લખાણ પર જાઓ

ધૂમકેતુનો પડકાર

વિકિસ્રોતમાંથી
ધૂમકેતુનો પડકાર
રમણલાલ દેસાઈ
ધૂમકેતુનો પડકાર


એ કોણ નમન સંભારે? એ કોણ ઝૂકાવે શિર?
એ નેકી કોણ પુકારે? કાયર, અલ્પાત્મ, અધીર!

એ કોણ પુકારે ‘નમવું’? કોને ધરતા શિરતાજ?
શું અન્ય જીવનમાં શમવું? નહિ સ્વીકારું હું રવિરાજ!

મુજ હૈયે અગ્નિઉછાળા, બલ ઝરતું આ મુજ અંગ,
શું સરજ્યાં કરવા ચાળા? આચરવા પામર ઢંગ?

એ શા દરબારો ભરવા? શી ઝૂકી ભરવી સલામ!
શાં ખમા ખમા ઉચ્ચરવાં! રચના રંગીન ગુલામ!

નમી રવિ રજનીભર ઠરવું, ઊઠવું કરી કિરણ પ્રણામ,
પરિક્રમણ વર્ષભર કરવું, ઝીલવાં સ્મિત રોષ મુદ્દામ.

દીધાં ડગલાં પગ ધરવો, ન ચીલા બહાર જવાય!
એ ભાવ ગમે નહિ ‘વરવો’, એ બંધન નવ સહેવાય!

હું વિકટ માર્ગને શોધું, હું ચઢું અગમ ગિરિશૃંગ,
હું દેવયાન પણ રોધું, કરું જીર્ણપંથનો ભંગ.

તજી દાસ તણાં એ ટોળાં, રચું નવીન માર્ગ ધરી ધીર;
અવનવા ભયાનક ઝોલાં લઉં બંડખોર બલવીર.

ધિક્ જીવનવિહોણી શાંતિ, ધિક્ પરાશ્રયી એ સુખ!
પરતેજે દીપતી કાંતિ, ધિક્ ધિક્ એ હસતાં મુખ!

હું ગ્રહગરબે નથી ફરતો, ભમતો ગગને ભરી ફાળ;
હું સ્ત્રેણ રમત નથી રમતો આપીને નિયમિત તાલ.


શું નિયમ ચક્રમાં ફરવું? શેં લ્હેવું ગુરુખેંચાણ?
શું ડરી ડરી ડગ ભરવું? ના ગમે ગુલામી લ્હાણ!

હું સ્વયંસ્ફુરણમાં ખીલતો ઝગમગતો સ્વયંપ્રકાશ,
મમ સર્જિત મોજે ઝીલતો તોડી યુગભરના પ્રાશ.

હું એકલ– સાથ ન શોધું, માગ્યું મેં નવ કદી દાન,
હું દયાભાવ અવરોધું, હું સદાય ભયથી અભાન.

અવકાશ અરણ્યે ઘૂમતો, ડૂબતો પાતાળ અનંત,
ગ્રહમાળામાં ઘમઘમતો હું દાશરથી બલવંત.

કંઈ વિરાટ ઝોલા ખાતો શોધું હું વિશ્વકિનાર,
વળી ખંડિત કરતો જાતો મહાકાલચક્રની ધાર.

હું અબંધ ગીતો ગાતો અણનમ–અણનિયમનપ્રિય,
દિલ ચાહે ત્યાં પથરાતો મનમોજી સ્વછંદ સક્રિય.

મુજ તેજકાય નવ રોધો, પામરતાના ઓ પૂંજ!
તમ દરિદ્ર નિયમ ન શોધો, હું રમતો મુક્તિકુંજ.

બસ, ખબરદાર, અથડાશો, તમ તનની ઊડશે ખાક;
નવ બંધનનાં ગીત ગાશો: હું સૃષ્ટિ ચઢાવીશ ચાક.

નવ દેહભંગથી ડરતો, ફુટશે અણગણ અંગાર,
મુજ શ્વેત કેતુ ફરફરતો વરસાવે અગ્નિધાર.