નરવીર લાલજી/શિક્ષણમાં ક્રાંતિકાર
← દીકરો | બે દેશ દીપક શિક્ષણમાં ક્રાંતિકાર ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
દીનબંધુ → |
પિતામહના દબાણને લીધે તેર વરસની વયે તો લાજપતરાયનું
લગ્ન થઇ જાય છે, અઢારમે વર્ષે એ કાયદાની
પહેલી પરીક્ષા પાર કરે છે. વીસમે વર્ષે સનદ મેળવવાની
પરીક્ષા વટાવી હિસ્સાર ગામમાં વકીલાત આરંભી દે છે.
યૌવનના નિશ્ચિત સંસાર-સુખો, મનોરાજ્યના સ્વપ્નવિહારો
અથવા બલપ્રાપ્તિના મસ્તીભર્યા પ્રયત્નોને એના જીવનમાં
સ્થાન મળે તે પહેલાં તે લગ્ન અને ગુજરાનની બન્ને
ધુંસરીઓ એના કાંધ પર પડી જાય છે. જોતજોતામાં એ
પાણીદાર જુવાનની વકિલાત માસિક અઢીસો રૂપીઆની રકમ
ઉપર પહોંચી જાય છે, અને તેની સાથેસાથ જાહેર જીવનનાં
દ્વાર ઉઘડી જતાં એની કમાઇની મોટી બચત પરમાર્થની
ઝોળીમાં પડવા લાગે છે.
પંજાબમાં સ્વામી દયાનંદનો શંખ ફુંકાયો, સમાજજીવન તેમ જ ધર્મજીવનના સડા ઉપર આર્યસમાજની નસ્તર–છૂરી ફરવા લાગી, અને સરકારી નિશાળોમાં કારકૂનો પેદા કરવાનું સાંચાકામ કરનારી કેળવણીના સત્યાનાશ તરફ દયાનંદના જુવાન શિષ્યોનું ધ્યાન ખેંચાયું. એકવીસ વરસની સુકુમાર ઉમ્મરે પોતાના બીજા બે સાથીઓના સંગમાં લાજપતરાય પૈસાની કશી સગવડ સિવાય, પ્રજાની સહાનુભૂતિ વગર અને રાજસત્તાની સંદેહભરી નજર સામે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજનાં તોરણ બાંધે છે પોતે લખે છે કે 'આ સંસ્થાની એક એક ઈંટની પાછળ ઇતિહાસ છે, એ કદાચ આ દુનિયાને અજવાળે કદી જ નહિ આવે. આ વાતો લગભગ વિસરાઈ ગઈ છે, અને જે થોડી વાતો હજુ પ્રચલિત છે તે બધી પણ એના સૃષ્ટાઓનાં શબોની સાથે જ બળીને ભસ્મ બની જશે.'
પ્રત્યેક ઈંટ પછવાડેની એ ગુપ્ત કથાઓ તો બેશક ગૂમ થઈ થઈ છે. પરંતુ લાલાજીનાં સ્વાર્પણ સાથે સંબંધ ધરાવતી વાતો આ રહી : પૂરી એક પચીસી સુધી યુવાન લાજપતરાય આ વિદ્યાલયની વ્યવસ્થા સાથે ઝકડાયેલા રહ્યા; નવ વર્ષ સુધી એના કાર્યવાહક મંડળના મંત્રી રહ્યા, કેટલા વર્ષો સુધી ઉપ-પ્રમુખ રહ્યા પરંતુ એનું કર્તવ્ય માત્ર કાર્યવાહીના ચાર છેડા વચ્ચે જ નથી રોકાઈ રહ્યું. ઓફીસ ચલાવવી, ફાળા માટે જાહેર સભાઓમાં વ્યાખ્યાન આપવાં, ફાળા ઊઘરાવવા, પ્રચારકામ ધપાવવું અને વર્તમાનપત્રો માટે લેખો લખવા વગેરે: આટલેથી એનાં સરસ્વતી-પૂજનનાં અર્ધ્ય-પુષ્પોની સમાપ્તિ નથી થતી. એ તો આ બહુવિધ બેાજો ઉઠાવતાં શિક્ષકનું કાર્ય પણ અદા કરતા, વિદ્યાર્થીઓની સાથે ભેળાતા, છાત્રાલયો ઉપર પણ દેખરેખ રાખતા. પ્રત્યેક વખતે આર્યસમાજના વાર્ષિક ઉત્સવ પર એનો એક જ વ્યાખ્યાન-સૂર શ્રોતાઓનાં ખિસ્સામાંથી નાણાંની રેલો વહવતો. પરંતુ એ વ્યાખ્યાન–સૂર પાછળ માત્ર શબ્દોનું કે માત્ર ભાવોર્મિનું નહિ, પણ પોતાના પ્રથમ પહેલા દ્રવ્યદાનનું જોર હતું. પહેલી જાહેરાત હમેશાં એમના પોતાના ગજવામાંથી જ થતી હતી. આવી આર્થિક સહાય એમણે ઝીંદગીભર ચાલુ રાખી હતી. પોતાને રહેવાનું મકાન પણ કોલેજની પાડોશમાં જ ખરીદ્યું હતું. સત્તાધીશોની ભૃકૂટિ સામે પણ સ્વદેશી શિક્ષણનો ધ્વજ ફરકતો રાખનાર એ નાના શા યુવાન-મંડળને મોખરે હમેશાં લાજપતરાય હતા. એમના મૃત્યુ પહેલાં બેજ દિવસ ઉપર એવું બન્યું કે પોતે કોલેજના કેટલાક કિશેાર વયના છોકરાઓને પ્રભાતમાં અતિ વહેલા સરઘસમાં નીકળતા જોયા. તુરતજ પોતે પ્રિન્સીપાલને લખ્યું કે 'આ અટકાવવું ઘટે, નહિ તો છોકરાઓની તંદુરસ્તી બગડશે.!' આટલી મમતાના ગર્ભમાં જે સ્વાર્પણ ઊભું હતું, તે સ્વાર્પણના સીંચનથી તે 'દયાનંદ એ. વે. કેાલેજ'ની અદર પદ્મની પાંખડીઓની પેઠે અન્ય અનેક કોલેજો ને શાળાએ ફુટી નીકળી. પોતે કહે છે કે સંજોગોનું પરિબળ વિચારતાં તો આ વિદ્યાલય એક અદ્દભૂત નવલકથા સમું દિસે છે. આટલું અસીમ મમત્વ છતાં, સંસ્થાની સાથે પોતાની તદ્રૂપતા છતાં, રાષ્ટ્રીય કેળવણીને નિષ્પક્ષપાતી મંથનકાર લાજપતરાય, પોતાની - The Problems of National Education in India - નામની ચોપડીમાં પોતાના જગતભરના શિક્ષણવિષયક અનુભવનું દોહન કરતાં છેક ઈ. સ. ૧૯૧૮ માં જતાં ઉચ્ચારે છે કે આ સંસ્થા પણ રાષ્ટ્રીય કેળવણીના કોયડાનો સાચો ઉકેલ નથી આણી શકી.