દ્વિરેફની વાતો – ભાગ બીજો/સુરદાસ
← બે મુલાકાતો | દ્વિરેફની વાતો – ભાગ બીજો સુરદાસ રામનારાયણ પાઠક |
મેહફિલે ફેસાનેગુયાન : સભા પહેલી → |
સુરદાસ
તેને સૌ સુરદાસને નામે ઓળખતા. પ્રસિદ્ધ ભક્ત કવિ સુરદાસે પોતાની આંખો ફોડી હતી એવી વાત જ્યારથી ચાલી ત્યારથી દરેક આંધળાને અને ખાસ કરીને આંધળા બાવાને સૌ સુરદાસ કહે છે. તે પણ આંધળો બાવો હતો.
શહેરમાં એક ધરમશાળા હતી. તે રસ્તાની બે બાજુ આવેલી હતી. એક બાજુ ગૃહસ્થોને ઉતરવા માટે ઓરડીવાળાં મકાનો હતાં અને તેની સામે બીજી બાજુ પતરાંના છાપરાવાળું એકઢાળિયું હતું. એકઢાળિયાને કેડપૂર દિવાલ હતી, તેની ઉપર તે ખુલ્લું હતું. સુરદાસ આ એકઢાળિયાવાળા ભાગમાં આવતા જતા બીજા બાવાઓ સાથે રહેતો.
સુરદાસ આશરે ત્રીસ વરસનો હતો. તેને કોઈ મિત્ર નહોતો તેમ તે શહેરમાં જઈ બીજાઓની માફક માગી શકતો નહિ. ધરમશાળાના ઉતારુઓ કોઈ વાર કાંઈ આપે, કોઈ આવતો જતો પૈસા પાઈ આપે, પણ તેનાથી તેનું હંમેશનું ગુજરાન થાય તેમ નહોતું; તેનું ગુજરાન ધરમશાળાની ખબર રાખનાર એક વિઠ્ઠલ મરાઠો કરતો. કોણ જાણે કેમ, કંઈ પણ કારણ વિના, તે હમેશાં સુરદાસને એક બે વાર મળી જતો, સુરદાસ પાસે પૈસા હોય કે ન હોય, પણ તે તેને જોઇતી ચીજ અને ખાવાનું પૂરું પાડતો.
સુરદાસ એક નાનું ડફ લઈ સાંજે ગાતો. તેનો કંઠ બહુ સારો નહોતો પણ તે રીતસર તાલબદ્ધ ગાઈ શકતો અને ડફ ઘણું સુંદર વગાડતો. પણ શહેરના લોકોને તેની કદર નહોતી. એક વાર એક પરગામનો પ્રસિદ્ધ સાક્ષર ત્યાં કોઈ સંસ્થાના ‘આશરા’ નીચે ભાષણ આપવા આવેલો, તે અહીંથી પસાર થતાં આનું ગીત સાંભળી ત્યાં ઊભો રહેલો, અને તેથી, આપણા ‘પર પ્રત્યય’ ૧[૧]ના નિયમ પ્રમાણે, શહેરના લોકોને પણ લાગ્યું કે આ સાંભળવા જેવું છે. ત્યારથી સાંજે સાંજે સુરદાસ પાસે એક નાની મંડળી ભરાતી, આવતા જતા મજૂરો અને કોઈ સારા માણસો પણ તે સાંભળવા ઊભા રહેતા અને સુરદાસને બે પૈસા આપતા. હવે સુરદાસ પહેલાંની અપેક્ષાએ તેમ જ બીજા બાવાઓની અપેક્ષાએ પૈસાદાર થવા લાગ્યો. વિઠ્ઠલે ઉતરેલાં કપડાં વેચાતાં આણી આપ્યાં અને સુરદાસ ભિખારીમાંથી કંઈક સભ્ય ગાવાવાળો ગણાવા લાગ્યો.
કેટલાક દિવસથી શહેરમાં એક પરદેશી સારંગીવાળો આવ્યો હતો. તે દેખાવમાં પણ ફક્કડ હતો. માથે એક જૂનો રેશમી ફેંટો, રાજાઓ બાંધે છે તેવી રીતે તે બાંધતો, ઉત્તર હિંદમાં પહેરે છે તેવો એક લાંબો અચખન જેવો ડગલો પહેરતો અને દુકાને ફરી ફરીને ગાઈ ને પોતાનો નિર્વાહ કરતો. એક દિવસ ફરતાં ફરતાં તે આ ધર્મશાળામાં આવી ચડ્યો અને તેણે આ સુરદાસને ડફ બજાવતો અને ગાતો સાંભળ્યો. “વાહ વાહ સુરદાસજી, બહુત અચ્છા ગાતે હો” કહી તે તેની પાસે ઓટલા ઉપર બેઠો. “અચ્છા કુછ સુનાઈએ. મૈ સારંગી બજાતા હું” કહી તેણે સારંગી પર ગજ ફેરવવા માંડ્યો. સુરદાસે ગાયું. તેના ડફ પર પરદેશી મુગ્ધ થઈ ગયો. તેણે સુરદાસને “જી કુછ લીજિયે પાનસુપારીકે લિયે ” કહી એક પૈસો આપ્યો. પાસે બેઠેલા એક બીજા બાવા–ભિખારીએ કહ્યું: “તુંમ ભી માંગનેવાલા હો, તુમ કૈસે દે સકતે હો ? ” પરદેશીએ કહ્યું: “જી મૈં તો પાનસુપારીકે લિયે દેતા હું. મૈં શહેરમેં ફિરતા રહેતા હું તો કભી સુરદાસજીકો કૈસે ન દું.” સુરદાસ ખુશ થયો. તેણે બીજું ગીત લલકાર્યું અને સારંગી ડફ ગીતના આકર્ષણથી ત્યાં સારું ટોળું થઈ ગયું. હવે તેણે પરદેશીને ગાવા કહ્યું. તેનો સૂર વધારે આકર્ષક હતો. લોકોની મેદની વધી. પૈસા પડવા માંડ્યા તે બધા ભેગા કરી તેણે સુરદાસને આપ્યા. પણ સુરદાસ સમજી શક્યો કે પરદેશીનો સૂર પોતાના કરતાં વધારે સારો હતો. તેથી તે જરા ખશિયાણો પડી ગયો અને તે તેના મોં પર દેખાયું. તેણે કહ્યું: “આપ તો મુજસે બહુત અચ્છા ગાતે હો !” સારંગીવાળો આ સમજી ગયો અને તેણે સુરદાસને ફરી ઉત્સાહ આપવા પણ સાચા દિલથી કહ્યું: “મૈં સારે હિંદુસ્તાનમેં ઘૂમા હું. લેકિન ઐસા ડફ કહીં ભી નહિ સુના હૈ.” સુરદાસ ફરી ઉત્સાહમાં આવ્યો, અને તેણે વળી થોડાં ભજનો ગાયાં. સારંગીવાળાએ થોડી વારે પૂછ્યું: “સુરદાસજી, આપ ક્યા કરતે હો ?”
“કુછ નહિ. બસ ભજન કરતા હું.”
“તો ચલો મેરી સાથ. શહેરમેં દોનું સાથસાથ ઘૂમેંગે. એકસે ભલા દો.
“હાં કુછ હરકત નહિ.”
“તો ચલો અભીસે.”
બન્ને વચ્ચે સમજુતી થઈ ગઈ અને સ્ટેશન તરફના રસ્તે બન્ને ચાલ્યા.
હવે ગામમાં આ બે માણસો વધારે પ્રસિદ્ધ થયા અને તેમને વધારે પૈસા પણ મળવા માંડ્યા.
એક દિવસ એ જ ધરમશાળાના ઓટલા પર સુરદાસ અને પેલો સારંગીવાળો પરદેશી ગાતા હતા. ત્યાં તેમણે ઓચિંતું જોયું કે પોતાના ગીતમાં કોઈ ત્રીજો અતિ મધુર સ્વર ભળેલો છે. પરદેશીએ બજાવતાં બજાવતાં જોયું તો ઓટલા પાસેના કઠેડા ઉપર એક સ્ત્રી ઝૂકી રહી છે અને બહુ જ સ્વાભાવિક રીતે તલ્લીન થઈ સાથે સાથે ગાય છે. તેનું માથું ખુલ્લું હતું, કાળા વાળની સુંદર લટો ગળાની બન્ને બાજુ ખભા ઉપર થઈ છાતી પાસે લટકતી હતી. તેના કપાળમાં ભસ્મનો ચાંદલો હતો. તેણે શરીરે એક કફની જેવું પહેરણ પહેરેલું હતું. તે ક્યારે આવી, અહીં પહેલેથી રહેતી હતી કે હમણાં આવી, તે કેવડી ઉંમરની હતી, તે પરણી હતી કે કુંવારી તે કોઈ જાણતું નહોતું. ધર્મશાળા એટલી પ્રસિદ્ધ જગા છે કે ત્યાં કોઈ કોઈને ઓળખતું હોતું નથી. જાદુગરના પટ પર જેમ ઓચિંતું કોઈ માણસ કે પદાર્થ દેખાય, નાટકના તખ્તા પર કોઈ નવું પાત્ર પ્રવેશ કરે, તેમ આ ધર્મશાળામાં આ બાઈ ઓચિંતી જ દેખાઈ, અને આ સુરદાસના જીવનનાટકમાં તેણે ઓચિતાં જ પ્રવેશ કર્યો.
ગાયન પૂરું થયું એટલે પરદેશીએ કહ્યું: “આઈએ માઈ. કહાંસેં આ રહી હો ?”
“અભી આઈ.”
“કહાંસે આઈ ?”
બાઈ માત્ર નિર્દોષ, પણ જરા વ્હીલા મોઢાથી હસી, અને તે વખતે તે વધારે સુંદર દેખાઈ.
“તુમ ગાના કહાં સીખી ? બહુત અચ્છા ગાતી હો.”
“તુમ ગાતે થે, ઔર મેં ભી ગાને લગી !”
“લેકિન તુમ કહાં સીખી ?”
તેણે ફરી તેવું જ વ્હીલું સૂનું હાસ્ય કર્યું.
“અચ્છા, તો દેખો માઈ, તુમ હમારી સાથ ચલો. ઔર હમારી સાથ તુમ ભી ફિરને લગો. હમ સબ સાથ ગાયેંગે ઔર સાથ ખાયેંગે.”
“અચ્છા.”
“તુમ્હારા નામ ક્યા ?” સુરદાસે પૂછ્યું.
“રામપ્યારી.”
પરદેશીએ ડબરો ખોલી તેનું ઢાંકણું, ડબરો, થોડા કાગળના કડકાઓ પાથરી ત્રણ ભાણાં બનાવ્યાં, અને એકેક દરેકની પાસે મૂક્યું. ખાવાનું શરૂ થયું પણ રામપ્યારી માત્ર વ્હીલે મોઢે મંદ મંદ હસતી હતી, અને બન્ને સામે જોતી હતી. પરદેશી તેની આ વિલક્ષણતા સમજવા તેની સામે વારંવાર જોતો હતો. એટલામાં સુરદાસે કહ્યું “રામપ્યારી, તુમ ક્યોં નહીં ખાતી હો.?”
જવાબમાં રામપ્યારી માત્ર હસી અને તે વખતે તેના મોં પર કોઈ અદ્ભુત સૌંદર્ય ઝળકી રહ્યું. તેણે તે વખતે કશું ખાધું નહિ.
રામપ્યારી, બાવાઓમાં જ મળી આવે તેવી વિલક્ષણ પ્રકૃતિની હતી. તે સ્વભાવે સૂની હતી. ગાવા સિવાય તેને કોઈ પણ ઐહિક વસ્તુમાં રસ નહોતો. આવાં માણસો ગાંડાં દેખાય, પણ રામપ્યારીમાં કોઈ અગાધ સૌજન્ય હતું, અને તે હસતી ત્યારે આખા મુખ ઉપર છવાઈ તેને અપ્રતિમ સૌન્દર્ય અર્પતું. આ સૌજન્યથી જ તેનું મુખ રેખા વિનાનું, બાળક જેવું ભરેલું દેખાતું, અને તેથી તે મોટી ઉંમરની હતી છતાં જુવાન લાગતી.
હવે શહેરમાં આ ત્રણેય જણાં સાથે ફરવા લાગ્યાં. સંગીતનો પૂરો સરંજામ હવે આ મંડળીમાં થઈ ગયો. રામપ્યારી ગાતી, સુરદાસ ડફ વગાડતો અને પરદેશી સારંગી વગાડતો. સારંગીવાળો આગળ ચાલતો, અને તેની પછવાડે રામપ્યારીને ખભે એક હાથ દઈ બીજે હાથે ડફ ઝાલી સુરદાસ ચાલતો. આ મંડળી જ્યાં જ્યાં જતી ત્યાં મોટાં ટોળાંને આકર્ષતી. માણસો આપે તે પૈસા લેવાનું કામ રામપ્યારી કરતી. હવે તેમને પૈસા પણ ઠીક થતા.
એક દિવસ આ ગાનારની મંડળી એક કંદોઈની દુકાન આગળથી પસાર થતી હતી. દુકાનમાં બેઠેલા જુવાન છોકરાએ મશ્કરીમાં કહ્યું.
“સુરદાસજી ! આ તમારી સાથે કોણ છે ?” સુરદાસજીએ કહ્યું “ક્યોં ! રામપ્યારી હૈ. વહ ભી હમારે સાથ ગાતી હૈ.”
પેલા છોકરાએ મશ્કરીમાં કહ્યું: “સુરદાસજી ! નસીબદાર છો. બહુ સુંદર બૈરી મળી ગઈ છે.”
રામપ્યારી માત્ર સામું જ જોઈ રહી હતી.
ટોળામાંથી એક બીજો માણસ બોલ્યો: “નસીબદાર તો કેવા ? આ ફાંકડા પરદેશીને છોડીને જુઓ ને આ આંધળાને મોહી ગઈ.”
રામપ્યારી તેનું વિલક્ષણ હાસ્ય હસી.
ત્રીજાએ મશ્કરી કરતાં કહ્યું: “અલ્યા કેમ આંધળો એટલે ન પરણે એમ ? તમે બધા દેખતા જ પરણો ને આંધળો રહી જાય ?”
રામપ્યારી વધારે ઉતાવળું ફરી હસી.
પરદેશીએ ત્યાંથી ચાલવા રામપ્યારીને કહ્યું અને સૌ ત્યાંથી ચાલ્યાં. પણ તે દિવસે તેઓ વધારે ફર્યાં નહિ. થોડા પૈસા લઈ સૌ પાછાં આવ્યાં.
સુરદાસને આ રામપ્યારીનો સ્પર્શ એ જીવનમાં પહેલો જ સ્ત્રીનો સ્પર્શ હતો. તેને રામપ્યારી સાથે પરણવાની સ્ફુટ ઈચ્છા થઈ નહોતી. પણ કયા જુવાનને સ્ત્રીનો સ્પર્શ અસર કર્યા વિના રહ્યો છે? તે રામપ્યારીના અવાજથી મુગ્ધ હતો, તેના સ્પર્શથી રોમાંચ અનુભવતો અને અંધાપાને બહાને તેને રામપ્યારીની સોબત સતત મળ્યા કરતી તેથી જીવનમાં નવો આનંદ અનુભવતો. સતત સોબત અને સતત સંસર્ગથી તેનું મન રામપ્યારીની સોબત ઉપર પોતાને સ્વામિત્વ મળ્યું સમજતું હતું. પણ આ કંદોઈની વાતચીત ઉપરથી તેના મનમાં નવો સંશય ઉત્પન્ન થયો. રામપ્યારી રૂપાળી હતી ? પરદેશી પણ ફાંકડો હતો ? પોતે તો આંધળો હતો ! પોતાનું રૂપ કેવું છે તે જાણવા તેની પાસે આંખ નહોતી ! રામપ્યારીના રૂપની કદર પણ તે કરી બતાવે તેમ નહોતું ! રામપ્યારી પોતા જેવા અપંગને ચાહે તે અશક્ય હતું. તે જરૂર પેલા પરદેશીને ચહાતી હશે, બન્ને ગમે તેમ કરતાં પણ હશે તેની તેને ખબર પણ ક્યાંથી પડે ! …
સ્ત્રીપુરુષના પ્રેમફળમાં ગુપ્ત રીતે ઈર્ષ્યાનો કીડો રહેલો છે. ઘણીવાર, ફળ બેઠા પહેલાં, તે કીડો ફળના પૂર્વરૂપ મધુને અને ઝાડને બન્નેને ખાવા માંડે છે. સુરદાસને પણ તેમ થયું. તેને આંખ હોત તો તે તરત જોઈ શકત કે રામપ્યારીમાં દાંપત્ય પ્રેમને સ્થાન જ નહોતું. એ વાત દુનિયામાં ફરીને અનુભવી થયેલો પરદેશી સારંગીવાળો જાણતો હતો. સુરદાસને આંખ હોત, તો પરદેશીની આંખ જોઈને પણ તે સમજી શકત કે પરદેશીની ઈર્ષ્યા કરવાને કશું જ કારણ નહોતું, પણ આંધળા માણસને મોટામાં મોટો ગેરફાયદો એ છે કે બીજાના મોં પરના ભાવો જોઈને પોતાના અભિપ્રાયો સુધારવાની તેને તક જ મળતી નથી. માણસ પોતાનું પોણું જીવન તો બીજાને જોઈને સુધારે છે, અને બીજાને જોવાનું પોણું કામ આંખો કરે છે. તે આંખ આ સુરદાસને નહોતી. તેને ગંદામાં ગંદા વિચારો આવવા લાગ્યા.
એક દિવસ રાતે ઓટલેથી ઉતરતાં સુરદાસનો પગ પગથિયું ભૂલ્યો, લપસ્યો અને મરડાયો. તેનાથી ગામમાં ફરાય તેમ ન રહ્યું. તે જાણતો હતો કે આજસુધીમાં તેમની પાસે પાંચેક રૂપિયા ભેગા થયા હતા. તેણે પરદેશીની ગેરહાજરીમાં રામપ્યારીને કહ્યું કે તું આજે ન જતી. મારો પગ સારો નથી માટે તારું કામ પડશે. રામપ્યારી માત્ર હસી જ. પણ સુરદાસની ચાકરી રામપ્યારી કરી શકે એટલા માટે જ પરદેશી આજે બહારથી મોડો આવ્યો. આવીને તેણે સુરદાસને કહ્યું: “ઈસ ટ્રેન કે બખત પર ઘંટે દો ઘંટે સિર્ફ જાને દો. તુમ્હારા કામ તો સબ હો ગયા હૈ. હમ લોગ અભી લૌટ આયંગે.” સુરદાસે પૂછ્યું “ ક્યોં રામપ્યારી, તુજકો જાના હૈ ?” રામપ્યારીએ હસીને કહ્યું “હાં ! જાઉં.” સુરદાસે શરૂ કર્યું “લેકિન મુઝકો...” પણ તેને કશું કામ યાદ ન આવ્યું. સુરદાસની અપ્રસન્નતા જોઈ ને પરદેશીએ કહ્યું: “ઔર દેખો, સુરદાસજી, મેં તુમ્હારે લિયે એક અચ્છી લકડી લે આઉંગા, યહ મેરી કસૂર હોઈ કી અબી તક તુમ્હારે લિયે મૈં લકડી નહી લાયા. અચ્છે આદમીકો ભી લકડી ચાહિયે, તો આપ કે લિયે તો જરૂર હોની ચાહિયે.” મનના અનેક વિચારોમાં ગૂંથાતાં સુરદાસે કહ્યું: “અચ્છા, જાના હો તો જાઓ.” રામપ્યારી અને પરદેશી ચાલ્યાં. સુરદાસ ઘણીવાર સુધી સારંગીના સુરો દૂર જતા લુપ્ત થયા ત્યાંસુધી સાંભળતો ઊભો રહ્યો.
થોડીવારે ધર્મશાળાનો પરિચિત કોઈ બાવો આવ્યો તેણે પૂછ્યું “ક્યોં ! સુરદાસજી, આજ ફિરનેકો નહીં ગયે?” સુરદાસજીએ પગ મચકોડાયેલો બતાવ્યો. બન્ને વાતે ઊખળ્યા. સુરદાસે વાતવાતમાં પૂછ્યું: “તુમકો યહ પરદેશી કૈસા લગતા હૈ ?”
“હાં, દેખનેમેં તો અચ્છા લગતા હૈ.” જવાબનો અર્થ તો એટલો જ હતો કે દેખીતો તે પરદેશી સારો લાગે છે, અનુભવ વિના વધારે શું કહી શકાય ? સુરદાસ એ સમજ્યો પણ તેના સંશયદગ્ધ મને સાથે સાથે એવો અર્થ પણ કર્યો કે પરદેશી દેખાવડો છે. તેણે અવાજને સ્વાભાવિક રાખી પૂછ્યું: “અચ્છા ! યહ સિર પર ક્યા રખતા હૈ ?”
“સાફા રખતા હૈ.”
સુરદાસે વિચાર્યું કે પોતે ટોપી જ પહેરે છે. તેણે પૂછ્યું: “અચ્છા યહ કહિયે. દેખનેમેં સાફા અચ્છા લગતા હૈ યા ટોપી ?”
“વહ તો જૈસા આદમી. કિસીકું ટોપી અચ્છી લગે, કિસીકુ સાફા.”
આથી સુરદાસની મૂંઝવણ વધી. સારાં દેખાવાની વાત તેને વધારે ને વધારે અગમ્ય અને પોતાને માટે અશક્ય લાગતી ગઈ. તેણે પાણી માગી વાત બદલી.
અધૂરામાં પૂરું તે દિવસે ટ્રેન મોડી આવવાને લીધે રામપ્યારી અને પરદેશી બન્ને જરા મોડાં આવ્યાં. સુરદાસ કાંઈ બોલ્યો નહિ. ખાતી વખતે માત્ર તેણે બહુ વિચારીને એક પ્રશ્ન પૂછ્યો: “અચ્છા જી, આપ કહાં કે રહેનેવાલે?” પરદેશીએ, જે વિવેક હિંદુસ્તાનીઓને જ આવડે છે તે વિવેકથી જવાબ આપ્યો “જી મૈં જૌનપુરમેં રહતા હું.”
સુરદાસે તરત બીજો સવાલ પૂછ્યો: “અચ્છા તો રામપ્યારી, તુમ કહાં રહતી હો?”
“જૌનપુર.” એક બાળક જેમ વિચાર કર્યા વિના વાક્યનો છેડો પકડી લઈ જવાબ આપે તેમ રામપ્યારીએ જવાબ દઈ દીધો.
સુરદાસ વહેમાયો તે પરદેશીએ જોયું, રામપ્યારીનો જવાબ ખોટો હતો તે પણ પરદેશી સમજી શક્યો હતો. તેણે ઊલટ તપાસ કરી સુરદાસનો સંશય કાઢવા પૂછ્યું : “અચ્છા, તો તુમ જૌનપુરમેં કહાં રહતી હો? કિસકી લડકી?”
રામપ્યારી તેનું વિલક્ષણ હાસ્ય માત્ર ફરી હસી. પરદેશીએ વધારે પૂછવું બંધ કર્યું.
આમ બે ત્રણ દિવસ ચાલ્યું. હવે તો તે રામપ્યારીને રોકાવાનું કહી શકે તેમ ન રહ્યું, કારણકે જૂની બચત ખૂટતી જતી હતી અને ઘણો વખત સુરદાસની ચાકરીમાં જતો હતો તેથી પેલાં બે શહેરમાં ઝાઝું ફરી શકતાં નહોતાં.
આઠ દસ દિવસે સુરદાસ હાલતો ચાલતો થયો. પૈસાની તંગી હતી તેથી શહેરના જે દૂરના ભાગમાં ઘણા દિવસથી તેઓ ગયાં નહોતાં ત્યાં આ વખતે ગયાં. તેમને ઘણે દિવસે ફરતાં જોઈ એક જુવાને કહ્યું:
“અહો ! સુરદાસજી, તુમ ફરી આયે ? મૈં તો સમજતા થા કિ યહ દોનું ફક્કડ બચારા અંધેકુ છોડ કર સહેલ કરનેકું કિધરભી ચલ ગયે !”
રામપ્યારી જરા હસી. પરદેશી બોલ્યો: ‘હમ ગરીબ લોગોં કો ઐસે બદનામ ક્યોં કરતે હો !” પણ સૂરદાસના મનમાં આનો સખ્ત ડંખ લાગ્યો.
એક દિવસ આખી મંડળી બજારમાં ગાતી હતી. તે દિવસે રામપ્યારી નદીથી નાહીને પાછી આવતી હતી, ત્યારે કોઈ બ્રાહ્મણે તેને કપાળમાં ચંદન ચર્ચ્યું અને રસ્તામાં આવતાં એક છોકરાએ તેની ડોકમાં ફૂલનો હાર પહેરાવ્યો હતો, તે તેણે તેમને તેમ રહેવા દીધો હતો. તેના વાળ હંમેશની જેમ છૂટા ખભા પર થઈને છાતી પર ઢળેલા હતા. હમેશની માફક તે તલ્લીન થઈ ગાતી હતી ને આજે હંમેશ કરતાં કંઈક વધારે આકર્ષક દેખાતી હતી. તેણે આજે ગઝલ ઉપાડી હતી. તેણે ગાયું:
હાં રી આજ આ બન ઠન કે કિધર જાતે હૈ ?
મેહિકલો હરરોજમગરજાતે હૈ!
“હૈ” આગળ ગાવામાં પ્રબલ તાલ પડતાં તેનું ડોકું સ્વાભાવિક રીતે ધૂણતું, તેના વાળ અને આખું લાવણ્યમય અંગ કંપતું અને અધિક લાવણ્યવાળું લાગતું, ગીત પૂરું થતાં ટોળામાંથી એકે કહ્યું: “રામપ્યારી ! તું પણ આજ ખૂબ બની ઠની છે. આમ બની ઠનીને ક્યાં જવાની છે ?” રામપ્યારી હસી. પરદેશીએ સલામ કરી તે બંધ કરવા સર્વને વીનવ્યા, અને મંડળી લઈને આગળ ચાલ્યો. પરદેશી સ્પષ્ટ જોઈ શક્યો કે સુરદાસ આથી ચિડાયો હતો.
મંડળી આગળ ગઈ અને રામપ્યારીએ કોણ જાણે કેમ એ જ મૃત્યુગીત ફરી ગાવા માંડ્યું,
હાં રી આજ આજ બન ઠન કે કિધર જાતે હૈ.
વળી મંડળી આગળ ચાલી. પરદેશીએ રામપ્યારીને કાંઈ બીજું ગીત ગાવાનું કહ્યું. તેણે બીજું ગીત ઉપાડ્યું પણ તે મૃત્યુગીત જ હતું.
કર લે સિંગાર, ચતુર અલબેલી,
સાજન કે ઘર જાના હોગા ।।
નહા લે, ધો લે, સીસ ગુઁથાલે,
ફિર વહાંસે નહિ આના હોગા ।।
કરલે સિંગાર.
પણ આ ગીતમાં પણ સુરદાસને તો બની ઠનીને નાસી જવાનો ધ્વનિ જ દેખાયો.
સાંજે ફરીને બધાં ધરમશાળામાં આવ્યાં. સુરદાસને પ્રસન્ન કરવા પરદેશીએ આજ થોડી મીઠાઈ લીધી હતી. ધર્મશાળામાં આવી ત્રણેય ખાવા બેઠાં. જમતાં જમતાં લોટો ઢળી ગયો હોવાથી પરદેશી પાણી લેવા ગયો.
આજ સવારથી સુરદાસ વહેમાયો હતો: બન્ને જૌનપુરનાં વતની છે, આજે રામપ્યારીએ કંઈક ખૂબ ઠઠારો કર્યો છે, રસ્તામાં પણ તે બની ઠનીને નાસી જવાનું જ ગાતી હતી, આજે મીઠાઈ લીધી છે તે રસ્તામાં ભાતા તરીકે કામમાં આવે માટે લીધી છે, આજે જ જરૂર આ પરદેશી રામપ્યારીને લઈને નાસી જવાનો છે એમ તેણે સાંકળો મેળવી રાખી. વહેમથી શરવા થયેલા કાને તેણે પરદેશીને ઊઠતાં સાંભળ્યો અને તરત પૂછ્યું: “ક્યોં ! પરદેશી, કિધર જાતે હો!” તેણે કહ્યું કે પાણી ઢળી ગયેલું હોવાથી તે ફરી ભરવા જતો હતો પણ એ જ વખતે તેનો વહેમ વધ્યો, ને તે વધારે ધ્યાનપૂર્વક સાંભળવા માંડ્યો. એટલામાં સૂની રામપ્યારીનો પડિયો કૂતરૂં ઉપાડી ગયું. રામપ્યારી તે લેવા એકદમ ઊઠી અને દોડી, તે સુરદાસે સાંભળ્યું. તેને થયું કે નક્કી રામપ્યારી પરદેશી પાછળ નાઠી. તેણે ફાટી જતે અવાજે એકદમ “રામપ્યારી” “રામપ્યારી” એમ બે વાર બૂમ પાડી. જવાબમાં રામપ્યારીએ “કયા હૈ ?” કહેલું પણ સુરદાસના અવાજમાં તેને હસતો ઝીણો અવાજ સંભળાયો નહિ. સુરદાસ એકદમ ધોકો ફેરવતો દોડ્યો, આ વિચિત્ર દૃશ્ય જોઈને રામપ્યારી હસી. સુરદાસે જોરથી લાકડી ફેરવી, તે જોઈ રામપ્યારી ફરી ખડખડાટ હસી. સુરદાસે બન્ને હાથે એક શબ્દવેધી ફટકો માર્યો, અને રામપ્યારી ફટકો પડતાં ત્યાંજ મરણ પામી. પાણી લઈ પાછા ફરતાં પરદેશીએ આ જોયું અને ફોજદારીમાં સંડોવાવું ન પડે માટે તે છાનામાનો નાસી જ ગયો.
સુરદાસ લાકડી ધબ ધબ નીચે પછાડતો, રામપ્યારીને અને પરદેશીને ગાળો દેતો દેતો ધરમશાળાનાં પગથિયાં ચડવા માંડ્યો. તેનો ધોકો તેના ડફ ઉપર પડ્યો અને ડફ ફાટી ગયું.
બીજે દિવસે સવારે એ જ ઓટલા ઉપર સુરદાસ આંધળી આંખે વિચારમાં ગમગીન બેઠો હતો. ત્યાં વિઠ્ઠલ આવ્યો અને તેણે પૂછ્યું: “ક્યોં, સુરદાસજી ?”
સુરદાસ, કેવળ કલ્પિત પણ પોતે સાચા જ માનેલા દુઃખદમાં દુઃખદ અન્યાયથી લાંબે રાગે રડી પડ્યો.
- ↑ ૧. બીજા પર વિશ્વાસ. બીજો કહે ત્યારે જ સૂઝે, પોતાની મેળે ન સૂઝે એ.