લખાણ પર જાઓ

ધીરજ ધર તું અરે અધીરા

વિકિસ્રોતમાંથી
ધીરજ ધર તું અરે અધીરા
દેવાનંદ સ્વામી



ધીરજ ધર તું અરે અધીરા

ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને;
ખલક તણો છે ખટકો પ્રભુને, સાચું માને મન જોને... ૧

જન્મ્યું તેને જિવાડવાને, ઉપાય શોધ્યો શુદ્ધ જોને;
હાડ માંસના હૈયા મધ્યે, દેવે સરજ્યાં દૂધ જોને... ૨

કીડીને કણ હાથીને મણ, ચારપગાંને ચાર જોને;
કોશીટામાં કીટ વસે છે, ઈશ્વર પૂરે આહાર જોને... ૩

મસીદ કેરા કોટ મિનારા, ઉપર ઊગ્યાં ઝાડ જોને;
પથ્થર ઉપર પાણી વરસે, તે ઈશ્વરનો પાડ જોને... ૪

અરણ્ય વનમાં અજગર રહે છે, ડગલું ન ભરે દોટ જોને;
વિશ્વંભરનું બિરુદ વિચારો, ખાવાની શી ખોટ જોને... ૫

અનળપક્ષી આકાશે રહે છે, મદઝર ભરખે મોટા જોને;
પરમેશ્વરની કૃપા વડે તો, બનિયા જળના ગોટા જોને... ૬

મરાળને મોતીનો ચારો, વખતે આપે† વા’લો જોને;
દેવાનંદ કહે દેવ ભરોસે, મગન થઈને મા’લો જોને... ૭