નળાખ્યાન/કડવું ૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
નળાખ્યાન
કડવું ૧
પ્રેમાનંદ
કડવું ૨ →
રાગ:કોદારો.શંભુસુતનું ધ્યાન જ ધરું, સરસ્વતીને પ્રણામ જ કરું;
આદરું, રુડો નૈષધનાથ રે.

ઢાળ

નૈષધનાથની કહું કથા, પુણ્ય શ્લોક જે રાય;
વૈશંપાયન વાણી વદે, અર્ણિક પર્વ મહિમાય.
રાજ્ય હારી ગયા પાંડવ, વસ્યા દ્વત વનમોજાર;
એકલો અર્જુન ગયો કૈલાસે, આરાધ્યા ત્રિપુરાર.
પશુપતાકાસ્ત્ર પશુપતિયે આપ્યું, પછે ગયો સ્વર્ગમાંહે;
કાલકેતુ પુલોમા માર્યો, પંચ વર્ષ રહ્યો તાંહે.
યુધિષ્ઠિરરાય અતિ દુઃખ પામ્યા, ઉપન્યો ઉદ્વેગ;
પુનરપિ પારથ નહીં આવ્યો, ભાઇએ કીધો તાંહા નવો નેગ.
એવે સમે એક તાપસ આવ્યો, બૃહદશ્વ અવું નામ;
પૂજા કીધી પાંડવે, આપ્યો વાસવાનો ઠામ.
ચાતુરા માસ તાંહા રહ્યા, કુંતીસુત કરે સેવાય;
રાત રાતના વારા ફરથી, પાંડવ ચાંપે પાય.
એક વાર યુધિષ્ઠિર બેઠા, તળાંસવાને ચર્ણ;
તે સમે અર્જુન સાંભર્યો, ભરાયું અંતસ્કર્ણ.
ધર્મરાયને ઋષિજી પૂછે, જળે ભીના પગ માહરા;
શે દુઃખે સતવાદી રાજા, નેત્રે ભરે જળધારા.
ધર્મ કહે સાંભળીએ સ્વામી, ઉઠી ગયો અર્જુન;
અવળા સવળા સાલે સવ્યસાચી, માટે કરું છૌ રુદન.
ભીમસેનનીપાસે જો હું, માંગુ દાતણ પાણી;
બડબડતો જાએ રીસાવી, લાવે વૃક્ષ મોહોટું તાણી.
પ્રાતઃ સામગ્રી નકુળ પાસે, કદાપિ જો મેં માંગી;
એક પહોર તો વાર લગાડે, એટલી કરે વરણાગી
સહદેવને જો કામ દેઉં, સાધુ મંન ન આણે શેષ;
પણ મધ્યાહ્ને ઘરમાંથી નીસરે, જોતો જોતો જોષ.
દક્ષિણ દિશાએ જોગણી જો, જાઉંતો દુઃખ પામું;
પૂર્વ દિશાએ પરવરું તો, ચંદ્રનું ઘર છે સાહામું.
એવી રીત તો ત્રણે ભાઈની, મુજથી નવ સહેવાય;
દ્રૌપદીને મોકલું તો, હરણ કરી કો જાય.
વણ માગે વેળાએ આપે, જે જોઇએ તે આણી;
ફળ જળ મુખ આગળ લેઈ મેહેલે, તે તો ગાંજીવપાણી.
તેહના ગુણ હું નથી વિસરતો, રહ્યો છૌં હૃદયા રાખી;
સુખ સંતોષ વિના છૌં સૂનો, મુનિ હું પારથ પાખી.
નિ:શ્વાસ મૂકી ધર્મ એમ પૂછે, કોહોને બૃહદશ્વ ઋખી;
વન વસવું ને વિજોગ પડીઓ, હું સરખો કો દુઃખી.
રાજ્યાસના ધન ભુવન રિધ, તેહ અમો સર્વ હારી;
એહેવું કોને હવું હશે સ્વામી, પીડા પામે નારી.
વળતા વાણી વદે બૃહદૃશ્વજી, સહું આણે વૈરાગ;
નળ દુઃખ પામ્યો અરે પાંડવ, નથી તેહનો સોમો ભાગ.
રૂપ રાજ્ય ને ધંન બળ તે, ન મળે નળસમાન;
અનેક કષ્ટ તેહેના જેવું, કો ન ભોગવે રાજાન.
ભીમકકુમારી નળની નારી, રૂપ શું કહું મુખ માંડી;
તે રાણી જાહાં નહીં ફળ પાણી, નળે વનમાં છાંડી.
દાસી રૂપ ધર્યુંદમયંતી, કુબળું થયું નળગાત્ર;
તેહેનાં દુઃખ આગળ યુધિષ્ઠિર, તાહારું દુઃખ કોણ માત્ર.
કર જોડીને ધર્મ એમ પૂછે, કોહો મુજને ઋષિરાય,
ઘણું દુઃખ પામ્યો નળરાજા,શા કારણ કહેવાય.
કોણ દેશનો નરેશ કહાવે, કેમ પરણ્યો દમયંતી;
તે રાણી નળે કેમ છાંડી ને, કાંહાં મૂકી ભમયંતી.
ઉતપત્ય કોહો નળદમયંતીની, અથ, ઇતિ કથાય;
દુખીઆનું દુઃખ સાંભળતાં માહારી, ભાગે મનની વ્યથાય.

વલણ

વ્યાથા ભાગે માહારા મનની, કહે યુધિષ્ઠિર રાજાનરે;
વદે વિપ્ર પ્રેમાનંદ તે, નળતણું આખ્યાનરે.

-૦-