લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૩૩

વિકિસ્રોતમાંથી
← કડવું ૩૨ નળાખ્યાન
કડવું ૩૩
પ્રેમાનંદ
કડવું ૩૪ →
રાગ: વેરાડી.


કડવું ૩૩ – રાગ: વેરાડી.

આગળ નળ પૂઠે પ્રેમદા, સતીને અંતર આપદા;
નળ તિરસ્કાર હીંડતા કરે, હ્રદે ફાટે અબળા આંખ ભરે.
ખાધામ્ મચ્છ હશે ગત ઘણી, તો હીંડે છેરે પાપિણી;
પીરે પાણી ફરી ફરી, કાં જે મચ્છ ખાધાં પેટ ભરી.
બે મરગ આવ્યા આગલે, વિદાય કીધી નારી નળે;
તું નહીં નારી હું નહી કંથ, આ તારા પીયરનો પંથ.
મારો સંગ તુજને નહીં ગમે, પીયરમાં પેટ ભરીને જમે;
મુને નાથજી કરજો ક્ષમા, મારે નથી પીયરની તમા.
ફોકટ કરો મુજપર રીસ, અજુગ્ત આળ ચડાવો શીશ;
દેવતાનું મુંને વરદાન, તે કાં નવ જાણો રાજાન.
હોતી વાત કામિનીએ કહી, કળીને જોગે નળ માને નહીં;
આગળ પાછળ બંને જાય, કળીએ કીધી બગની કાય.
થોડી પાંખ ને માંસ જ ઘણું, લોભાણું મન રાજા તણું;
કોણ પ્રકરે બગને હણું, ઉપર વસ્ત્ર નાખું મુજતણું;
ઉફરાટી કરી સુંદરી, નળ ચાલ્યો દેહ નગ્ન કરી,
લાજ્યાં પંખી એ લાજ્યું વંન, લાજ્યો સૂરજ મીચ્યાં લોચંન;
સ્વાદ ઇંદ્રિયે પેડ્યે મહારાજ, થયો નગ્ન લોપીને લાજ.

પીતાંબર ઝાલી ભૂપાળ, જેમ માછી ગ્રહી નાખે જાળ;
બગ નિકટ ગયો જવ રાય, તેમ તેમ કળી આઘેરો જાય.
ધાઇ વસ્ત્રનો નાંખ્યો પાસ, કળીજુગ લઈ ઉડ્યો આકાશ;
એક વસ્ત્ર પંખી ગયો લેઇ, નળ બેઠો કપાળે કર દેઇ.
અરે દૈવ તેં એ શું કર્યું, વસ્ત્ર જતાં કાંઈ ન ઉગર્યું;
ગયું રાજ છત્ર મહિમા ઘણો, ન રહ્યો અંગે સૂત્ર તાંતણો.
વિહંગમ વસ્ત્ર ગયોરે હરી, દમયંતી મા જોશો ફરી;
પાછે પગે ગઇ સ્ત્રીજંન, આપ્યું અર્ધું વસ્ત્ર ઢાંકો તંન.
એક્કેકો છેડો પહેર્યો ઉભે, તીરથ નાહે તેવાં શોભે;
અંન વિના અડવડીયાં ખાય, સતની આધારે ચાલ્યાં જાય.
મહા વનાની આવી જંખજાળ, તે સ્થાનકે થયો સંધ્યાકાળ;
બંને બેઠામ્ દ્રુમને તળે, ચુંટી પત્ર પાથર્યાં નળે.
દુઃખની વાત કરી નવ નવી, દમ્યંતી નિદ્રાવશ હવી;
ક્ષુધા અંગોઅંગ રહી અહ્સી, મુખ જાણે પૂનમનો શશી.
નલે સુતી દીથી સુંદરી, નિઃશ્વાસ મૂક્યો બે નયણા ભરી;
કોણ દિવસ આવ્યો શ્રીહરી, એ દુઃખે પ્રાણ ન જાય નીસરી.
વૈદરભી વસુધાવશ પડી, દુઃખ નોતું દીઠું એક ઘડી;
ઘણે દોહેલે વરી મેં એહ, રુએ રાજા જોઇને દેહ.
નખથી નિરખતાં જોયું મુખ, ત્યારે મનમાં લાગું દુઃખ;
કળિ વળી તેનું ચિત્ત ફેરવે, રાજા મનમાં દ્વેષ મેળવે.
શી સગાઇ પરતનયાતણી, દુષ્ટ દમયંતી એ પાપિણી;
શી પ્રીત છેહ દીધો જેણીએ, હું વિના મચ્છ ખાધાં એણીએ.
મલીન મન એનું નિર્ધાર, કો સમે મારો કરે આહાર;
ન ઘટે એસું રહેવું મળી, રાયને ઉપજાવે બુદ્ધિ કળી.
તે સમેની હ્રદેની દાઝ, મૂકું વનમાં એકલી આજ;
બુદ્ધિ ભ્રષ્ટ મન રાજાતણું, કળીનો પ્રેર્યો ક્રોધે ઘણું.
મનમાંહે આશંકા ગણે, એક વસ્ત્ર પહેર્યું બે જણે;
મધ્યે ચીરફાડું બળ અક્રી, થાય શબ્દ જાગે સુંદરી.
હોય છૂરી તો છેદું પટકુળ, કળી થયો કાતું અનર્થનું મૂળ;
નળે લીધું છુરીકા શસ્ત્ર, વચ્ચેથી વહેર્યું અડધું વસ્ત્ર.

કટકા બે પટકુળના કરી, મૂકી નળ ચાલ્યો સુંદરી;
ગયો ડગલાં સાત જ ભરી, પ્રીત શ્યામાની સાંભરી.
નળ વિમાસણ મનમાં કરે, એકલી એ ફાટીને મરે;
વર્યો હું દેવતા પરહરી, વલી વનમાં સાથે નીસરી.
ત્રૈલોક મોહન એ માનિની, કેમ વેદના સહેશે રાનની,
ન ઘટે મૂકી જાવું મને, નળ આવ્યો દમયંતી કને.
દીઠું મુખ અંતર પરજળ્યો, સંભારી મચ્છને પાછો વળ્યો;
કળી તાણે વાટ મન તણી, પ્રેમ તાને દમયંતી ભણી.
ચિચાર વારિનિધિમાં પડ્યો, આવાગમન હીંડોળે ચઢ્યો;
સાત વાર આવ્યો ફરી ફરી, તજી ન જાયે સાધુ સુંદરી.
બળ પ્રબળ કળીનું થયું, પ્રેમ બંધન ત્રુટીને ગયું;
સર્પ કંચુકીને તજે જેમ, મેં દમયંતી તજવી તેમ.
વૃક્ષ પત્રને જેમ પરહરે, પુનરપિ તે અંગી નવ કરે;
જેવું હોય વમનનું અંન, તેવી મરે એ સ્ત્રી જંન.
કો વેળા મુને મારે નેટ, હુંપેં વહાલું એને પેટ;
એવું કહીને મૂકી દોટ, ઉવાટે દોડ્યો સાસોટ;
ત્યાં લગે ધાયો ભૂપાળ, રહ્યો જ્યાં થયો પ્રાત:કાળ.

વલણ

કાળ ઉદે અરુણ તણો, ત્યાં લગે ધાયો ધીશરે;
જાગ્યો હ્રદે થયું દુઃખ ઉદે, જ્યારે દીઠો દીશરે.