લખાણ પર જાઓ

દ્વિરેફની વાતો – ભાગ બીજો/છેલ્લો દાંડક્ય ભોજ

વિકિસ્રોતમાંથી
← હૃદયપલટો દ્વિરેફની વાતો – ભાગ બીજો
છેલ્લો દાંડક્ય ભોજ
રામનારાયણ પાઠક
દેવી કે રાક્ષસી →



છેલ્લો દાંડક્ય ભોજ

જે સમયની તવારીખ ઇતિહાસપુરાણમાંથી મળે છે તે પ્રાચીન સમયમાં, ઘન દુર્ભેદ્ય અને ભયંકર દંડકારણ્યના ઉત્તર તરફના સીમાડાથી વીસેક કોસ દૂર અરણ્યમાં એક અજિતદુર્ગ નામનો વનદુર્ગ હતો. તેમાં એક ભોજવંશની ગણાતી શાખાના દાંડક્ય રાજાઓ રાજ કરતા હતા. હાલ તેરમો દાંડક્ય ભોજ વિરાધસેન ત્રણ વર્ષથી ગાદીએ આવેલો છે.

આજે આખા રાજમહેલમાં દાસદાસીઓની જબરી જાઆવ થઈ રહી છે. રાજાનો હુકમ મન્ત્રશાલા તૈયાર કરાવવાનો છે. કામ કરનારાં દાસદાસીઓ આના કારણ વિશે પોતપોતાની રાજનૈતિક માહિતી અને બુદ્ધિના વિશ્વાસથી તેની ગુસપુસ ગુસપુસ વાતો કરતાં હતાં. મગધ દેશનો રાજવૈદ્ય આજીવક ધુન્ધુમાર આજે આવવાનો હતો. મગધાધિપતિ શોણ નદીને કિનારે એક નવો રાજમહેલ કરાવતા હતા અને તેને માટે ઉત્તમ પ્રકારનાં પુષ્કળ સાગ સીસમ વગેરે દંડકાથી તેમણે મંગાવ્યાં હતાં અને તેનો કર શો પડશે તે દંડકાધિપતિને પુછાવ્યું હતું. વિરાધસેને બહુ જ વિનયથી ખાસ વૈતાલ મંત્રી પાસે સામનો[] જવાબ અપાવ્યો હતો કે મગધ અને ભોજને પૂર્વનો સંબંધ છે. દંડકાધિપતિ એ સંબંધની ખાતર માત્ર નામનો કર લેશે. તે તો માત્ર એટલું જ ઇચ્છે છે કે મગધનાં રાજ્યરત્નોમાં કૌસ્તુભમણિરૂપ આજીવક[] ધુન્ધુમાર પોતાનો શાલામિત્ર હતો; બન્ને ઘણાં વર્ષો તક્ષશિલામાં ભેગા રહ્યા હતા અને ત્યાર પછી કદી મળ્યા નથી તો કૃપા કરી તેમને રાજ્યની અનુકૂળતાએ એકાદ માસ મોકલતા રહો તો અમારો અરણ્યવાસ કંઇક ઓછો કષ્ટપ્રદ થાય વગેરે વગેરે. મગધ અને દંડકા એક સીમાડાનાં નહોતાં. તેમને વૈરભાવ હોવાનું કશું કારણ નહોતું. ખરી રીતે દંડકાનાં હવાપાણી એવાં ગણાતાં અને તેમાં આટવિકો, અનાર્યો અને કિરાતોની વસ્તી એવી જંગલી ગણાતી કે કોઇને આ દેશ ઉપર આંખ રાખવાનું કારણ નહોતું. જતાં આવતાં અને રાજ્યનાં કામકાજમાં સગવડ મળે માટે સૌ તેમની સાથે સારાસારી રાખતાં, પણ કોઈ ભોજોની ઉચ્ચ ક્ષત્રિયકુલોમાં ગણના કરતું નહિ. આર્ય સંસ્કૃતિનાં કેન્દ્રોથી દૂર અનાર્યોમાં રહેવાથી તેમને માટે રાજ્યોમાં હીણું બોલાતું. ભોજો કોઈ ક્ષત્રિયકુલોના સ્વયંવરમાં જવાની હામ ભીડી શકતા નહિ. તેમને, ખોટા આર્ય ગણાઈ ગયેલા હલકી કોમના ક્ષત્રિયો અને આટવિક રાજાઓની કન્યાઓ લાવવી પડતી. શિષ્ટાચાર શીખવા અને રાજ્યની પ્રતિષ્ઠા વધારવાને જ વિરાધસેનને તક્ષશિલામાં અભ્યાસ કરવા મોકલેલો હતો. આ સઘળી પરિસ્થિતિ અને હકીકતની ભોંય ઉપર દાસદાસીઓના રાજનૈતિક તર્કો થતા હતા. મહારાજનું પગરણ મગધની સાથે વૈવાહિક સંબંધ બાંધવાને હોય એ તો કોઈને શક્ય લાગતું નહોતું. વૈદ્યને પુત્રપ્રાપ્તિ માટે બોલાવ્યો હોય પણ જનાનામાંથી બાતમી લેવા આવેલી દાસીએ એ અશક્ય છે એમ કહ્યું. મંત્રશાલાનું કામ અને તર્ક બન્ને ખૂટતાં દાસદાસીઓ પોતપાતાને સ્થલે ગયાં.

આજીવક ધુન્ધુમાર પોતાને ઉતારે જમી આરામ લઈ, જરા નિદ્રા કરી રાત્રે મંત્રશાલામાં રાજાને મળવા આવ્યો. શાલામાં આ બે સિવાય કોઈ નહોતું. મહારાજને પંખો ઢાળનાર પણ નહોતાં અને મહારાજની મહિષીના માનીતા પોપટને પણ દૂર કર્યો હતો. શાલાથી પચાસ પચાસ દંડ દૂર પહેરેગીરો ચોકી કરતા હતા.

મહારાજે ઘણા ભાવપૂર્વક આદરથી ધુન્ધુમારને આસન દેખાડ્યું તે ઉપર આજીવક બેઠો. મહારાજે જૂની મૈત્રીના દિવસો તાજા કર્યા અને મગધમાં તેનું માન હતું તેથી પોતાને સંતોષ છે એમ કહીને ટોળ કરી કે એવા મોટા રાજ્યની પ્રસાદી છોડી જૂનો મિત્રસંબંધ તેને શેનો સાંભરે ? ધુન્ધુમારે પોતાનું સર્વ કુશળ કહ્યું અને ખુલાસો કર્યો કે ન નીકળવાનું કારણ બીજું કાંઈ જ નહિ પણ અમુક યન્ત્રોમાં અમુક દવાઓ સિદ્ધ કરવા મૂકેલી તેને જાતે અખંડ બાર વરસ તપાસવાની જરૂર હતી તે મુજબ તપાસતો હોવાથી આવી શકેલો નહિ. છેવટે તેણે પૂછ્યું: “પણ મહારાજ, આપનું શરીર આવું કૃશ અને ચિત્ત અસ્વસ્થ કેમ જણાય છે ?”

“રાજાઓ કદી ચિંતાથી મુક્ત હોતા નથી.”

“પણ આપને ચિંતા હોવાનું કશું કારણ જણાતું નથી.”

“તમે છેક જ તક્ષશિલાની વિશ્રંભવાતો ભૂલી ગયા લાગો છો.”

“રાજ્ય તો આપને મળ્યું છે.”

“પણ તમારા રસાયનનો ઉપયેાગ કર્યા વિના નહિ. તમારા રસાયનનું ટીપું મહારાજ સિદ્ધસેનના પલંગ પર નાંખી તેના પર હરિતાલ ઘસી ત્યારે રાજ્ય મળ્યું.”

“મહારાજ, આપના રાજ્યમાં પેસતાં હું પ્રજામાં હળતો મળતો રહ્યો છું. કોઈને એ વિશે વહેમ નથી. માર્ગમાં ઉત્તરના સામંત સાથે મેળાપ થયો તેને પણ આવો કશો વહેમ નથી.”

“મારા પર વહેમ આવેલો પણ હરિતાલ વિનાની દવા નિર્દોષ જણાઈ એટલે કોઈએ વહેમ આણ્યો નહિ. ઉત્તરના સામંતે કાંઇ કહ્યું?”

“જી હા, મહારાજને પુત્ર ન થાય એવું કરું તો દર વર્ષ સહસ્ર નિષ્ક આપવાનું કહ્યું છે.”

“તમે તેનું વર્ષાસન લઈ લો. મેં તમને પુત્ર માટે નહિ પણ સંતતિ ન થાય તે માટે બોલાવ્યા છે. એ જ મારી ચિંતાનું કારણ છે.”

“પણ મહારાજ, રાજ્યને વારસ તો જોઈએ ને?”

“મિત્ર ! ઇતિહાસના અનભિજ્ઞની માફ્ક શું બોલે છે ? ભોજની છેલ્લી દસ પેઢીમાં સાત રાજાઓ પિતાને મારીને ગાદીએ આવ્યા છે. બીજા દેશો જો. તેમાં પણ હમણાં તો મગધ, મદ્ર, કોસલ, અવન્તી સર્વમાં પિતાને મારીને જ કુમાર ગાદીએ આવે છે. જાણે એ જ સ્વાભાવિક ક્રમ થયો છે. જેમ એક સીમાડાના બે રાજાઓ સ્વાભાવિક શત્રુઓ છે. તેમ પિતાપુત્ર નિત્યશત્રુ છે. હું વ્યાકરણકાર હોઉં તો પિતાપુત્રનો અહિ–નકુલ[] જેવો સમાસ કરું. ખરું જ કહ્યું છે કે કુમારો કરચલા જેવો છે : કરચલા જનનીને મારે છે, કુમારો જનકને. “ત્યારે મહારાજ, આપની શી ઈચ્છા છે?”

“જો, તેં કહ્યા પ્રમાણે ઋતુકાલના પાછલા સોળ દિવસ વર્જીને જ હું સમાગમ કરતો, છતાં વજિજકા દેવીને ગર્ભ રહ્યો. સારું થયું પુત્રી હતી અને તે પણ મરી ગઈ.”

“મહારાજ, કાંઈ ગણિતમાં તો ભૂલ નહિ થઈ હોય ? આ વિષયમાં મેં પ્રયોગ કરી જોયો નથી, પણ બાભ્રવ્યનું વચન છે, ખોટું હોય નહિ. આપ જાણતા હશો બાભ્રવ્યની બે જ પ્રતો છે. એક અવન્તીના વૈદ્ય પાસે અને એક મારી પાસે. કલિંગના વૈદ્યે નકલ ઉતારવા મારી પાસે માગણી કરી હતી પણ મેં આપી નહિ.”

વિરાધસેન ઊભો થયો. પાસેની મજૂસમાંથી એક રંગેલો લાકડાનો દાબડો લઈ આવ્યો. તેમાંથી તેણે થોડા પત્રો કાઢી બતાવ્યા. તેમાં ખાનાં પાડી તિથિઓ લખી હતી તે બતાવી કહ્યું : “મારી ખાસ પરિચારિકાઓ પાસેથી આ તિથિઓ મેળવી છે.” ધુન્ધુમારે પોતાની પાસેથી પત્રો કાઢી ચન્દ્રની ગતિ સાથે આ તિથિઓ મેળવી જોઈ, અને કહ્યું: “મને આ ગણિત ખરું લાગે છે. મહારાજને બાધ ન હોય તો મારી નોંધમાં આ ટપકાવી લઉં, નામ ઠામ વિના, અને મારી કૂટસંજ્ઞામાં. મારી ખાતર નહિ, માત્ર શાસ્ત્રવિકાસની ખાતર.”

“શાસ્ત્રવિકાસની ખાતર જે કરે તે કશાને માટે બાધ નથી.”

“ત્યારે મહારાજ, હાલ શો ઉપાય કરો છો ?”

“પુત્રીના જન્મ પછી અમુક માસ તો એ દેવીનો સમાગમ પ્રત્યવાયરહિત ગણ્યો. પુત્રી મરી ગઈ એટલે બંધ કર્યો.”

“યોગ્ય કર્યું; અને ત્યારથી ?”

“ત્યારથી રિખવદેવના ઋજુજડોની[] પેઠે બ્રહ્મચારી છું.” “મહારાજ, એ જ આપની અસ્વસ્થતાનું કારણ છે. આપ અંતઃપુર બહાર જુદી સ્ત્રીઓને વસાવી ન શકો ? તેના પુત્રો કાંઇ ભયનું કારણ નથી !”

“મિત્ર, તું આ રાજ્યને શું ગણે છે? આ તે કોઈ ઉત્તરાપથ[] દીઠો? અહીં તો ગણિકાપુત્ર પણ વારસ થઈ શકે છે. અમારે ભોજોને બમણી ચિંતા છે. બીજા રાજાઓ જેવા ગણાવા તેમની રીત રાખવી પડે છે તે ઉપરાંત અહીંની રીતોનો ગેરલાભ પણ અમારે ભોગવવો પડે છે.”

“ત્યારે મહારાજની શી ઇચ્છા છે ?”

“બધી હકીકત મેં કહી. ઉપાય તો તું જાણે. એવું કાંઈ નથી જેથી સ્ત્રીઓ વન્ધ્ય થઈ જાય ?”

“બે ઉપાયો છે : એકથી સ્ત્રી નિત્યવન્ધ્ય બને છે; બીજાથી નિત્યવન્ધ્ય બનતી નથી પણ દર સમાગમ સમયે તે દવા આપવી પડે છે.”

“પહેલો ઉપાય જ સારો.”

“જી ના, એ કુચુમારનો પ્રયોગ છે. મને બધામાં એના પ્રયોગો અકસીર પણ કંઈ ને કંઈ દોષવાળા લાગ્યા છે. એના ઔષધથી સ્ત્રી વન્ધ્યા થાય છે, પણ પછી તે બીભત્સરૂપ થતી જાય છે, પુરુષસ્પર્શ વાંછતી નથી. તેના મોં પર દાઢી ને મૂછની જગાએ વાળ ઊગે છે, અને એનો સ્પર્શ પણ પુરુષને પછી જુગુપ્સાકારક થાય છે, એવી મારા પિતાની નોંધ છે. હું તેની ભલામણ કરી શકતો નથી. બીજું ઔષધ પણ એટલું જ અક્સીર છે. પણ બરાબર વાપરવું જોઇએ.”

“અને પહેલા પ્રયોગની અસર કેટલા દિવસે જાય ?”

“બરોબર ચાર માન્દ્રમાસ પછી, અથવા ખરું કહું તો ચાર ઋતુઓ પછી.”

“મને બન્ને આપો. એક ઉપર જ પહેલો પ્રયોગ કરીશ. તેની એવી અસર થશે તો બીજી ઉપર નહિ કરું. બીજાઓને પેલું સૌમ્ય ઔષધ આપીશ.”

“હું ફરી કહું છું મહારાજ, કુચુમારનું ઔષધ ન માગો. મહારાજ પોતે જ કદાચ આગળ ઉપર પુત્રની ઇચ્છા કરશે અને ત્યારે મારા સર્વ ઇલાજો નિષ્ફળ ગયા હશે. કુચુમારનું વારણ કરનાર આ જગતમાં સાક્ષાત્ બ્રહ્મા પણ નથી. મહારાજ, એ ન માગો.”

“નહિ, એ જ આપ. અને તું જોઈશ કે હું કોઈને નક્કામું હેરાન કરીશ નહિ.”

“મહારાજની ઇચ્છા. અને એક બીજી વાત. કુચુમારનો પ્રયેાગ મેં કરી જોયો નથી. પણ મારો ઉપાય મેં ઘણી જગાએ કરેલો છે. તે અક્સીર છે. પછી પ્રયોગમાં કાંઈ પ્રમાદ થાય અને અન્યથા પરિણામ આવે તો મને દોષ ન દેશો.”

“હું જાતે જ દવા આપીશ.”

“તો ભલે.”

“અને જરા રહો.” વિરાધસેને એ જ મજૂસમાંથી એક હીરો કાઢ્યો. “રાજ્યની રીતે તો તારો આદરસત્કાર થશે. પણ કોઈને આપણા રહસ્ય વિશે શંકા ન થાય માટે પસાય બહુ સાધારણ આપવાનું મેં મંત્રીઓને કહ્યું છે. માટે આપણી મૈત્રી અને તારા શાસ્ત્રજ્ઞાનની ખાતર, તેના જેવો જ નિર્મળ અને દૃઢ આ હીરો સ્વીકાર. જો પેલી શુષ્કનીરા નદી રહી. એ સૂકી છે, તેમાં માત્ર બે માસ જ પાણી રહે છે પણ તે હીરાની ખાણ છે. તેમાંથી આ નીકળ્યો છે. મહાન રાજકુલો સિવાય આવો હીરો મળવો મુશ્કિલ છે. તે સ્વીકાર અને એક બીજી વાત. મારે હજી પણ તારી જરૂર પડશે, તું દર છ માસે ન આવે ?”

“હું આવીશ મહારાજ !”

“ત્યારે હવે ઘણો સમય થયો છે. તમે સુખરૂપ આરામ કરો.”

“મહારાજને સુસ્વાપહો.”

*

બરાબર છ માસે એ જ મંત્રશાલામાં આ જૂના મિત્રો પાછા બેઠા. શિષ્ટાચારની આપલે પછી આજીવક ધુન્ધુમારે કહ્યું: "પણ મહારાજ, આપની પ્રકૃતિ ગયા વખત કરતાં પણ વધારે અસ્વસ્થ છે!”

“ખરી વાત, પણ તેમાં તારો દોષ નથી. દોષ આ અમારાં અજ્ઞાન અંતઃપુરનો જ છે.”

“મહારાજ, સવિસ્તર જાણવા ઇચ્છું છું, જેથી તેનો શો ઉપાય કરવો તે સૂઝે.”

“હું પણ સવિસ્તર જ કહેવા ઇચ્છું છું. જુઓ મેં ઔષધનો ઉપયોગ ક્યારે કર્યો તેની બધી નોંધ આમાં છે. કુચુમારની ગોળીનો પ્રયોગ મેં અશ્લેષા ઉપર કર્યો. તે પૂર્વ તરફના દૂરના આટવિકની કુંવરી છે એટલે કાંઈ પણ પ્રતિકૂળ પરિણામ આવે તો પણ વાંધો નહિ. પ્રથમ તો ગોળી લેવાની તેણે ના પાડી. બધી જ સ્ત્રીઓ આમ હઠીલી શા માટે હોય છે તે સમજાતું નથી !”

“મહારાજ, સ્ત્રી પોતાને પ્રતિકૂળ વસ્તુ કોઇ ગૂઢ રીતે સમજી જાય છે.”

“પણ એ ક્યાં જાણતી હતી કે કુચુમારની ગોળીથી શું થાય છે. અને બીજી રાણીઓ પેલી બીજી ગાળીઓનો પણ એટલો જ પ્રતિષેધ કરતી હતી. એમાં શું પ્રતિકૂળ હતું જે ?”

“પ્રતિકૂળ તો ખરું જ ના મહારાજ, એમની દૃષ્ટિએ. આપની માફક એ નિષ્ફળ સમાગમ ઇચ્છતી નથી જ. પણ પરિણામના જરા પણ આભાસ વિના સ્ત્રી પોતાને પ્રતિકૂળ વસ્તુ કે માણસને તરત ઓળખી જાય છે એ મારો અનુભવ છે. દત્તક પણ એ જ અનુભવ નોંધે છે. પછી શું પરિણામ આવ્યું. મહારાજ ?”

“તમારી આગાહી સાચી ઠરી. ચાર માસ પછી તેણે કુરૂપતાનાં ચિહ્નો પ્રગટ કરવા માંડ્યાં.”

“મેં તો આપને કહ્યું હતું.”

“અત્યારે મને એનો સ્પર્શ નથી ગમતો, મારો એને નથી ગમતો. એટલું જ નહિ એનું આખું માનસ જાણે બદલાઈ ગયું છે.”

“મને આપ કહી શકશો?—અલબત શાસ્ત્રની પૂર્ણતાને અર્થે.”

“હં. મને લાગે છે કે એ ગાંડી થઈ જશે. દિવસ આખો શૂન્ય થઈ બેસી રહે છે. કેશસાધન પણ કરતી નથી. તેની ઊંઘ ઊડી ગઈ છે. અન્ન અને નિદ્રામાં અનિયમિત રહે છે. સામાન્ય રીતે અન્નનો તિરસ્કાર કરે છે અને ગંધાતું અને સડી ગયેલું અન્ન તેને ભાવે છે. બધાને મારવા જાય છે,—નિષ્કારણ. મને લાગે છે કે સ્ત્રીમાં પોતાના સ્વભાવ જેવું કશું હોતું જ નથી. બહારની પરિસ્થિતિને તે વધારે અધીન થાય છે. પુરુષને આવું કંઈ થાય તો તે આવે ન બદલાઈ જાય. અંતઃપુરમાં વ્યંડળો હોય જ છે તો, પણ તે આવા વિકૃતમાનસ નથી હોતા. આપણે બે જેવા અત્યારે શાસ્ત્રદૃષ્ટિથી આખો વિષય વિચારી શકીએ છીએ તેમ સ્ત્રીઓ કરી જ નથી શકતી.”

“પેલી બીજી ગોળીઓ તો સંતોષકારક નીવડી ?”

“તે પણ લેતાં તો પ્રથમ આનાકાની ખરી જ. પછી મેં સમજાવ્યું કે આ તો પુત્રપ્રાપ્તિ માટેની ગોળી છે. ત્યારે બધી રાણીઓએ લીધી. છતાં લેતી વખતે તેમની નજરમાં શંકા હું જોઈ શકતો હતો.”

“ત્યારે હજી આપ અસ્વસ્થ કેમ છો ?”

“હજી મારી કથા અધૂરી છે. બેત્રણ માસે બધી રાણીઓ પૂછવા લાગી કે મને કેમ કાંઈ ગર્ભનું ચિહ્ન દેખાતું નથી ? મેં કહ્યું જેમ મોડો ગર્ભ રહેશે તેમ વધારે પ્રતાપી પુત્ર જન્મશે.”

“રાજ્યકર્તાને મૃષાવાદનો દોષ નથી.”

“અને આજીવકને છે? હું તો લોકાયત[] છું. અને બુદ્ધિપૂર્વક સુખ ભાગવવું એને જ પુરુષાર્થ માનું છું.”

“પછી શું થયું ?”

“મારી હકીકત તેમણે શંકાથી સાંભળી. ત્યાં બીજી જ આપત્તિ આવી. અશ્લેષાની કુરૂપતાનાં ચિહ્નો દેખાવા માંડ્યાં એટલે બધી રાણીઓએ ગોળી લેવાની ના જ પાડી. તેમને હું જુદી ગાળીઓ આપતો હતો એમ સમજાવ્યું, પણ વૃથા. બધી એક જ રીતે વિરોધ કરે છે. ખરેખર સ્ત્રીઓને વિશિષ્ટ સ્વભાવ જેવું કશું નથી. એકે ગેાળી લઈ ને ચાલાકીથી ફેંકી દીધી તે મેં જોયું, ત્યારથી મારે સ્ત્રીસંગ છોડવા પડ્યા. અસંગ એ મારી પ્રકૃતિને પ્રતિકૂળ છે. હું તેથી શરીર અને મન બન્નેમાં અસ્વસ્થ રહું છું. આ જ મારી અસ્વસ્થતાનું કારણ છે.”

“ત્યારે હવે આનો શો ઉપાય કરવો?”

“કાંઈ એવું ન થઈ શકે કે માત્ર હાથના કે એવા ગમે તે અવયવના સ્પર્શથી સંપૂર્ણ ઉપભોગસુખ લઈ શકાય ?”

“એ શક્ય છે. પણ હજી મેં તેનો પ્રયોગ કર્યો નથી. કહો તો આપને મોકલી આપું ?”

“હા મોકલો. હું કરી જોઉં. કાંઈ હાનિ થવા સંભવ છે ?”

“અતિરેકથી સંભાળવું એ જ.”

“અને તેથી વાસ્તવિક સમાગમ...”

“તેમાં સંશય નથી. તે સિવાય તો આ ઉપાય જ શેનો ગણાય ?”

“ભલે ત્યારે એ ઔષધ જરૂર મોકલશો. તેનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે ?”

“એ સ્નાનનો વર્ણ છે. સ્નાનોદકમાં નાંખીને તેનાથી સ્નાન કરવું. સુગન્ધિ દ્રવ્ય છે.”

“અને આ વખતે છ માસને બદલે પાંચ માસે આવશો. આમાં જેમ અણધાર્યું વિઘ્ન આવ્યું તેમ આમાં પણ કદાચ આવે. સ્ત્રી સાથે વ્યવહાર એ ખરેખર મહાન કષ્ટ છે.”

“ભલે. ”

*

પાંચ માસ પછી એ જ મિત્રો એ જ જગાએ વાત કરતા હતા. હર વખત જેમ ધુન્ધુમારને જ આ વખતે પણ કહેવું પડ્યુંઃ

“કેમ આ વખતે તો અસ્વસ્થતા ઉપરાંત મન ઉદ્વિગ્ન જેવું છે? મારું ઔષધ શું કાર્યકર ન નીવડ્યું?”

“નહિ, કાર્યકર તો નીવડ્યું. તમારા ઔષધનો દોષ કાઢી શકું તેમ નથી.”

“નવો પ્રયોગ છે માટે જરા વિસ્તારપૂર્વક સાંભળવા ઈચ્છું છું”

“તેમાં પ્રયેાગ સંબંધી વિસ્તારપૂર્વક કહેવાનું છે જ નહિ. પ્રયાગ તો સાક્ષાત્ ધન્વંતરીના જેવો છે. પણ કષ્ટ માત્ર સ્ત્રીઓનું છે. મારો અવરોધ[] તો પુષ્કળ મોટો છે તે તમે જાણો છો.”

“જી હા,”

“આપણે ઉપાયનો વિચાર કરતાં અપાયનો વિચાર કરી શક્યા નહિ.”

“કેવી રીતે મહારાજ ?”

“તમારાં ઔષધોથી સ્નાન કરી જુદી જુદી રાણી પાસે જવા લાગ્યો. કોઈને પાસે બેસારીને, કોઈને તાંબુલ, કોઈને ચુંબન, કોઈને ઉપગૂહન વગેરેથી સ્પર્શ કરી હું કંઈક નિમિત્ત કાઢી ચાલ્યો જતો. પણ બે માસમાં દરેકને મારા વર્તન વિશે વહેમ પડ્યો. આપણો આ ઉપાય તો સાચો પણ તે આગળના ઉપાય સાથે વિસંવાદી છે તે આપણી નજર બહાર રહી ગયું.”

“કેવી રીતે ?”

“છેલ્લા ઉપાયમાં ગોળી આપતી વખતે મેં દરેક રાણીને પુત્રપ્રાપ્તિની આશા આપેલી. હવે નવા ઉપાય પ્રમાણે હું સંગથી દૂર રહું છું એમ જોઈને તેમને જુના ઉપાય પરનો વહેમ દૃઢતર થયો અને મારા નવા વર્તન વિશે શંકા આવી !”

“સ્ત્રીઓનું અશિક્ષિતપટુત્વ કહ્યું છે તે એ જ.”

“એક સ્ત્રીએ તો સ્પર્શનો નિષેધ કરતાં સ્પષ્ટ કહ્યું કે મહારાજના સંગ વિના પણ મને ગર્ભનાં ચિહ્નો પ્રત્યક્ષ થયાં છે, માટે મહારાજે પુત્રપ્રસવ સુધી મને એકલી રહેવા દેવી. મેં પ્રસવની અવધિ પૂછી તો કહે કે જેમ વધારે પ્રતાપી પુત્ર થવાનો હોય તેમ પ્રસવ વધારે દૂર જશે. મને સમજાયું કે આખા અવરોધને મારા તરફ દ્વેષ હતો. એટલે તાંબુલ લેવાને નિમિત્તે હું જતો હતો તે પણ બંધ કર્યું.” “હાલ શું કરો છો ?”

“રાજ્યની વારાંગનાઓને સેવાર્થે વારાફરતી આવવાનો મેં હુકમ કર્યો છે. તે આવે છે, પણ તેઓ તો રાણીઓ કરતાં પણ વધારે દુરાગ્રહી જણાય છે. મારી પહેલાંના રાજાઓએ વારંગનાઓ ઉપર બલાત્કાર કર્યાના દાખલા છે છતાં વારાંગનાઓએ કદી રાજ્યનો વિરોધ નથી કર્યો. ઊલટી રાજ્યની મહેરબાની મેળવવાને ઉત્સુક રહેતી. પણ મારો એક માત્ર સ્પર્શ સહન નથી કરી શકતી. એકને બેદિલી માટે દેશવટો દીધો, બીજીને અપમાન માટે દેહાન્તનો દંડ દીધો, અને હમણાં બાતમી છે કે બધી વારાંગનાઓ નાસી છૂટવાની તક માત્ર શોધે છે. હવે આનો કંઈ ઉપાય કરવો ઘટે છે.”

“કેવા પ્રકારનો ?”

“જેથી સ્ત્રીઓથી તદ્દન સ્વતંત્ર રહી શકાય. જરા પણ તેના ઉપર આધાર ન રાખવો પડે.”

“જ્યાં સુધી સ્ત્રીપુરુષાત્મક સૃષ્ટિ છે ત્યાં સુધી કેવળ સ્વતંત્રતા તો અશક્ય છે. પણ એવું એક અંજન છે જે આંજવાથી સ્ત્રીનો દેહ જોઈ શકાય, વસ્ત્રો દૃષ્ટિને વ્યવધાનરૂપ થાય નહિ, અને એ દૃષ્ટિના સ્મરણ માત્રથી ઈષ્ટ ઉપભોગ થઈ શકે.”

“બસ એ ઉપાય સાચો છે. તેમાં કશો અપાય થવા સંભવ છે?”

“પ્રથમ પ્રયોગ છે, હું કહી ન શકું.”

“ત્યારે મોકલો. કેટલે દિવસે મોકલી શકશો? ”

“પંદર દિવસ તેને સિદ્ધ કરતાં થશે.”

“ભલે, પંદર દિવસે હું દૂત મોકલીશ. એ જ વસ્તુ છે તેને માટે આ નિશાની મોકલશો અને આ વખતે ચાર માસે પાછા આવશો. નવો પ્રયોગ છે.”

“હું પણ નવો પ્રયોગ છે એટલે જાણવા ઉત્સુક છું.”

*

“ચાર માસે બન્ને જણ ત્યાં બેઠા હતા. આ વખતે વિરાધસેન પહેલા બોલ્યો “મિત્ર, આ વખતના પ્રયોગ તદ્દન સફળ થયો છે. અને હવે નિષ્ફળ જવાનો સંભવ નથી.”

“અવરોધે કશી શંકા દર્શાવી નહિ ?”

“અવરોધ કશો વિરોધ કરી શક્યો નથી. ખરું પૂછો તો મિત્ર તારી બુદ્ધિએ સ્ત્રીઓની બુદ્ધિને તો શું પણ તેમની શંકા અને મૂર્ખતાનો પણ પરાજય કર્યો છે. બધી સ્ત્રીઓ મૂંઝાય છે, કોઈ કોઈ મને મોં બતાવતી નથી. પણ તેથી તારો ઉપાય નિષ્ફળ જતો નથી.”

“અને આપની પ્રકૃતિ સ્વસ્થ રહે છે ?”

“હા. જો હું શાસ્ત્રકાર હોઉં તો આ સ્થિતિને જ મોક્ષ કહું. આપણું સુખ કેવળ સ્વતંત્ર હોય, જરા પણ પરાવલંબી ન હોય, કોઈ પણ સ્વતંત્ર ઈચ્છાવાળી વ્યક્તિને અધીન ન હોય, એનું જ નામ મેાક્ષ ! હાલ હું મોક્ષ—જીવન્મુક્તિની સ્થિતિ ભાગવું છું.”

“મને સંતોષ થયો.”

“પણ ઉપાય યોજનાની યુક્તિઓ તો હું તને કહેવી જ ભૂલી ગયો. હમણાં મેં એક નવી જ યુક્તિ કરી છે. બ્રાહ્મણો અને અન્ય વર્ણોની કન્યાનું કન્યાદાન રાજ્યખર્ચે આપવાની યોજના પ્રસિદ્ધ કરી છે, અને હવે મને પ્રૌઢ સ્ત્રીઓની સામે જોવું પણ નથી ગમતું. પણ ધુન્ધુમાર, આ અંજનથી સ્ત્રીને કશી અસર થતી હશે ખરી?”

“થવી તો ન જોઈએ. કેમ કાંઈ જોવામાં આવ્યું ?”

“ઘણીખરી કન્યાઓ અત્યન્ત ગભરાય છે. મારી હાજરીમાં બેસવાની ના પાડે છે, કંપે છે. જાણે એના અંગનો કોઈ સ્પર્શ કરતું હોય તેમ અસ્વસ્થ થાય છે. બે જ દિવસ ઉપર એક ભૃગુ નામના બ્રાહ્મણને પોતાની કન્યા ધામધૂમથી પરણાવવાની ઈચ્છા થતાં તેણે મને કહેવરાવ્યું. મેં તેને રથમાં બોલાવી મગાવી. પણ કન્યાદાન સમયે મેં તેની સામું જોયું એટલે તે મૂર્ચ્છા પામી ગઈ. પરણી ત્યારથી રડ્યાં કરે છે. ભૃગુ મારી પાસે આવીને ખુલાસો માગે છે. હું કહું છું તેમાં મારો શો દોષ ? મારો દોષ હોય તો સાબીત કરી બતાવો. હું પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર છું. એ તે શું સાબીત કરવાનો હતો ! એ કહે છે: જે કાંઈ બને તેને માટે રાજા જવાબદાર છે. મને શાપ આપવાની વાતો કરે છે. આ બ્રાહ્મણો મૂર્ખ છે. તેના કરતાં જંગલી લોકો સારા. તેમને આવી કશી જ ખટપટ નહિ. મેં તમને કાલ્પીઓની વાત કહી ?”

“ના મહારાજ ! મેં એ નામ પણ નથી સાંભળ્યું.”

“એ જાતિ આર્યાવર્તમાં અજ્ઞાત છે. તે એક દૂર દક્ષિણની કિરાતજાતિ છે. અતિ ભયંકર છે. તેમની સ્ત્રીઓ ઘણી રૂપાળી હોય છે. કોઈ કોઈ જાતિમાં પુરુષ કરતાં સ્ત્રી વધારે રૂપાળી હોય છે એ શું હશે ?”

“એવું ઘણી જાતિમાં હોય છે. આહીર શક બાહ્‌લિક વગેરે ઘણી જાતિએમાં મેં એમ જોયું છે.”

“મારા અવરોધમાં દરેક જાતિની સ્ત્રી છે પણ કાલ્પીની નથી. મેં એવી સ્ત્રી મેળવવા ઘણો પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નહિ. એ લોકો પોતાની સ્ત્રીઓનું શિયળ બહુ જ સખ્તાઇથી સાચવે છે. એમની સ્ત્રીઓ પણ એવી જ બહાદુર હોય છે. પણ મિત્ર, તારા સિદ્ધાંજનથી મને સર્વત્ર ગતિ પ્રાપ્ત થઈ છે. એ કાલ્પીના વૃત્તાંતમાં મેં તારા અંજનનો ખરો પ્રભાવ જોયો. આ કોનો પ્રયોગ છે?”

“બાભ્રવ્યનો.”

“કાંઇ અજબ શક્તિવાળો છે. દક્ષિણમાં ઘોર દુષ્કાળ પડવાથી કાલ્પીના મુખીઓએ દંડકામાં પોતાનાં ઢોર સાથે આવવાને મારી રજા માગી. હું શા સારુ ના પાડું ? એ લોકોમાં સ્ત્રીઓ પણ પુરુષના જેવાં બધાં કામ કરે છે. ગઈ કાલે મેં એક કાલ્પીને આંબલી ઉપર એકલી દીઠી. કેવળ સોળ સત્તર વરસની મુગ્ધા હશે. મેં તેના સામું જોયું. એ તો તરત પાકેલા ફળની પેઠે નીચે જ પડી. જાણે તેના પર કોઈ ખરે જ બલાત્કાર કરતું હોય તેમ તરફડિયાં મારવા માંડી, અને બેભાન થઈ ગઈ. હું ચાલી આવ્યો. એ લોકો બિચારા સારા ! રાજાની ફરજ કે ધર્મ કે પ્રાયશ્ચિત્ત કે એવી કશી વાતો જ નહિ કરવાના !”

“ત્યારે મહારાજ, હવે હું રજા લઉં ? હવે મારું કામ છે ?”

“ના.”

“મહારાજનો જય હો !”

“ભગવાન બાભ્રવ્યનો જય હો ! ”

*

પણ એ કાલ્પી મુગ્ધાનો વૃત્તાન્ત એટલેથી અટક્યો નહિ. કોઈ કાલ્પીએ તેને પડેલી જોઈ અને બીજાને બોલાવી તેને ઝૂંપડે લઈ ગયા. ત્રણ દિવસ સુધી તેનાં સગાં અને તેમના ટોળાના મુખીએ દેવીની આરાધનાનાં ગીતો ગાતા, પાવા વગાડતા અને ડાકલાં વગાડતા તેની આસપાસ બેસી રહ્યા. ત્રીજે દિવસે એ બાઈ ધૂણી. ઘણીવાર જેમ સ્વપ્નામાં આપણે આપણા અનુભવની નવી સૃષ્ટિ રચી, તે સૃષ્ટિ આપણે રચી છે તે ભૂલી જઈ, તેને જ ઓળખીએ છીએ, તેને જ સાચી માનીએ છીએ, તેમ અસંસ્કૃત જાતિઓ ઘણી વાર વ્યવહારમાં કરે છે. આ કાલ્પી સ્ત્રીએ પોતાના અનુભવ એવા રૂપમાં કહ્યો. તેનામાં આવેલી માતાએ ધૂણીને કહ્યું: “જોઈ શું રહ્યા છો ! આને રાજાએ અભડાવી છે. તમારી દેવીને રાજાએ અભડાવી છે.” એટલું કહી એ બાઈ મરણ પામી. તેને ઉપાડીને લઈ આવેલા કાલ્પીએ સાક્ષી પૂરી કે તેણે રાજાને એટલામાં જતો જોયો હતો. કાલ્પીના મુખીએ એ જ વખતે એક ભયંકર કીકિયારી કરી ભાલાની અણીથી અંગૂઠામાંથી લોહી કાઢી તેનું એક ટીપું રાખ ઉપર પાડ્યું, અને બીજા ટીપાથી ભાલાને તિલક કરી તે લાલ ધજાવાળો ભાલો શબના ઓશીકા તરફ એક જ ઘાએ ખોડી દીધો. દીકરીના બાપે ઝૂંપડામાંથી ઢોલ લાવી યુદ્ધની ચાલે તેને વગાડવા માંડ્યો. જાણે એ ઢોલના જ પડઘા દિશાઓમાં પડતા હોય તેમ બધી દિશાઓમાં જ્યાં જ્યાં કાલ્પીઓએ તે સાંભળ્યો ત્યાં ત્યાં તેવી જ રીતે વગાડ્યો અને ફરતા બસો ગાઉમાં જ્યાં જ્યાં કાલ્પીઓ હતા ત્યાં ત્યાં સૌએ એ જ પ્રમાણે વગાડ્યો. અને પછી જાણે દિશામાંથી ઉત્પન્ન થતા હોય તેમ કાળા ચળકતા શરીરવાળા, હાથમાં ભાલા કામઠું અને ખભે ભાથાવાળા પુરુષો, અને પાણીની માટલી અને વધારાના ભાથાવાળી કાલ્પી સ્ત્રીઓનાં ટોળાં ત્યાં નાચતાં કૂદતાં ધૂણતાં ઢોલ વગાડતાં ભેગાં થવા માંડ્યાં. દરેક ટોળાનો મુખ્ય માણસ આવીને ભાલાની અણીથી એક લાહીનું ટીપું પેલા શબ પર પાડતો અને બીજા ટીપાથી ખોડેલા ભાલાને તિલક કરતો. ત્રણ દિવસ અને ત્રણ રાત આ પ્રમાણે જાણે કુદરતનો કોપ થયો હોય તેમ ઢોલા વાગ્યા કર્યા અને કાલ્પીઓનાં ટોળાં આ જગાએ ભેગાં થયા કર્યાં.

રાજાને બાતમી મળી કે કાલ્પીઓ કામઠાં સાથે ભેગા થાય છે પણ શા માટે થાય છે તે તે સમજી શક્યો નહિ. બાતમી ઉપરથી તેઓ પોતાની કોઈ દેવીનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છે એમ તેણે માન્યું. વળી કાલ્પીઓની બરાબર સંખ્યાની તેને માહિતી નહોતી. તેમ છતાં તેણે લશ્કર તો તૈયાર કરાવ્યું પણ આ લોકો ઉપર તે હલ્લો ન લઈ ગયો. કદાચ દેવળ ધાર્મિક ક્રિયા ચાલતી હોય; આ ઝનૂની લોકોને નિરર્થક લડાઇનું કારણ આપવું તેને વાજબી ન લાગ્યું. આ રીતે સજ્જ થઈ પડી રહેવાથી તેના લશ્કરમાં શિથિલતા પણ આવી. ચોથે દિવસે કાલ્પીનું જૂથ રાજમહેલ તરફ ધસ્યું. રાજાનું સૈન્ય તેની સામું થયું. પણ કાલ્પીઓનો ધસારો જ જબરો હતો. તેમનાં પોતાનાં કેટલાં માણસો મરે છે તેની તેમને ગણના કે દરકાર હતી જ નહિ. માત્ર એક જ મનોવેગથી જાણે બધા ધસ્યા આવતા હતા. ઘણા કાલ્પીઓ મરાયા પણ તેમના શબ ઉપરથી બીજા એટલા જ વેગથી ધસી આવતા હતા. કાલ્પીનાં તીરોને ઝેર પાયેલું હતું અને તેથી તે તીરથી ઘવાયેલ માણસ ફરી ઊઠી શકતો નહોતો. રાજાના સૈન્યે સારી ટક્કર લીધી પણ પછી પોતાની સંખ્યા ઘટી જોતાં, કાલ્પીઓની સંખ્યા બેસુમાર દેખાતાં, તે હિંમત હારી નાસી ગયું. કાલ્પીએ રાજાને પકડ્યો, અને રાજમહેલના સર્વ પુરુષોને અને ભાયાતોને કતલ કર્યા, પછી રાજાને લઈ જઈને પેલા આંબલીના ઝાડ ઉપર બાંધ્યો અને રાજમહેલને આગ લગાડી. ત્રણ દિવસ સુધી રાજમહેલ સળગ્યા કર્યો. તે સળગી રહ્યો એટલે કાલ્પીઓના મુખીએ એક ટોપલો લઈ શુષ્કનીરા નદીમાંથી રેતી લાવી રાજમહેલની જગાએ નાંખી. એ જ પ્રમાણે કાલ્પી સ્ત્રીપુરુષોએ નદીની રેતી બળી ગયેલા રાજમહેલના મેદાન ઉપર નાંખવા માંડી. ત્રણ દિવસ સુધી પુરુષોએ ગીત ગાતાં ગાતાં રેતી જ વહ્યા કરી અને ઢગલો ઊંચો કર્યા કર્યો. યુદ્ધને સાતમે દિવસે સર્વ


  1. ૧ સામ દાન ભેદ દંડ એ ચાર ઉપાયો પૈકી સામ એટલે સમજાવવું, સારું લગાડવું.
  2. ૨ જગતમાં જે કાંઈ છે તે નિયત છે એમ માનનાર એક નિયતિવાદી શ્રમણસંપ્રદાય.
  3. ૧ સરપ અને નોળિયો. સંસ્કૃતમાં નિત્ય શત્રુઓનો એક સમાસ થઈ શકે છે. અહિ–નકુલ તેનો દાખલો છે.
  4. ૧ આદિ જૈનતીર્થંકર ઋષભદેવના સાધુઓને ઋજુજડ કહેતા.
  5. ૧ વિન્ધ્ય પર્વતની ઉત્તરનો હિંદ જે પ્રાચીન સમયમાં ખરો આર્યાવર્ત ગણાતો હતો.
  6. ૧. ચાર્વાકમતનો.
  7. ૧ જનાનો.