નળાખ્યાન/કડવું ૧૬
← કડવું ૧૫ | નળાખ્યાન કડવું ૧૬ પ્રેમાનંદ |
કડવું ૧૭ → |
કડવું ૧૬ – રાગ:ગોડી.
હંસ વળાવિને વળી વનિતા, જ્યાં પોતાનું ધામ;
દમવા લાગ્યો દમયંતીને, નલ વિરહનો કામ.
વખાણબાણ શ્યામાને વાગ્યાં, પઁખી ગયો મોહ મેલી;
રોમે રોમે વહ્નિ પ્રગટ્યો, લાગી તાલાવેલી.
ઘડિયે ઘરથી બહાર નિસરે, બેસે જઇને અટાળી,
ચંદ્રકિરણ અગ્નિથી અદકાં મ્કરશે મુજને બાળી.
વણ પરણ્યાંને વ્યાકુળ કરવા, વ્યોમ વસ્યો છે પાપી;
સિંહિકાસુતને શરીર હોત તો, મુજને ચિઁતા થોડી;
સુધાકરને ગલત પેટમાં, બળી થાત રાખોડી.
જળપાત્રને વિષે ઈંદુબિંબ દીઠું, સખીની કીધી શાન;
લાવ્ય ભોગલા રિપુને મારું, પ્રહારે પિષ્ટ સમાન.
એમ કરતાં પ્રાત:કાળ થયો, તારુણીને આવ્યો તાવ;
અન્ન ન ભાવે નિદ્રા ન આવે, વાત તણો નહિ ભાવ.
અગ્નિના તણખા સરખા લાગે, ટાઢક ચરચે જેહ;
વાયુ વ્યાધના બાણ સરીખો, નિસરે સોસરો દેહ.
દુ:ખતું જાણી આવી રાણી, જોયું વસ્ત્ર ઉઘાડી,
ચુંબન કરીને પૂછે માતા. શું દુઃખ છે તને માડી.
લાડકવાઈ ક્યાંથકી જીવે, છે કર્મ અમારાં દોખી;
અજત ઉતારો દ્રષ્ટિ બેઠી હોય, કોઇની મેલી ચોખી.
પરણ્યાનો ઓરિયો નવા વીત્યો, જાત સાસરે સમોતી;
રત્ના દીકરી ક્યાંથી જીવે, ત્રણ ભાઇની બહેન પનોતી,
આવડો તાવ તે તારુણિને શો, દૈવને ઘેર વળ્યો ડાટ;
કહે કુંવરી અંતરની આપદા, અમને થાય ઉચાટ.
મુખ મરડી દમયંતી બોલી, ઘરડાં માણસ નઠોર;
પરણ્યાં કુંવારા કાંઈ ન પ્રીછે, ફોકટ કરવો સોર.
હું સમાણી જાય સાસરે, તેના જોને ભોગ;
તેની પેરે મારે થાશે, આફુરો જાશે રોગ.
વચન સુણીને સમજ્યાં રાની, પુત્રી થઇ પરણનારી;
ભામિનીએ કહ્યું ભીમકને, પુતી કાં લગી રાખશો કુંઆરી.
વહાણું વાયા ને દુઃખવા આવે, જો જીવે વારકી;
કોહોને ભાએગે કાળથી ઉગરે, પરણાવી કરો પારકી.
દીકરી માણસ મોટી થઇ ત્યારે, પીહેર નવ સોહાયે;
સ્વયંવર કરીને પરણાવો, જાહાં એની ઇચ્છાયે.
રાયે પુત્ર તેડાવ્યા પોતાના, કહ્યું બેહેનને પરણાવો;
દેશ દેશના જે રાજા, દૂત મોકલી તેડાવો;
અંન ધંન તૃણ સામગ્રી, મંડપને રચાવો;
ધવળ મંગળ ગીત નફેરી, અપછરા નચાવો.
સ્વયંવરની સામગ્રી માંડી, મોટા મળ્યા રાજાન;
નળને તેડવા ભીમકે મોકલ્યો, સુદેવા નામે પ્રધાન.
વલણ
પ્રધાન નૈષધ મોકલ્યો નારદે, કીધું હતું વિખાણ રે;
દમયંતીએ પત્ર પાઠવ્યો, વાંચી નળે દીધાં નિશાણરે.