લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૩૧

વિકિસ્રોતમાંથી
← કડવું ૩૦ નળાખ્યાન
કડવું ૩૧
પ્રેમાનંદ
કડવું ૩૨ →
રાગ: મેવાડો.


કડવું ૩૧ – રાગ: મેવાડો.

મોસાળ પધારોરે, મોસાળ પધારો-
મોસાળ પધારો બાડુઆંરે, મારાં લાડવાયાં બે બાળ;
નમાયાં થઇ વરતજો, સહેજો મામીની ગાળ - મોસાળ૦

હ્રદયા ચાંપેરે; રાણી હ્રદયા ચાંપે–
હ્રદયા ચાંપે પેટને રે, એ છેલ્લું વેહેલું લાડ;
હવે મળવાં દોહલાંરે, મળીએ તો પ્રભિનો પાડ.–મોસાળ∘
થયાં માત વોહોણાંરે, માત વોહોણાં-
માત વોહોણાં થયાં દામણાં રે, નહીં કો રુડો સાથ;
રુએ રાણી હૃદયા ફાટે રે, કોણ માથે ફેરવશે હાથ.–મોસાળ∘
મંદિરના ગુરુજી રે, મંદિરના ગુરુજી-
મંદિરના ગુરુજી સુદેવજીરે, તમારે ખોળે સોપું બે તંન;
જઇ કહેજો મારી માતનેરે, જીવની પેરે કરજો જતંન.–મોસાળ∘
પુત્રી જમાઇરે, પુત્રી જમાઇ-
પુત્રી જમાઇ તમતણાં, કહેજો વનમાં પુર્યો વાસ;
જઇ કહેજો મારા તાતનેરે, અમ જોગીનો લે તપાસ.–મોસાળ∘
ચુંબન કરતીરે, માવડી ચુંબન કરતી-
ચુંબન કરતી માવડીરે, ફરી ફરી મુખ જોય;
હૈયેથકાં નવ ઉતરેરે, એમ કહી દમયંતી રોય.–મોસાળ૦

વલણ

રોયે રાણી અતિ ઘણું, વત્સ સોંપ્યા ગુરુકર માંહેરે;
ઋષિ સાથે બે બાળકાં, વોળાવ્યાં નળરાયેરે.