ધન્ય દુર્ગપુર ધામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ધન્ય દુર્ગપુર ધામ
પ્રેમાનંદ સ્વામીધન્ય દુર્ગપુર ધામ, સુંદર શોભે મહારાજનું જો,
પરમ પાવન અભિરામ, અખંડ રાજે જ્યાં શ્રીહરિ જો... ૧

ધન્ય ઉત્તમ દરબાર, ધન્ય ઓરડાની ઓસરી જો,
અક્ષર ઓરડી અનૂપ, પ્રીતે પોઢે ત્યાં શ્રીહરિ જો... ૨

ધન્ય નિંબ વૃક્ષ છાય, ઘોડી ફેરે હરિ ફરતા જો,
જન ત્રપત ન થાય, પ્રગટ નીરખી સુખ કંદને જો... ૩

ધન્ય ગંગા ઉન્મત્ત, નિત નહાયે હરિ નીરમાં જો,
સંગે મુનિ સમરથ, લઈ રમે હરિ તીરમાં જો... ૪

ધન્ય પુરની બજાર, ધન્ય લક્ષ્મીનો બાગ છે જો,
થઈને આવશે અસવાર, જાયે જીવન જોયા લાગ છે જો... ૫

ધન્ય આંબાની છાય, ધન્ય બેઠક બેસે શ્રીહરિ જો,
સંત કીર્તન ત્યાં ગાય, નીરખે નાથને નેણાં ભરી જો... ૬

કીધું અધિક ગઢપુર, સાત પુરી ચાર ધામથી જો,
પ્રેમાનંદ કે' જમ દુર, ભાગે ઘનશ્યામ નામથી જો... ૭