મારા પાપનો ભાર તો બીજા જન્મારા સુધી પહોંચે એટલો છે. તેની માફી માગવાનો પણ મને હક્ક રહ્યો નથી.”
આટલા લખાણુ પછી તા. ક. કરીને લખ્યું હતું: “અત્યારે છેલ્લી ઘડીએ, લાગે છે કે આ હકીકત તને વહેલી કહી હોત તો વધારે સારું થાત. પણ એ પણ હવે તો ન સુધરી શકે એવી ભૂલ છે.”
પત્ર વીરેન્દ્રના સોલિસીટરો તરફથી આવેલો હતો છતાં ખાત્રી કરવા નરેન્દ્રે વીરેન્દ્રના ખખર તાર કરી પૂછાવ્યા. તે જીવતો રહ્યો હોત તો, બધા વચ્ચે સમાધાન થયું તે નરેન્દ્ર–જમનાએ છેવટે કોઈ કન્યા શોધી આપીને વીરેન્દ્રને પરણાવ્યો એવો સુંદર અંત વાતમાં આણી શકાત, પણ વીરેન્દ્ર ખરે જ મરી ગયો હતો.
નરેન્દ્રે આની કશી વાત જમનાને કહી નહિ. બંનેની તબિયત સારી કરવા હવાફેર કરવા તેણે થાડા દિવસ પછી બે માસની રજા લીધી. હવાફેર કરવા માથેરાન કે મહાબળેશ્વર કે નાસિક કે પંચગનીમાં જગા મેળવવા થોડો વખત મુંબઈમાં રહેવું પડશે, કહી તેણે તરત મુંબઈ તરફ ઊપડવા વિચાર દર્શાવ્યો. બંને મુંબઈ ગયાં. કો જગાનું નક્કી થાય ત્યાં સુધીમાં મુંબઈની જાહેર સંસ્થાઓ એક પછી એક તેણે જોવા માંડી. જમના માત્ર તેનું કહ્યું કરવા ખાતર કોઈવાર સાથે જતી. કોઈ વાર તે એકલા જ જતો. ફરતાં ફરતાં તેણે પેલા અનાથાલયમાં જવાનું પૂછ્યું. જમનાએ જવાની સ્પષ્ટ ના પાડી. નરેન્દ્ર એકલો ગયો. પાછો આવ્યો ત્યારે તે ત્રણેક વર્ષના ઇન્દુને સાથે લઈ આવ્યો. ઘરમાં પેસતાં તેણે ધીમે સાદે જમનાને બોલાવીને કહ્યું: “જમના, તને પૂછ્યા વિના એક સાહસ કર્યું છે. તું ના નહિ પાડે એમ ધારીને આ છોકરાને અનાથાશ્રમમાંથી લઈ આવ્યો છું. તેનું નામ ઇન્દુ જ છે જાણી મને આપણા ઇન્દુના સ્મરણાર્થે તેને લાવવાનું મન થઇ ગયું. એક દિવસ માટે સાથે લઈ આવ્યો છું, જો મારી ખાતર તું તેને ઉછેરવા હા પાડે તો આપણે રાખી લઈએ."
જમનાએ હૃદયના અનેક ઊછળી આવતા ભાવો દબાવી પૂછ્યું: “પણ તમે કાંઈ તપાસ કરી ? તેનાં માબાપ કોણ ? તેના ઉપર કોઈનો હક્ક પહોંચે છે કે નહિ? કશી તપાસ કરી !”
“તેના ઉપર કોઈનો હક્ક નથી. તેની માનું નામ માત્ર ગંગા છે, એટલી નોંધ છે. વિશેષ કશું નથી. છોકરો મને સારો લાગ્યો, તને નથી લાગતો ?”
“લાગે છે” કહી જમનાએ તેને એકદમ બાથમાં લીધો. છોકરો પણ તરત તેની પાસે ગયો. તેને ઊંચકી લઈ તેને ઘણા જ હર્ષથી ચુંબન પણ કર્યું પણ પછી તરત જ તેને નરેન્દ્રને પાછો સોંપી તે ગંભીર થઈ ગઈ. ને પછી નરેન્દ્રને કહ્યું: “નરેન્દ્ર, ઘણા દિવસથી ન કરેલી મારે તમને એક વાત કરવી છે.”
“હવે વાત તો ગમે ત્યારે થશે. હમણાં છોકરાનું નક્કી કરી નાખ ને ? આપણે ક્યાંક હવાફેરે જઈશું પછી ત્યાં આપણે વાતો જ કરવાની છે ને ! ”
“નહિ, મારી વાત સાંભળો જ અને પછી આ છોકરાને રાખવા ન રાખવાનો તમે નિશ્ચય કરો. તે પહેલાં નહિ. તમારે પગે પડીને આટલું માગું છું.”
“તો એમ, કહે ત્યારે.”
જુઓ, તમે જેલમાં ગયા. આપણો ઇન્દુ ગુજરી ગયો. એક દિવસ હું રાત્રે ઘરમાં એકલી સૂતી સૂતી રડતી હતી. વીરેન્દ્રભાઈ આવ્યા. તેમના ખોળામાં મેં માથું નાંખ્યું...” દરેક વાક્યે તેના મોં પરની રેખાઓ દૃઢ થતી જતી હતી. કોઈ તહોમતદાર સૌના દેખતાં દેહાંતની સજા માટે જાતે જ દોરડું ગળામાં નાખે એવી દૃઢતાથી તે બોલતી હતી. નરેન્દ્રે એકદમ પાસે આવી તેને રોકી તેના મોં પર હાથ મૂક્યો: “હું બધું જાણું છું. મારા સમ કશું બોલ તો ! આટલો વખત આટલું બધું દુઃખ એકલાં ભોગવાય ? આટલા તપે તો ઈશ્વર પણ વશ થાય ! તને મારી દયા ન આવી ?”
“તમે કેમ જાણ્યું ?”
“તું જાણે છે ?—વીરેન્દ્ર ગુજરી ગયો. મેં તાર કરી પુછાવી જોયું તો તેના સોલિસીટરે ખબર આપ્યા કે તે મહિના પહેલાં ગુજરી ગયો!”
“અરે રામરામ ! એ પણ બિચારા બહુ દુઃખી થયા !”
“અને મરતાં પહેલાં લખી રાખેલો કાગળ તેમના સોલિસીટરે મને મોકલ્યો. તેમાં બધું લખેલું હતું !”
“મેં તમને નિરર્થક આટલા દુઃખી કર્યાં ” કહી તે નરેન્દ્રના ખભા પર માથું મૂકી ચોધાર આંસુએ રડી પડી, “તમે બન્ને મને મળ્યાં તેથી મને ગમે તેટલા દુઃખનું સાટું વળી ગયું છે” કહી તેણે જમનાને ખભે અને બરડે કેટલાય વખત સુધી પપાળ્યા કર્યું.